વર્લ્ડકપ ફાઈનલ ૨૦૧૫ – ઈજ્જતકા સવાલ

૧૯૮૭ પછી પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે આઈ સી સી ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં એક પણ એશિયન દેશ નહીં રમી રહ્યો હોય. હજીતો આ સિક્કાની એક બાજુ થઇ. આવતીકાલે એવું પહેલીવાર બનશે જયારે બંને સહયજમાનો એકબીજા સામે વર્લ્ડકપની ફાઈનલમાં ટકરાશે. ટૂંકમાં ઘેરે વર્લ્ડકપ આવ્યો હોય એટલે જીતવોજ પડે એ બાબત ફાઈનલ રમનારી બંને ટીમોને લાગુ પડે છે અને આથીજ બંને ટીમો માટે ઈજ્જતનો સવાલ ઉભો થયો છે. આ વર્લ્ડકપની બંને સેમીફાઈનલોના પ્રિવ્યુમાં આપણે ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડના પ્લસ અને માઈનસ પોઈન્ટ્સનો અભ્યાસ કર્યો હતો એટલે એને રીપીટ કરવાની જરૂર લગતી નથી, વળી ચાર દિવસમાં એવો કોઈ મેજર ફેરફાર નથી થયો કે આપણે ફરીએકવાર બંને ટીમોના પ્લસ માઈનસ ફરીથી જોવા પડે. એટલે આજનાં આ ફાઈનલના પ્રિવ્યુમાં આપણે આવતીકાલની મેચમાં શું થઇ શકે એનુંજ વિશ્લેષણ કરશું.

ટોસ જીત્યાં પછી શું કરવું?

વર્લ્ડકપની ક્વાર્ટર, સેમી અને ફાઈનલમાં ટોસ બહુ મહત્વનો રોલ અદા કરે છે. ટોસ ક્યારેય ટીમની હાર-જીતની ગેરંટી નથી આપતો પરંતુ દરેક ટીમની જીત અને હાર માટે એ એક ફેક્ટર તો છે જ. એક સામાન્ય માન્યતા અનુસાર આવી મોટી અને અતિમહત્વની મેચમાં કપ્તાન ટોસ જીતીને કાયમ બેટિંગ જ લેવાનું પસંદ કરે છે કારણકે અહિયાં પહેલી પચાસ ઓવરોજ ટેન્શન ફ્રી હોય છે. ક્રિકેટમાં ‘સ્કોરબોર્ડ પ્રેશર’ પણ બહુ કામ કરી જાય છે એટલે પહેલી બેટિંગ કરીને ૨૫૦-૨૭૦ રન પણ બને તોપણ એ તમારો પોતાનો સ્કોર બનીને સ્કોરબોર્ડ પર કાયમમાટે સ્થપાઈ જાય છે અને હવે સામેવાળી ટીમે એ સ્કોરને સતત જોઈ જોઈને તેનો પીછો કરવાનો છે અને એ ટેન્શન ઘણીવાર આસાન ટાર્ગેટ જીતવામાં પણ ભારે તકલીફ આપી દેતું હોય છે. આથી મોટેભાગે ટોસ જીતનારી ટીમ આવતીકાલે પહેલી બેટિંગ કરવાનું પસંદ કરશે.

સુરક્ષીત સ્કોર?

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૨૦૧૦-૧૧ ની સિઝનમાં ઓસ્ટ્રેલીયાએ ઇંગ્લેન્ડ સામે ૨૯૭ રન ચેઝ કર્યા હતાં. ટૂંકમાં ઈતિહાસ બતાતા હૈ કે આ મેદાન પર ૩૦૦ રન પણ ચેઝ થઇ શકે એમ છે. પરંતુ એ મેચ વર્લ્ડકપ ફાઈનલ નહોતી. ભારત આ મેદાન પર આ જ વર્લ્ડકપમાં બે વખત રમ્યું હતું અને બંનેવાર તેણે પહેલી બેટિંગ કરતા ૩૦૦ ઉપરનો સ્કોર બનાવ્યો હતો જેને ચેઝ કરવામાં સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ પૂર્ણત: નિષ્ફળ રહ્યા હતાં. પણ આ  વર્લ્ડકપ ફાઈનલ છે અને આપણે આગળ વાત કરી તેમ અહીં કોઇપણ સ્કોર મોટો સ્કોર છે, આમ છતાં પહેલી બેટિંગ કરનારી ટીમ બીજી ઈનિંગમાં ટેન્શન ફ્રી થઈને બોલિંગ કરી શકે એના માટે થઈને પણ મીનીમમ ૩૦૦ રન બનાવવાની કોશિશ જરૂર કરશે.

ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને મોટું ગ્રાઉન્ડ નડશે?

આ સવાલનો જવાબ હા અને ના બંનેમાં આપી શકાય. હા માં એટલામાટે કારણકે ન્યુઝીલેન્ડ પોતાની તમામ ૮ મેચો પોતાના ઘરનાં નાનાનાના મેદાનોમાં જીત્યું છે અને આ મેદાનોની બાઉન્ડ્રીઓને કુદાવવામાં મકાલમ, ગપ્તીલ, એન્ડરસન કે પછી એલિયટને ખાસ તકલીફ નહોતી પડી. એમ સી જી ખાસું એવું મોટું સ્ટેડીયમ છે અને અમુક સાઈડની બાઉન્ડ્રીતો ૭૦ મીટરથી પણ લાંબી રાખવામાં આવી છે એટલે જરાક તકલીફતો ખરીજ. આ સવાલનો જવાબ જો ના માં આપવામાં આવે તો એમ કહી શકાય કે, ન્યુઝીલેન્ડના બધાંય બેટ્સમેનો અહીં પહેલીવાર તો નથી રમી રહ્યા ને? ઉપરાંત તેઓ લગભગ ચારેક દિવસથી અહીં પ્રેક્ટીસ કરી રહ્યા છે અને એમ સી જી ની પીચની બંને બાજુએ એટલેકે સાઈટ સ્ક્રીન તરફની બાઉન્ડ્રી અન્ય બાઉન્ડ્રીઓ કરતાં ઓછી દુર છે એટલે એને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ અત્યારસુધીમાં પોતાની રણનીતિ જરૂર બનાવી લીધી હશે.

ફાઈનલ રમવાનું દબાણ કોને વધુ નડશે?

ન્યુઝીલેન્ડના તમામ ખેલાડીઓ પોતાની પહેલી વર્લ્ડકપ ફાઈનલ રમશે એટલે આવા મોટા સ્ટેજ ઉપર રમવાનું ખાસુએવું દબાણ એ તમામ ખેલાડીઓ જરૂર અનુભવશે. ઓસ્ટ્રેલીયામાંથી કપ્તાન માઈકલ ક્લાર્ક, શેન વોટ્સન, મિચેલ જહોન્સન અને બ્રાડ હેડીન સિવાયનાં અન્ય તમામ ખેલાડીઓ પણ પોતાની પ્રથમ વર્લ્ડકપ ફાઈનલ રમશે, એટલે આ મુદ્દે પણ બંને ટીમો વચ્ચે ખાસ ફેરફાર હોવા છતાં નથી દેખાતો. અમસ્તુંય જો તમે ઓસ્ટ્રેલીયન ખેલાડી ન હોવ તો તમારા જીવનમાં વર્લ્ડકપ ફાઈનલ રમવાનો મોકો વારંવાર નથી આવતો. એટલે બેય ટીમો ઉપર દબાણ તો સરખુંજ હશે. ભલે ઓસ્ટ્રેલીયન ક્રાઉડ આપણા ક્રાઉડની જેમ અત્યંત ડીમાન્ડીંગ નહીં હોય પણ ઘરનાં લોકો સામે રમવાનું થોડુંઘણું દબાણ તો ઓસ્ટ્રેલિયનો જરૂર અનુભવશે. ટૂંકમાં આ પરીબળ પણ જાજું કામ કરી જાય એવું લાગતું નથી.

લીગ મેચમાં ન્યુઝીલેન્ડનો વિજય તેના કામમાં આવશે?

બીલકુલ નહીં. જે થઇ ગયું એ થઇ ગયું. વળી એ લીગ મેચ હતી અને આ વર્લ્ડકપની ફાઈનલ છે. ઉપરાંત એ દિવસે ઈડન પાર્કમાં દડો જેટલો સ્વીંગ થયો હતો એટલો કે એનાથી અડધો પણ સ્વીંગ બોલરોને એમ સી જી પર મળે એની શક્યતા નહીવત છે. ઉલ્ટી, સ્વીંગની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડના બોલરોની કસોટી થશે. એમ સી જી પર દડો સ્વીગ થવાનું કદાચ વિચારી પણ ન શકાય આથી ન્યુઝીલેન્ડના બોલરોએ પોતાની લાઈન અને લેન્થ ને બરોબર જાળવી રાખીને માત્ર સ્પીડ ઉપર ધ્યાન લગાવવું પડશે. સામે પક્ષે ઓસ્ટ્રેલીયાના બોલરો પણ ઓલરેડી આ બાબતનેજ ધ્યાનમાં લઈને બોલિંગ કરી રહ્યા છે. યાદ રહે, એ મેચમાં ઓસ્ટ્રેલીયાના ૧૫૧ રન ચેઝ કરવામાં પણ ન્યુઝીલેન્ડે ૯ વિકેટો ગુમાવી દીધી હતી.  ઉપરાંત, ઓસ્ટ્રેલીયન કપ્તાન માઈકલ કલાર્કે પણ કબુલ્યું છે કે ન્યુઝીલેન્ડ સામેના પરાજયે જ અમને જગાડી દીધા હતાં, એટલે હવે ક્લાર્ક અને એમની ટીમ પણ એક નવી રણનીતિ લઈને મેદાનમાં ઉતરશે.

વિજેતા?

બંને ટીમો કાગળ ઉપર એક સરખી લાગે છે. એમ સી જી પર ન્યુઝીલેન્ડ કરતા વધુ રમવાનો અનુભવ ઓસ્ટ્રેલીયાનો સહુથી મોટો પ્લસ પોઈન્ટ બની રહેશે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી બ્રેન્ડન મકાલમની કપ્તાની હેઠળ ન્યુઝીલેન્ડની ટીમ જે ઉત્સાહ અને ખંતથી રમી રહી છે એ જોઇને એ મોટો ઉલટફેર કરી શકવા માટે સક્ષમ છે. વર્લ્ડકપની બંને સેમીફાઈનલને જો લીટમસ ટેસ્ટ ગણીએ તો ન્યુઝીલેન્ડની સરખામણીમાં ઓસ્ટ્રેલીયા સાવ આસાન જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ્યું છે. ઉપરાંત લીગ મેચોમાં ન્યુઝીલેન્ડે સ્કોટલેંડ, ઓસ્ટ્રેલીયા અને બાંગ્લાદેશ સામે પાતળા વિજયો મેળવ્યા છે જેની સામે ઓસ્ટ્રેલીયાના તમામ વિજયો મોટા અને સરળ હતાં. ભારત સામે ઓસ્ટ્રેલીયાએ એનો જુનો અને જાણીતો રૂથલેસ એટીટ્યુડ દેખાડ્યો હતો અને આવતીકાલે પણ એ એમજ કરશે જે ન્યુઝીલેન્ડને કદાચ ભારે પડી શકે એમ છે. માત્ર અને માત્ર એમ સી જી પર રમવાનાં અનુભવ, તેમજ ટીમમાં ચાર મહત્વના ખેલાડીઓ દ્વારા અગાઉના વર્લ્ડકપની ફાઈનલ રમી હોવાના અનુભવને જો ધ્યાનમાં લઈએ તો ટોસ ઉછળતાં અગાઉની અમુક સેકન્ડ્સ સુધી ઓસ્ટ્રેલીયા માત્ર નાકની દાંડીના અંતર પુરતું જ ન્યુઝીલેન્ડથી આગળ છે. આથી, ૫૧-૪૯ ટકાની સંભાવનાથી આ ફાઈનલ ઓસ્ટ્રેલીયા જીતે એવા ચાન્સીઝ વધુ છે.

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *