સમરથ કો ક્યૂં દોષ ગુંસાઈ?

તમે વાંચવાની શરૂઆત કરો એ પહેલાંજ કહી દઉં કે આ બ્લોગ અનીલ કુંબલેના વિરોધમાં નથી લખાયો, પરંતુ વિરાટ કોહલીને માત્ર તેના આક્રમક સ્વભાવને કારણે જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે તેના વિરોધમાં છે.

લગભગ દસેક દિવસ થઇ ગયા અનીલ કુંબલેએ ભારતના કોચપદેથી રાજીનામું આપ્યે અને સોશિયલ મીડિયા અને તેની બહાર પણ આ રાજીનામાં માટે વિરાટ કોહલીને સીધો જ જવાબદાર ગણવામાં આવ્યો અને વિરાટ કોહલી પર માછલાં ધોવાનું પણ શરુ કરી દેવામાં આવ્યું. બેશક, એક વર્ષની અંદર જ કોઈ કોચને ટીમ છોડીને અણગમતા સંજોગોમાં જવું પડે તો એની પાછળ કેપ્ટનનો સીધો હાથ હોયજ. અત્યારસુધી કોહલી વિરુધ્ધ અને કુંબલેની તરફેણમાં ઘણા લેખ તમામ ભાષાઓમાં લખાઈ ચૂકયા છે, પરંતુ એવા ઘણા ઓછા લેખ મેં વાંચ્યા જેમાં વિરાટ કોહલીનો પક્ષ પણ સાંભળવામાં આવ્યો હોય.

કુંબલેની તરફેણમાં જનસમર્થન વધુ હોવા પાછળનું મુખ્ય કારણ એનો શાંત સ્વભાવ અને ગુડી ગુડી ઈમેજ છે. આપણે ત્યાં એક એવી માનસિકતા છે કે જે વ્યક્તિ બહારથી સારો અને નમ્ર દેખાતો હોય એ પુરેપુરો નહીં તો મોટાભાગે સર્વગુણ સંપન્ન જ હોય. તો સામે પક્ષે કોઈ આખા બોલો, લીવીંગ હીઝ લાઈફ કિંગ સાઈઝ, તડ ને ફડ કરનારો, કોઈની શરમ ન રાખનારો, વારંવાર ગુસ્સે થઇ જનારો માણસ કાયમ વાંકમાં જ હોય. અનીલ કુંબલે વિરુધ્ધ વિરાટ કોહલીના કિસ્સામાં બસ આ જ બન્યું છે.

આસપાસ નજર નાખીએ એ પહેલા થોડા ફેક્ટ ચેક થઇ જાય?

કુંબલેએ તેના રાજીનામાંની શરૂઆતમાં જ લખ્યું છે કે, “મને BCCI દ્વારા પહેલીવાર ગઈકાલે જ જાણ કરવામાં આવી કે કેપ્ટનને મારી ‘સ્ટાઈલ’ અને મારા કોચ તરીકે ચાલુ રહેવા બાબતે વાંધો છે.” કોઇપણ વ્યક્તિને આ વાંચીને અરેરાટી થઇ જાય કે બચાડા કોચને છેક છેલ્લી ઘડી સુધી અંધારામાં રાખ્યો? પણ જરાક શાંતિથી વિચાર કરીએ તો શું બધી જવાબદારી BCCI કે કોહલીની જ હતી?

હું પ્રોફેશનલ રાઈટર છું, હું જે-જે સંસ્થાઓ માટે પૈસા લઈને લખું છું એને લગભગ દર પંદર દિવસે, મારા લખાણ વિષે એમના તરફથી કોઇપણ ફરિયાદ ન હોય તો પણ એક વખત ફોન કરીને પૂછી લઉં છું કે, ભાઈ બધું બરોબર ચાલે છે ને? મારા લખાણમાં કોઈ વાંધો તો નથીને? શું કુંબલેને એક વર્ષ સુધી આવું કોહલીને પૂછવું યોગ્ય ન લાગ્યું? કોહલી અને કુંબલે તો છેલ્લા એક વર્ષથી આખી દુનિયામાં સાથેજ ટ્રાવેલ કરતા તો કોઈ વખત બસની સીટમાં, હોટલની લોન્જમાં કે પછી પેવેલીયનમાં કુંબલે કોહલીની બાજુમાં બેસીને આવું પૂછી ન શક્યો હોત?

કોઇપણ સંબંધ હોય પ્રોફેશનલ કે પછી અંગત મિસકમ્યુનિકેશન સંબંધને બગાડે છે. સામે પક્ષે કોહલીનો પણ દોષ તો કહેવાય જ કે એણે પણ એક વર્ષમાં એક વખત પણ કુંબલેને ન કહ્યું કે અનીલભાઈ મારે આટલી બાબતોએ તમારી સાથે તકલીફ છે બોલો શું સોલ્યુશન લાવવું છે? પરંતુ કોચ તરીકે કદાચ કુંબલેની આમ પૂછવાની વધુ જવાબદારી હતી કારણકે એને ખબર હતી કે એને માત્ર એક જ વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યો છે તો એણે જો આગળ કંટીન્યુ કરવું હશે તો કેપ્ટનને વિશ્વાસમાં લેવો જ પડશે.

હવે કુંબલેની આંધળી તરફેણ કરનારા તેમજ એની દયા ખાનારા લોકો માટે ફેક્ટ બેઝ્ડ બીજો સવાલ એ છે કે જ્યારે CAC (સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની બનેલી ક્રિકેટ અડવાઈઝરી કમિટી) અને BCCIએ કુંબલેને વેસ્ટ ઇન્ડીઝ ટૂર સુધી કોચ પદ સંભાળી લેવાની વિનંતી કરી હતી ત્યારે ઇંગ્લેન્ડથી ટીમના રવાના થવાના એક દિવસ અગાઉ જ રાજીનામું આપી દેવું એ કુંબલેનું અનપ્રોફેશનાલિઝમ નથી દેખાડતું?

બની શકે છે કે કુંબલેને લાગ્યું હોય કે જ્યારે કેપ્ટનને તેની સ્ટાઈલ ગમતી જ નથી તો હવે મારે ટીમ સાથે રહીને શું કરવું? ટૂંકમાં કહીએ તો જ્યાંથી મન ઉઠી ગયું હોય એ જગ્યાએ લાંબો સમય ન રહેવુંજ સારું. પણ આ બધું ક્રિકેટ જેવા ઉચ્ચ પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં જે તે ખુદ એક દાયકાથી પણ વધુ સમય રહ્યો છે તેમાં ન ચાલે. જો કુંબલેએ એટલીસ્ટ વેસ્ટ ઇન્ડીઝ ટુર સંભાળી લીધી હોત તો ઉપર જે મુદ્દો લખ્યો છે એનો છેદ ઉડી જાત, કારણકે ત્યારે એમ કહી શકાયું હોત કે કેપ્ટનને તે ગમતો નથી એની ખબર પડ્યા બાદ પણ એ ટીમ માટે ભોગ આપીને થોડા દિવસ વધારે કોચ બની રહ્યો.

હવે આવીએ આજુબાજુની એટલેકે ઈમોશનલ બાબતો પર જે સોશિયલ મીડિયામાં જોવા મળી અને એ બાબતો ઈમોશનલ હોવાને કારણે તેમાં તર્કનો અભાવ જોવા મળ્યો હતો.

નો ડાઉટ અનીલ કુંબલે જેવો મહાન ક્રિકેટર ભારતને મળ્યો એ દેશનું અને એના ક્રિકેટનું સદનસીબ જ છે, પરંતુ સારો ક્રિકેટર સારો કેપ્ટન કે સારો કોચ હોય  અથવાતો એનાથી વિરુધ્ધ પરિસ્થિતિ હોય જ એ કાયમ જરૂરી નથી જો એવું હોત તો સચિન તેંદુલકર વિશ્વનો મહાન કપ્તાન હોત અને  રમાકાંત આચરેકરના નામે બેટિંગના હજારો રેકોર્ડ્સ હોત.

લોકોને સૌથી મોટો વાંધો કોહલીના આખાબોલા અથવાતો આક્રમક સ્વભાવનો છે અને એવી માંગણી પણ થઇ કે શાંત કુંબલેની જગ્યાએ બેફામ કોહલીને કાઢવો જોઈએ. ભાઈ, જ્યારથી મેચ ફિક્સિંગ કાંડ આવ્યો છે અને જ્યારથી સૌરવ ગાંગુલીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો ત્યારથી BCCI લાંબાગાળાના રોકાણમાં માનવા લાગ્યું છે. તમે કેપ્ટનોની સીરીઝ જુઓ, ગાંગુલી, દ્રવિડ પછી જ્યાં સુધી ધોની ન મળ્યો ત્યાંસુધી કામચલાઉ કુંબલે અને હવે કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આથી જ્યાં સુધી લાંબાગાળાનું રોકાણ સારું પરિણામ આપતું હોય ત્યાંસુધી ટૂંકાગાળાના રોકાણે સહન કરવું જ પડે.

આજથી બરોબર એક વર્ષ પહેલાનો સમય યાદ કરો, જ્યારે CAC રવિ શાસ્ત્રીએ ખાલી કરેલા ડિરેક્ટર પદ બાદ એક કોચની તલાશમાં હતું. ત્યારે ધોની વનડેનો અને કોહલી ટેસ્ટનો કપ્તાન હતો. કુંબલેને કોચ બનાવતા અગાઉ CACએ બંને કપ્તાનોની સલાહ લીધી હતી અને જાણવા મળ્યું હતું કે કોહલીને કદાચ કુંબલે પ્રત્યે વાંધો ત્યારેજ હતો અને એટલેજ એને એક વર્ષનો કોન્ટ્રેક્ટ ઓફર કરવામાં આવ્યો જ્યારે સામાન્યતઃ કોચને વર્લ્ડ કપ ટુ વર્લ્ડકપ નો કોન્ટ્રેક્ટ ઓફર કરાતો હોય છે. ટૂંકમાં કુંબલે એ એક વર્ષનો કોન્ટ્રેક્ટ સ્વિકારતી વખતે માનસિક રીતે તૈયાર રહેવાનું જ હતું કે એને કદાચ ચેમ્પિયન્સ ટ્રોફી પછી જવું પડી શકે છે.

જે દિવસે કોહલીની હારની હારમાળા શરુ થશે, ત્યારે લખી રાખો એને પણ જવું પડશે.પણ એમ થવું ભારતીય ટીમ માટે ઘણું ખરાબ હશે કારણકે આપણે ક્યારેય આપણી ટીમને હારતી ન જોઈ શકીએ રાઈટ?

સોશિયલ મીડિયામાં મોટાભાગના ઈમોશનલ અત્યાચાર કુંબલેના પેલા ‘જડબાતોડ ફોટા’ દ્વારા કરવામાં આવ્યા. એ ઘટના બેશક ભારતીય ક્રિકેટની ‘રેર મોમેન્ટ’ હતી. એ ઘટના ટીવી પર લાઈવ જોતી વખતે રૂંવાડા ઉભા થઇ ગયા હતા અને હ્રદય ફાટફાટ થવા લાગ્યું હતું. એમાંય જ્યારે બ્રાયન લારાની વિકેટ કુંબલેને મળી અથવા તો કુંબલેએ એની વિકેટ લીધી ત્યારેતો એને સાષ્ટાંગ દંડવત કરવાનું મન થઇ ગયું હતું, પણ એનું અત્યારે શું છે ભાઈ? એમતો રણજી ટ્રોફીની એક મેચ રમતી વખતે પોતાના પિતાના અવસાનના સમાચાર મળતાં સાંજે રમત પત્યા બાદ ૧૯-૨૦ વર્ષના વિરાટે એમને અગ્નિદાહ આપ્યો અને બીજા દિવસે પોતાની ટીમ દિલ્હી માટે રન પણ બનાવ્યા.

પણ, શાંત અને સારા માણસ કુંબલેના ટેકા માટે એ ઘટનાને યાદ કરાય પણ તડને ફડ કરી દેનારા કોહલી માટે એની ઈમોશનલ ઘટનાને કાં તો જાણીજોઈને ભૂલી જવાની અથવાતો એ બાબતે અજ્ઞાન હોવાથી એને અન્યાય કરી દેવાનો. આમ બનવું આપણા સો કોલ્ડ ક્રિકેટ ફેન્સ માટે નવું નથી. યાદ કરો જ્યારે ગ્રેગ ચેપલે સૌરવ ગાંગુલીને કપ્તાન તરીકે હાંકી કઢાયા બાદ ટીમમાંથી પણ કાઢવા માટે જે કારસા કર્યા હતા ત્યારે રાહુલ દ્રવિડે મૂંગા મોઢે જે રીતે ચેપલને ટેકો આપ્યો હતો ત્યારે લોકોને ગાંગુલી તો છે જેવો એમ કહીને એનો વાંક વધુ કાઢતા પરંતુ ગુડ બોય રાહુલ દ્રવિડે કેમ એક વખત પણ કેપ્ટન તરીકે ચેપલ સામે અવાજ ન ઉઠાવ્યો એ સવાલ આજે પણ જવાબ આપણને મળ્યો નથી. સચિને છેવટે એની આત્મકથા કે બાયોપિકમાં તો ચેપલના કપડાં ઉતાર્યા છે? જયારે ‘સજ્જન દ્રવિડ’ હજીપણ એ બાબતે કશુંજ નથી બોલ્યો.

એક બીજી ફિલોસોફી એ આવી કે કુંબલે કડક શિક્ષકની જેમ વર્તન કરતો એટલે આપણા તોફાની બારકસ જેવા કપ્તાન કોહલીને જલસા ન કરી શકાય એટલે એ નડતો હતો. પહેલાં તો આ પ્રકારની સ્ટોરીઝને માની જ ન શકાય કારણકે કોઇપણ ટીમ માટે સખ્ત સૂચનાઓ, મેચના અગલા અમુક કલાકોએ જ લાગુ પડતી હોય છે. લગભગ ચોવીસ કલાક અગાઉ ટીમ કર્ફ્યું લાગી જાય છે એટલે કે હોટલની બહાર નહીં નીકળવાની સુચના. આ ઉપરાંત વધુમાં વધુ સમયસર નેટ પ્રેક્ટીસ માટે ગ્રાઉન્ડ પર પહોંચી જવાનું વગેરે વગેરે.

પણ, જો એ સ્ટોરીમાં જરા પણ દમ હોય તો આજની જનરેશનને જેટલી ફ્રી વધુ રાખો એમ તે વધુ ખીલે છે એ આપણને બધાને ખબર છે અને જો કુંબલેએ ઉપરોક્ત નિયમો ઉપરાંત પણ કોઈ વધારાનો નિયમ ઠોકી બેસાડ્યો હોય અને એ કેપ્ટન કે ટીમના અમુક સભ્યોને ન ગમતો હોય તો એમાં વાંક કદાચ કુંબલેનો વધારે છે, કારણકે છેવટે તો સ્પ્રિંગને વધુ સમય દબાવી રાખવાથી જ તો એ ડબલ ફોર્સથી ઉછળતી હોય છે.

છેલ્લે ફરીથી કહીશ કે આ બ્લોગ બિલકુલ કુંબલે વિરુધ્ધ નથી પરંતુ ક્રિકેટિંગ કારણોને ધ્યાનમાં લઈએ તો કુંબલેનું કોચપદેથી જવું વધારે યોગ્ય હતું, ખાસકરીને જ્યારે તેનું અને કોહલીનું ટ્યુનીંગ સરખું નહોતું ચાલી રહ્યું. કારણકે, હંમેશા જેના પર લાંબાગાળાનો વિશ્વાસ મુક્યો હોય છે તેની પાસે વધારે હક્ક હોય એ સ્વાભાવિક છે. મેચની જીત-હાર, ખાસકરીને હાર વખતે પૂરી જવાબદારી કપ્તાનની હોય છે કોચની નહીં. કોચ એ રણનીતિ બનાવવમાં કેપ્ટનને મદદ કરી શકે પણ મેદાનમાં તો ક્યારે ક્યા બોલરને બોલિંગ આપવી કે કયા ફિલ્ડરને ક્યાં ગોઠવવો એ પરિસ્થિતિ અનુસાર કેપ્ટન જ નિર્ણય લેતો હોય છે અને એટલેજ એનું વજન વધારે જ હોવાનું.

લગભગ 2014થી હું રવિશાસ્ત્રીને કોચ તરીકે અપોઈન્ટ કરવાનો વિચાર સતત રજુ કરતો રહ્યો છું અને જે ઘટનાઓ કુંબલે અને કોહલી વચ્ચે બની, ત્યારપછી તો મને પુરેપુરો વિશ્વાસ છે કે કોહલીને અને એના ટેમ્પરામેન્ટને તો શાસ્ત્રી જ સાંભળી શકે. કેમ? એ માટે ફરી કોઈ બ્લોગ પર મળીશું.

સ્ટમ્પસ!!!

ડ્રેસિંગરૂમમાં બનતી ઘટનાઓ ડ્રેસિંગરૂમ સુધી જ રહે તો સારું.

વિરાટ કોહલી, કુંબલે વિવાદ પર, કુંબલેના રાજીનામા બાદ.

૩૦.૦૬.૨૦૧૭, શુક્રવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
Comments
  1. Hitesh Patel
  2. Hitesh
    • Siddharth Chhaya

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *