જય ‘વિરુ’!

વિરેન્દર સેહવાગ ઉર્ફે ‘વિરુ’ જે રીતે પોતાનું ક્રિકેટ રમ્યો એવીજ રીતે તેણે તેની નિવૃત્તિની ઘોષણા પણ કરી, લોકોને ચોંકાવીને. આમતો ગઈકાલે તેના જન્મદિવસે તેણે આ જાહેરાત કરવાનું ધાર્યું હતું પણ આગલેજ દિવસે દુબઈમાં MCL (માસ્ટર્સ ક્રિકેટ લીગ) ના ફંકશનમાં પેપર ફૂટી ગયું અને એથી તેની નિવૃત્તિની ભવ્ય જાહેરાતની ચમક ગઈકાલે સ્હેજ ઓછી જરૂર થઇ ગઈ હતી. ગમેતે હોય પણ સહેવાગ જે રીતે પોતાનું ક્રિકેટ રમ્યો એમાં આ નિવૃત્તિની જાહેરાતનો ફિયાસ્કો તેની ભવ્ય કારકિર્દીની ચમક સહેજ પણ ઓછી નહીં કરી શકે એ પાકું છે. વિરેન્દર સહેવાગ એક અલગ પ્રકારનો ક્રિકેટર હતો જે માત્ર એટેક કરવામાંજ માનતો હતો. પહેલા બોલથીજ સામેની પાર્ટીના બોલરો પર અટેક કરીને તેમના જુસ્સાને પસ્ત કરી દેવાની સહેવાગની રણનીતિનો ઉપયોગ તેની આગળ પણ ઘણા ક્રિકેટરો કરી ચુક્યા છે પરંતુ સહેવાગ અને કદાચ ક્રિસ ગેલ સિવાય આ રણનીતિને કોઈ અન્ય બેટ્સમેન સફળતાપૂર્વક પાર પાડી શક્યો હોય એવું જણાયું નથી.

સહેવાગ સાથે મારી પહેલી ઓળખાણ થઇ 2001માં જ્યારે શ્રીલંકામાં કોકાકોલા કપ ત્રિકોણીય સિરીઝમાં ન્યુઝીલેન્ડ સામેની એક મેચ જીતવી ભારત માટે અત્યંત જરૂરી હતી. આ મેચ જીતીયે તો જ ફાઈનલમાં પહોંચી શકાય એમ હતું. આ સિરીઝની પહેલાની મેચોમાં સહેવાગને નીચલાક્રમે બેટિંગ કરવા મોકલાયો હતો, પણ આ મેચમાં કપ્તાન સૌરવ ગાંગુલીએ તેને પોતાની સાથે ઓપનીંગમાં બેટિંગ કરાવી અને એને ‘લાઈસન્સ ટુ કીલ’ આપી દીધું. આપણે બંદા ઓફિસમાં કામે જાઉં છું કહીને નિકળ્યા હતા અને પાનના ગલ્લે સહેવાગની શરૂઆતની ફટકાબાજી જોઇને રહેવાયું નહીં અને બાકીની મેચ ત્યાંજ પતાવી અને કામ રાહ જોતું ઉભું રહ્યું. બાકીનો આખો દિવસ બસ એકજ સવાલ મનમાં રમતો રહ્યો, કોણ છે આ? પછી ત્રણ મહિના બાદ સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સિરીઝમાં પણ સહેવાગની પસંદગી થઇ અને બ્લુમફોન્ટેઈનમાં રમાયેલી સિરીઝની અને પોતાની પહેલી ટેસ્ટમાં જ છેક છઠ્ઠે નંબરે આવીને સેંચુરી બનાવી દીધી અને આપણને એના કાયમી ફેન બનાવી દીધા. કારણકે સાઉથ આફ્રિકામાં જઈને ત્યાંની પીચ પર કોઈ ભારતીય બેટ્સમેન સેંચુરી કરે એ નાનીસુની ઘટના નહોતી.

પછીતો કોચ તરીકે જ્હોન રાઈટ ટીમ સાથે જોડાયા અને ‘ગાંગુલીદાદા’ની એક વ્યવસ્થિત ગેંગ બની ગઈ જેમાં, સચિન, દ્રવિડ, લક્ષ્મણ જેવા અનુભવી બેટ્સમેનોની સાથેસાથે સહેવાગ, ભજ્જી, ઝાહિર અને યુવી જેવા યુવા ખેલાડીઓ પણ જોડાઈ ગયા. આપણે આજે સહેવાગની ક્રિકેટ ઝિંદગી વિષે અહીં વાત નથી કરવી, પણ સહેવાગ કેમ આપણા બધા માટે કાયમ સ્પેશિયલ રહ્યો હતો તેની વાત કરવી છે. જેમ આપણે આગળ વાત કરી એમ માત્રને માત્ર આક્રમક બેટિંગ કરનારા બેટ્સમેનો તો કેટલાય આવ્યા અને ગયા, પણ માત્ર સહેવાગ અને ગેલ જ કેમ ટકી ગયા? ગેલની વાત ફરીક્યારેક કરીશું, પણ સહેવાગનો સવાલ આવે ત્યારે જરૂર પોતાની જાતને આમ પૂછવાનું મન જરૂર થાય. સંપૂર્ણ આક્રમક તેવરો દેખાડીને બેટિંગ કરતા હોય તેવા ખેલાડીઓમાં શાહિદ આફ્રિદીનું નામ તરતજ સામે આવી જાય. પણ આફ્રિદી અને સહેવાગની સરખામણી બિલકુલ ન થાય. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી કોઇપણ ફોર્મેટ હોય આફ્રિદી અને સહેવાગ પહેલે બોલથીજ બોલને બાઉન્ડ્રી પર મોકલવાની કોશિશ કરતા, તો એવું કયું તત્વ છે કે જે સહેવાગને આટલો મહાન બનાવી ગયું અને આફ્રિદીને આટઆટલા વર્ષો પછી પણ ઘણીવાર હાસ્યાસ્પદ દેખાડી જાય છે?

એકજ એવી બાબત છે જે સહેવાગ અને આફ્રિદીને જુદા પાડે છે અને એટલી હદે જુદા પાડે છે કે એકને મહાન તો બીજાને પામર દેખાડે છે. આ તત્વ એટલે રનની ભૂખ. માત્ર ચોગ્ગા, છગ્ગા મારીને પાંચ દસ મિનીટ દર્શકોનું મનોરંજન કરીને પેવેલિયનમાં જતું રહેવું એ સહેવાગની બેટિંગ નહોતી. બે સિક્સર મારીને દસ રન કર્યા તો પછી વધુ ચોગ્ગા અને છગ્ગા મારીને પહેલા પચાસ, પછી સો, બસ્સો અને ત્રણસો રન પણ કેમ ન બનાવવા? સહેવાગની આ પ્રકારની માનસિકતા રહેતી. બસ આ જ બાબત તેને અત્યારસુધી આવી ગયેલા પેલા છૂટક આક્રમક બેટ્સમેનોથી અલગ પાડતી હતી. પાકિસ્તાનની મજબૂરી છે કે તે હજીપણ આફ્રિદીને ચલાવી લે છે, જ્યારે ભારત એટલું નસીબદાર હતું જેને સહેવાગ જેવો બેટ્સમેન મળ્યો કે જે લગભગ એક દાયકા સુધી આક્રમક બનીને મોટામોટા સ્કોર બનાવવામાં વધુ માનતો હતો.

સહેવાગની બેટિંગ, ખાસકરીને ટેસ્ટમેચોમાં તેની બેટિંગ એ ન ભૂતો ન ભવિષ્યતિ હતી. હા, આ પ્રકારની બેટિંગની શરૂઆત ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને જરૂર કરી હતી, પરંતુ સહેવાગતો તેનાથી પણ ચાર ચાસણી ચડે એવો બેટ્સમેન બન્યો હતો. દિવસનો પહેલો બોલ હોય કે છેલ્લો સહેવાગનાં જ શબ્દોમાં કહીએ કે જો તેને લાગે કે આ બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવો છે તો તે એમ કરીનેજ રહેતો. અરે એ વાત છોડો, ટેસ્ટમાં સો, બસ્સો અને ત્રણસોના સ્કોરે સિક્સર મારીને પહોંચવાનો રેકોર્ડ માત્ર સહેવાગને નામે જ છે. સેંચુરી, ડબલ સેંચુરી કે ટ્રિપલ સેંચુરીનો રેકોર્ડ પોતાને નામે બની જાય એવું કયો ખેલાડી નથી ઈચ્છતો? અને એને લીધેજ તે અમુક રન દુર હોય ત્યારે ધીરજથી બેટિંગ કરતો હોય છે. ભલભલા ભગવાનોને આપણે આવું કરતા જોઈ ચુક્યા છીએ, પણ સહેવાગ જેનું નામ. તેનું ટાર્ગેટ કદાચ સો, બસ્સો કે ત્રણસો થી પણ વધુ રન બનાવવાનું રહેતું અને આથીજ તે આ પ્રકારના માઈલસ્ટોનની ભાગ્યેજ પરવા કરતો. જો કે સહેવાગને તેની આ કાયમી ચોથા ગિયરની બેટિંગને લીધે તકલીફ પણ પડતી હતી. ઘણીવાર તે સસ્તામાં પણ આઉટ થઇ જતો હતો, પરંતુ તેનાથી ડરીને તેણે પોતાની આ સ્ટાઈલ બદલી નહીં અને છેવટસુધી તે આમ રમતો રહ્યો અને તેથીજ તે મહાન બલ્લેબાજ કહેવાયો.

સહેવાગ પાસે ‘હેન્ડ આઈ કોર્ડીનેશન’ની ગોડ ગિફ્ટ હતી. એટલે કે આંખ જે જોવે હાથ એનું ફટાફટ રિએકશન આપે. બસ આ ગોડ ગિફ્ટને લીધે ભારતને સહેવાગના કેટલાક શ્રેષ્ઠ વર્ષો મળ્યા. પણ કદાચ આ જ ગિફ્ટને લીધે સહેવાગ બે થી ત્રણ વર્ષ ઓછું ક્રિકેટ રમી શક્યો. એક સમયે ભારતના સર્વોત્તમ ટેસ્ટ ઓપનીંગ બેટ્સમેનનું બિરુદ હાથવેંતમાં લાગી રહ્યું હતું, પણ છેવટે ઉંમર તેનું કામ કરી ગઈ. શરીર સાથે સહેવાગની આંખ યુવાન રહી શકી નહીં એટલે પેલું હેન્ડ આઈ કોર્ડીનેશન ગડબડ થઇ ગયું અને છેવટે સહેવાગ મૂળ સહેવાગના માત્ર 60-70% જ રહ્યો જે ભારતની ટીમને નહોતું જોઈતું. પોતાની ટેસ્ટ કારકિર્દીના છેલ્લા વર્ષમાં સહેવાગ આઠ ટેસ્ટમાં માત્ર 408 રન કરી શક્યો અને એ પણ 31.38ની એવરેજે જે તેની ઓવરઓલ એવરેજ 49.34થી ઘણી ઓછી હતી. જ્યારે વનડેમાં તો તેની હાલત ઔર બદતર થઇ ગઈ હતી. કુલ અગિયાર મેચોમાં સહેવાગે માત્ર 22.54ની એવરેજે 248 રન બનાવ્યા હતા.

ગઈકાલે સહેવાગની નિવૃત્તિ સમયે ઘણા મિત્રોએ તેને થયેલા અન્યાય વિષે કે તેની સામે રમાયેલા સંભવિત રાજકારણની વાતો ભાવનાઓમાં વહી જઇને કરી, પરંતુ આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા. એક-બે મેચોની વાત નહોતી, ઉપરના આંકડાઓ એક આખા વર્ષના આંકડાઓ છે જે સહેવાગને ટીમમાંથી પડતા મુકવાના નિર્ણયને જસ્ટીફાય કરે છે. કોઇપણ ખેલાડીને જો ટીમમાં પરત આવવું હોય તો તેની પાસે ડોમેસ્ટિક ક્રિકેટમાં કે પછી હવે IPLનો રસ્તો પણ ખુલ્લો હોય છે, પરંતુ સહેવાગ તેમાં પણ છાપ છોડવામાં નિષ્ફળ ગયો. ટૂંકમાં જે હેન્ડ આઈ કોર્ડીનેશને વિરેન્દર સહેવાગને ‘ધી વિરેન્દર સહેવાગ’ બનાવ્યો હતો તેણેજ તેની કારકિર્દીને વહેલી પૂરી કરી દીધી. સહેવાગે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીયમેચ રમ્યા પછી ભલે બે વર્ષ રાહ જોઈ, પરંતુ તેના કથળતા જતા ફોર્મને લીધે તેની તરફ જોવા કોઈજ તૈયાર નહોતું અને ઉંમર પણ  હવે વધી રહી હતી. પણ સારું થયું કે તે છેવટે સાનમાં સમજી ગયો અને ગઈકાલે પોતાના સાડત્રીસમાં જન્મદિવસેજ નિવૃત્તિની ઘોષણા કરી દીધી.

સહેવાગ જ્યાંસુધી રમ્યો ત્યાંસુધી પોતાની શરતે અને પોતાની સ્ટાઈલથી રમ્યો. આવી લક્ઝરી બહુ ઓછા ખેલાડીઓને મળતી હોય છે, ખાસકરીને ભારતીય ખેલાડીઓને. પણ સહેવાગના કપ્તાન ગાંગુલીએ તેના પર વિશ્વાસ રાખ્યો અને પોતાની ટીમની રણનીતિના ભાગરૂપે સહેવાગને તેની આગવી સ્ટાઈલમાં રમે રાખવાની છૂટ આપી અને આપણને સહેવાગ જોવા મળ્યો. હવે બીજો સહેવાગ મળશે કે નહીં તે સવાલ નથી, પાક્કે પાયે કહીએ તો સહેવાગે જે નવા પ્રકારની બેટિંગ, ખાસકરીને ટેસ્ટ ક્રિકેટમાં ઈજાદ કરી હતી અને એપણ ઓપનીંગ બેટ્સમેન તરીકે તેને હંમેશા યાદ રાખવામાં આવશે. છેલ્લા બે વર્ષથી ક્રિકેટના મેદાન પર ખાસ ન દેખાતો સહેવાગ કદાચ મીસ તો નહીં થાય, પરંતુ તેણે રમેલી કેટલીક યાદગાર ઇનિંગ્સ જ્યારે પણ ટીવી પર દેખાડવામાં આવશે ત્યારે રિમોટ કન્ટ્રોલ બાજુમાં જરૂર મૂકી દેવાનું મન થશે.

હેપ્પી રીટાયર્ડ લાઈફ વીરુ! જય ‘વીરુ’!

||| સ્ટમ્પસ |||

  • ઓસ્ટ્રેલિયા સામેની એક મહત્ત્વની ટેસ્ટમેચના પહેલા દિવસે કોચ જ્હોન રાઈટે બંને ઓપનરોને ‘સંભાળીને’ રમવાની સલાહ આપી હતી. પરંતુ સહેવાગ પોતાની આગવી સ્ટાઈલથીજ રમવા લાગ્યો અને તરતજ આઉટ થઇ ગયો. જ્યારે તે ડ્રેસિંગરૂમમાં પાછો આવ્યો ત્યારે ગુસ્સે થયેલા જ્હોન રાઈટે સહેવાગના કોલર પકડી લીધા હતા.
  • “તમારામાં અને સચિનમાં કોઈ ફેર ખરો?” એવા પત્રકારના સવાલના જવાબમાં સહેવાગે ખીચોખીચ ભરેલી પ્રેસ કોન્ફરન્સમાં જ કહી દીધું, “હા, બેંક બેલેન્સનો!”
  • સહેવાગે ત્રણેય ફોર્મેટમાં જ્યારે જ્યારે એક ઈનિંગમાં હાઇએસ્ટ સ્કોર કર્યો છે ત્યારે ત્યારે ભારતે પણ પોતાનો હાઈએસ્ટ સ્કોર કર્યો છે.
    • ટેસ્ટ: સહેવાગ: 293 – ભારત: 726/9 (શ્રીલંકા વિરુદ્ધ, મુંબઈ – ડિસેમ્બર 2009)
    • વનડે: સહેવાગ: 219 – ભારત 418/5 (વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ, ઇન્દોર – ડિસેમ્બર 2011)
    • ટ્વેન્ટી૨૦: સહેવાગ: 68 – ભારત: 218/4 (ઇંગ્લેન્ડ વિરુદ્ધ, ડર્બન – સપ્ટેમ્બર 2007)

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *