મારે દીકરે તોડી નાખ્યાં!

‘તારક મહેતા કા ઉલ્ટા(હ) ચશ્માં’ના ‘એકમેવ સેક્રેટરી’ આત્મારામ ભીડે વારંવાર એક શબ્દ બોલે છે, ‘અપ્રતિમ’! ભાજપના ઉત્તર પ્રદેશના આવેલા ગઈકાલના પરિણામો માટે કદાચ આ શબ્દ પણ નાનો પડે એમ છે. રામાયણમાં આવતી ‘લવ-કુશ’ની વાર્તામાં રાજા રામના અશ્વમેઘ યજ્ઞ પછી એક અશ્વને છોડી દેવામાં આવ્યો હતો અને પછી જ્યારે લવ અને કુશે એને રોક્યો ત્યારે નિયમ અનુસાર એમણે રામસેના સાથે યુદ્ધ કરવાનો વખત આવ્યો હતો.

પરંતુ, અહિયાં ગઈકાલે સવારે સવા આઠના સમયે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ છોડેલા ઉત્તર પ્રદેશના વિજયી અશ્વને રોકવાની હિંમત તો શું કોઈએ એના તરફ એક ડગ પણ માંડ્યું ન હતું અને બપોરે છેવટે આ અશ્વ જ્યારે આપોઆપ રોકાયો ત્યારે ૪૦૩ સીટમાંથી ૩૨૫ એટલે કે ૩/૪ બહુમતી ભાજપના ખિસ્સામાં એણે સરકાવી દીધી હતી. ૨૦૧૨ કરતાં ભાજપ ૨૭૭ સીટો વધુ જીત્યો છે એનો મતલબ એ કે એનો આ વધારો એકલો એને યુપીમાં ૨/૩ બહુમતી (૨૦૨ સીટ) અપાવી દેવા સમર્થ રહ્યો છે.

ભલભલા રાજકીય અને ચૂંટણી વિશેષજ્ઞ જ્યાં હક્કા બક્કા થઇ ગયા છે ત્યાં મારા જેવા રાજકારણના અદના રસિયા તો કેવીરીતે આવી અધધધ જીતને મૂલવી શકે? અને એટલેજ આજે ચૂંટણી પરિણામો ઉપરાંત ત્યાર પછી શું શું થયું, અથવાતો જ્યારે પરિણામો આવી રહ્યા હતા ત્યારે ટીવી પર વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો કેવો મૂડ હતો એના વિષે વાત કરવાનું મન થાય છે.

આપણી ન્યૂઝ ટીવી બે થી ત્રણ રાજકીય વિચારધારાઓમાં વહેંચાઇ (કે વેંચાઈ 😉 ) ગઈ હોવાનું આપણે બધાંજ વર્ષોથી સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અને આ પરિણામો જ્યારે આવી રહ્યા હતા ત્યારે અને જ્યારે આ ચુનાવી રણની રેતી સ્થિર થઇ ગઈ પછી પણ તમામ ન્યૂઝ એન્કર્સ પોતપોતાની પર્સનલ વિચારધારાઓ સાથે પોતાના ચહેરાઓ ડિસ્કનેક્ટ નહોતા કરી શક્યા. સામાન્યરીતે સપાટ ચહેરો દેખાડી શકતા રજત શર્માના ચહેરા પર મલકાટ જોઈ શકાતો હતો, તો ઝી વાળા રોહિત સરદાના અને સુધીર ચૌધરીના મુખડાઓ પણ આનંદ આનંદ થઇ રહ્યા હતા.

દક્ષિણ ધ્રુવે ડૉ. પ્રનોય રોય, શેખર ગુપ્તા એન્ડ કંપની તેમજ રાજદીપ સરદેસાઈના ચહેરાઓ તેમનું ભારોભાર દુઃખ અપ્રગટરીતે પ્રગટ કરી રહ્યા હતા. મજા તો સાંજે આવી જ્યારે લગભગ તમામ પરિણામો આવી ગયા. NDTV પર ડૉ રોય પરત આવ્યા અને તેઓ જ્યારે ઉમા ભારતીનો ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા ત્યારે રામમંદિર બાબતે વારંવાર શું ભાજપ આ મહાવિજયનો ઉપયોગ તેના ‘devisive’ એટલેકે વિભાજનવાદી એજન્ડા માટે કરશે એવો સવાલ કરી રહ્યા હતા.

ડૉ. રોય અને એમની ચેનલ પોતાને સેક્યુલરવાદના સૌથી મોટા રક્ષક માને છે એ આપણને ખબર છે જ, એટલે એમને મુસ્લિમોની ખરી અને સૌથી મોટી ચિંતા હોય જ એ સ્વાભાવિક છે, પણ શું ગઈકાલનો દિવસ આ પ્રકારના સવાલો માટે હતો? ડૉ. રોય અત્યારે ભલે ચેનલ ચલાવી રહ્યા હોય પરંતુ એક જમાનામાં એપણ દુરદર્શન પર સેફોલોજીસ્ટ તરીકે જ આવતા હતા અને આથીજ એમણે એ બાબત ધ્યાનમાં રાખવા જેવી હતી કે જ્યારે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં (દા.ત. દેવબંદ) પણ ભાજપે ખાતું ખોલાવ્યું હોય ત્યારે શું એ ‘એમની વ્યાખ્યા અનુસાર’ વિભાજનવાદી એજન્ડા લાગુ કરી શકે ખરો?

બીજી તરફ ભાજપના જેટલા પણ પ્રતિનિધિઓ ટીવી પર આવ્યા અથવાતો જેમને મેં જોયા એમણે (ભાજપનો ટેકેદાર હોવાને નાતે આવું જરાય નથી કહી રહ્યો) સન્માનિત રહીને જવાબો આપ્યા. ઉમા ભારતીની જ વાત કરીએ તો એમણે ડૉ. રોયે પૂછેલા સવાલનો એમ કહીને જવાબ આપ્યો કે કોર્ટે સ્ટેમ્પ મારી દીધો છે કે એ જગ્યા પર રામનો જન્મ થયો હતો અને આ જ હકીકત સાબિત કરવા માટે એમણે એક સમયે પોતાનો જીવ આપવાની તૈયારી કરી હતી. હવે ઝઘડો માત્ર જમીન કોની છે એનો છે જે કોર્ટ બહાર કે કોર્ટની અંદર સમાધાન કરીને કે ફેંસલા સાથે પૂરો થઇ શકે છે.

ઉમા ભારતીએ એમ પણ કહ્યું કે રામ એ માત્ર ભારતનાં જ નહીં પરંતુ વૈશ્વિક પુરુષ છે અને એમની સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે આથી જો રામના નામે કોઈ તોફાન કે અઘટના હવે ઘટે જ્યારે એમનો પક્ષ દેશના વિકાસ પર ધ્યાન આપી રહ્યો છે તો પક્ષ સાથે દેશની છબી જ ખરાબ થશે. ભલે, ઉમા ભારતીનું આ બયાન સગવડીયું હોય, કારણકે ૧૯૯૦ના દાયકામાં ભાજપે રામનામે જ ટેન્કરો ભરી ભરીને મત લીધા હતા, અને હવે એને એ જ રામ મંદિર પોતાના વિકાસના એજન્ડામાં આડખીલી લાગી રહ્યું હોય પણ ઉમા ભારતી જેવી ફાયર બ્રાંડ નેતાને પણ જો આમ બોલવું પડે તો એ ડૉ. રોયના કહેવાતા વિભાજનવાદી રાજકારણની હાર જ છે ને?

ઉમા ભારતીનું આ બયાન એક બીજી બાબતને પણ ઉજાગર કરે છે અને એ એમ છે કે સમય સાથે ભાજપ બદલાયો છે. અફકોર્સ બહુમતી ધર્મનો મતદાર હજી તેનો ફેવરીટ છે, પણ નરેન્દ્ર મોદીના ૧૪ વર્ષના ગુજરાત રાજ દરમિયાન એકપણ કોમી તોફાન ન થવાને લીધે (૨૦૦૨ પછી જ અફકોર્સ!) ખુદ ભાજપને શાંતિની કિંમત સમજાઈ ગઈ છે જે એને કદાચ હિંસક તોફાનો કરતા ત્રણ-ચાર ગણા વોટ અપાવી શકે છે.

જો ભાજપ સમય સાથે બદલાયો હોવાનું જણાય છે તો કોંગ્રેસને સમય સાથે સમાધાન કરવાનું હજીપણ ગમતું નથી એવું આ પરિણામો પછી (ફરીથી?) સ્પષ્ટ લાગી રહ્યું છે. કોંગ્રેસના મહત્તમ નેતાઓ ભાજપની આ ભવ્યાતિભવ્ય જીતને (ઉત્તરાખંડને પણ એમાં ઉમેરો) કોઈજ ક્રેડિટ આપતા નથી. જોકે એમની પાસેથી કોઇપણ પ્રકારની ક્રેડિટ લઇ શકાય એટલી ક્રેડિટ પણ આ ચૂંટણી પરિણામો બાદ એની પાસે રહી નથી. મણીશંકર ઐયર કે કપિલ સિબ્બલ જેવા અસંખ્ય કોંગ્રેસીઓ હજીયે કોંગ્રેસની છબી માત્ર પર્સનલ મોદીદ્વેષને લીધે ઉંચી લાવવા માંગતા નથી.

જ્યારે પણ કોઈ એન્કરે રાહુલ ગાંધીના (કહેવાતા) નેતૃત્વ અંગે ટીકા કરી કે સવાલ ઉભો કર્યો ત્યારે આ પ્રકારના નેતાઓએ એમને ગોવા, મણીપુર અને પંજાબના પરિણામો તરફ નજર કરવાનું કહીને પોતાનું અભિમાન જ દેખાડ્યું. પણ, આ તમામ લોકોએ એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે જ્યારે કોઈ પરિક્ષા હોય ત્યારે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી જેવા વિષયોમાં પાસ થવું જરૂરી છે. આ વિષયોમાં ફેઈલ થાવ અને ઉદ્યોગ અને પીટીમાં સિત્તેરથી સો જેટલા માર્ક્સ લાવો તો તમે ઓવરઓલ ફેઈલ જ ગણાવ.

પંજાબ અફકોર્સ મહત્ત્વનું રાજ્ય છે જ પણ ઉત્તર પ્રદેશ એ ઉત્તર પ્રદેશ છે. એક સેકન્ડ માટે પણ વિચાર કરીએ કે જો આ પરિણામ ઉલ્ટા આવ્યા હોત અથવાતો સપા-કોંગ્રેસને સિમ્પલ બહુમતી મળી હોત અને બાકીના ચારેય રાજ્યોમાં ભાજપ આસાનીથી જીતી ગયું હોત તો આ જ નેતાઓના બયાન શું હોત? કોંગ્રેસી નેતાઓએ હજીપણ એ બાબત સમજવાની જરૂર છે કે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના અવસાન બાદ દેશમાં લગભગ દોઢ પેઢી બદલાઈ ગઈ છે અને હવે ગાંધી પરિવારનું કોઈજ ભક્ત રહ્યું નથી.

મારા દાદી કાયમ બોલતાં, “દુનિયામાં કામા વ્હાલા છે, ધામા વ્હાલાં નહીં.” મતલબ એટલો જ કે કામ કરશો તો ગમશો પણ જો એદીની જેમ પડ્યા રહેશો તો આ જ મોદીને પણ દેશનો વોટર ફેંકી દેતા બે સેકન્ડ પણ વિચાર નહીં કરે. ભારતને એક સજ્જડ વિપક્ષની જરૂર છે જ અને એના માટે કોંગ્રેસે દિગ્વિજયસિંહ અને સંદિપ દિક્ષિત જેવા નેતાઓએ ગઈકાલે કરેલી ટકોરને તાત્કાલિક ધ્યાનમાં લેવાની જરૂર છે.

જોકે, દિગ્ગીરાજા અને સંદિપ દિક્ષિતની ટકોર પણ ગાંધી પરિવારથી આગળ જઈને કશું જોઈ રહી હોય એવું પણ નથી. દિગ્વિજયસિંહ તો લોકસભાના પરિણામોના દિવસથી જ કોંગ્રેસમાં મેજર સર્જરી કરવા માટે રાહુલ ગાંધીને વિનંતી કરી રહ્યા છે જે એમણે ગઈકાલે પણ દોહરાવી હતી. જ્યારે શીલા દિક્ષિતના પુત્ર સંદિપે ગઈકાલે રાહુલ ગાંધીને નહીં પરંતુ એમના સ્ટાઈલ ઓફ પોલીટીક્સને રિટાયર કરી દેવાની જરૂર હોવાનું કહ્યું હતું.

મારા માટે ગઈકાલે કોઈ સુખદ પરિણામ આવ્યું તો એ હતું ગોવા અને પંજાબનું કારણકે અહીં આમ આદમી પાર્ટી એટલેકે આપ સરકાર બનાવવામાં નિષ્ફળ ગઈ છે. ગયા અઠવાડિયે જ ચંદીગઢ જવાનું થયું હતું ત્યારે મિત્રો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે પંજાબમાં આપ ના ફેવરમાં જબરો અન્ડર કરંટ છે. પંજાબ જેવા સરહદી રાજ્યમાં જો આપ જેવી બેજવાબદાર પાર્ટી સત્તામાં આવે તો એ રાજ્યનું શું થાય એ સમજીતાં જ શરીરમાં ભયનું લખલખું પસાર થઇ જાય.

ગોવામાં તો ચાર મહિના પહેલાં જ (કાયમની જેમ) આપે પોતે સરકાર બનાવી રહી હોવાનો દાવો પણ કરી દીધો હતો પરંતુ ત્યાં જાણવા મળ્યા અનુસાર તેના તમામ ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઇ ગઈ છે. દિલ્હી એ ભારતીય મતદારનો આપ પર પ્રથમ પ્રયોગ હતો જે સદંતર નિષ્ફળ ગયો છે. દિલ્હીના મિત્રોના કહેવા અનુસાર આપે ગરીબ વિસ્તારોમાં જબરદસ્ત કામ કર્યું છે પરંતુ જે લોકો ટેક્સ ભરે છે એમને કશું જ નક્કર મળ્યું નથી એ પણ હકીકત છે.

આ ઉપરાંત આપ ના નેતાઓ (ઈન્ક્લુડીન્ગ મહામહિમ કેજરીવાલજી) ના બેજવાબદાર અને બિભત્સ બયાનોથી આ કોઈ રાજકીય પાર્ટી છે કે કોઈ રાજકીય પેરોડી એ જ સમજમાં નહોતું આવતું. ભલું થજો પંજાબ અને ગોવાના મતદારોનું કે એમની લપડાકથી જો આપ ના નેતાઓમાં જરાક પણ અક્કલ હશે તો એ હવે અહીં થોડો જરૂર શ્વાસ લેશે અને વર્ષના અંતે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આપણને ઓછો ગંદો પ્રચાર જોવા અને સાંભળવા મળશે, જોકે આમ થવાની સંભાવના બિલકુલ ઓછી છે.

છેવટે વાત કરીએ મેન (Men) ઓફ ધ મેચ. અમિત શાહને માસ્ટર સ્ટ્રેટેજીસ્ટ કહેવામાં આવે છે. જોકે બિહારની ચૂંટણીઓ પછી આ બાબતે થોડી શંકા ઉપજી હતી, પરંતુ ગઈકાલના પરિણામોએ આવી કોઇપણ શંકાને દૂર કરી દીધી હતી. ભાજપના જેટલા પણ પ્રતિનિધિઓ ગઈકાલે ટીવી પર આવ્યા એ તમામે એક સ્વરમાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં મોટા વિજયની આશા અમને બધાંને હતી પણ ગંજાવર વિજય અંગે એકમાત્ર અમિત શાહ જ આશ્વસ્ત હતા.

કોઈ એક ચેનલ પર ઉત્તર પ્રદેશના કોઈ પત્રકારે પણ જણાવ્યું હતું કે ઓફ ધ રેકોર્ડ અમિત શાહે એમને જણાવ્યું હતું કે જો ભાજપ ૨૪૦ ક્રોસ કરશે તો ૩૦૦ સીટ તો આરામથી મળી જશે! જ્યારે આ પ્રકારનો કોન્ફિડન્સ કોઈ દેખાડે ત્યારે સામેવાળાને એ ઓવર કોન્ફિડન્સ લાગે જ એમાં નવાઈ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશમાં અમિત શાહે આ બીજીવાર કરી બતાવ્યું છે એ હકીકત પણ ધ્યાનમાં લેવા જેવી ખરી.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ ૩૩૭ વિધાનસભા ક્ષેત્રોમાં જીત્યું હતું અને આ વખતે માત્ર ૧૨ સીટ ઓછી આવી છે. કોઇપણ સરકાર હોય અઢી વર્ષે પ્રજા જો તેની અપેક્ષાઓ પૂરી નથી થઇ રહી એવું વિચારવા લાગે તો એ સરકારના વળતાં પાણી શરુ થઇ જતા હોય છે, પરંતુ પોણાત્રણ વર્ષે એટલીસ્ટ ભાજપ માટે તો એવું નથી લાગી રહ્યું.

તો પછી પંજાબ, ગોવા અને મણીપુરનું શું? પંજાબ એ ભાજપ માટે બીજું મહારાષ્ટ્ર છે. જેમ મહારાષ્ટ્રમાં એ શિવસેના સાથે ધીરેધીરે અલગ થઇ રહ્યો છે એમ કદાચ આ ચૂંટણી પછી એ અકાલીઓથી પણ દૂર થવાનું શરુ કરી શકે છે. મારા એક પંજાબી મિત્રના કહેવા અનુસાર પ્રકાશસિંહ બાદલ જેવો હોંશિયાર રાજકારણી એમનો પુત્ર સુખબીર જરાય નથી એટલે સીનીયર બાદલ પછી અકાલી દલ પણ કોંગ્રેસના પતનમાર્ગે જઈ શકે છે. ટૂંકમાં પંજાબમાં ભાજપ વેઇટ એન્ડ વોચ કરીને સમય આવે એકલો લડે એવું બને. મજાની વાત તો એ છે કે, આપ ને બદલે કોંગ્રેસ પંજાબ જીતી ગયું એમાં તો ભાજપના ટેકેદારો પણ ખૂશ છે.

ગોવામાં ભાજપ જરૂર માર ખાઈ ગયો કારણકે એ એક લોકપ્રિય મુખ્યમંત્રી નામે મનોહર પર્રીકરને કેન્દ્રમાં લઇ આવ્યો. ભારતને પણ એક મજબૂત રક્ષામંત્રીની જરૂર તો હતી જ, પણ એની અવળી અસર ગોવામાં પડી. ચૂંટણીઓ અગાઉ જ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી ભાજપથી અલગ થઇ ગઈ હતી અને એ આ વખતે ત્રણ સીટ લાવ્યું છે. આ ઉપરાંત GFWPના ત્રણ સભ્યો ઉપરાંત એક અપક્ષને લઈને ભાજપ જોઈતી સંખ્યા મેળવી શકે એમ છે.

કોઈ સુખદ સપનાની દુનિયાની વાત કરીએ તો ભાજપને ગોવાની જનતાએ નકારી દીધો હોવાનું આ પરિણામોએ સાબિત કર્યું છે અને આથી એણે નૈતિકતાના ધારાધોરણો અનુસાર સરકાર બનાવવા જોડતોડ ન કરવી જોઈએ. પરંતુ સમગ્ર ભારતના રાજકારણમાં નૈતિકતા માત્ર ભાજપે જ બતાવવી એવું બિલકુલ જરૂરી નથી કારણકે મણીપુરમાં કોંગ્રેસની સ્થિતિ પણ આ પ્રકારની જ છે અને કોંગ્રેસ અને નૈતિકતાનો સંબંધ કિલોમીટરોના કિલોમીટર દૂરનો છે.

મણીપુરમાં મળેલી ૨૧ સીટો ભાજપ માટે વકરો એટલો નફો જ છે, કારણકે અત્યારસુધી તેને અહીં એકપણ સીટ મળી નહોતી. એટલે કોંગ્રેસના ટેકેદારો ભલે ત્રણ વિરુદ્ધ બે કહીને સિરીઝ જીતવાનો આનંદ માણે પરંતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની દોઢી બમ્પર જીત ઉપરાંત મણીપુર અને પંજાબના સંજોગો જોતા મારા જેટલી ઓછી રાજકીય સમજ ધરાવતો કોઇપણ વ્યક્તિ ભાજપ માટે આ પરિણામો ઉત્સાહવર્ધક હોવાનું પ્રમાણ આપી શકે છે.

છેવટે વાત કરીએ નરેન્દ્ર મોદીની. ઉત્તર પ્રદેશ પર અમિત શાહની જેમજ એમણે પણ પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. એક રાજ્યની ચૂંટણીઓમાં આટલો બધો રસ દેખાડવા બદલ એમના વિરોધીઓએ એમની કાયમ ટીકા કરી છે. મોદી માટે આ નવું બિલકુલ નથી. ૨૦૧૪માં દિલ્હી ગયા પછી એમણે લગભગ દરેક રાજ્યની ચૂંટણીઓમાં ભરપૂર પ્રચાર કર્યો છે અને આ પેટર્ન હવે ચાલુ જ રહેશે એ એમના વિરોધીઓએ નોંધી લઈને એ પ્રમાણે લેસન કરવાની જરૂર છે.

મોદી દેશના વડાપ્રધાન હોવા ઉપરાંત ભાજપના કાર્યકર પણ છે આથી પોતાના પક્ષ માટે એ પ્રચાર નહીં કરે તો બીજું કોણ કરશે? બીજું, જો અત્યારસુધીના વડાપ્રધાનો આ બાબતે નિષ્ક્રિય રહ્યા હોય કે પ્રચારમાં ઓછા નીકળ્યા હોય તો એ એમની ભૂલ હતી. મોદી, એમણે કરેલા કામોનો હિસાબ આપવા માટે વિધાનસભાની ચૂંટણીઓના લાઈવ મંચનો ઉપયોગ કરે છે અને એ બહાને ભાજપને મત મળે તો એ એમના માટે પ્લસ જ છે. આ બાબત જો અગાઉના વડાપ્રધાનો ન સમજ્યા તો એમાં મોદીનો શો વાંક?

ફટ લઈને નાક કપાઈ જાત જો ઉત્તર પ્રદેશમાં ભાજપ બહુમતીથી જરાક પણ દૂર રહી જાત તો અને મોટાભાગના એક્ઝીટ પોલ પણ આમ જ કહી રહ્યા હતા. ઉપર જણાવ્યું એમ અઢીવર્ષે કોઇપણ સરકારના વળતાં પાણી થાય અને એવામાં ડીમોનેટાઈઝેશન જેવી કડવી દવા પીવડાવીને (જેની આદત ભારતીયોમાં બિલકુલ નથી) પણ પ્રજા સમક્ષ જઈને અને એ નિર્ણય સાચો હતો, દેશ માટે હતો એ ગળે ઉતારવા માટે ખરેખર છપ્પનની છાતી જોઈએ જ. ઉત્તર પ્રદેશના આ પરિણામોએ આ બાબત પણ સાફ કરી દીધી છે.

ઓવરઓલ ધર્મ અને જાતિ તેમજ સરકાર પાસેથી બધુંજ મફતનું લઇ લેવાના રાજકારણથી વિરુદ્ધ માત્ર દેશ અને દેશના વિકાસ માટેની વાત કરતા રાજકારણની બસ જે દિલ્હી અને બિહાર ચૂકી ગયા હતા એ બસમાં ઉત્તર પ્રદેશ જરૂર બેસી ગયું છે. એવું નથી કે પ્રાદેશિક પક્ષો ન હોવા જોઈએ, પરંતુ રાષ્ટ્રીય પક્ષો પ્રાદેશિક પક્ષો કરતાં વધુ લાંબુ અને દેશ માટે જરૂર વિચારી શકે છે એ હકીકત છે, પછી તે ભાજપ હોય કે કોંગ્રેસ અને આથીજ પાંચેય રાજ્યોમાં બંને મોટા રાષ્ટ્રીય પક્ષોનો વિજય આજના સમયમાં મનને સૌથી વધુ શાતા આપનારો છે.

સ્ટમ્પસ!!!

EVM સાથે જરૂર છેડછાડ થઇ છે નહીં તો મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ભાજપ કેવી રીતે જીતી શકે?

  • માયાવતી, BSP પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશ.

 

૧૨.૦૩.૨૦૧૭, રવિવાર (હોળી)

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
Comments
  1. Mehul
  2. Mehul

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *