બેનો બહુ યાદ આવશે….

રિચી બેનો સાથે મારી પહેલી ઓળખાણ થઇ ૧૯૮૫માં, જયારે ‘આપણે’ ઓસ્ટ્રેલિયામાં મીની વર્લ્ડકપ તરીકે ઓળખાયેલી વર્લ્ડ સીરીઝ જીતી હતી. જો જો હોં કે એવું માનતા કે હું જાતેપોતે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને બેનો ને મળ્યો હતો. આ તો, પેલા ભીડે માસ્તર કહે છે ને? એમ, “હમારે ઝમાને મેં” ભારતની ટીમ ‘આપણી’ ટીમ કહેવાતી અને એને લગતી તમામ વાતો પણ ‘આપણી’ જ ગણાતી, જેમકે “શું સ્કોર થયો આપણો?” “આપણે આજે બહુ સારું રમ્યાં નહીં?” એવીજ રીતે, ‘આપણે’ એટલેકે ભારતની ક્રિકેટ ટીમ જયારે ઓસ્ટ્રેલિયા ગઈ હતી, એમ અહીંયા સમજવું. તે સમયે હું માત્ર ૧૧ વર્ષનોજ હતો પણ ૧૯૮૩ના વર્લ્ડકપના વિજયનો ખુમાર તો હજીપણ મગજ ઉપર હતો. ઉપરાંત ક્રિકેટમાં પણ હવે સારીએવી સમજણ પડવા માંડી હતી, એટલે જો સવારે વહેલા ન ઉઠાય તો જ્યારથી જોઈ શકાય ત્યારથી મેચ જોવીજ એવો નિયમ. (આવા કેસમાં ભણતરે તો તેલ લેવાજ જવાનું હોયને ભાય?!)

જયારે ડે-નાઈટ મેચ હોય ત્યારે આપણા સમયાનુસાર લગભગ સવારે ૯ વાગ્યાની આસપાસ મેચ ચાલુ થાય. દુરદર્શનની એ સમયે એટલીબધી મહેરબાની હતીકે ‘સીધું પ્રસારણ’ ભારતની મેચોનો પહેલો દડો નંખાય એની એક-બે મિનીટ અગાઉજ શરુ થાય, અને છેલ્લો દડો નંખાઈ જાય એટલે બીજીજ મીનીટે જેસીક્રસ્ણ! કોઈ મેન ઓફ ધ મેચનું પ્રેઝન્ટેશન નહી દેખાડવાનું, વાત પૂરી. પણ પેલી શરૂઆતની બે મીનીટમાં એક ધોળાવાળવાળા કાકા આપણને વેલકમ કરે અને પછી તરતજ મેચ ચાલુ થાય એવું હું કાયમ જોતો. અંગ્રેજી સાથે તો નાનપણથી જ તકલીફ, પણ આમ ગણિતની જેમ એની સાથે વેરના વળામણાં જેવા સંબંધો નહોતા, એટલે જે શબ્દ પકડાય એને સમજી લઈએ. પણ આ કાકા આપણને બહુ ગમી ગયા હતાં, ખાસ કરીને એમની બોલવાની સ્ટાઈલ અને એમનો માભો. એમની કોમેન્ટ્રી ટીમમાં ટોની ગ્રેગ અને બીલ લોરી જેવા જોરજોરથી બુમો પાડીને કોમેન્ટ્રી આપનાર બાજુમાં બેઠા હોય તોય એમની જરાય ચિંતા કર્યા વગર આપણા આ કાકા ધીમું ધીમું બોલે અને જે બોલવું હોય એ જ બોલે. આ ધોળાવાળવાળા કાકા એટલે બીજું કોઈજ નહીં પરંતુ ગઈકાલે સ્વગૃહે સીધાવનાર લેજન્ડરી ક્રિકેટર અને પ્રેઝન્ટર રિચી બેનો.

સ્કુલમાં પણ મેચની ચર્ચા થાય ત્યારે ઘણીવાર બેનો ની વાત પણ આવેજ, એમનો સ્પેલિંગ Benaud હોવાથી નાનપણમાં અમે એમને બેનોડ કે’તાં અને એમ કહીને બોલવામાં અભિમાન પણ કરતાં કે આપણને સરસ ઈંગ્લીશ આવડે. પરંતુ કોલેજકાળ દરમ્યાન અંગ્રેજી સાથે ‘સ્વસ્થ ફલર્ટિંગ’ કરતાં આવડ્યું ત્યારે છેક ખબર પડી કે આ છેલ્લો D તો સાઈલન્ટ છે એટલે એમને બેનોડ નહીં પરંતુ ‘બેનો’ કહીને બોલાવાય. બેનોને રમતા જોવા માટે તો ઘણાં વર્ષ મોડો પડ્યો, પરંતુ એમની કોમેન્ટ્રી કાયમ માણી છે, અને ખુબ માણી છે, લખલૂટ માણી છે. બેનોની કોમેન્ટ્રીની એક આગવી સ્ટાઈલ હતી. જેમ ઉપર વાત થઇ એ પ્રમાણે એક્સાઈટ થઈને બુમબરાડા નહીં પાડવાના પરંતુ શાંતિથી ઠંડી છરીની જેમ યોગ્ય સમયે એવા શબ્દો બોલવાના કે સાંભળનાર ઘાયલ થઇ જાય. બેનોએ અમુક વર્ષો પહેલાં કદાચ ચોકઠું કરાવ્યું હતું અને આને લીધે એમના ‘શ’ શબ્દના ઉચ્ચાર વખતે એક સીટી વાગતી. નોર્મલી ચોકઠું કરાવનારાઓ ને આ તકલીફ હોયજ છે, પણ બેનો માટે આ તકલીફ પણ આશિર્વાદરૂપ સાબિત થઇ અને તેઓ વધુ અલગ અને સારા સંભળાવવા લાગ્યા. ‘સ’ ની જગ્યાએ ‘શ’ બોલવા ઉપરાંત બેનો ‘ટ’ નો ઉચ્ચાર ઘણીવાર આપણને ‘ચ’ સંભળાય એવો કરતાં, આથી જયારે કોઈટીમનો સ્કોર બાવીસ રને બે વિકેટ હોય ત્યારે ઓસ્ટ્રેલીયન નીતિરીતી પ્રમાણે બેનો એમની સ્ટાઈલ બોલતાં, “ઇટ્સ ચ્યુ ફોર ચ્વેનચી ચ્યુ!” હાઉ સ્વીટ!

બેનો ની કોમેન્ટ્રી ગમવાનાં મહત્વના અન્ય કારણો પણ હતાં, જેમાં સહુથી મોટું કારણ હતું એમનું ક્રિકેટનું જ્ઞાન. ટેકનીકલ તો ખરુંજ ઉપરાંત લાંબો સમય ક્રિકેટ સાથે સંકળાયેલા હોવાને લીધે ભૂતકાળના પ્રસંગોને તાજીજ અર્થાત્ લાઈવ બનેલી ઘટના સાથે સાંકળી લેવાની એમની કળા કાબિલેદાદ હતી. આગળ વાત થઇ તેમ બેનો પ્રમાણમાં ઓછું બોલતાં અને જે જરૂરી હોય એ જ બોલતાં. જેમકે સચિન તેંદુલકરની મક્ગ્રાને ઠોકેલી કોઈ દૈવીય એક્સ્ટ્રા કવર ડ્રાઈવ જોઇને આપણું મન મોર બનીને થનગનાટ કરવા માંડે અને તાળીઓ પાડવા લાગીએ. જો ટોની ગ્રેગ તે વખતે કોમેટ્રી કરતા હોય તો માંડ ઝાલ્યા રે, પણ બેનો ઠંડે કલેજે માત્ર આટલુંજ બોલે, “માર્વલસ”! બસ બેનો ની આ જ ખૂબી હતી અને એ જ તેમને અન્ય કોમેન્ટેટર્સથી અલગ બનાવતી હતી.  હવે આવા રિચી બેનોની યાદ તો આવેજ ને?

પ્રભુ, રિચી બેનોનાં આત્માને શાંતિ આપે…

સ્ટમ્પસ !!!

 

“કોમેન્ટ્રી કરતી વખતે તમારું દિમાગ કાયમ ગિયરમાં પડેલું હોવું જોઈએ. બોલતી વખતે જો જરૂર હોય તો જ બોલો અને તો જ નવાં શબ્દો ઉમેરો, નહીંતો મહેરબાની કરીને ચુપ રહો.”

– રિચી બેનો

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *