“મારા બાપની બૈયર”

એક કેરાલીયન દિલ્હીમાં નવો નવો રહેવા આવ્યો હતો. એક દિવસ એ પોતાની નોકરીએ બસમાં જઈ રહ્યો હતો અને બસમાં લગભગ ૭૫% સરદારજીઓ બેઠા હતા. સરદારજીઓ પણ મૂડમાં હતા અને એમાંથી એક ભારેભરખમ સરદારજીએ આ કેરાલીયનભાઈને ટાઈમપાસ માટે જોક્સ સંભળાવવાનો રીતસર ઓર્ડર કર્યો. બહુમતીની ‘લાગણીને’ માન આપતા કેરાલીયને જોક્સ કહેવાના શરુ તો કર્યા પણ તેને સરદારજીના જોક્સ જ આવડતા હતા એટલે એણે પોતાના જોક્સમાં સરદારજીને બદલે મદ્રાસી પાત્ર મૂકીને જોક્સ કહેવા માંડયા. થોડા સમય પછી પેલા ભારેખમ સરદારજી કંટાળ્યા અને પેલાને બોલ્યા, “ઓયે, યે ક્યા મદ્રાસીઓ પર જોક મારે જા રહે હો? તેરે પાસ કોઈ સરદારોંવાલા જોક નહીં હૈ?

જો કે હવે તો સરદારોને પણ ખોટું લાગવા માંડ્યું છે અને એટલેજ એમણે સંતા-બંતાના જોક્સ પર પ્રતિબંધ મૂકવાની સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી. આવું કેમ બન્યું એની પાછળનું કારણ જાણવાની આપણે ક્યારેય કોશિશ નથી કરી. એમને કદાચ સરદારજીઓ પર જોક્સ હોવાનો એટલો વાંધો નહીં હોય જેટલો એમને એમની સંખ્યામાં થયેલા વધારા અને એના સ્તરમાં આવેલા ઘટાડા પ્રત્યે હોઈ શકે છે. આ આ માત્ર અનુમાન છે આની પાછળ કોઈજ તર્કસંગત દલીલ સપોર્ટમાં નથી. પરંતુ કહેવાનો મતલબ એક જ છે કે જ્યારે કોઈ વાતની હદ વટી જાય ત્યારે ધરખમ સ્પોર્ટીંગ સ્પીરીટ ધરાવતો વ્યક્તિ પણ પોતાનો ગુસ્સો રોકી શકતો નથી. ટૂંકમાં કહીએ તો દરેક બાબતની એક લીમીટ હોય છે અને હોવી જ જોઈએ. આ લીમીટ માત્ર કોઈની મજાક ઉડાવવામાં નહીં પરંતુ તે મજાક માટે વપરાયેલી ભાષા પ્રત્યે પણ એટલી જ લાગુ પડે છે.

મારા દાદી કાયમ કહેતા કે પોતાની માની ઓળખાણ મારા બાપની બૈયર તરીકે ન અપાય. એટલે કે જ્યારે જ્યાં જે શોભે એ જ બોલાય. તન્મય ભટ્ટ કદાચ આ લીમીટ ભૂલી ગયા છે અને એટલેજ એમણે લતા મંગેશકર અને સચિન તેન્દુલકરને ઇન્વોલ્વ કરતો પેલો વિડીયો બહાર પાડ્યો અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે તન્મય જે સ્ટેન્ડ અપ કોમેડિયનોના ગ્રુપના સભ્ય છે તે AIBના ગયા વર્ષે થયેલા ‘રોસ્ટ’ ના કાર્યક્રમ વખતે મેં લખ્યું હતું AIB Roast – શીરાની થુલી આમ થાય! એ જ ભૂલ અહીં તન્મયે ખુદે દોહરાવી છે, એટલેકે હ્યુમર સાવ ઓછું અને અભદ્ર ભાષા અને ચેષ્ટાઓનું પ્રમાણ વધુ. જો આ જ વસ્તુને તન્મય અને તેના ટેકેદારો હ્યુમર ગણતા હોય તો ભારતમાં હ્યુમરનો અત્યારે મહાદુષ્કાળ છે એ હકીકત માનવામાં શંકાને કોઈજ સ્થાન ન હોવું જોઈએ. રોસ્ટ વખતે પણ સવાલ ઉઠ્યો હતો કે અભિવ્યક્તિની આઝાદી તો ખરી પરંતુ શું આપણો સમાજ આ બધું સ્વિકારવા તૈયાર છે? AIB રોસ્ટના એક વર્ષ અને ચાર મહિના બાદ પણ આ સવાલનો જવાબ ના માં જ આવે છે.

ગત ફેબ્રુઆરીથી આપણે ત્યાં અભિવ્યક્તિની આઝાદી પર બહુ કહેવાઈ ચૂક્યું છે. સોશિયલ મીડિયામાં તેણે FoE (Freedom of Expression) ના હુલામણા નામે બોલાવવામાં આવે છે. ત્યારે પણ એક મત એવો હતો કે FoE એટલે બધીજ છૂટ તો બીજો મત એવો પણ હતો કે બધીજ છૂટ પણ એક દાયરામાં રહીને. તે વખતે કન્હૈયા કુમારને ભારત વિરોધી સુત્રોચ્ચાર કરવાની આઝાદી છે એવો મત વ્યક્ત કરનારાઓ સામે એક સિમ્પલ દલીલ હતી કે ભારતમાં રહીને ભારત સરકારની નીતિઓનો વિરોધ થઇ શકે પરંતુ દેશ વિરુદ્ધ તેના ટુકડેટુકડા કરી નાખતા સૂત્રો પોકારવાનો હક્ક કોઈને પણ નથી. બિલકુલ આવું જ તન્મય ભટ્ટના કેસમાં પણ થયું છે અને જેવી રીતે કન્હૈયા કુમારની ઘટનાને ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ આપીને એના રંગરૂપ બદલી નાખવામાં આવ્યા હતા એવું જ કશુંક આ કેસમાં પણ ઓલરેડી શરુ થઇ ગયું છે.

સચિન અને લતાજી એ દેશના આઇકોન છે, પણ તેઓ મજાકથી પર નથી. સુરેશ મેનન અને સુગંધા મિશ્રાના આ બંને ઉપરની હ્યુમર એક વખત જોઈ લેનારને તન્મયની મજાક ભદ્દી જ નહીં પરંતુ ઉબકા આવે એવી જ લાગશે. તન્મયનો પક્ષ લેનાર આજે પણ FoEનું પૂછડું પકડીને બેઠા છે, પરંતુ FoEની લીમીટ વિષે ચર્ચા કરવા તેઓ તૈયાર નથી. તો કેટલાક ચોખલિયાઓ એ સોશિયલ મીડિયા પર એમ ઢસડી નાખ્યું કે, “અમે સચિન અને લતાના બહુ મોટ્ટા ફેન્સ છીએ પણ અમને તન્મયની મજાક સાથે કોઈજ વાંધો નથી કારણકે દેશમાં FoE છે!!”  આ લોકોને કદાચ એ ખબર નથી અથવાતો અમુક કારણોસર એ માનવા તૈયાર નથી કે મજાક અને ગાળમાં ફેર છે. જે સુરેશ મેનન કે સુગંધા મિશ્રા કરે છે એ મજાક છે અને જે તન્મય બોલ્યો એ ગાળ એટલેકે અંગેજીમાં કહીએ તો અબ્યુઝ છે!

જેમ આગળ મેં મારા દાદીની વાત કરી એમ આપણે ત્યાં એક એવો રૂઢીપ્રયોગ પણ છે કે આપણે મરતા વ્યક્તિને પણ મર નથી કહેતા. જ્યારે તન્મય એના વિડીયોમાં તો એક જગ્યાએ સચિન બનીને લતાજીને (જે એ ખુદ બન્યો હતો) “ફલાણો મરી ગયો તો તમે પણ મરી જાવ” એવું કહેતો જોવા મળે છે. મજાકથી કોઈને ખોટું લાગી શકે છે, પણ જો એ મજાક જો શાલીનતાથી કરવામાં આવી હશે તો મજાક કરનારના સપોર્ટમાં ઘણાબધા લોકો આવી જશે. આપણે ત્યાં અપમાનજનક મજાક કરનારા વ્યક્તિના સપોર્ટમાં પણ ઘણાબધા લોકો આવી પહોંચ્યા છે અને એ પણ પેલું FoEનું પૂછડું પકડીને. અમુક વ્યક્તિઓ કન્હૈયા કુમારની ઘટના સમયે પણ સલાહો આપતા હતા કે આવા વ્યક્તિઓને ઇગ્નોર કરવા જોઈએ, પરંતુ જ્યારે પહેલા દેશનું અને પછી દેશના આઇકોન્સનું અપમાન થતું હોય ત્યારે આવા વ્યક્તિઓને ઇગ્નોર કેમ કરી શકાય?

વળી, કન્હૈયા કે તન્મય પ્રકારના લોકોને એટેન્શન જોઈતું હોય છે એમને એમની પ્રોડક્ટ વેંચવી હોય છે. કદાચ આ માટે જ એલોકો કોઇપણ હદ વટાવી જવા માટે તૈયાર હોય છે અને એથીજ એમને એમની હદ બતાવવા માટે એમને ઇગ્નોર તો ન જ કરાય. જેમ એમની પાસે FoE છે એમ એમને રોકનાર પાસે પણ FoE છે જ. જેમ એમને કોઈને અબ્યુઝ કરવાનો હક્ક (??) છે તો એમના આ દુષ્કૃત્યથી હર્ટ થનારા વ્યક્તિઓને એમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવાનો હક્ક છે. દેશના લેજન્ડ્સ સામેના આ પ્રકારના અબ્યુસીવ વિડીયોઝ હટાવી લેવાથી જો FoEનું હનન થતું હોય તો પછી આપણા દેશને લેજન્ડ્સ કે આઇકોન્સ ધરાવવાનો કોઈજ હક્ક નથી. અને હા જો એબ્સોલ્યુટ ફ્રિડમ જોઈતી હોય તો પછી અમેરિકા જેવી એબ્સોલ્યુટ ફ્રિડમ લઇ આવો જેમાં કોઇપણ વ્યક્તિ, ધર્મ કે જાતી પર કરેલી ટીખળને એકસરખું રક્ષણ મળે છે અને લઘુમતી-બહુમતીનો ભેદ જોવામાં આવતો નથી.

ભારત એ અમેરિકા નથી અને અમેરિકા એ ભારત નથી એટલે અહીં જે થાય તે ત્યાં ન થાય અને ત્યાં જે થાય એ અહીં ન થાય એ સ્વાભાવિક ઘટના છે. આથી જ્યારે પોતાને ગમતી FoE પર જ્યારે ઘાત થાય ત્યારે અમેરિકાની દુહાઈ દેવાની અને જ્યારે અણગમતી FoE પર ઘાત થાય ત્યારે અહીંનો કાયદો બતાવવાનો એવા ડબલ સ્ટાન્ડર્ડ્સ હવે નહીં ચાલે. હા તન્મય જો મહારાષ્ટ્રમાં શો કરશે તો એના હાડકા ભાંગી નાખશું એવી દાદાગીરી કે પછી લતા અને સચિન મરાઠી હોવાથી જ તન્મયનો વિરોધ થાય એવો સિલેક્ટીવ વિરોધ પણ ન ચલાવી લેવાય.

કરડીએ નહીં પરંતુ ફૂંફાડો તો મારવો પડે ને?

||| સ્ટમ્પસ |||

તન્મય જેવા વ્યક્તિઓને ઇગ્નોર કરવા જોઈએ એવી સલાહ આપનાર રાજદીપ સરદેસાઈએ ગયા મહીને તેનો સતત વિરોધ કરનાર ટ્વિટર ફોલોઅર્સને અબ્યુસીવ મેસેજ મોકલ્યા બાદ મોઢું છુપાવવા કેટલોક સમય પોતાનું ટ્વિટર અકાઉન્ટ ડિસેબલ કરી દીધું હતું.

૩૧.૦૫.૨૦૧૬, મંગળવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *