ફેસબુક ફ્રેન્ડ લીસ્ટ નાનું કરવું છે? આ રહી કેટલીક સિમ્પલ ટીપ્સ

લગભગ બે વર્ષ પહેલાની વાત છે, હું મારા કોઈ મિત્રની ઓફિસે એમને મળવા ગયો હતો. એમણે મને એમની કેબીનમાં તો તરતજ બોલાવી લીધો પણ પછી પાંચ મિનીટ વેઇટ કરવાનું કહ્યું અને પોતાના લેપટોપ પર લાગી પડ્યા. પાંચેક મિનીટ એમના હાવભાવ જોઇને એમ થયું કે ભાઈશ્રી ખૂબ મહત્ત્વનું કામ કરી રહ્યા છે. એ મિત્ર પાછા પોતાના વચનના પાક્કા એટલે બરોબર પાંચ મિનીટ બાદ પોતાનું લેપટોપ ઓલવી દીધું અને મને ઓફીશીયલ આવકાર આપ્યો.

મારી જીજ્ઞાસા સંતોષવા મેં એમને કહ્યું કે, “બહુ ઈમ્પોર્ટન્ટ કામ હતું કાં?”

તો એ મિત્ર બોલ્યા.. “હા, ફેસબુકમાંથી કચરો સાફ કરી રહ્યો હતો!”

મને નવાઈ લાગી કે ફેસબુકમાં વળી કેવો કચરો હોય? મારા આ પેટા પ્રશ્નનો જવાબ આપતા મારા આ મિત્રે મને જણાવ્યું કે એમના ફેસબુક મિત્ર મંડળમાં જે કોઈ પણ મિત્ર એમની પોસ્ટ પર લાંબા સમય સુધી લાઈક કે કમેન્ટ ન કરે એને તેઓ અન-ફ્રેન્ડ કરી રહ્યા હતા અને આ પ્રોસેસને તેઓ ખુબ ગર્વથી ‘ફેસબુકમાંથી કચરો સાફ કરવાની વિધિ’ ગણાવી રહ્યા હતા. જોકે મારા આ જ મિત્ર અમારી આ મુલાકાતના અમુક મહિનાઓ અગાઉ જ પોતે ફેસબુકમાં પાંચ હજાર મિત્રોની લીમીટ ક્રોસ કરી લીધી હોવાની જાહેરાત પણ પોતાની વોલ પર એટલાજ ગર્વ સાથે કરી હતી. ટૂંકમાં જ્યારે આપણને પાંચ હજાર મિત્રોની જરૂર હતી અને સોશિયલ મીડિયામાં આપણો દબદબો દેખાડવો હતો ત્યારે  આપણે જ આડેધડ જેમને એડ કરી રહ્યા હતા એ બધા એ સમયે આપણા ‘મિત્રો’ હતા અને પછી જ્યારે એમાંથી કેટલાક તમારી પોસ્ટ્સને રેગ્યુલરલી લાઈક કે કમેન્ટ ન આપી શક્યા એટલે ‘કચરો’ થઇ ગયા? વાહ!

ફેસબુક પર પાંચ હજાર વ્યક્તિઓ તમારા મિત્ર મંડળમાં હોય એ ખરેખર ગમે એવી હકીકત છે, મેં ખુદે પણ મારા એ મિત્રની જેમજ પાંચ હજાર મિત્રની લીમીટ ટચ કરતી વખતે જોરશોરથી જાહેરાત કરી હતી. પણ, એક વાત શાંતિથી વિચારવા જેવી છે કે જો તમે પાંચ હજાર નહીં પણ ભલે પાંચસો વ્યક્તિઓને પણ પોતાના ફેસબુક વર્તુળમાં ઉમેર્યા છે તો શું તમે એ પાંચસોએ પાંચસો વ્યક્તિઓની દરેક પોસ્ટને લાઈક કે કમેન્ટ આપવા જઈ શકવાના છો? નહીં ને? તો પછી તમે એવું કેવીરીતે માની શકો કે એ પાંચસોએ જણા તમારા પર દરરોજ સમરકંદ બુખારા ઓવારી જઈને તમારી દરેક નહીં તો કેટલીક પોસ્ટ્સ પર તો કમેન્ટ કે લાઈક આપશેજ?

આમ થવું બિલકુલ શક્ય નથી નહીં કે ઉપર જણાવ્યા મુજબનું ઓબવિયસ કારણ એમાં જવાબદાર છે પણ એટલે શક્ય નથી કારણકે ફેસબુક ખુદ એક વિજ્ઞાન નામે અલગોરિધમ પ્રમાણે ચાલે છે. મને આ અલગોરિધમ કઈ બલા છે એનો તકનીકી ખ્યાલ નથી કારણકે હું એ પ્રકારનો વ્યક્તિ નથી, પણ રેગ્યુલર ફેસબુક યુઝર તરીકે મેં કેટલાક ઓબ્ઝર્વેશન કર્યા છે અને એના પરથી મને ખ્યાલ આવ્યો છે કે કેમ આપણી ઘણી પોસ્ટ પર કમેન્ટ કે લાઈક આપવી આપણા ફેસબુક વર્તુળમાં રહેલા દરેક વ્યક્તિ માટે સરળ નથી. તો પહેલાં જોઈએ એ કારણો અને પછી જોઈએ કે આપણે કેવીરીતે આપણા ફાટફાટ થતા ફેસબુક મિત્રોના લીસ્ટને નાનું કરી શકીએ છીએ અને એપણ વગર ‘કચરો’ સાફ કરીને.

ફેસબુકનું અલગોરિધમ કેવીરીતે કામ કરે છે? (માત્ર અવલોકન)

તમે કોઈવાર નોંધ્યું છે કે તમે તમારા કોઇપણ ખાસ ફેસબુક મિત્રની પોસ્ટ વધુ વખત લાઈક કરી છે કે એના પર તમે રેગ્યુલર કમેન્ટ કરો છો તો એ મિત્રની પોસ્ટ તમને તમારી ટાઈમલાઈન પર વધારેને વધારે જોવા મળે છે? જો નોંધ્યું ન હોય તો આ વાંચ્યા પછી જરૂર નોંધજો. આ ઉપરાંત તમે જે મિત્ર સાથે ફેસબુક મેસેન્જર પર વધુ વાતો કરી હોય એ મિત્રોની પોસ્ટ્સ પણ તમને વધુને વધુ જોવા મળશે. (મને તો એવો પણ ડાઉટ છે કે ફેસબુકે વ્હોટ્સ એપને ખરીદી લીધા પછી આપણી વ્હોટ્સ એપની એક્ટીવીટી પ્રમાણે પણ ફેસબુક ઘણીવાર વરતે છે, પણ  હજીસુધી આ શંકાનો કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.) ટૂંકમાં એક નોન-ટેક્નીકલ વ્યક્તિ તરીકે મારું અવલોકન એટલુંજ છે કે ફેસબુકના એ અલગોરિધમને એવું લાગે છે કે જે વ્યક્તિની પોસ્ટ તમે વારંવાર લાઈક કરો છો કે એના પર કમેન્ટ કરો છો એ વ્યક્તિ તમારા માટે ખાસ લાગે છે અને  આથીજ એની પોસ્ટ એણે તમારી સામે વધુને વધુ લાવવી જોઈએ.

હવે કોઈક વખત એવું બની શકે કે એ ખાસ વ્યક્તિ દિવસમાં પાંચથી છ પોસ્ટ્સ કરતો હોય અને તમે જો દિવસમાં માત્ર એક કે બે વખત જ ફેસબુક પર લોગઈન કરતાં હોવ તો તમને એ પાંચેય પોસ્ટ સહુથી પહેલી દેખાય અને એ પાંચેય પોસ્ટ્સ પર લાઈક કે કમેન્ટ આપ્યા પછી તમને અચાનક કોઈ કામ યાદ આવી ગયું હોય અથવાતો કોઈ ખાસ કૉલ આવી ગયો હોય અને તમે ફેસબુક પરથી લોગ આઉટ થઇ ગયા હોવ તો બાકીના મિત્રોની પોસ્ટ્સ પર લાઈક કે કમેન્ટ કરવાનું રહી જાય. શું આવું ડીટ્ટો તમારા એ ‘કચરો’ ગણાઈ ગયેલા મિત્ર સાથે નહીં થતું હોય એની શું ગેરંટી?

ફેસબુક પર વધારે મિત્રોની પોસ્ટ્સ જોઈ શકાય એના રસ્તાઓ

રસ્તાઓ સિમ્પલ છે. તમે જો ફેસબુક તમારા કમ્પ્યુટર કે લેપટોપ પર યુઝ કરતા હોવ તો તમારી ડાબી તરફ ‘News Feed’ લખેલું જોવા મળશે. એની બરોબર બાજુમાં ત્રણ ડોટ્સ હશે, એના પર ક્લિક કરો. અહીં બે ઓપ્શન્સ મળશે. એક ઓપ્શન છે, Top Stories અને બીજું છે, Most Recent. (ફેસબુકની એન્ડ્રોઇડ એપમાં Most Recentનું અલગથી ઓપ્શન છે અને Top Stories બાય ડીફોલ્ટ રહે છે.) Top Storiesને કેમ Top Stories કહી છે એ તો ભગવાન જાણે, પણ મારા અનુમાન પ્રમાણે જે પણ પોસ્ટ વધુ ચર્ચામાં હોય એ Top Stories ગણાતી હશે.

મારા મતે યોગ્ય રસ્તો એ છે કે જો તમે દિવસનો મોટોભાગ મારી જેમ કમ્પ્યુટર કે લેપટોપ પર ગાળતા હોવ તો Most Recent ઓપ્શન પસંદ કરવું કારણકે એપ પર તો Top Stories બાય ડીફોલ્ટ છે જ. આનાથી શું થશે કે તમને તમારા મિત્રોની તાજી પોસ્ટ્સ જોવા મળશે અને તમે એના પર લાઈક કે કમેન્ટ કરવાથી નહીં ચૂકો. હા, અહીં પણ તમારે દર બે કે ત્રણ દિવસે Top Stories માંથી Most Recent નું સિલેકશન કરવું પડશે કારણકે એ અમુક સમય બાદ આપોઆપ બદલાઈ જતું હોય છે.

એટલે, એપ પર એક ઓપ્શન અને કમ્પ્યુટર પર બીજું ઓપ્શન રાખવાથી તમામ મિત્રોને સરખો ન્યાય મળી શકશે, આવું એક સામાન્ય અવલોકન મેં કર્યું છે. આમ કરવાથી એ ફાયદો થશે કે તમારું ફેસબુક મિત્ર વર્તુળ નાનું હોય કે મોટું તમે મોટાભાગના એક્ટીવ મિત્રોની પોસ્ટ્સ જો તમને ગમે તો તેના પર લાઈક કે કમેન્ટ કરી શકશો. હા, અહીં પણ થોડા સમય બાદ અલગોરિધમ પોતાનો રંગ દેખાડશેજ એટલે એ મિત્રોની પોસ્ટ્સ જેના પર તમે વધારે મહેરબાન થયા હશો એની પોસ્ટ્સ તમને વધુ દેખાશે.

જો તમે કોઇ ખાસ મિત્રની કોઇપણ પોસ્ટ ન ગુમાવવા ઈચ્છતા હોવ તો તમે તમારા સ્ક્રિનની ડાબી તરફ આવેલા ‘Friends Lists’ ઓપ્શનનો લાભ લઇ શકો છો અને એક કે એકથી વધારે  લીસ્ટ બનાવી એમાં એ મિત્રોને ઉમેરી શકો છો. આ ઉપરાંત જો કોઈ જન્મોજન્મનો મિત્ર કે સખી હોય તો એની પ્રોફાઈલ પર જ્યાં ‘Friends’ લખ્યું છે ત્યાં તમારું માઉસ લઇ જશો તો એક ડ્રોપ ડાઉન મેન્યુ ખુલશે એમાં ‘Close Friends’નું ઓપ્શન દેખાશે. બસ આ ઓપ્શન પર ક્લિક કરો અને તમે એ મિત્ર કે સખીની કોઇપણ પોસ્ટ મીસ નહીં કરો કારણકે ફેસબુક ખુદ તમને એની દરેક પોસ્ટ અપડેટનું નોટીફીકેશન મોકલતું રહેશે.

હવે આટઆટલી તકલીફો હોય અને તો પણ તમે એવું ઈચ્છો કે તમારા લીસ્ટનો દરેક વ્યક્તિ જો તમારી કોઈ પોસ્ટ પર લાઈક કે કમેન્ટ નથી કરતો અને આથી એને ‘કચરો’ ગણીને સાફ કરી દઉં, તો એ પેલા વ્યક્તિ પર સરાસર અન્યાય નથી?

જો પાંચ હજારની લીમીટ અડી ગયા હોવ અને કોઈ મહત્ત્વના વ્યક્તિની ફ્રેન્ડ રીક્વેસ્ટ તમે સ્વીકારી નથી શકતા તો એ તકલીફ દૂર કરવાના કેટલાક રસ્તા મેં શોધી રાખ્યા છે કારણકે આપણે એવી તો રાહ ન જ જોઈ શકીએ કે કોઈ આપણને સામેથી અનફ્રેન્ડ કરે કે પછી પોતાની પ્રોફાઈલ ડીલીટ કરે અને પછી જગ્યા થાય ત્યારે એ વ્યક્તિને એડ કરું? વળી, હવે તો આપણે એ પણ જાણી ચૂક્યા છીએ કે કેટલાક ટેક્નીકલ કારણોસર આપણી દરેક પોસ્ટ પર લાઈક કે કમેન્ટ ન કરી શકનારને આપણે જ દૂર કરી દઈએ અને જગ્યા કરી દઈએ એવું પણ શક્ય નથી અથવાતો એમ કરવું યોગ્ય નહીં ગણાય.

તો પછી રસ્તો શું છે? રસ્તા છે અને એક નહીં પરંતુ બે રસ્તા છે. તો ચાલો જાણીએ એ બંને રસ્તાઓ અંગે.

કોઇપણ વ્યક્તિ ફેસબુક પર કાયમ એક્ટીવ ન જ રહી શકે એ સમજી શકાય છે. આપણે પણ ઘણીવાર કોઈ કારણોસર એક-બે દિવસથી માંડીને અઠવાડિયાઓ સુધી ફેસબુક પર દેખા નથી દેખાડતા હોતા એટલે આવું અન્યો સાથે પણ થઇ શકે છે એ સ્વાભાવિક છે. પણ તેમ છતાં એની કોઈ લીમીટ તો હોયને? જો આપણા ફેસબુક મિત્ર વર્તુળમાં કોઈ વ્યક્તિ એક છ મહિનાથી માંડીને એક વર્ષ કે બે-બે વર્ષ સુધી ફેસબુક પર આવ્યો જ ન હોય તો શું એણે આપણા ફેસબુકના વર્તુળમાં રહેવું જોઈએ? કદાચ ના. તો આ પ્રકારની પ્રોફાઇલોને દૂર કરવામાં આવે તો ફેસબુકની આપણી પાંચ હજારની લિમિટમાં પર આપોઆપ જગ્યાઓ થવા લાગશે. છેલ્લા ત્રણેક મહિનાથી જે બે રસ્તાઓની વાત હું કરવાનો છું તેના પર ચાલીને મેં મારી ફેસબુકની પાંચ હજારની લિમિટમાંથી લગભગ સવાસો જેટલા વ્યક્તિઓને દૂર કરી દીધા છે.

રસ્તો ૧: એમના જન્મદિવસોનો લાભ લ્યો.

કોઈના જન્મદિવસે જ એને અનફ્રેન્ડ કરવો એ આમ તો યોગ્ય ન ગણાય પણ જો એ વ્યક્તિ છેલ્લા છ-આઠ મહિના કે વર્ષ-દોઢ વર્ષથી ફેસબુક પર જ નથી આવતો તો પછી એને એના જન્મદિવસે એને ફોગટમાં વિશ કરવાને બદલે એને દૂર પણ કરી શકાય છે. આમ કરવા માટે તમે ફેસબુકે આજે તમને જે-જે વ્યક્તિને એના જન્મદિવસે વિશ કરવાનું કહ્યું છે એની પ્રોફાઈલ વિઝીટ કરી શકો છો અથવાતો નીચે આપેલા સ્ટેપ્સને વન બાય વન ફોલો કરી શકો છો.

 1. આજે જેનીજેની પણ બર્થડે હશે તેના વિષે તમારા કમ્પ્યુટર સ્ક્રિનની જમણી તરફ ગીફ્ટ આઇકનની બાજુમાં ‘XYZ and 17 others’ એવું લખ્યું હશે, તેના પર ક્લિક કરો.
 2. જે-જે મિત્રોને તમે અંગતરીતે જાણો છો એમને અથવાતો જે તમને ફેસબુક પર સદાય એક્ટીવ દેખાતા હોય એ તમામને સહુથી પહેલાં બર્થડે વિશ કરી દો.
 3. હવે બાકી જે રહ્યા એમના નામ પર તમારું માઉસ લઇ જાવ.
 4. આમ કર્યા બાદ એક નાનકડી બારી ખુલશે, જો તમારું નસીબ કામ કરતું હશે તો આ બારીમાં બીજી કે ત્રીજી લાઈનમાં લખ્યું હશે ‘2 (આ નંબર બદલાઈ શકે છે) new posts’. આનો મતલબ એમ કે આ મિત્ર એક્ટીવ છે અને એમણે તાજેતરમાં જ કશુંક પોસ્ટ કર્યું છે એટલે એમને અનફ્રેન્ડ કરવાની જરૂર નથી. હવે એમને બર્થડે વિશ કરીને આગળ વધો. જો તમને અહીં એની કોઈ new post ન દેખાય તો કદાચ એની કોઈ લેટેસ્ટ એક્ટીવીટી પણ દેખાશે, જેમકે એમણે તાજેતરમાં કયું સ્થળ વિઝીટ કર્યું અથવાતો કેન્ડીક્રશ ફલાણા દિવસે રમી વગેરે. મતલબ કે આ મિત્ર પણ એક્ટીવ જ છે.
 5. જો કોઈ ફેસબુક યુઝર એક-બે દિવસથી વધારે દિવસ કોઈપણ પોસ્ટ નથી કરતો તો ઉપરના સ્ટેપમાં એની નવી પોસ્ટ વિષે કોઈ માહિતી નહીં હોય, જો પેલી ખુલેલી બારીમાં આ પ્રમાણેની સ્થિતિ હોય તો એ મિત્રના નામ પર ક્લિક કરીને એની પ્રોફાઈલ વિઝીટ કરો. અહીં રાઈટ ક્લિક કરીને નવી વિન્ડો ખોલવાથી બાકીની પ્રોફાઈલ્સ જોવામાં વધુ સરળતા રહેશે.
 6. હવે અહિયાં કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. ઘણા સમય અગાઉ ફેસબુકે એવું પરિવર્તન કર્યું છે કે જો તમે લાંબા સમય સુધી કોઈની પ્રોફાઈલ વિઝીટ ન કરી હોય તો એ યુઝરની કેટલીક જૂની પોસ્ટ્સ એની લેટેસ્ટ પોસ્ટ્સ કરતાં પણ ઉપર દેખાશે, એટલે જો તમને એમ લાગે કે આ મિત્ર તો મહિનાઓથી પણ વધુ સમય ઇનએક્ટીવ છે તો તમે કદાચ ખોટા પડશો, એટલે બહેતર એ છે કે તમે એની પ્રોફાઈલમાં છેક ઉંડે સુધી ઉતરો અને બને તો એની લેટેસ્ટ પોસ્ટ કેટલા દિવસો કે મહિનાઓ જૂની છે એ જુવો. જો એની છેલ્લામાં છેલ્લી પોસ્ટ અમુક મહિનાથી જૂની ન હોય તો મારા અંગત મતે એને અનફ્રેન્ડ ન કરાય કારણકે એણે કદાચ ફેસબુક પરથી ટેમ્પરરી બ્રેક લીધો હોય એવું બની શકે છે. મેં મારી રીતે આ પ્રકારની પ્રોફાઈલ્સ માટે છએક મહિનાનો સમયગાળો નક્કી રાખ્યો છે, આથી જો એનાથી પણ વધુ લાંબો ગેપ હોય તો હું એને અનફ્રેન્ડ કરી દઉં છું.
 7. સૌથી સરળ રીત છે એના પ્રોફાઈલ પીકની તારીખ ચેક કરવાની. જો કોઈ મહાનુભાવે વર્ષ-દોઢ-વર્ષથી પણ વધુ સમય સુધી પોતાની પ્રોફાઈલ પીક બદલવાની ચિંતા ન કરી હોય તો પછી એ ફેસબુક પર ઇનએક્ટીવ જ હોઈ શકે છે એવું માની લેવું પડે. જો કે આ પધ્ધતિ સો ટકા પ્રૂફ નથી કારણકે મારા એવા ઘણા મિત્રો છે જે એક્ટીવ તો છે પણ ઘણા સમયથી એકનુંએક પ્રોફાઈલ પીક ધરાવે છે. એટલે આવા કિસ્સાઓમાં એની પ્રોફાઈલને પૂરેપૂરી ચેક કરવી જરૂરી છે અને જો ઉપર જણાવ્યા પ્રમાણે મહિનાઓ સુધી ઇનએક્ટીવ હોય તો જ એને અનફ્રેન્ડ કરી શકાય.

રસ્તો ૨: On this day ફીચર

ઉપર જણાવેલા તમામ સ્ટેપ્સ તમે બીજી રીતે અપનાવી શકો છો. આ માટે તમારે તમારા કમ્પ્યુટરના સ્ક્રિનની ડાબી તરફ ‘On this day’ નામક ઓપ્શન પર ક્લિક કરવાનું આવશે. આ ફીચર અમસ્તુંય મારું ફેવરીટ છે કારણકે એ મને છેલ્લા છ થી સાત વર્ષોથી મેં ફેસબુક પર શું શું ‘કાંડ’ કર્યા છે એની આ ફીચર માહિતી આપે છે. અહીં પણ તમને તમારા મહિનાઓ કે વર્ષોથી ઇન-એક્ટીવ રહેલા મિત્રોની ભાળ આરામથી મળી જશે. અહીં તમારી છેલ્લા અમુક વર્ષોની એક્ટીવીટી ઉપરાંત જે-જે દિવસે તમે જે-જે વ્યક્તિ સાથે ફેસબુક મિત્રતા બાંધી હોય એની માહિતી પણ મળશે. તમારે તો બસ ઉપર જે સ્ટેપ્સ આપ્યા છે એ મુજબ ચેક કરી લેવાનું છે કે એ વ્યક્તિ કેટલા સમયથી ફેસબુકથી દૂર રહ્યો છે અને જો યોગ્ય લાગે તો એને અનફ્રેન્ડ કરી દેવાનો કે દેવાની છે.

આ ઉપરાંત તમે આ કારણોથી પણ પ્રોફાઈલ્સને અનફ્રેન્ડ કરીને તમારું ફેસબુક લીસ્ટ ઘટાડી શકો છો.

 • ફેક પ્રોફાઈલ્સ: ફેક પ્રોફાઈલ ચલાવતો વ્યક્તિ ગમે તેટલી સારી પોસ્ટ્સ આપતો હોય પણ એ જો પોતાની ખરી ઓળખ આપવાની હિંમત નથી દેખાડી શકતો તો એને અનફ્રેન્ડ કરી જ દેવો જોઈએ. મને ખ્યાલ છે કે પાંચ હજાર પહોંચવાની લ્હાયમાં તમે પણ મારી જેમજ ફેક પ્રોફાઈલ્સને પણ એડ કરી હશે, પણ હવે એટલી પ્રોફાઈલ્સ પૂરતી છે એમાંથી પણ ઘણી પ્રોફાઈલ્સ તમે ચાહો તો ઉપર આપેલી પધ્ધતિ ફોલો કરીને અનફ્રેન્ડ કરી શકો છો. ફેક પ્રોફાઈલ્સ પરથી નવી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો એને રીજેક્ટ કરવાની હિંમત દાખવો અથવાતો એને મેસેજ કરીને એની ખરી ઓળખ માંગો, જો એ પોતાનું સાચું નામ આપે તો જ એનો સ્ક્રિનશોટ સાચવી અને પછી જ એ રીક્વેસ્ટ સ્વીકારો નહીં તો રીજેક્ટ કરો.
 • ધંધાદારી પ્રોફાઈલ્સ: ફેસબુકે તમારા ધંધાને વધારવામાં મદદ કરવા માટે પેઈજની વ્યવસ્થા આપી જ છે, પણ તેમ છતાં ઘણા યુઝર્સ પોતાના નામે પ્રોફાઈલ બનાવવાને બદલે અમુક તમુક ઇલેક્ટ્રિક્સ કે ફલાણા ઢીંકણા ટ્રાવેલ્સના નામે પણ પ્રોફાઈલ બનાવે છે. ઘણીવાર ખરા નામે તમને એડ કરીને પછી અમુક મિત્ર સંખ્યા બનાવીને એના ધંધાને નામે પ્રોફાઈલનું નામ ચેઈન્જ કરી નાખે છે. આમાં તમે મલ્ટી લેવલ માર્કેટિંગના સૈનિકોને પણ ઉમેરી શકો. આ વ્યક્તિઓને ટાટા બાય બાય કરવી જ યોગ્ય છે કારણકે આ પ્રકારની વ્યક્તિઓ તમને કોઈને કોઈ દિવસે તો મેસેજમાં કે તમારી વોલ પર પોતાના ધંધાનો પ્રચાર કરશે જ જો તમારી વોલ પણ મારી વોલની જેમજ ઓપન હશે તો એનું આ કૃત્ય એટલુંજ તકલીફ આપનારું હશે જેટલું તમારા બંગલાની દીવાલ પર કોઈ રાતોરાત આવીને પોતાના ટ્યુશન ક્લાસની જાહેરાત ચીતરી જાય.
 • હથોડાછાપ પ્રોફાઈલ્સ: અમુક લોકોની પીન અમુક જગ્યાએ જ ચોંટી જતી હોય છે પછી એ મોદી હોય, યોગી હોય, રાહુલબાબા હોય, હિંદુ હોય, મુસ્લિમ હોય કે કોઇપણ વિષય હોય. આ વ્યક્તિઓ એક વખત એક વિષય પકડે પછી એની છાલ ન છોડે અને આપણને હથોડા મારતા જાય. મને કોઇપણ વ્યક્તિ ખૂબ ગમતી હોય કે જરાય ન ગમતી હોય પણ એના વિષેની પોસ્ટ વાંચવાની અને સહન કરવાની કોઈ લીમીટ હોયને? આવા વ્યક્તિઓથી પણ દૂર થવું સલાહભર્યું છે. જો કેટલાક કારણોસર તમે એમને અનફ્રેન્ડ નથી કરી શકતા તો એની પ્રોફાઈલ પર જઈ ‘Friends’ પર ક્લિક કરીને એને અનફોલો કરી શકો છો જેથી એની કોઇપણ હથોડા મારતી પોસ્ટ તમને તમારી ટાઈમલાઈન પર નહીં દેખાય.
 • અભદ્ર પ્રોફાઈલ્સ: આપણી સ્ત્રી મિત્રોને, આપણી પત્ની કે પતિને કે ઇવન આપણા કોઇપણ પુરુષ મિત્રને પણ અભદ્ર શબ્દોથી નવાજતા કે હેરાન કરતાં વ્યક્તિઓએ આપણા ફ્રેન્ડ લીસ્ટમાં પણ કેમ રહેવું જોઈએ? આમતો આવા વ્યક્તિઓ માટે બ્લોક જ એક માત્ર રસ્તો છે, પરંતુ તેમ છતાં તમે એમને એટલીસ્ટ અનફ્રેન્ડ તો કરી જ શકો છો.
 • નકલચી પ્રોફાઈલ્સ: વ્હોટ્સ અપ સુધી તો સમજ્યા પણ ફેસબુક પરની ઘણી પોસ્ટ્સની ઉઠાંતરી કરીને એને પોતાના નામે પબ્લીશ કરનારને પણ આરામથી અનફ્રેન્ડ કરી દેવો જોઈએ. આ બાબતની જ્યારે પણ ખાતરી થાય ત્યારે મારા અંગત મત મુજબ આવી વ્યક્તિને તરતજ અનફ્રેન્ડ કરી દેવી જોઈએ.
 • એલીયન પ્રોફાઈલ્સ: જેમ પાંચ હજારની સંખ્યા વહેલી તકે અચીવ કરવા માટે આપણે ફેક પ્રોફાઈલ્સને ધડાધડ એડ કરી હતી એમ કેટલીક એવી એલીયન પ્રોફાઈલ્સ પણ છે જેને આપણે એ ક્યાં રહે છે કે શું કરે છે એની ચિંતા કર્યા વગર એડ કરી દીધી હતી. આ એલીયન પ્રોફાઈલ્સ એટલે શું? આ એવી પ્રોફાઈલ્સ હોય છે જેની સાથે આપણને કોઈ સ્નાન સૂતકનો પણ સંબંધ ન હોય. ફોર એકઝામ્પલ, આપણે આપણી ફેસબુક પોસ્ટ્સ કાયમ ગુજરાતીમાં જ લખતા હોઈએ તોપણ આપણા ફ્રેન્ડ લિસ્ટમાં નેપાળનો વીર બહાદુર કેમ હોઈ શકે શાબજી? પણ વીર બહાદુરને પણ કદાચ ફેસબુકમાં પાંચ હજારી થવાની ચળ હશે એટલે એણે પણ આપણને ક્યાંક કોઈની પોસ્ટ પર કમેન્ટ કરતાં જોયા હોય કે ફેસબુકે ખુદે એમને આપણને રેક્મેન્ડ કર્યા હોય તો એકબીજાએ મજબુર થઈને એડ કરી લીધા હોય. પણ પછી વર્ષો સુધી આપણી અને એની વચ્ચે કોઈ જ વાટકી વ્યવહાર ન થયો હોય એવું બની શકે છે. તો આવા વીર બહાદુરોને આવજો કહી જ દો શાબજી.
 • દિવંગત પ્રોફાઈલ્સ: આપણા ફેસબુક સર્કલમાં એવા ઘણા વ્યક્તિઓ હશે જે અકાળે કે ઉંમરને લીધે અવસાન પામ્યા હશે. આપણે ઘણી વખત આ વ્યક્તિઓ સાથે લાગણીના સંબંધે પણ બંધાઈ જતા હોઈએ છીએ, પરંતુ હવે જ્યારે એમની સાથે કોઈ સંપર્ક જ નથી રહેવાનો તો એમને પણ મન મજબૂત કરીને અને અનફ્રેન્ડ કરીને વિદાય આપવી સલાહભર્યું રહેશે હેંને?

આ તમામ રસ્તાઓ પરનું અમલીકરણ શરૂઆતમાં તમારો ઘણો સમય લેશે, પણ જેમ જેમ તમારું લીસ્ટ નાનું થતું જશે અને તમને પણ જ્યારે આ બંને પધ્ધતિઓ વાપરવામાં હથોટી આવતી જશે પછી એટલોબધો સમય નહીં બગડે.

તો, આ સલાહોને અનુસરીને જો તમે તમારા અદોદળા ફ્રેન્ડ લીસ્ટને ટ્રીમ કરી શકશો તો નવા વ્યક્તિઓની એન્ટ્રી તમારા ફ્રેન્ડ લિસ્ટમાં થઇ શકશે અને જો તમે લકી હશો તો આ નવી એન્ટ્રીઓમાંથી જ તમને કોઈ હીરા જેવો મિત્ર કે સખી મળી જશે. મને તો આવો અનુભવ થઇ ચૂક્યો છે, શું તમે તૈયાર છો એવા અનુભવને બેય હાથે સ્વિકારવા માટે?

સ્ટમ્પસ!!!

ફેસબુક સ્ટમ્પસ

૦૧.૦૪.૨૦૧૭, શનિવાર (Fools Day)

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
Comments
 1. Rakesh

Leave a Reply to Rakesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *