કોમેન્ટેટર્સનો કકળાટ

ટ્વેન્ટી૨૦નો વર્લ્ડકપ પત્યો ત્યાંસુધી બધુંજ બરોબર હતું. અરે! IPLની શરૂઆતની અમુક મેચો સુધી પણ બધું પરફેક્ટ જ હતું પણ અચાનક બોમ્બ ફૂટ્યો! એક દિવસ સવાર સવારમાં જ ટ્વિટર પર હર્ષ ભોગલેનું નામ ટ્રેન્ડ થતા જોઇને એના પર ક્લિક કર્યું અને ખબર પડી કે તેમને BCCIએ પોતાના કોન્ટ્રેક્ટમાંથી મુક્ત કર્યા છે. વધુ તપાસ કરતાં અમુક એવી બાબતો ધ્યાનમાં આવી જેના પર આસાનીથી વિશ્વાસ ન કરી શકાય. આમાંથી એક બાબત એ હતી કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની એ વર્લ્ડકપની સૌથી રોમાંચક મેચ દરમ્યાન ભારત નહીં પણ બાંગ્લાદેશનો પક્ષ ખેંચનાર કોમેન્ટેટર્સની ખીંચાઈ કરતી ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે તેમણે ભારતનો પક્ષ લેવો જોઈએ. લગભગ બીજા જ દિવસે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંઘ ધોનીએ અમિતાભની એ ટ્વિટને રી-ટ્વિટ કરતાં ઉમેર્યું કે મારે આમાં કશું જ એડ કરવાની જરૂર નથી.

પછી તો વર્લ્ડકપેય પતી ગયો અને IPL પણ શરુ થઇ ગઈ, પણ જેમ ઉપર ચર્ચા કરી તેમ હર્ષ ભોગલેનો ભોગ જરૂરથી ધરાવાઈ ગયો. પછી તો વા વાયો ને નળિયું ખસ્યું અને વન પ્લસ વન ઈઝ ઇક્વલ ટુ ટુ, ની જેમ તમામે અમિતાભની ટ્વિટ ધોનીની રી-ટ્વિટ ને હર્ષ ભોગલેની વિદાય સાથે સાંકળી દીધી. આ બધું જોઇને ક્રિકેટ, ક્રિકેટરો અને IPL સાથે દર્શક સિવાયનો કોઇપણ સંબંધ ન હોવા છતાં તેમના પ્રત્યે કેટલાક કારણોસર શરીરનો અમુક ચોક્કસ ભાગ પર કાયમ બળતણ રાખતા આપણા કેટલાક ગુજરાતી કોલમિસ્ટો પણ જોડાઈ ગયા અને અમિતાભ અને ધોનીને હર્ષ ભોગલેની છુટ્ટી માટે જવાબદાર ગણાવીને તેમના પર પોતાના ગાલિપ્રદાનના શબ્દકોષો ઠાલવી દીધા. જો તેમણે એ મેચ દરમિયાન હિન્દી નહીં પરંતુ ઈંગ્લીશ કોમેન્ટ્રી ટ્યુન કરી હોત તો તેમને ખબર જ હોત કે એ મેચની છેલ્લી ઓવરોમાં હર્ષ ભોગલે નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાનો બ્રેન્ડન જુલિયન અને ભારતના લેજન્ડ સુનિલ ગાવસ્કર ઓનએર હતા, આથી હર્ષ ભોગલે વિષે અમિતાભે કશું કીધું હોય એ શક્ય જ નથી. પ્લસ ગાવસ્કરે તે સમયે વિકેટો ગુમાવી દેતા બાંગ્લાદેશી બેટ્સમેનોના શોટ્સની ટીકા પણ કરી હતી.

અરે ‘મિત્રોં’!! જરા વિચાર તો કરો? BCCI એના બાપનું પણ નથી સાંભળતું તો અમિતાભનું સાંભળે? ગાવસ્કર જેવા ગાવસ્કરની, જે ક્રિકેટ રમી ચૂક્યા છે અને લેજન્ડ છે તેમની હળવી ટીકાને પણ સહન ન કરી શકતા BCCIએ એકાદ-બે વર્ષ અગાઉ તેમને પણ પોતાની કોમેન્ટ્રી ટીમમાંથી થોડા સમય માટે દૂર કરી દીધા હતા તો અમિતાભ કઈ વાડીના મૂળા? પણ આ તો પેલા વનેચંદના પ્રિન્સીપાલ જેવું છે. BCCI કોઈ નેગેટિવ નિર્ણય લે એટલે આપણા ગુજરાતી કોલમિસ્ટો એના પર વગર વિચારે બસ તૂટી જ પડે પછી સામે અમિતાભ આવે કે પછી અક્ષય કુમાર. હા, BCCI કદાચ ધોનીનું જરૂર સાંભળે, પણ જો તમે ભારતીય ક્રિકેટને જરાક અમથું પણ ફોલો કર્યું હોય તો ધોનીનો દબદબો હવે શ્રીનિવાસનના સમયનો પચાસ ટકા જેટલો પણ નથી રહ્યો. કોહલીના વિરાટ ઉદય પછી BCCIના કેટલાક અધિકારીઓને ધોનીની હાજરી ખૂંચે છે પણ ધોનીનું મેદાન પર કદ એટલું મોટું છે કે એને આમ ભોગલેની જેમ કાઢી ન મૂકાય અને એટલેજ એને નિભાવી લેવાયો છે.

હવે પાછા ફરીએ હર્ષ ભોગલેની છુટ્ટી કેમ થઇ તેના પર. એક્ચ્યુલી ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ દરમ્યાન જ નાગપુરની એક મેચમાં બે ઇનિંગ વચ્ચે એક ખેલાડીનો ઇન્ટરવ્યુ લઈને ભોગલેએ તરતજ કોમેન્ટ્રી બોક્સમાં જઈને કોમેન્ટ્રી કરવાની હતી. હવે એવું કહેવાય છે કે નાગપુરના જામતા મેદાન પરનું કોમેન્ટ્રી બોક્સ ખૂબ ઉપર છે અને ઇનિંગ ઓલરેડી શરુ થવાની તૈયારી હોવાથી હર્ષ ભોગલેને પેલો ઇન્ટરવ્યુ પતાવીને રીતસર દોડવું પડ્યું હતું. છુટ્ટી થયા બાદની પોતાની કેટલીક ફેસબુક પોસ્ટ્સ પર ભોગલે એ જણાવ્યું પણ છે કે ઉપર પહોંચીને તેને રીતસર શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હવે આ બાબતે તેમણે વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના કોઈ અધિકારી સમક્ષ ટિપ્પણી કરી અને પેલા ભાઈ ગુસ્સે થઇ ગયા અને તેમની અને ભોગલે વચ્ચેની ચર્ચા થોડીક ઉગ્ર થઇ ગઈ. હવે હાલના BCCI પ્રમુખ શશાંક મનોહર આ જ નાગપુરના સ્ટેડીયમ સાથે સંકળાયેલા છે અને વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા બાદ જ તેમણે જૂનું સ્ટેડીયમ જે નાગપુર શહેરની વચ્ચે હતું તેને ખસેડીને બહાર લઇ ગયા છે. હવે તેમને પોતાના આ બાળકની ટીકા કેવી રીતે સહન થાય? બસ… હર્ષ ભોગલેને હાંકી કાઢવા માટે જેટલા સાચા-ખોટા કારણો જણાવવામાં આવી રહ્યા છે તેમાંથી આ કારણ પર વધુ વિશ્વાસ થાય તેવું છે.

પણ, અહીં મુખ્ય મુદ્દો એ છે કે શું એક કોમેન્ટેટર મેચ દરમ્યાન ન્યુટ્રલ જ હોવો જોઈએ? જેમ અમિતાભે અને ધોનીએ ફરિયાદ કરી કે જ્યારે ભારત રમતું હોય ત્યારે ભારતીય કોમેન્ટેટરોએ ભારતની જ તરફેણ કરવી જોઈએ. આ દલીલના વિરોધમાં એવું કહેવામાં આવ્યું કે શું બાંગ્લાદેશનો કોઈ ખેલાડી સારું રમતો હોય તોય એને ખરાબ કહેવાનો અને ભારતનો કોઈ ખેલાડી ખરાબ રમતો હોય તોપણ તેને સારો કહેવાનો? જી ના! ત્રણ વર્ષના બાળકને પણ ખબર પડી જાય કે આ એક બાલિશ દલીલ છે. એવું હોય પણ નહીં અને એવું કરાય પણ નહીં! અમિતાભના દર્દને સમજવું હોય તો આપણે એ દાયકાઓમાં જવું જોઈએ જ્યારે ભારતમાં ટેલિવિઝન ક્રિકેટ પા પા પગલી માંડી રહ્યું હતું. આ સમયે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા અને બાદમાં ઇંગ્લેન્ડની મેચો જ્યારે લાઈવ ટેલીકાસ્ટ થવા લાગી ત્યારે ખબર પડી કે રેડિયો પર અત્યાર સુધી સાંભળતાં હતા એ કોમેન્ટ્રી અને ટીવી પર આવતી કોમેન્ટ્રીમાં ફરક છે. રેડિયો સાંભળનાર વ્યક્તિને મેચ બતાડવી પડે છે અને એથીજ “બલ્લે કા બહારી કિનારા” અને “સ્લિપ કે ઉપર સે” એવું બોલવું પડે. જ્યારે ટીવી પર તો પેલો જોતોજ હોય છે કે શું થઇ રહ્યું છે. આથી કોમેન્ટેટરની પરીક્ષા ટીવી પર એ થાય છે કે દર્શક જે ઓલરેડી જોઈ રહ્યો છે તે ઘટનાને થોડીક મસાલેદાર કેવી રીતે બનાવી શકાય.

આ બધું તો એ સમયે શિખવા મળ્યું જ એ ઉપરાંત એ પણ ખ્યાલ આવ્યો કે BBCના કોમેન્ટેટર્સ મોટેભાગે ન્યુટ્રલ હોય છે જ્યારે ચેનલ નાઈનના કોમેન્ટેટર્સ મોટેભાગે કટ્ટર રીતે ઓસ્ટ્રેલિયા તરફી જ હોય છે. લગભગ નવ વર્ષની ઉંમરથી ટીવી પર ક્રિકેટ જોતો આવ્યો છું અને લગભગ પંદર વર્ષથી ઉંમરથી ઈંગ્લીશ બરોબર સમજતો આવ્યો છું એટલે એટલી તો ખબર પડે જ છે કે ઓસ્ટ્રેલિયન કોમેન્ટેટર્સ ભલે સચિનની બેટિંગ કે કપિલની બોલિંગ પર ઓવારી જતા હોય પરંતુ તેમની કમેન્ટ્સ જે મેચની પરિસ્થિતિ સમજાવતી હોય છે તે સંપૂર્ણપણે ઓસ્ટ્રેલિયા તરફી જ હોય છે. જો તમને ખાતરી ન હોય તો હવે જ્યારે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં રમે ત્યારે કોઇપણ મેચ ધ્યાનથી જો જો. સામાન્ય લાગતો કેચ જો ઓસ્ટ્રેલિયન ખેલાડી પકડશે તો તેને કાયમ ‘ગ્રેટ કેચ’ જ બોલવામાં આવશે. ડાઈવ મારીને ફિલ્ડીંગ કરવાનો ટ્રેન્ડ આજકાલ આમ થઇ ગયો છે, પણ જો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સિમ્પલ ડાઈવ મારીને પણ ફિલ્ડીંગ કરશે તો તે ‘વ્હોટ અ ફિલ્ડીંગ’ કહેવાશે પરંતુ વિદેશી ખેલાડી જો આવું કરશે તો તેના માત્ર સિમ્પલ વખાણ થશે. એક બાબત તમે ખાસ નોંધજો કે જ્યારે ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ હોય, ખાસકરીને બેટિંગમાં, ત્યારે નવ, દસ અને અગિયારમાં નંબરના બેટ્સમેનો માટે પણ ‘no mug with a bat’ શબ્દનો પ્રયોગ આ લોકો જરૂર કરશે. આટલું ઓછું લાગશે તો આ બેટ્સમેનોમાંથી કોઈએ ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં જો 70-75 રન બનાવ્યા હશે કે ભૂલથી એકાદી સેન્ચુરી બનાવી કાઢી હશે તો એને ખાસ હાઈલાઈટ કરવામાં આવશે.

સમય જતાં ઇંગ્લેન્ડમાં પણ ખાનગી ટીવી ચેનલોએ પગ જમાવ્યો અને સ્કાય સ્પોર્ટ્સને પહેલાં ઇન્ટરનેશનલ અને પછી ડોમેસ્ટિક ટેલીકાસ્ટ રાઈટ્સ પણ મળ્યા. BBCની એ શાંત અને મોટાભાગે ન્યુટ્રલ કોમેન્ટ્રી ઈતિહાસ થઇ ગઈ અને માઈકલ આર્થરટન અને નાસર હુસૈન જેવા ‘કાબા કોમેન્ટેટર્સ’ ના હાથમાં માઈક આવ્યું. આ તમામ કોમેન્ટેટર્સ હાડોહાડ ઇંગ્લેન્ડ તરફી કોમેન્ટ કરતા હોય છે. એક સમયે બોબ વિલિસ પણ સ્કાયની ટીમમાં હતા અને એ સમયે વળી ઇંગ્લેન્ડનું ક્રિકેટ ખાસ ઉકાળી પણ શકતું ન હતું, ત્યારે જ્યારે ઇંગ્લેન્ડની હાર સામી દેખાતી હોય ત્યારે બોબ વિલિસ કાકાની લગભગ રડાવી દેતી કોમેન્ટ્રી સાંભળનાર એ બાબતે સહમત થશે કે હવે ઇંગ્લેન્ડના કોમેન્ટેટર્સ પણ ન્યુટ્રલ નથી રહ્યા. લગભગ ચારેક વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં રમાયેલી એક વનડે મેચમાં જ્યારે ભારતના એક ફિલ્ડરે એક આસાન કેચ છોડી દીધો હતો, ત્યારે આ જ નાસર હુસૈને ભારતના ફિલ્ડરોને ‘ડોન્કી’ કહીને બોલાવ્યા હતા એ કેટલાને યાદ છે? ફરીએકવાર ઉમેરું તો ખેલાડીઓના અંગત પરફોર્મન્સના વખાણ કરવા એ ન્યુટ્રલ હોવાનો પૂરાવો બિલકુલ નથી, બલ્કે મેચમાં આવેલી કટોકટીની પળ દરમ્યાન કે કોઈ એક એવી ઘટના જે મેચનો પ્રવાહ પલટાવી શકે છે તે સમયે સાચી કોમેન્ટ કરનાર કોમેન્ટેટર જ ન્યુટ્રલ કહી શકાય છે.

પણ, એમાં એમનો વાંક નથી. ક્રિકેટનો ચહેરો જ છેલ્લા ત્રીસ વર્ષમાં બદલાઈ ગયો છે. એક સમયે બાઉન્સર નાખીને માત્ર તમારી આંખમાં આંખ નાખીને અને ડરાવીને પોતાના રનઅપ પર પાછા વળી જતા વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર્સની જગ્યાએ હવે પોતાના ખરાબ બોલ પર ફોર કે સિક્સ મારનાર બેટ્સમેનને માં-બેનની ચોપડાવતા સ્પિન બોલર્સ આવી ગયા છે તો કોમેન્ટેટર કેવી રીતે ન્યુટ્રલ રહી શકે? જ્યારે આવડું અમથું મુશ્ફીકુર રહીમડું એક ફોર જવાથી જીત નજીક દેખાતાજ બોલર સામે હવામાં પંચ મારે તો પછી કોઈ પાસે ન્યુટ્રલ રહેવાની અપેક્ષા જ કેમ રાખી શકાય? પણ, બટ, કિન્તુ પરંતુ આપણા એટલેકે ભારતવર્ષના કોમેન્ટેટર્સને હજીપણ ન્યુટ્રલ રહેવાની ચળ છે અને તેઓ એવું કરતા પણ હોય છે. હું હિન્દી કોમેન્ટેટર્સની વાત જ નથી કરતો કારણકે એમને સાંભળીએ તો ખબર નહીં આ જનમમાં જ કેટલા જનમના પાપ ધોવા પડે? પણ, આપણે ત્યાં સંજય માંજરેકર જેવા અમુક કોમેન્ટેટર્સ છે જે ન્યુટ્રલ તો નથી જ પરંતુ એન્ટી ઇન્ડિયાની હદ સુધી જઈ શકે છે.

જો તમે સંજય માંજરેકરનો ઈતિહાસ જાણતા હશો તો તમને ઉપલા ફકરાની છેલ્લી લીટી વાંચીને જરાય નવાઈ નહીં લાગી હોય. સંજય માંજરેકરની કરિયરનો અસ્ત રાહુલ દ્રવિડની કરિયરનો અચાનક ઉદય થવાની સાથેજ થઇ ગયો હતો. ટૂંકમાં કહીએ કે જો દ્રવિડ હજી બે-ત્રણ વર્ષ મોડો આવ્યો હોત તો માંજરેકર એટલા વર્ષ તો આરામથી ખેંચી કાઢત. જે રીતે હું માંજરેકરની કોમેન્ટ્રી ફોલો કરતો આવ્યો છું તેના પરથી એવું સ્પષ્ટ દેખાય છે કે ભારતની ટીમમાંથી અચાનક જ ખોવાઈ જવાની ટીસ માંજરેકરને હજીપણ હર્ટ કરી રહી છે. તમે હવે ધ્યાનથી સાંભળજો કે જ્યારે કોઇપણ મેચમાં ભારત હારની કગાર પર હશે અથવાતો ભારત હારી શકે છે તેવી શક્યતાઓ પ્રબળ હશે ત્યારે માંજરેકર જાણેકે ઘા પર મરચું ભભરાવતો હોય એવી કોમેન્ટ કરશે. માંજરેકરને તો સચિન પ્રત્યે પણ ખબર નહીં પણ કોઈક પર્સનલ પ્રોબ્લેમ હતો અને તે સતત એની ટીકા કરતો રહેતો. ઠીક છે સચિનનો પણ ખરાબ કાળ આવતો જતો હતો, પણ સારા સમયની એક-બે નિષ્ફળતાઓને પણ માંજરેકર દિલ ખોલીને માણતો. આ બાબતના કોઈ પૂરવા ન હોય પણ વર્ષો સુધી જો ક્રિકેટને પેશનેટલી ફોલો કરો તો આ બધું આપોઆપ સમજાઈ જાય.

હવે એ સવાલ પર પરત થઈએ કે શું કોમેન્ટેટરે ન્યુટ્રલ રહેવું જોઈએ? જો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝના કોમેન્ટેટર્સ ખુલ્લેઆમ એમના ક્રિકેટર્સની તરફેણ કરતા હોય તો આપણા કોમેન્ટેટર્સે શું ‘લૂમ લેવા’ ન્યુટ્રલ થવાનું છે? અને ન્યુટ્રલ થવાનો ફાયદો શું? ચાલો એક સિમ્પલ ઉદાહરણ આપું. ભારતમાં જ્યારે કોઈ ટેસ્ટ કે વનડે સિરીઝ હોય છે ત્યારે બંને દેશોના કોમેન્ટેટર્સ ઉપરાંત એક ન્યુટ્રલ દેશનો કોમેન્ટેટર પણ બોલાવવામાં આવે છે. જેમકે જો ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ હોય તો માર્ક નિકલસ (એય હવે તો ટોની ગ્રેગની જેમ ઓસ્ટ્રેલિયન જ થઇ ગયા છે) હોય અને જો ઇંગ્લેન્ડ સામેની સિરીઝ હોય તો માઈકલ સ્લેટરને બોલાવવામાં આવે વગેરે વગેરે. હવે કોઇપણ એક એશિઝ યાદ કરો, અથવાતો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની સિરીઝ કે પછી ઇવન ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની સિરીઝ યાદ કરો, એમણે કયા ભારતીય કોમેન્ટેટરને ન્યુટ્રલ તરીકે બોલાવ્યો? હા ટેન સ્પોર્ટ્સ સાથે કરારબદ્ધ હોવાને લીધે ઘણીવાર આપણને UAEમાં રમાતી પાકિસ્તાની સિરીઝમાં ‘ધ ગ્રેટ સંજય માંજરેકર’ જરૂર જોવા મળશે પણ આ સિવાય BBCના અસ્ત પછી ક્યારેય ઇંગ્લેન્ડમાં ગાવસ્કરને કોમેન્ટ્રી આપવા માટે બોલાવવામાં આવ્યા હોય એવી કોઈજ જાણકારી નથી.

તો ન્યુટ્રલ હોવાનો ઝંડો પકડવાની નતો આપણા કોમેન્ટેટર્સને જરૂર છે કે નતો BCCIનો વાંક જોવા ટાંપીને બેસેલા આપણા ગુજરાતી કોલમિસ્ટ્સને. જ્યારે ગામ આખું બેધડક પોતાની ટીમને માથાના વાળથી પગના અંગૂઠા સુધી સપોર્ટ કરતું હોય ત્યારે આપણે ઘરના છોકરાને ઘંટી ચાટવા દઈને ઉપાધ્યાયને આટો આપવાની કોઈજ જરૂર નથી. હા, સારા પર્ફોમન્સને જરૂર સપોર્ટ કરો, વખાણ કરો ભલે તે ગમેતે દેશના ખેલાડી દ્વારા કરવામાં આવ્યું હોય, અને હારને કે ખરાબ દેખાવને કડક ભાષામાં ઝાટકી પણ નાખો,પણ ન્યુટ્રલ હોવાનો દેખાવ કરીને બાજુમાં બેઠેલા વિદેશી કોમેન્ટેટર્સને વહાલા થવાની જરાય જરૂર નથી. જ્યાંસુધી હર્ષ ભોગલેને આ પ્રકારની વિદાય આપવાનો સવાલ છે તો BCCIનો આ એક ઔર ઈગોઈસ્ટીક નિર્ણય છે જે લેવાની તેને કોઈજ જરૂર ન હતી, પણ સામે પક્ષે કદાચ હર્ષ ભોગલેને પણ એક લાંબા બ્રેકની જરૂર હતી, કારણકે છેલ્લા ઘણા વર્ષોથી એ પણ સ્ટીરિયોટાઇપ કોમેન્ટ્રી આપી રહ્યા હતા આથી કદાચ રજાના આ દિવસોમાં એ એમની કળાને કદાચ કલાઈ કરે તો આપણને નેક્સ્ટ ટાઈમ એક નવા જ હર્ષ ભોગલે સાંભળવા મળશે.

સ્ટમ્પસ!!!

સ્વ. ટોની ગ્રેગને કદાચ આપણે એકમાત્ર ‘નેચરલી ન્યુટ્રલ’ કોમેન્ટેટર કહી શકીએ કારણકે તેમનો જન્મ થયો હતો સાઉથ આફ્રિકામાં, રમ્યા ઇંગ્લેન્ડ માટે ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના નાગરિક બનીને જીવ્યા ત્યાંસુધી ચેનલ નાઈન પર કોમેન્ટ્રી કરી, એમના દાદી શ્રીલંકામાં રહેતા હતા અને તેમને ભારત પ્રત્યે અનહદ પ્રેમ હતો. પણ તેઓએ કોમેન્ટ્રી કાયમ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં જ કરી હતી અને ભારતની ક્રિકેટ ટીમની કાયમ દિલ ખોલીને ટીકા કરી હતી.

૨૩.૦૪.૨૦૧૬, શનિવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *