‘શાંતનુ’ નું એક સાલ

 

 

કોઇપણ લેખક માટે એનું પહેલું ક્રિએશન એને એના પહેલા બાળક જેટલુંજ પ્રિય હોય છે. ભલે કોઈ વ્યક્તિ બે કે ત્રણ બાળકનો પિતા હોય, પરંતુ તેનું પહેલું બાળક તેને વધુ પ્રિય હોયજ એમાં શંકાને કોઈ સ્થાન નથી. ‘શાંતનુ’ મારી પ્રથમ નવલકથા મને મારા એકમાત્ર સંતાન હેમીશથી ઓછી પ્રિય નથી અને જેમ કોઈ અજાણી વ્યક્તિ કે કોઈ સંબંધી જેમ હેમીશના વખાણ કરે એમ ‘શાંતનુ’ના વખાણ કરે તોપણ મારા ચહેરા પરનું સ્મિત આ બંને ઘટનાઓ માટે સરખુંજ હોય છે. ‘શાંતનુ’નું બીજ ૬ એપ્રિલ ૨૦૧૩ના દિવસે રોપાયું અને બરાબર એક વર્ષે એટલેકે ૬ એપ્રિલ ૨૦૧૪ના દિવસે એ ઈ-બુક રૂપે વાચકો સમક્ષ આવ્યો. આજે આ આખીયે સફરને આમતો બે વર્ષ થયાં પરંતુ શાંતનુના જન્મને આજે વર્ષ થયું અને અત્યારે જે લાગણીઓ મારા હ્રદયમાં જન્મી રહી છે એને તમારા બધા સાથે શેર કરવાનું મન થયું એટલે જરા સાંભળી લેજો.

IMG-20140406-WA0020

ગયા વર્ષે આ જ દિવસે ‘શાંતનુ’ સાથે અન્ય છ ઈ-બુક્સનું પણ લોન્ચિંગ હતું જેમાં સખી ગોપાલી બૂચ અને તેમની સખીઓ દ્વારા લીખીત ‘મોકટેલ’ કાવ્ય સંગ્રહ પણ શામેલ હતો. પ્રકાશકોની નગરી નગરી દ્વારે દ્વારે ફરી ફરીને થાકેલો હું, જયારે ૨૦૧૩ના છેલ્લા મહિનામાં ગુજરાતી પ્રાઈડના શ્રી. મહેન્દ્ર શર્માને ફેસબુક થકી મળ્યો અને એ જ દિવસે સાંજે એમની ઓફિસે ગયો ત્યારે તેમણે મને ધરપત આપી કે ૨૦૧૪માં આપણે પેઈડ ઈ બુક્સ પણ શરુ કરી રહ્યા છીએ એટલે એ સમયે આપણે ‘શાંતનુ’ પણ પબ્લીશ કરીશું. બસ આ એક પોઝીટીવ વાક્યએ મને ઘણી હિંમત આપી. પછીતો મહેન્દ્રભાઈ મિત્ર પણ બન્યા અને અમારી મિત્રતા એટલી ગાઢ થઇ કે આજે એમની જ એપ્પ માં શિરમોર એવા ‘હું ગુજરાતી’ મેગેઝીનનું એડીટીંગ પણ કરવાનો મોકો મને મળ્યો છે. ગુજરાતનાં જાણીતા અને માનીતા કવિ શ્રી. ચિનુ મોદીના હસ્તે ‘શાંતનુ’ નું લોંચ થતાંજ જાણેકે હાશકારો અનુભવ્યો. વળી, એક મિત્ર જ મદદે આવ્યો. ફેસબુક મિત્ર અને યુવા કવિ શ્રી. તાહા મન્સૂરીએ લોંચના સ્થળેથી જ ‘શાંતનુ’ ડાઉનલોડ કરીને પ્રથમ વાચક બન્યા.

 

SrideviShantanuReply

આટલું ઓછું હોય એમ લોંચીંગનો કાર્યક્રમ શરુ થયો એ પહેલાંની થોડીજ મીનીટો અગાઉ ટ્વીટર પર મારી સ્વપ્નસુંદરી અને અદાકારા શ્રીદેવીએ પણ મને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતાં. બસ, જીને કો ઔર ક્યા ચાહિયે? 😉

 

તે સમયે ડાઉનલોડ કિંમત ફક્ત ૫૧ રૂપિયા રાખી હતી. શરૂઆતના દિવસોમાં ફટાફટ ડાઉનલોડ થતાં લગભગ ૨૦-૨૫ કોપીઝ ડાઉનલોડ થઇ ગઈ, પણ પછી વાચકોનો ‘ગુજરાતી સ્વભાવ’ વચ્ચે આવ્યો અને ડાઉનલોડ સંખ્યામાં કોઈજ વધારો ન થયો. નિરાશ થયેલો હું, ‘હું ગુજરાતી’ના દિવાળી અંક માટે જયારે મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરવા ગયો ત્યારે શાંતનુના માત્ર ૩૫ ડાઉનલોડ જ થયા હતાં. આથી મહેન્દ્રભાઈની સલાહથી અને ઈ-બુક માંથી નાણાકીય લાભ લેવાની ઈચ્છાતો પહેલેથી જ ન હોવાથી વાચકોને ‘શાંતનુ’ ને વિનામૂલ્યે ડાઉનલોડ કરાવવાનું તે જ ઘડીએ નક્કી કર્યું. બસ પછી તો જાણેકે ડાઉનલોડનું મીની પૂર આવ્યું અને ફરીએકવાર ડાઉનલોડની સંખ્યા વધતીજ ચાલી અને આજે બરોબર એક વર્ષના અંતે ‘શાંતનુ’ ની કુલ ૧૬૩૦ કોપીઝ ડાઉનલોડ થઇ ચુકી છે. આ ઉપરાંત ગયા વર્ષના અમદાવાદ પુસ્તકમેળામાં પણ એક ગજબની ટેકનોલોજી સાથે ઓળખાણ થઇ. નવરંગપુરા વિસ્તારમાં ‘બુક પબ’ નામે પુસ્તકો માટેજ પ્રેસ ચલાવતા શ્રી. કિરણભાઈ ઠાકરનો પરિચય આ મેળામાં એક અન્ય શુભચિંતક ડોક્ટર પાર્થ માંકડ દ્વારા થયો. કિરણભાઈએ મને એક એવી ટેકનોલોજીથી અવગત કર્યો કે જેનાથી હું ઈચ્છું તેટલી જ કોપી તેઓ પ્રિન્ટ કરી આપવા માટે સક્ષમ હતાં. આથી સેલ્ફ પબ્લીશીંગ નું કામ હાથમાં લીધું અને શરૂઆતમાં ‘શાંતનુ’ ની માત્ર ૩૦ કોપીઓ જ છાપી. ફેસબુક પર ઘણાં મિત્રોએ ઈ-બુક નહીં પરંતુ ફીઝીકલ બુક હોય તો જરૂર ખરીદશે એમ કહ્યું હતું આથી આ તમામ મિત્રો ઉપરાંત જેમ-જેમ આ વાત ફેલાતી ગઈ એમએમ અન્ય વાચકોએ પણ ‘શાંતનુ’ની હાર્ડ કોપીઝ મંગાવવાનું શરુ કર્યું. જો કે બહુ જાજો પ્રચાર ન કર્યો હોવાથી અત્યારસુધી છાપેલાં પુસ્તકની માત્ર ૭૦ કોપીઝ જ વેંચાઈ અને વહેચાઈ છે. ટૂંકમાં આ એક વર્ષમાં લગભગ ૧૭૦૦ વાચકો સુધી પહોંચવાનો આનંદ છે. જે હું કદાચ મારા બ્લોગીંગ કે અન્ય લેખન કર્યો દ્વારા ક્યારેય કરી શક્યો ન હોત.

Book Cover

 

ઈ-બુક અને પ્રિન્ટેડ આ બંને પુસ્તકો માટે ખુબ મંતવ્યો મળ્યાં છે અને સુખદ વાત કોઇપણ લેખક માટે હોય એ તે છે કે આમાંથી મોટાભાગના વાચકોને ‘શાંતનુ’ ની કથા એમની પોતાની લાગી છે. આનું કારણ એ હોઈ શકે કે આપણે બધા આપણા પ્રથમ પ્રેમને ક્યારેય ભૂલી શકતા નથી. આ તમામ મંતવ્યો માંથી જે બે મંતવ્યો મને અપીલ કરી ગયા છે એ હું આજે તમારી સાથે જરૂર શેર કરવા માંગુ છું અને આ બંને મંતવ્યો બે માનુનીઓ એ આપ્યા છે. આ બે માંથી એક માનુનીએ ‘શાંતનુ’ વાંચીને પૂછ્યું હતું કે, “શું આવો છોકરો રીયલ લાઈફમાં હોઈ શકે છે?” ત્યારે મેં તેને જવાબ આપ્યો હતો કે, “બીલકુલ, કારણકે મેં શાંતનુને મારી આસપાસ જ જોયો હતો અને એટલેજ મેં આ પાત્રની રચના કરી હતી.” થોડા સમય બાદ પેલી છોકરીની સગાઈ થઇ અને એના અમુક દિવસો બાદ એનો ફરીથી મેસેજ આવ્યો કે, “સીડભાઈ, શાંતનુઓ ખરેખર આ દુનિયામાં વસે છે, મારો ફિયાન્સ શાંતનુની બેઠી કોપી છે અને મને ખુબ આનંદ છે કે મને શાંતનુ જેવો વ્યક્તિ મળ્યો!”

 

આનાથી સાવ અલગ એક પ્રક્રિયા મળી એક એવી મહિલાની જે પોતાની પાંત્રીસી વટાવી ચુકી હતી અને શાંતનુ વાંચીને તેણે મને પોતાના મેસેજમાં જણાવ્યુંકે એની કોલેજ લાઈફ દરમ્યાન શાંતનુ જેવોજ એક છોકરો હતો અને તેણે એને પ્રપોઝ પણ કર્યું હતું, પરંતુ હું કદાચ એની લાગણીને બરોબર સમજી ન શકી અને મેં બહુ રૂડ ભાષામાં એની પ્રપોઝલને રીજેક્ટ કરી દીધી. આ ઘટનાબાદ એ મારી સામે જુવે તો તરત જ નજર ફેરવી લેતો. કોલેજના અન્ય ઘણાં મિત્રોથી મને છેક છેલ્લા દિવસ સુધી માહિતી મળતી રહી કે એ મને હજીપણ પ્રેમ કરે છે, પણ મને એની પરવા નહોતી. ‘શાંતનુ’ વાંચીને મને તરતજ એ છોકરો યાદ આવી ગયો અને મને તેની ભાવના સમજાઈ અને મને ખ્યાલ આવ્યો કે કોઈને પ્રેમ કરવો એ ગુનો નથી. જો મને એના પ્રત્યે પ્રેમ નહોતો તો મારે એને સારી ભાષામાં ના પાડવી જોઈતી હતી જેમ કે નવલકથામાં અનુશ્રીએ કર્યું છે. મને તરતજ મારી ભૂલ સમજાઈ અને મેં મારા કોલેજના મિત્રો દ્વારા એનો નંબર મેળવ્યો અને એને કોલ કરીને એને સરપ્રાઈઝ આપ્યું. એ મારો અવાજ સાંભળીને ખુબ ખુશ થયો. ત્યારબાદ સહુથી પહેલાતો મેં એને ‘સોરી’કીધું અને તે આટલા વર્ષો વીત્યાબાદ હજીપણ એવોજ છે એટલે એણે બીજું કશુંજ વિચાર્યા વગર તરતજ મને માફ પણ કરી દીધી. આજે હવે અમે પાક્કા મિત્રો બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.

Collage

‘શાંતનુ’ ને સફળ બનાવવા મેં કોઈજ દેખીતો પ્રયાસ કર્યો ન હતો, કારણકે મને ખબર છે કે એક-બે નવલકથા લખીને હું ક્યારેય વાંચકોના દિલમાં પહોંચવાનો નથી અને આ એક સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે એટલે સ્થાઈ થવા માટે મારે હજુપણ કેટલીક વધુ નવલકથાઓ લખવી પડશે જેમાંથી બધીજ નવલકથા વાચકોને ગમશે એ પણ જરૂરી નથી. આથી મને જે કોઇપણ ફીડબેક ઉપરાંત આ ૧૭૦૦ વાચકો માંથી લગભગ ૧૦૦ની આસપાસના વાચકોના વખાણ ઉપરાંત એક-બે ટીકાઓ પણ મળી છે એ મારા માટે હાલપૂરતું તો મારી આવનારી નવલકથાઓ માટે ઈજન પૂરું પાડવા માટે સમર્થ છે. ‘શાંતનુ’ પછી હવે શાંતનુના સ્વભાવથી સાવ ઉલ્ટી એવી ‘સુનેહા’ તમારી સમક્ષ લાવવા જઈ રહ્યો છું, આ વખતે કદાચ એક મોટા પ્લેટફોર્મ પરથી ‘સુનેહા’ રીલીઝ થાય એવી કાર્યવાહી ચાલી રહી છે. કદાચ એવું પણ બને કે આ જ પ્લેટફોર્મ પર ‘શાંતનુ’ ની બીજી આવૃત્તિ પણ બહાર પડે!? તો બસ… થોડાસા ઈંતઝાર.

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *