સ્વાગત નહીં કરોગે હમારા?

અર્નબ ગોસ્વામીની ચેનલ ‘રિપબ્લિક’ ને શરુ થયે ગઈકાલે બરાબર એક અઠવાડિયું થયું અને આ એક અઠવાડિયામાં એણે એના ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. જો કે આ ઈરાદાઓ હાલપૂરતા ભારતના વિપક્ષી દળોને ગભરામણ કરાવી દે એવા છે એવું પણ અહીં નોંધી શકાય છે. આમતો છેલ્લા બે થી ત્રણ મહિનાથી રિપબ્લિક આવે છે એવા ભણકારા વાગી રહ્યા હતા અને અર્નબના ચાહકો એકશ્વાસે એની લોન્ચની તારીખની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ગત શુક્રવારે એટલેકે પાંચમી મે એ સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ અચાનક જ રિપબ્લિકના ઓફીશીયલ ફેસબુક પેઈજ અને ટ્વીટર હેન્ડલ પર જાહેરાત થઇ કે અર્નબ કાલે સવારે દસ વાગ્યે આવે છે.

મતલબ કે કોઈજ સ્વેચ્છાએ ઉભો કરેલા હાઈપ વગર અચાનક જ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી એનાથી આશ્ચર્ય તો જરૂર થયું. બીજે દિવસે એટલેકે છઠ્ઠી મે ની સવારે ફરીથી સોશિયલ મીડિયામાં જ રિપબ્લિકે ફેલાવ્યું કે તે બહુ મોટો ધડાકો આજે પહેલા દિવસે જ કરવા જઈ રહ્યું છે. ટૂંકમાં પહેલે દિવસથી જ અર્નબે પોતાની છાપ અનુસાર કામ કરવાનું શરુ કરી દીધું, એટલુંજ નહીં પરંતુ જ્યારે છઠ્ઠીએ સવારે બરોબર દસ વાગ્યે અર્નબ છ મહિના પછી કેમેરા સામે દેખાયો ત્યારે લગભગ દસ થી બાર મિનીટ સુધી પોતે અને પોતાની આ નવી ચેનલ શું કરવા માંગે છે એનો આઈડિયા આપીને સીધોજ કામ પર લાગી ગયો.

કોઈ અન્ય ચેનલ હોત તો પહેલે દિવસે નેતાઓ, અભિનેતાઓ કે જાણીતા લોકોના કોન્ગ્રેચ્યુલેશનના મેસેજો આખો દિવસ દેખાડત કે પછી પોતાની ટીમમાં કોણ કોણ પત્રકારો છે એ પણ દેખાડત અને આખો દિવસ પૂરો કરી નાખત, પણ ના આ અર્નબ છે એટલે પહેલે દિવસથી જ કામે વળગી ગયો અને એના ગયા પછીનો ભારતીય ટેલીવિઝન પરનો સૌથી મોટો ‘એક્સ્પોઝે’ એટલેકે લાલુ યાદવ અને એમનીજ પાર્ટીના ડોન શાહબુદ્દીન વચ્ચેની ટેલીફોનીક વાતચીતો આપણને સાંભળવા મળી.

ભારતમાં ટેલીવિઝન ન્યુઝ ચેનલો આમતો ગઈ સદીના અંતભાગમાં શરુ થઇ ગઈ હતી પરંતુ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપના લગભગ દસ પંદર દિવસ અગાઉ જ લોન્ચ થયેલી ‘આજતક’ના આવ્યા બાદ આપણે ત્યાં ન્યુઝ ચેનલો શરુ થવાનું ઘોડાપુર જોવા મળ્યું. પણ, જે ગતિથી ચેનલો શરુ થઇ એ જ ગતિથી ભારતમાં મીડિયા પ્રત્યેનું માન સન્માન પણ ઓછું થવા લાગ્યું. આ પાછળનું કારણ હતું કે દરેક ચેનલ કોઈને કોઈ રાજનીતિક પાર્ટીને સપોર્ટ કરવા લાગી અને કેટલાક તો હાસ્યાસ્પદ સમાચારોને બ્રેકીંગ ન્યુઝ તરીકે અડધાથી દોઢ કલાક સુધી દેખાડવા માંડી.

આજે પણ આ પરિસ્થિતિમાં કોઈજ ફર્ક પડ્યો નથી અને અર્નબ પણ કશું નવું કરીને ભારતીય પત્રકારિતાને ઉચ્ચ સ્થાને લઇ જશે એવી કોઈ આશા પણ નથી. અર્નબ જ્યારે ટાઈમ્સ નાઉ માં હતો ત્યારે કોઈ મોટા સમાચાર આવવાના હોય તો જ હું જોતો કારણકે શરૂઆતમાં બધું બરોબર ચાલતું હોય અને પછી ધીરેધીરે આપણા ટીવીના સ્ક્રીન પર બારીઓની સંખ્યા વધતી જાય અને છેવટે કોણ શું બોલે છે એ પણ ખ્યાલ ન આવે એટલે ફટ દઈને ચેનલ બદલી નાખતો. આ ઉપરાંત અર્નબ પોતે જેટલું બોલે એટલું બીજાને બોલવાની તક પણ ન આપે એ બાબત પણ અણગમતી હતી.

પણ તોયે અર્નબ ગમતો, રાધર ગમે છે, કેમ? કારણકે એને નેતાઓને (ખાસકરીને પાકિસ્તાની પૂર્વ લશ્કરી અધિકારીઓને) ભીંસમાં લેતા આવડે છે. એના પ્રશ્નબાણોથી રીતસરના હેબતાઈ ગયેલા નેતાઓના ચહેરાઓ જોવાની આપણને મજા આવે છે અને “આતો એજ લાગનો છે” એવું આપણને સતત બોલવાનું મન થાય. બસ કદાચ આ જ યુએસપી એ અર્નબને એની ચેનલ કરતા મોટી બ્રાંડ બનાવી દીધો અને કદાચ તેને લીધેજ એણે ટાઈમ્સ નાઉ છોડીને રાજ્યસભામાં અપક્ષ સાંસદ રાજીવ ચંદ્રશેખરની ભાગીદારીમાં રિપબ્લિક લોન્ચ કરી.

મીડિયાની વિશ્વસનીયતા ઉપરાંત હિન્દી અને પ્રાદેશિક (ગુજરાતી ન્યુઝ ચેનલોનું ઉદાહરણ પ્લીઝ ન લેતા) ન્યુઝ ચેનલો સામે અંગ્રેજી ન્યુઝ ચેનલોના ટીઆરપી અમસ્તાંય ખુબ ઓછા હોય છે, તો એવા સમયમાં ‘એક બીજી અંગ્રેજી ન્યુઝ ચેનલ’ શરુ કરવાનું સાહસ કરવું એ કોઈ નાનીસુની ઘટના નથી. અર્નબ ભલે ખુદ એક બ્રાંડ હોય પણ એ જે દેખાડશે એ બધા જોશે જ એવું કોઇપણ વ્યક્તિ સ્ટેમ્પ પેપર પર લખી આપવા માટે તૈયાર નહીં થાય, ખુદ અર્નબ પણ નહીં.

પણ, કદાચ અર્નબને પોતાની બ્રાંડ ઈમેજ બનવા પાછળના કારણો ખબર છે, મુખ્ય કારણની ચર્ચા આપણે ઉપર કરી જ લીધી કે નેતાઓને, ભ્રષ્ટાચારીઓને કોર્નર કરીને એમને ઢીલાઢસ કરી દેવા એ બધું જોવું એ સામાન્ય પ્રજાને ગમે છે એટલે અર્નબે પહેલે અઠવાડિયે જ એવા ધડાકા કર્યા કે લોકો બીજી ચેનલ બદલે જ નહીં. એટલીસ્ટ આ પહેલા વિકમાં તો એવું થયું જ છે. લાલુ યાદવ અને શાહબુદ્દીન પછી વારો આવ્યો શશી થરુર અને સુનંદા મર્ડર કેસનો, પછી કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલને ઉઘાડા પાડ્યા એ વહેતી ગંગામાં પણ રિપબ્લિકે હાથ ધોઈ લીધા, ડીટ્ટો આમ આદમી પાર્ટીના દિલ્હી વિધાનસભાના ઈવીએમના ફારસમાં પણ કહી શકાય, પછી હાથમાં લીધા કાશ્મીરમાં રહીને પાકિસ્તાનને સપોર્ટ કરતા હુર્રિયતના નેતાઓને અને પરમદિવસે રાતોરાત ભારત છોડીને જતા રહેલા ઇસ્લામિક ‘સ્કોલર’ ઝાકીર નાયક અંગે ખુલાસો કરવામાં આવ્યો.

ચેનલ લોન્ચ થવાના લગભગ એક અઠવાડિયા અગાઉ અર્નબ ગુજરાત આવ્યો હતો અને એક ગુજરાતી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એણે કહ્યું હતું કે એની ચેનલ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીઝમ કરશે નહીં કે પેલા નેતાએ આમ કીધું અને એનો જવાબ ફલાણા નેતાએ આમ આપ્યો અને દિવસ પૂરો! આપણે આપણી યાદશક્તિને ફક્ત છઠ્ઠી મે થી આગળ લઇ જઈએ અને વિચારીએ તો એમ લાગે કે અર્નબ સાવ ખોટો તો નથી. એણે આ અઠવાડિયામાં જેટલા પણ એક્પોઝે કર્યા એ છેલ્લા ઘણા મહિનાઓથી એક્સ્પ્લોડ થવા માટે તૈયાર હતા, પણ કોઈજ ન્યુઝ ચેનલે એમાં કાં તો રસ ન દાખવ્યો અથવાતો એને જાણીજોઈને અવોઇડ કર્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે.

ફોર એકઝામ્પલ પ્રેમા શ્રીદેવી જેણે ત્રણ વર્ષ અગાઉ સુનંદા પુષ્કરના અંતિમ દિવસો અગાઉ તેની સાથે અને શશી થરુરના રાઈટ હેન્ડ સાથે કરેલી ચર્ચા અર્નબના કહેવાથી ટેપ કરી હતી. ત્રણ વર્ષ સુધી એટલેકે અર્નબ ટાઈમ્સ નાઉમાં હતો ત્યાંસુધી એમણે પણ અને અન્ય ચેનલોએ એ દેખાડવાની હિંમત કે ઇચ્છાશક્તિ કેમ ન દેખાડી? જસ્ટ ઈમેજીન કે સુનંદા પુષ્કર કોઈ ભાજપી નેતાની પત્ની હોત તો? મુદ્દો એક જ છે કે આ ઈન્વેસ્ટીગેટીવ જર્નાલીઝમની જ વાત અર્નબે કરી હતી અને તેણે આવતાવેંત એ બતાવી દીધું કે હિંમત હોય તો આ પ્રકારનું જર્નાલીઝમ ભારત દેશમાં પણ શક્ય છે.

પરંતુ એક ફરક જરૂર જોવા મળ્યો છે. રિપબ્લિક જે દિવસે અને જે સમયે લોંચ થવાની હતી એ જ સમયે ટાઈમ્સ નાઉ એટલેકે અર્નબની જૂની ચેનલ અને અન્ય એક ચેનલે પણ પોતે એ જ સમયે બહુ મોટો ખુલાસો કરવાના છે એવી જાહેરાત કરી હતી. ટૂંકમાં એમને પણ ખ્યાલ આવી ગયો હતો કે અર્નબના તોફાનમાં જો ટકી રહેવું હશે તો આપણે પણ આળસ ખંખેરી નાખવી પડશે. ટાઈમ્સ નાઉ તો તે દિવસથી ગઈકાલ સુધી અર્નબની જેમજ રોજ કશુંક નવું લાવી રહ્યું છે, અને મજાની વાત એ છે કે એ પણ વિરોધપક્ષને હેરાન કરે એવું જ બતાવે છે.

પરંતુ અર્નબની રીયલ કસોટી હવે આવવાની છે. ઠીક છે એણે બહુ મોટા નેતાઓને છંછેડ્યા છે પણ અત્યારસુધીના એના તમામ એક્સ્પોઝે સરકારી પક્ષ કે સરકારી ગઠબંધનને આનંદ કરાવે તેવા હતા. ભૂતકાળમાં આ જ અર્નબે લલિત મોદી અને વસુંધરા રાજેના સંબંધો અંગે ખુલાસો કર્યો હતો એટલે આપણે એવી આશા રાખી શકીએ કે ભવિષ્યમાં અર્નબ સત્તાધારી પક્ષ કે તેના ભાગીદારોની પણ ખોજ ખબર કરે અને એમના કોઈ સીરીયસ એક્સ્પોઝે આપણી સમક્ષ લાવે કારણકે રાજકારણીઓ ઓવરઓલ સંપૂર્ણ સ્વચ્છ હોયજ એ જરૂરી નથી પછી તે કોઇપણ પક્ષનો હોય.

જોકે અહીં એક અન્ય મુદ્દો પણ નોંધવા જેવો છે કે અત્યારસુધી અર્નબ સિવાયની ચેનલોએ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીઝમના નામે કર્યું છે એ પણ એક પક્ષ અથવાતો ચોખ્ખા શબ્દોમાં કહીએ તો હાલના સત્તાધારી પક્ષની વિરુધ્ધ વધારે કર્યું છે. પરંતુ આપણા દેશમાં એક માન્યતા એવી છે કે જો તમે ભાજપ કે એનડીએની ટીકા કરો કે એના દ્વારા થયેલું કોઈ કૌભાંડ લઇ આવો તો જ તમે તટસ્થ કહેવાઈ શકો. ૨૦૦૨થી તેર-ચૌદ વર્ષથી એક પ્રકારના મીડિયાની સોય ગુજરાતના તોફાનો પર ચોંટી ગઈ હોય એ લોકો રિપબ્લિકને ભાજપ તરફી ચેનલ કહે તો કદાચ ખડખડાટ હસવું ન આવે તો પણ ચહેરા પર સ્મિત તો જરૂર આવી જાય.

બીજી બાબત આપણે એ પણ કહી શકીએ કે ચલો એક વખત માની પણ લઈએ કે રિપબ્લિક પર સત્તાપક્ષના ચાર હાથ છે, તો શું એનાથી લાલુએ જેલમાં બેઠેલા ડોન શાહબુદ્દીનનો હુકમ ફોન પર માન્યો એ બાબતને અવગણી શકાય? કે પછી સુનંદા પુષ્કરની હત્યામાં ગુનેગાર સુધી પહોંચવામાં મદદ થઇ શકે એવા ફોન કોલ્સને દિલ્હી પોલીસે અત્યારસુધી કેમ ધ્યાનમાં ન લીધા એ મુદ્દો ભૂલી જઈ શકાય? પૂછી તો એમ પણ શકાય કે ૨૦૧૪થી જો કોંગ્રેસ વિરોધી સરકાર કેન્દ્રમાં છે તો પોતાની હેઠળ કાર્ય કરતી દિલ્હી પોલીસને એણે આ કોલ ડીટેઈલ્સની તપાસ કરવામાં ઝડપ કરવાનો હુકમ કેમ ન કર્યો?

સોશિયલ મીડિયા પર રાજદીપ સરદેસાઈ અને રાહુલ કંવલ જેવા પત્રકારો જાહેરમાં રિપબ્લિક અને અર્નબની સ્ટાઈલને ‘સુપારી જર્નાલીઝમ’ ની ઉપમા આપી ચુક્યા છે ત્યારે આપણા મનમાં કેટલાક સવાલો થાય જ કે સદભાવના ઉપવાસમાં રાહુલ કંવલ હોય કે પછી ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુમાં છેલ્લો પ્રશ્ન ‘ગુજરાત ૨૦૦૨’નો જ રાખવો એવું નક્કી કરતું પત્રકારત્વ એ સુપારી જર્નાલીઝમ નથી તો શું કલકત્તી મીઠા મસાલા જેવું જર્નાલીઝમ છે?

ગમે તે હોય પણ અર્નબ ઈઝ હિયર. તમને એ ઇરીટેટ કરશે, પણ એક હકીકત કન્ફર્મ છે કે અર્નબ જે કોઇપણ એક્સ્પોઝે કરશે પછી તે ભાજપ તરફી કે વિરોધી હશે, એ દેશ વિરોધી તો ક્યારેય નહીં હોય.

સ્ટમ્પસ!!!

રિપબ્લિકને ભાજપની ચેનલ સાબિત કરવાની ઉતાવળમાં રાહુલ કંવલે દિલ્હી બીજેપીના બિનઅધિકૃત ફેસબુક પેઈજ ની પોસ્ટને સાચી માની લઈને રિપબ્લિક વિરુધ્ધ બખાળા કાઢ્યા.

 

૧૪.૦૫.૨૦૧૭, રવિવાર (મધર્સ ડે)

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *