અભિવ્યક્તિની આઝાદી – એમની અને આપણી

ટ્વીટર ફરીથી વિવાદમાં છે. જો કે ટ્વીટર અને વિવાદ વચ્ચેનો સંબધ ખૂબ જૂનો છે, પરંતુ આ વખતના વિવાદમાં ટ્વીટરને ખરેખર નીચાજોણું થયું છે કારણકે આ વિવાદમાં ભારતના એક સાંસદની પણ સામેલગીરી છે.

આપણે જાણીએ છીએ કે લેખિકા અને બુધ્ધિજીવી અરુંધતી રોય તેમના ભારત વિરોધી બયાનો માટે કુખ્યાત છે. થોડા દિવસો અગાઉ એવી વાત ફેલાઈ કે એમણે એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે કાશ્મીરમાં લાખોની સંખ્યામાં હાજર રહેલી ભારતીય સેના એ કાશ્મીરીઓને તેમના હક્કથી વંચિત નહીં રાખી શકે, વગેરે વગેરે. કોઇપણ બિનબુધ્ધિજીવી ભારતીયનું લોહી આ બયાન સાંભળીને ઉકળી જ ઉઠે અને જે પ્રકારનું રીએક્શન એની પાસેથી આશા રાખી શકાય એવુંજ રીએક્શન ટ્વીટર પર ભારતીયો આપવા લાગ્યા જેમાં અમદાવાદના સંસદસભ્ય અને અદાકાર પરેશ રાવળ પણ સામેલ થયા.

પરેશભાઈએ આ ઇન્ટરવ્યુના રીએક્શનમાં ટ્વીટ કરીને જણાવ્યું કે ખરેખર તો સેનાએ અરુંધતી રોય જેવાઓને જીપના બોનેટ પર બાંધીને ફેરવવા જોઈએ. બસ પરેશભાઈની આ ટ્વીટ આવી અને હંગામો થઇ ગયો. ખરેખરતો ભારતમાં કોઇપણ પ્લેટફોર્મ પર ભારતવિરોધી બયાન આપનારને એક ટકો પણ સમર્થન ન મળવું જોઈએ પણ છેલ્લા અમુક વર્ષોમાં આપણા દેશની કમનસીબી એવી થઇ ગઈ છે કે આવા જ લોકોને ભરપુર ટેકો મળે છે અને દેશભક્તોને કાયમ નીચાજોણું થાય છે. માત્ર આવા દેશભક્તોનું અપમાન જ નથી થતું પરંતુ તેમને તેમના બયાનો પાછા ખેંચવાનો ફોર્સ પણ કરાતો હોય છે અને અમુક તમુક વર્તન કરવું એ દેશભક્તિનું સર્ટીફીકેટ નથી એવી મજાક પણ આ જ લોકો દ્વારા ઉડાવવામાં આવે છે.

પરેશભાઈની ટ્વીટના બીજા જ દિવસે અરુંધતી રોયે બયાન આપ્યું કે આ ઇન્ટરવ્યુ ફેક છે અને તેઓ છેલ્લા કેટલાય સમયથી કાશ્મીર ગયા જ નથી એટલે આ પ્રકારનો ઇન્ટરવ્યુ તેઓ આપે એ શક્ય જ નથી. હવે બોલ ફરીથી પરેશભાઈની કોર્ટમાં ગયો અને એમને આ બુધ્ધિજીવી દળે ‘સલાહ’ આપી કે જો આવો કોઈ ઇન્ટરવ્યુ થયો જ ન હોય તો હવે તેમની પેલી ટ્વીટનો કોઈ મતલબ નથી રહેતો માટે તેમણે આ ટ્વીટ ડીલીટ કરવી જોઈએ.

આ બધું ચાલતું હતું ત્યાં પરેશભાઈને ખુદ ટ્વીટરે સસ્પેન્ડ કર્યા અને ગઈકાલે એકાદી ન્યુઝ ચેનલ પર જોવા મળ્યા મુજબ પરેશભાઈ જ્યારે પણ એમના ટ્વીટર એકાઉન્ટમાં પોતાના ફોન પર લોગઈન થાય છે ત્યારે તેમને પેલી ટ્વીટ ડીલીટ કરવાનું કહેવામાં આવે છે અને જો તેઓ એ ટ્વીટ ડીલીટ કરે તો જ તેઓ ટ્વીટરનો આગળ વપરાશ કરી શકશે એવી સુચના પણ તેમને આપવામાં આવી છે. પરેશભાઈએ પણ કહી દીધું છે કે ભલે એ ઇન્ટરવ્યુ ફેક હોય પણ અરુંધતી રોયના ભૂતકાળના બયાનોને પણ ધ્યાનમાં લઈએ તો એમની એ ટ્વીટમાં કશું જ ખોટું નથી એટલે તેઓ એ ટ્વીટ ડીલીટ નહીં કરે.

આ હતો વાર્તાનો મુખ્ય ટ્રેક, પણ અહીં વળી પાછો એક સાઈડ ટ્રેક પણ ચાલ્યો જેને જો કે અરુંધતી કે પરેશભાઈ સાથે કોઈજ લેવાદેવા ન હતી, પણ તોયે આ બંને વિવાદો જોડાઈ ગયા અને ટ્વીટરની એકપક્ષી નીતિ ખુલ્લી પડી ગઈ. સિંગર અભિજીતે એની જાણીતી લઢણમાં શેહલા રશીદ નામક કાશ્મીરી મહિલાના ચારિત્ર પર સવાલ કરતી ટ્વીટ કરી અને ટ્વીટરે એમનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દીધું. પોતાના બંને સહકર્મચારીઓ સાથે ટ્વીટરનું આવું વલણ એક-બે દિવસના અંતરમાં જોતા સિંગર સોનુ નિગમને લાગી આવ્યું અને એણે એક નહીં, બે નહીં પણ ૨૫ સળંગ ટ્વીટ કરીને પોતાની નારાજગી દર્શાવી અને થોડા સમયમાં જ ટ્વીટરને અલવિદા કરી દીધી.

પહેલા વાત કરીએ અરુંધતી-પરેશ રાવળની અને પછી આપણે સોનુ નિગમ અને અભિજીતની ચર્ચા કરીશું. ચલો, માની લીધું કે અરુંધતીનો એ ઇન્ટરવ્યુ ફેક હતો અને પરેશભાઈએ ભાવનાઓમાં આવી જઈને અરુંધતી રોયને જીપના બોનેટ પર બાંધી દેવાની ટ્વીટ કરી દીધી, પણ એનાથી અરુંધતીના જૂના પાપ, જે પરેશભાઈએ ખુદ કહ્યું એમ, કેવી રીતે ભૂલી શકાય? યુટ્યુબ પર અરુંધતીનો એક વિડીયો તમને આસાનીથી મળી જશે જેમાં એમણે ફક્ત કાશ્મીર જ નહીં પરંતુ મિઝોરમ, મણીપુર, નાગાલેન્ડ, હૈદરાબાદ અને પંજાબ પર ભારતે કબ્જો જમાવ્યો હોવાનું કહ્યું છે.

અરુંધતીએ આ વિડીયોમાં એમ પણ કહ્યું છે કે વિસ્તારવાદી સત્તા એટલેકે બ્રિટીશરો પાસેથી આઝાદી મેળવ્યા પછી ભારત તુરંત જ ખુદ વિસ્તારવાદી નીતિઓ પર આગળ ચાલ્યું અને ઉપરોક્ત વિસ્તારો પોતાના તાબામાં કરી લીધા. દેશ પ્રત્યે એક ટકો પણ પ્રેમ હોય એ અરુંધતીની આવી એલફેલ વાણીથી ગુસ્સે થશે જ અને કોઈને કોઈ રીતે પોતાનો ગુસ્સો સમય આવે વ્યક્ત કરશે. પરેશભાઈ અરુંધતીના આ ઉપરાંત આવા તો ઘણાબધા વિડિયોઝથી કદાચ વાકેફ હશે અને આથી જ પેલા ફેક ઇન્ટરવ્યુએ ઊંટની પીઠ પર છેલ્લા તરણાનું કામ કર્યું હોય અને પરેશભાઈનો ગુસ્સો ટ્વીટર પર ફાટી નીકળ્યો હોય એવી સો ટકા શક્યતા છે.

અહીં હવે વાત આવે છે અભિવ્યક્તિની આઝાદીની. પરેશભાઈએ તો અરુંધતીને જીપના બોનેટ પર બાંધવાની વાત માત્ર કરી હતી પરંતુ કાશ્મીરી કન્યા અને ભારતના પાટનગરમાં નોકરી કરતી અને અભિજીતે જેનું અપમાન કર્યું હતું એ શેહલા રશીદ જે કટ્ટર ભારત વિરોધી વલણ માટે જાણીતી છે એણે તો નજીકના ભૂતકાળમાં ભારતીય સેનાના ટેકામાં ટ્વીટ કરવા બદલ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કેપ્ટન ગૌતમ ગંભીરને જીપના બોનેટ પર બાંધેલો છે એવી ફોટોશોપ કરેલી તસ્વીર ટ્વીટ કરીને પોતે આવું ઈચ્છે છે એવું ખુલ્લેઆમ કહ્યું હતું. આટલું જ નહીં પરંતુ તેણેતો યોગી આદિત્યનાથ અને જેએનયુના એબીવીપીના સ્ટુડન્ટ્સને પણ આવી જ રીતે બાંધીને ફેરવવા જોઈએ એવી વાત પણ કરી હતી.

શેહલા રશીદનું ટ્વીટર અકાઉન્ટ આ તમામ ટ્વીટ પછી પણ સાબુત રહ્યું હતું અને તેને એક વખત પણ એવું નહોતું કહેવામાં આવ્યું કે તમે તમારી ટ્વીટ ડીલીટ કરો નહીં તો….

ચલો, એક વખત માની પણ લઈએ કે લોકશાહી છે તો તમે દેશ વિરોધી પણ બોલી શકો છો, ખરેખર એવું નથી હોતું, પણ તેમ છતાં એક સેકન્ડ વિચારી લઈએ તો પ્રશ્ન એ છે કે દેશ વિરોધી બોલનારને આંગળી પણ ન અડાડો તો દેશની તરફેણમાં બોલનારને અને એ પણ કોઇપણ અપશબ્દ નો ઉપયોગ કર્યા વગર, તમે ફરજ કેમ પાડી શકો કે તમે તમારી એ ટ્વીટ ડીલીટ કરો નહીં તો ઘેર બેઠા રહો? આ પ્રકારનો સવાલ થાય એ સ્વાભાવિક છે પણ જો તમને ખબર પડે કે ટ્વીટર ઇન્ડિયાનો સર્વેસર્વા એક કાશ્મીરી અને હાડોહાડ ભારત વિરોધી વ્યક્તિ નામે રાહિલ ખુર્શીદ છે તો કદાચ તમારા આશ્ચર્યનું લેવલ નીચું જરૂર આવી જશે.

૨૦૧૪ની ચૂંટણીઓ પહેલા નરેન્દ્ર મોદીના વાચાળ ટેકેદારોને બેફામપણે બેન અથવાતો સસ્પેન્ડ કરવાનું આ જ રાહિલ ખુર્શીદના ટ્વીટર ઇન્ડિયાના હેડ બન્યા પછી શરુ થયું હતું. કદાચ રાહિલ જાણતો હતો કે નરેન્દ્ર મોદીની સૌથી મોટી તાકાત સોશિયલ મીડિયા છે અને આથી જ એમને જો રોકવા હોય તો એમના ટેકેદારોના મોઢાં બંધ કરી દો. ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા પછી આ પ્રકારના છૂટાછવાયા બનાવો ચાલુ હતા પરંતુ ઉત્તર પ્રદેશના પરિણામો બાદ ફરીથી એ જ ૨૦૧૪ પહેલાનો વીતેલો જમાનો ટ્વીટર પર પરત આવ્યો હોય એવું લાગી રહ્યું છે.

પરેશ રાવળના દેશ તરફી બયાનને બેન કરવામાં આવે છે પણ શેહલા રશીદ, કન્હૈયા કુમાર અને સંજીવ ભટ્ટના દેશદ્રોહી ટ્વીટ સામે રીતસરના આંખ આડા કાન કરવામાં આવે છે અને આ બાબતને જ મુદ્દો બનાવીને સોનુ નિગમે ટ્વીટરને ફારગતી આપી દીધી છે. જો કે એનું ટાઈમિંગ અને એનું રીઝનીંગ નબળું હતું. ટાઈમિંગ એટલે નબળું હતું કારણકે જ્યારે તેણે એના ઘર પાસેની મસ્જીદમાંથી આવતી આઝાનથી પોતાની ઊંઘ ખરાબ થતી હોવાનો મુદ્દો ઉપાડ્યો હતો ત્યારે આ જ ટ્વીટરે તેને ભરપુર સાથ આપ્યો હતો અને એ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને હવે જ્યારે એનું મન પર્સનલ કારણોસર ટ્વીટરથી ઉઠી ગયું એટલે એણે એના ટેકેદારોનો વિચાર કર્યા વગરજ પોતાનો પુષ્ઠ્ભાગ સાફ કરીને હાલતી પકડી એ એના ટેકેદારોનું અપમાન તો છે જ પણ એમને એણે ઠગ્યા પણ છે એવું જરૂર માની શકાય.

સોનુનું ટ્વીટર છોડવાનું કારણ પણ નબળું હતું. સોનુએ અભિજીતને બેન કરવાનો મુદ્દો ઉપાડીને ટ્વીટર લોકો સાથે ભેદભાવ કરે છે એમ કહીને ટ્વીટર છોડી ગયો હતો, પણ અભિજીતે શેહલા રશીદ માટે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો એની સાથે માનસિક રીતે કોઇપણ સાજોસમો વ્યક્તિ સહમત ન જ થઇ શકે. કદાચ સોનુને પોતાની અભિજીત સાથેની દોસ્તી નડી ગઈ હોય એવું બને પણ મજાની વાત એ છે કે અભિજીતે તો પોતાની એ ટ્વીટ ડીલીટ કરી દીધી અને હસતો રમતો ફરીથી એક્ટીવ થઇ ગયો અને સોનુએ પોતાના બિનરાજકીય ફેન્સ જે ફક્ત એના ગાયનના દીવાના છે એમનો સંપર્ક પણ ઉતાવળ કરીને ગુમાવી દીધો.

એક ડાહ્યા પત્તરકારે પરેશભાઈને એમ પણ પૂછી લીધું હતું કે શું એક મહિલા (અરુંધતી) માટે એમણે આ પ્રકારની ટ્વીટ કરવી જોઈએ? પરેશભાઈએ ખુબ સરસ જવાબ આપતા એ પત્તરકારને કહ્યું કે જ્યારે એ પૌરુષ સભર અભિવ્યક્તિ સાથે ભારત વિરોધી બયાન આપે ત્યારે તમને કોઈજ વાંધો નથી, પણ જ્યારે અમે એનો સણસણતો જવાબ આપીએ ત્યારે એ સ્ત્રી થઇ જાય છે? અહીં અભિજીતનો બચાવ નથી પરંતુ ટ્વીટર પર એવી ઘણી ભારતીય મહિલાઓ છે જેમના અકાઉન્ટ વેરીફાઈડ પણ છે તેઓ પણ ખુલ્લેઆમ પુરુષો વિષે અતિશય અભદ્ર ભાષા છૂટથી ઉપયોગ કરે છે, પણ રાહિલ ખુર્શીદ એમને આંગળી પણ અડાડતો નથી. હાલમાં જ આવી એક મહિલા એની આ પ્રકારની ભાષા માટે રવિના ટંડન સાથે લડી રહી છે અને રવિનાને સાથ આપનાર પુરુષોને અભદ્ર ગાળો પણ આપી ચુકી છે.

વામપંથી વિચારધારા ધરાવતા લોકો સોશિયલ મીડિયા પર કાયમ અભિવ્યક્તિની આઝાદી પર શિખામણના પાઠ પઢાવતા હોય છે અને દરેકને પોતાનો મત આપવાની લોકશાહીમાં છૂટ છે અને એ મતને આપણે પુરતું સન્માન પણ આપવું જોઈએ એવું પણ એ લોકો ઉમેરતા હોય છે, પરંતુ જ્યારે આપણે એમની કોઇપણ દલીલનો સવિસ્તર અને તર્કબધ્ધ જવાબ આપીએ ત્યારે આપણને ‘જમણેરી અભણ ટ્રોલ’ની ઉપમા આપીને નીચલી કક્ષાનું અપમાન કરી દેતા હોય છે. આ લોકો માટે ‘ભારત તેરે ટુકડે હોંગે ઇન્શા અલ્લાહ’ એ અભિવ્યક્તિની આઝાદી છે પરંતુ સરકારી કર્મચારીઓનું લોહીનું એક ટીપું પણ વહેવડાવ્યા વગર રક્ષણ કરનાર મેજર ગોગોઈ એ ગરીબ બિચારો શાલ બનાવનાર પણ ભારતીય સેના સામેની પથ્થરબાજી લીડ કરનારના માનવહક્કનું ખૂન કરનાર છે.

બિનહરીફ હોવાની હકીકત ટ્વીટરને તેનું વર્તન બદલવા માટે મજબુર નહીં કરી શકે, પરંતુ છેલ્લા ચાર દિવસમાં બનેલા સળંગ બનાવોએ ટ્વીટરની વિશ્વસનીયતા ઓછી તો કરી જ દીધી છે. પરંતુ ટ્વીટરને એ પણ જાણ હોવી જોઈએ કે સોનુની જેમ રણ છોડીને જતા રહેનારા ટ્વીટર પર મર્યાદિત સંખ્યામાં હાજર છે એટલે દેખના હૈ ઝોર કિતના બાઝુ એ કાતિલ મેં હૈ!

સ્ટમ્પસ !!!

shehla rashid on gautam gambhir

૨૬.૦૫.૨૦૧૭, શુક્રવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
Comments
  1. અંકિત
  2. Mukul M Jani
  3. Bina

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *