શું છે આ ઓબસ્ટ્રકટીંગ ધ ફિલ્ડનો લોચો?

શનિવારની લોર્ડ્સમાં રમાયેલી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે ઇંગ્લેન્ડ આસાનીથી હારી ગયું. પરંતુ આ મેચમાં એક એવી ઘટના બની જેણે કદાચ ઇંગ્લેન્ડની ટીમને એવું બહાનું હાથવગું કરી દીધું કે જેનાથી એમ લાગે કે જો આ ઘટના ન ઘટી હોત તો ઇંગ્લેન્ડ કદાચ મેચ જીતી પણ જાત. વેલ, ઇંગ્લેન્ડ અને એનું પ્રેસ આવા બહાનાબાજી માટે ખાસાએવા લોકપ્રિય પણ છે. જી હા આપણે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના ‘ઓબસ્ટ્રકટીંગ ધ ફિલ્ડ’ આઉટ થવા બાબતે. જ્યાં સુધી આજે ત્રીજી વનડે મેચ નહીં રમાય ત્યાંસુધી આ બાબતે બ્રિટીશ પ્રેસ પોતાની હૈયાવરાળ કાઢતુંજ રહેવાનું છે. પહેલા તો આપણે જોઈએ કે આ બેન સ્ટોક્સની ઓબસ્ટ્રકટીંગ ધ ફિલ્ડ વાળી ઘટના એક્ચ્યુલી શું હતી.

આ વિડીયો જોતા એક બાબતની ખાતરીતો થઈજ જાય છે કે સ્ટોક્સ કદાચ જાણીજોઈનેને બોલ અને સ્ટમ્પસ વચ્ચે નહોતો આવ્યો. તેનું આમ કરવું એ એક કુદરતી રિએક્શન જ હતું. હવે આ હકિકતને આપણે સમજી લીધા પછી ખરેખર ઓબસ્ટ્રકટીંગ ધ ફિલ્ડનો નિયમ શું છે એ જાણી લઈએ.

 

Obstructing the field rule

ક્રિકેટના નિયમોનું સંચાલન કરતી સંસ્થા MCCની રુલબુક પ્રમાણે નિયમ નંબર 37 એવું સ્પષ્ટ કહે છે કે, બેટ્સમેનને ફિલ્ડરોના કાર્યમાં વચ્ચે આવવાનો કોઈજ અધિકાર નથી આથી તેની આવી કોઇપણ કાર્યવાહીને ઓબસ્ટ્રકટીંગ ધ ફિલ્ડ ગણવું , હા જો તેણે પોતાના રક્ષણ માટે આવું કર્યું હોય તો તે ઓબસ્ટ્રકટીંગ ધ ફિલ્ડ આઉટ કરી શકાતો નથી. પરંતુ આ નિયમ લાગુ કરવો કે નહીં તે ઓન ફિલ્ડ અમ્પાયર્સના વિવેક પર છોડી દેવામાં આવ્યું છે. સ્ટોક્સના કિસ્સામાં પણ ફિલ્ડ પર હાજર રહેલા  શ્રીલંકન અમ્પાયર કુમાર ધર્મસેના અને ઇંગ્લેન્ડના જ અમ્પાયર ટીમ રોબિન્સને પૂરી ચર્ચા કર્યા બાદજ વેસ્ટ ઇન્ડિઝના થર્ડ અમ્પાયર જોએલ વિલ્સનને રિપ્લે જોઇને નિર્ણય કરવાનું કહ્યું. આમ જુવો તો જેટલીવાર રિપ્લે જોઈએ એટલીવાર આપણને અલગઅલગ દ્રશ્ય દેખાય, પરંતુ જો નોર્મલ સ્પીડમાં આ વિડીયો જોઈએ તો આપણે આગળ વાત કરી એમ બેન સ્ટોક્સનો ઈરાદો બિલકુલ ખરાબ નથી દેખાતો, પણ તેનું કૃત્ય ક્રિકેટના નિયમ વિરુદ્ધ નું તો હતું. તેની પાસે એ સમયે (જો તે એવું માનતો હતો કે સ્ટાર્કનો થ્રો સીધો સ્ટમ્પસમાં જશે) તો ક્રીઝમાં ડાઈવ મારવા સીવાય બીજો કોઈજ ઓપ્શન નહોતો. એ થ્રો સામે પીઠ દેખાડીને પણ રોકી શકતો ન હતો, કારણકે એ પણ ઓબસ્ટ્રકટીંગ ધ ફિલ્ડ જ ગણાત.

જ્યારે કોઈ ખેલાડી ઓબસ્ટ્રકટીંગ ધ ફિલ્ડ નિયમ હેઠળ આઉટ થાય છે ત્યારે એ સામાન્યરીતે પોતાની જાતને બચાવવા માટેજ આમ કરતો હોય છે. પરંતુ તેનું આ કૃત્ય ક્રિકેટના નિયમો અને અમ્પાયરોની નજરમાં એરીતે દેખાય છે કે જાણેકે બેટ્સમેન જાણીજોઈને બોલ અને સ્ટમ્પસની વચ્ચે આવ્યો. અહીં બેન સ્ટોક્સ, અપીલ કરનારા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન સ્મિથ કે ઇવન નિર્ણય લેનારા અમ્પાયરોનો કોઈજ વાંક નથી. આ તમામે પોતાને રમતની આવી પડેલી એ ‘વિશેષ મિનિટે’ જે યોગ્ય લાગ્યું એમજ કર્યું, પરંતુ બેન સ્ટોક્સે અજાણતાથી પણ નિયમ તોડ્યો હતો અને એટલેજ તેને આઉટ આપવામાં આવ્યો. સ્ટોક્સતો હજી ગુનેગાર હોવાનું દેખાય છે, પરંતુ હવે નીચે આપેલો ઈન્ઝમામ ઉલ હકનો વિડીયો જરા જુવો.

સુરેશ રૈનાએ છેક મિડ ઓફ પરથી કરેલા થ્રોને કેવી નિર્દોષતાથી ઇન્ઝમામે ‘પ્લેડ’ કર્યો? પરંતુ આપણે ઉપર MCCનો રુલ વાંચ્યો એમ બોલ હજી પણ રમતમાં હતો અને ડેડ નહોતો થયો એટલે પોતાનાં રક્ષણ માટે ભલે ઇન્ઝીએ બોલ પ્લેડ કર્યો, પરંતુ ખરેખર તો તેણે ક્રીઝમાં સહેજ ખસી જઈને બોલને કાં તો સ્ટમ્પસને અડવા દેવા જેવો હતો, અથવાતો વિકેટકીપરને તેનું કામ કરવા દેવા જેવું હતું. એણે એમ ન કર્યું એટલે વિશ્વના અત્યારસુધીના મહાન અને શ્રેષ્ઠતમ અમ્પાયર સાયમન ટૌફેલે ઇન્ઝીને વગર થર્ડ અમ્પાયરની મદદે આઉટ કરાર આપ્યો. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાયમ નાનીનાની બાબતોમાં ચડસાચડસી થતી હોય છે. આ જ કાર્ય જો કોઈ ઇંગ્લેન્ડના ફિલ્ડરે કે બોલરે કર્યું હોય તો આજે તેને આ જ બ્રિટીશ પ્રેસ દ્વારા  હિરો બનાવી દેવામાં આવ્યો હોત અને ઓસ્ટ્રેલિયન પ્રેસ ધુમાડા કાઢતું હોત.

ગમેતે હોય પરંતુ અહીં અમ્પાયરો ખુબ ધન્યવાદને પાત્ર છે. કુમાર ધર્મસેના અને ટિમ રોબિન્સન બંને અનુભવી ટેસ્ટ ખેલાડીઓ રહી ચુક્યા છે, આથી તેમના ઉપરતો આંગળી ઉપાડવી એ શક્ય નથી. ઉપરાંત અમ્પાયરો કોર્ટના જજની જેમ સામે મુકાયેલા પુરાવાઓને જોઈનેજ નિર્ણયો કરતાં હોય છે અને એટલેજ બ્રિટીશ પ્રેસ અત્યારે ઓસ્ટ્રેલિયાના કપ્તાન સ્ટીવ સ્મિથને બાળકબુદ્ધિનો ગણાવીને પોતાની હતાશા બહાર કાઢી રહ્યું છે.

સ્ટમ્પસ |||

ઓબસ્ટ્રકટીંગ ધ ફિલ્ડ અને હેન્ડલ ધ બોલ આ બંને ક્રિકેટના અનોખા નિયમો છે જેમાં બોલર કે ફિલ્ડરો પોતાની ટેલેન્ટનો કોઈ ખાસ ઉપયોગ કરતાં નથી, પરંતુ તેમ છતાં બેટ્સમેનને આઉટ કરી શકાય છે. ભારતના પૂર્વ ટેસ્ટ ખેલાડી મોહિન્દર અમરનાથ આ બંને વિશેષ નિયમો હેઠળ આઉટ થનારા એકમાત્ર આંતરરાષ્ટ્રીય ખેલાડી હોવાનું ‘સન્માન’ ધરાવે છે. 1980ના દાયકામાં ઓસ્ટ્રેલિયા સામેની એક મેચમાં વહેલી સવારે મોહિન્દર અમરનાથને ટીવી પર હેન્ડલ ધ બોલ આઉટ થતા જોવાનો લહાવો બંદાને મળ્યો હતો જે આજે પણ બરોબર યાદ છે.

૦૮.૦૯.૨૦૧૫, મંગળવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *