સલમાન, નસીર ને એવું બધું

સોશિયલ મીડિયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી સલમાન ખાન અને નસીરુદ્દીન શાહ ખૂબ ચર્ચામાં છે. પહેલાં એવું કહેવાતું કે આપણી હિન્દી ફિલ્મો એ ભારતીય સમાજનો આયનો છે એટલે સમાજમાં જે પણ થાય છે એ હિન્દી ફિલ્મોમાં પણ બતાવવામાં આવે છે. હવે આ કહેવાતી કહેવતને થોડીક રીમીક્સ કરીને કે મઠારીને એમ બોલવી પડે કે સોશિયલ મીડિયા એ આપણી હિન્દી ફિલ્મોનો આયનો છે એટલેકે બોલિવુડમાં જે પણ થાય છે એ સોશિયલ મીડિયામાં તરતજ દેખાઈ જાય છે. રવિવારે નસીરુદ્દીન શાહની રાજેશ ખન્ના વિષે કેટલીક વિવાદિત કોમેન્ટ્સ સામે આવી તો તેના બીજા જ દિવસે સલમાન ખાનના અઢાર વર્ષ જુના હરણના શિકારના કેસમાં નિર્દોષ છૂટકારો થયો હોવાના સમાચાર મળ્યા. આ બંને ઘટનાઓના સોશિયલ મીડિયા પર પ્રતિઘાત પડ્યા જે સ્વાભાવિક હતું. આપણે બંને ઘટનાઓ વિષે વન બાય વન ચર્ચા કરીએ.

નસીરુદ્દીન શાહે ઇન્ડીયન એક્સપ્રેસને આપેલી મૂલાકાતમાં ભારતના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાને એક સામાન્ય (mediocre) કલાકાર કહ્યા અને હિન્દી ફિલ્મો એક સ્તરથી આજે પણ આગળ વધી નથી શકી તેનો તમામ ઓળીયો અને ઇવન ઘોળીયો પણ એમણે ખન્ના પર નાખી દીધો. નસીરુદ્દીન શાહ ખુદ કેવા એક્ટર છે કે એમણે કયા પ્રકારની mediocre ફિલ્મો હાલના અને દૂરના ભૂતકાળમાં કરી છે કે પછી તેમણે આ પ્રકારના બયાનો અગાઉ પણ ક્યારે, કોના માટે અને કેમ આપેલા છે એની ચર્ચા આપણે અહીંયા નથી કરતા. આપણે માત્રને માત્ર નસીરની કમેન્ટ પર અને તેના પર ખન્નાપુત્રી ટ્વિન્કલના રીએક્શન પર જ ચર્ચા કરીશું.

રાજેશ ખન્ના વિષે જ્યારે એ જીવતા ત્યારે પણ તેમની એક સામાન્યકક્ષાના કલાકાર હોવાની ટીકા થતી રહેતી હતી અને જેને અંગ્રેજીમાં મેનરીઝમ કહે છે કે સાદીસીધી ભાષામાં જેને આગવી અદાઓ કહેવાય તેને લીધેજ તેઓ અત્યંત લોકપ્રિય થયા હોવાનો આરોપ તેમના પર લાગતો રહેતો હતો. આ પ્રકારના બેન્ડવાજા વગાડનારાઓમાં અપુન પોતે પણ સામેલ હતા કારણકે હું એ જમાનો જીવ્યો છું જ્યારે સ્કુલોના મારા મિત્રોમાં અમિતાભ વિ રાજેશ ખન્ના એમ બે સ્પષ્ટ ભાગ પડેલા હતા, જેમ આજે આમિર વિરુદ્ધ શાહરૂખ વિરુદ્ધ સલમાન જેવા ભાગ સોશિયલ મીડિયામાં જોવા મળે છે, બિલકુલ એવીજ રીતે. આપણે બચ્ચન ગેન્ગના લીડર એટલે રાજેશ ખન્નાનો વિરોધ આપણા રક્તકણોમાં વગર માઈક્રોસ્કોપે પણ સ્પષ્ટ દેખાય. પણ જ્યારે અમિતાભ અને ખન્ના વચ્ચે શરુ થયેલી આ મેરેથોન માત્ર ૪૦૦ મીટરની દોડ જ સાબિત થઇ એટલેકે ખન્ના બચ્ચનની ઉસેન બોલ્ટ સમી સ્પીડ સામે થોડા જ વર્ષોમાં હાંફી ગયા ત્યારે એમનો વિરોધ કરવાનું મૂકી દઈને આપણે એમને એમના હાલ પર છોડી દીધા હતા.

જેમ મોટા થયા એમ ફિલ્મોનો શોખ બચ્ચનની ફિલ્મ સિવાય અન્યોની ફિલ્મો જોવા તરફ પણ વળ્યો ત્યારે આનંદ અને બાવર્ચી જોવાનો મોકો મળ્યો અને દિલમાંથી રીતસર એક અવાજ આવ્યો કે ‘યાર, કાકા એમ સાવ નફરત જ કરવા લાયક એક્ટર તો નથી જ હોં કે?’ તો જેમ અશોક દવે ઘણી વખત પોતાની કોલમોમાં લખે છે કે દેવ આનંદ માત્ર એના ભાઈ વિજય આનંદના ડીરેક્શનમાં જ હખણો રહ્યો છે એમ રાજેશ ખન્નામાં જો કૌવત ન હોત તો હ્રીશીકેશ મુખરજી જેવો જોરદાર ઝવેરી પણ તેમને ચમક ન આપી શક્યો હોત. તો શું નસીરની એ વાત કેટલી હદે સાચી છે કે રાજેશ ખન્ના, એમના માનવા અનુસાર હિન્દી ફિલ્મોનું સ્તર નીચે લાવવા માટે જવાબદાર છે? તેના માટે નસીર સરને એક સણસણતો સવાલ એમ પણ પૂછી શકીએ એક રાજેશ ખન્નાના આવ્યા પહેલાં ઓસ્કર વિનિંગ છોડો પણ એનું નોમીનેશન મળેલી હિન્દી ફિલ્મો કેટલી બની? (સ્પષ્ટતા: આપણા દેશમાં ઓસ્કર્સને ફિલ્મોનું સારી-ખરાબ હોવાનો માપદંડ ગણવામાં આવે છે એટલે અહીં એની સંડોવણી કરાવવામાં આવી છે.) ફરીથી અશોક દવેને યાદ કરીએ તો તેમણે નસીર હુસેન (આમિર ખાનના કાકા) વિષે ઘણી વખત એમ લખ્યું છે કે એ માણસે એકની એક સ્ટોરી પર જુદાજુદા એક્ટર્સને લઈને ચાર-પાંચ ફિલ્મો બનાવી હતી જેમાંથી મોટાભાગની સારી ચાલી હતી. આ તમામ ફિલ્મો રાજેશ ખન્નાના આવ્યા પહેલાના સમયમાં બની હતી જેમાં શમ્મી કપૂર, જોય મુખરજી અને બિશ્વજિત એક્ટિંગ કરી ચૂક્યા હતા. આ ફિલ્મોમાંથી બે ફિલ્મો જોયા હોવાનું મને પણ યાદ આવ્યું હતું, જ્યારે દવે સાહેબે તેમનો રેફરન્સ આપ્યો હતો. (હિન્ટ: આ તમામ ફિલ્મોનું શૂટિંગ મોટાભાગે કાશ્મીરમાં થયું હતું.) જો હિન્દી ફિલ્મોનું આવુંજ સ્તર ૧૯૬૦ના દાયકામાં પણ હતું તો પછી સ્વર્ગસ્થ રાજેશ ખન્નાના આવ્યા અગાઉ પણ mediocre ફિલ્મો બનતી જ હતી એવું અહીં સાબિત ન થયું કહેવાય?

ચાલો આ ચર્ચાને પડતી મૂકીએ અને ટ્વિન્કલ ખન્નાના રીએક્શન વિષે વાત કરીએ તો એની એ કમેન્ટ તો સાચી જ છે કે મૃત વ્યક્તિના કાર્યની ટીકા થાય તો તેને લઈને કદાચ કોઈનેય વાંધો ન હોઈ શકે, પણ તેના પર કોઈ આરોપ મૂકવો એ ક્યાં સુધી યોગ્ય ગણાય કારણકે એ વ્યક્તિ એ આરોપનો જવાબ આપવા માટે હાજર રહી શકતી નથી. ટ્વિન્કલની આ દલીલ સાથે કોઈક જ અસહમત હોઈ શકે. જો કે અસહમત થનારા પણ સોશિયલ મીડિયામાં પડ્યા છે માત્ર એટલા માટે કારણકે તેઓ પોતાના ફેવરીટ અદાકારની સાચી ટીકા સહન નથી કરી શકતા. આપણે ત્યાં અશોક પાન પાર્લરથી માંડીને ફેસબુકની વોલ સુધી લગભગ રોજ નહેરુની ટીકા કરવાની જોરદાર ફેશન છે. કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં લઇ જવાના તેમના નિર્ણયની ટીકા કરી શકાય, આઝાદી સમયે તેમણે અપનાવેલા સમાજવાદને લીધે ભારતના વિકાસનો  પાયો નબળો રહી ગયો એની ચર્ચા પણ થઇ શકે પરંતુ ભારત હાલના અમેરિકાની જેમ માત્ર ૬૮ વર્ષમાં સુપર પાવર ન બની શક્યું એની પાછળ માત્ર નહેરુ જ જવાબદાર છે એવો આરોપ ન મૂકી શકાય. જો નહેરુ જીવિત હોત તો એમની પાસે આવા આરોપનો જવાબ આપવાની તક હોત. બસ! ખન્ના સાથે નસીરે એવો જ અન્યાય કર્યો છે.

હવે આવીએ સલમાન પર. સલમાનને બ્લેક બક અને ચિંકારાના શિકારના મામલે રાજસ્થાન હાઈકોર્ટે સોમવારે નિર્દોષ છોડી દીધો. આ અગાઉ બોમ્બે હાઈકોર્ટે પણ હીટ એન્ડ રન કેસમાં સલમાનને પૂરાવાના અભાવમાં નિર્દોષ જાહેર કર્યો હતો. આદત પ્રમાણે આપણા તમામનું પહેલું રીએક્શન સમરથ કો નહીં દોષ ગુંસાઈ ટાઈપનું જ હતું. કેટલાકે તો બંને કેસમાં સલમાનનું નિર્દોષ છૂટવાને ત્રણેક વર્ષ અગાઉ તેણે મોદી સાથે કરેલી પંતગબાજીનો લાભ પણ ગણાવી દીધો હતો. આવા લોકોની એક્સ્ટ્રા હોશિયારીને તો દૂરથી જ સલામ કરવી જોઈએ પરંતુ એક સવાલ મનમાં જરૂર આવ્યો કે જો સલમાન દોષી જાહેર થાત તો તેને હાલની કહેવાતી હિન્દુવાદી સરકારમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારના લેબલનો લાભ મળત કે નહીં? અને જો મોદીનો આપણી અદાલતો પર આટલો જ કાબુ હોત તો એ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશના નિર્ણયો પોતાની તરફ કેમ ન ફેરવી શક્યા? પણ આવા સવાલોના જવાબો આપવાનો ક્યાં કોઈની પાસે ટાઈમ જ છે, રાઈટ?

સમરથ કો નહીં દોષ ગુંસાઈનો એક્ચ્યુઅલ અર્થ આજના સમયે એમ કરી શકાય કે જેની પાસે આર્થિક કે અન્ય કે બંને સમર્થતા છે, તે મળી શકે એવી તમામ મદદ લઈને પણ પોતાના પર લાગેલું કલંક દૂર કરી શકતો હોય છે એટલે તમામ ઘટનાઓને માત્ર ભ્રષ્ટાચારના કોન્ટેક્ટ લેન્સથી જોવી જરાય યોગ્ય નથી. એવું બિલકુલ નથી કે આપણું ન્યાયતંત્ર પાક સાફ છે પરંતુ જ્યારે આપણને ગમતો ફેંસલો અદાલત ન આપે ત્યારે બધું સેટિંગ જ છે એવો સેલ્ફ ચુકાદો એ દેશની કોઇપણ અદાલતને સખ્ખત અન્યાય છે. મોટાભાગના, રીપીટ મોટાભાગના જજ તેમની સમક્ષ મુકવામાં આવેલા પૂરાવાઓને ધ્યાનમાં લઈને જ કોઈ નિર્ણય કરતા હોય છે. ઓનલાઈન મીડિયાનો અંતરંગ ભાગ હોવાથી દોઢેક વર્ષથી સલમાનના બંને કેસોને સમાચારો દ્વારા સતત ફોલો કરવાનો લાભ મને મળ્યો છે. હીટ એન્ડ રન અને હરણના બંને કેસોમાં સલમાન વિરુદ્ધના પૂરવા અત્યંત નબળા જ નહીં પરંતુ અમુક હદે હાસ્યાસ્પદ કહી શકાય તેવા હતા. હવે આવા સંજોગોમાં કોઇપણ અદાલત માત્ર એટલા માટે સલમાનને જેલમાં પૂરી દે કારણકે બહુમતી જનમત સલમાનને જેલમાં જોવા માંગતો હતો?

હા, આપણને (હું પણ ઇન્ક્લુડેડ) મોટા માણસો જેલમાં જાય એ જોવામાં અત્યંત આનંદ આવતો હોય છે અને એ હકીકત સ્વીકારવામાં નાનમ શેની? યાદ કરો જ્યારે લાલુ યાદવ કે સહારાશ્રી જેલમાં ગયા ત્યારે આપણા બધાના ચહેરા પર કેવી લાલીમા છવાઈ ગઈ હતી? પણ જ્યારે લાલુ ચાર-છ મહીને જેલની બહાર આવી ગયા અને સહારાશ્રી VIP જેલમાં રહે છે એવી ખબર પડી ત્યારે આપણા એજ ચહેરા પરનું નૂર ઉડી ગયું હતું, યાદ હૈ? સલમાન કે પછી કોઇપણ સેલીબ્રીટી પર આરોપ લાગતાંજ જનમતમાં એવું ઠસાવી દેવામાં આવે છે કે તે ગુનેગાર છે. કોઇપણ વ્યક્તિ ચાહે સલમાન હોય કે મારા-તમારા  જેવો સામાન્ય વ્યક્તિ તેને અદાલત પૂરાવાના આધારે જ દોષી કે નિર્દોષ ઠેરવે છે. જો સલમાને પૈસાનો જ ઉપયોગ કર્યો હતો તો નીચલી અદાલતમાં જ કેમ ન કર્યો? ઓછા પૈસા આપવા પડતને? બીજા શબ્દોમાં કહું તો જો સલમાન ખરેખર દોષી હતો તો નબળા પૂરાવાને લીધે એનું નસીબ કામ કરી ગયું એમ કહી શકાય. હા નબળા પૂરાવા જ કોર્ટમાં રજુ કરવા કે કોર્ટમાં રજુ કરવા અગાઉ તેને નબળા બનાવવા ત્યાં ઘાલમેલ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે જ પણ એ માત્ર હાઈકોર્ટમાં જ કેમ થયું? તો શું સલમાનને વર્ષો સુધી પોતાના પર બબ્બે કલંક લાગેલા રહે એવી ઈચ્છા હતી? આપણે સલમાન ગુનેગાર હતો કે નહીં તેના પર ચર્ચા કરવામાં રહી ગયા પરંતુ બે મહત્ત્વની બાબતો પર કોઈનું પણ ધ્યાન ન ગયું તેનું શું?

નંબર એક; હીટ એન્ડ રન અને હરણ આ બંને મામલે જે જે પુરાવાઓને નીચલી અદાલતોએ માન્ય રાખીને સલમાનને સજા કરી હતી તે તમામ પૂરાવાઓને હાઇકોર્ટે માન્ય રાખ્યા નથી. કેમ? તો શું આપણી નીચલી અદાલતોમાં અયોગ્ય જજો બેસે છે એવું આપણે માની લેવાનું? ઉદાહરણ તરીકે હીટ એન્ડ રન કેસમાં સલમાનનું બ્લડ સેમ્પલ જ્યારે ફોરેન્સિક લેબમાં આપવામાં આવ્યું ત્યારે તેની સાથે બીજા બે-ત્રણ અન્ય સેમ્પલ્સ પણ લઇ જવામાં આવ્યા હતા પણ એમાંથી સલમાનનું સેમ્પલ કયુ એવું કોઈજ માર્કિંગ કરવામાં આવ્યું ન હતું. શું આવું પોલીસે જાણીજોઈને કોઈના પ્રભાવમાં આવીને કર્યું હતું? જો કર્યું હતું તો નીચલી અદાલતે આ પૂરાવાને સ્વીકાર્યો અને હાઈકોર્ટે રિજેક્ટ કરી દીધો. કેમ? જો સેમ્પલને યોગ્ય માર્કિંગ વગર મોકલવામાં મુંબઈ પોલીસની ખરેખર ભૂલ થઇ હતી તો ન્યાયતંત્રને સરસ્વતી સંભળાવવા કરતાં પોલીસ રિફોર્મ્સની તાત્કાલિક જરૂરિયાત પર આપણા કોઈનું કેમ ધ્યાન કેમ નથી જતું?  ઉદાહરણ બે, હરણ કે ચિંકારાને મારવા માટે જે છરી વપરાઈ હતી તેને પૂરાવા તરીકે નીચલી અદાલતે માન્ય રાખ્યો પરંતુ હાઇકોર્ટના જજે આ છરીને હાથમાં લેતાંની સાથેજ કહી દીધું કે આ એક સામાન્ય ઘરવપરાશની છરી છે આનાથી હરણની ચામડી કેવી રીતે કાપી શકાય?… કેમ? જે લોકો સમરથ કો નહીં દોષ ગુંસાઈ કહે છે એમને એટલુંજ પૂછવાનું કે લોઅર કોર્ટમાં સમરથ સલમાનને સજા થઇ ત્યારે કયો દોષ એને નડ્યો હતો?

સ્પષ્ટ હકીકત એ જ છે કે માણસ જેટલો સમર્થ તેની પાસે પૈસા ફેંકીને બાહોશ વકીલ રોકવાની તાકાત હોય છે. આ બાહોશ વકીલોની બાહોશતા એટલે સલમાનને પાંચ મિનિટમાં જામીન અપાવવામાં કે ઉપલી અદાલતના વિદ્વાન જજોને એ સમજાવવામાં વપરાય છે કે આ પ્રકારના નબળા પૂરાવાના આધારે કોઈને જેલ ન થાય. હવે આવા બાહોશ વકીલોની ફી આપણા જેવાઓને નથી પોસાતી તો હવે હું કે તમે શું કરી શકીએ? લોકશાહી દેશમાં સરકાર તો કોઈ વકીલને વગર કે ઓછી ફી લઈને કેસ લડવાનો ફોર્સ ન કરી શકે ને? અને કેટકેટલા કેસમાં આવું કહે? હા અદાલતો આ કાર્ય જરૂરથી કરી શકે, પણ એ કરે ખરી? ફરીથી કેટકેટલા કેસોમાં કરે? મારા અંગત મત પ્રમાણે જ્યાં આપણું ચાલતું ન હોય કે ચાલે એવું લાગતું ન હોય ત્યાં સમય અને સંજોગો સાથે સમાધાન કરી લેવામાં જ માલ છે નહીં તો ફૂલ ટાઈમ ક્રાંતિકારી થવું પડે અને એના માટે હિંમત કે સમય આપણી પાસે છે ખરો?

આ તમામ હશહશમાં એક હકીકત પર કોઈનું ય ધ્યાન ન ગયું કે જો સલમાને ફૂટપાથ પર ગાડી ચલાવીને કોઈને માર્યો ન હતો તો પછી એ વ્યક્તિના મૃત્યુના કારણ પાછળની તપાસનું શું? કારણકે ફૂટપાથ પર SUV ચડી જવાને લીધે કોઈ મર્યું તો છે જ એ હકીકત છે. જો સલમાને બ્લેક બક કે હરણને માર્યું નથી તો એની હોટલ કે જીપ્સીમાંથી મળી આવેલા એ હરણોને કોણે માર્યા એની તપાસ હવે થશે કે નહીં? કારણકે શિકાર થયેલા હરણો મળ્યા તો છે જ. હવે જ્યારે કાયદેસર સલમાન નિર્દોષ છે ત્યારે આવા સવાલો પર ન્યાય તેમજ પોલીસતંત્રને કરવાનો સમય આવી ગયો છે.

સ્ટમ્પસ!!!

જ્યારે આનંદમાં રાજેશ ખન્નાના મરી જવાનો સીન ભજવવાનો હતો ત્યારે હું ખૂબ ટેન્શનમાં હતો કે હું મારા ડાયલોગ્સ કેવી રીતે ભજવીશ? હું મહેમુદભાઈને મળ્યો, એમણે મને સલાહ આપી કે તું એમ વિચાર કે ખરેખર રાજેશ ખન્ના મરી ગયા છે અને પછી તું સીન ભજવ. હ્રીશી’ દા એ ટેક લેતાં જ મેં બરોબર એમ જ કર્યું જેમ મહેમુદભાઈએ કીધું હતું અને તરતજ હ્રીશી’દા બૂમ પાડી ઉઠ્યા, ‘અરે અમિત આ તું શું કરી રહ્યો છે? બી નોર્મલ, નો મેલોડ્રામા.’ હું વળી તકલીફ અનુભવવા લાગ્યો, પણ છેવટે મેં અત્યારસુધી મારા જીવનમાં આવેલા તમામ દુઃખો ને યાદ કરીને એ સીન કર્યો અને ખરેખર રડ્યો ત્યારે એ સીન ઓકે થઇ ગયો.

– અમિતાભ બચ્ચન

૨૭.૦૭.૨૦૧૬, બુધવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *