એ કાકા ….

આપણે જાણીએ છીએ કે સ્ત્રીને ક્યારેય એની સાચી ઉંમર ન પૂછાય. પુરુષને આ બાબતે કોઈજ વાંધો નથી હોતો, પણ ઉંમરના એક પડાવે એને પણ ઉંમરને લગતા સવાલ કે ઈશારા માત્રથી તકલીફ જરૂરથી પડતી હોય છે. આ પડાવ છે ઉંમરનો ચાલીસમો દાયકો શરુ થવો. ખાસકરીને જ્યારે કોઇપણ પુરુષ ચાળીસ પસાર કરે અને પિસ્તાળીસ વર્ષનો થાય ત્યાંસુધીની એની ઉંમર એવી હોય છે કે યુવાની જતી નથી અને વૃદ્ધત્વ તો હજી એનાથી કિલોમીટરના કિલોમીટર દૂર ઉભું હોય છે.

વચ્ચે વોટ્સએપ પર એક જોક ખુબ વાયરલ થયો હતો કે ચાલીસ વર્ષના પુરુષને કોઈ યંગ છોકરી અને એની મમ્મી બંને એકસરખી ગમતી હોય છે. આ મીઠી મુંજવણ ઉપરાંત એક તકલીફ એને પડતી હોય છે યંગસ્ટર્સ દ્વારા, (ખાસકરીને યંગ છોકરીઓ એમ વાંચવું) દ્વારા એને અંકલ કે કાકા કહીને બોલાવે ત્યારે. એમાં એ યંગસ્ટર્સનો પણ વાંક નથી હોતો. ભારતનો સામાન્ય પુરુષ અક્ષય કુમાર કે ત્રણેય ખાનની જેમ માથામાં વાળ રોપણ કરાવીને કે પછી જીમમાં પરસેવો પાડીને ફીટ રહેવા જેટલો સમય કાઢી નથી શકતો એટલે કાં તો વાળમાં સફેદી શરુ થઇ ગઈ હોય છે અથવાતો મારા જેવાને તો માથા પરથી વાળ જ વિદાય લેવા માંડતા હોય છે.

સફેદીને તો ચાલો કોઇપણ રીતે ડાઈ કરીને એડજેસ્ટ કરી લેવાય પરંતુ જ્યારે ચહેરો કપાળને પાર કરવા લાગે ત્યારે એનો કોઈજ ઈલાજ નથી. આગળ જણાવ્યું એ વાળરોપણનો ઓપ્શન ખરો પણ બધાંને પોસાય ખરો? ચલો જેને પોસાય એ માથા પર નવા વાળ પણ રોપી લે, પણ કમબખ્ત ચાલીસમે વર્ષે આ મેચ્યોરીટી દેખાડવા લગતા ચાડીખોર ચહેરાનું શું કરવું? હવે એના માટે તો પ્લાસ્ટિક સર્જરીનો ખર્ચો ન જ કરાયને? ટૂંકમાં અંકલ કે કાકા દિલમાં ખુંચે પણ એને ચલાવી લેવા સિવાય બીજો કોઈજ ઓપ્શન નથી હોતો.

સ્ત્રીઓ ઉંમર ભલે છૂપાવે અને પુરુષ ભલે એને ન છુપાવે, પણ ઉંમર વધવાનું દર્દ તો એને પણ હોય જ છે, પ્રગટ નહીં તો સ્વગત! જો માથાના વાળ પણ નહિવત સફેદ થયા હોય કે લગભગ આખું માથું વાળથી ભરેલું હોય તો પણ ઉંમર તો એનું કામ કરે જ છે અને ચાળીસની ઉંમર પછી આવતી સફેદી જ્યારે એના છાતીના વાળ પર એટેક કરે છે ત્યારે તો એ રીતસરનો હલબલી જાય છે. આમાં પણ છાતીમાં દેખાયેલો પહેલો એકાદો સફેદ વાળ જેવો કાપે કે તરતજ ન જાને ક્યૂં, બીજો એનો મિત્ર ક્યાંકથી બીજા કે ત્રીજા દિવસે છાતીના બીજા કોઈ ખૂણે ડોકાઈ જ  જતો હોય છે.

અગ્રીડ કે આ એક કુદરતી પ્રક્રિયા છે અને યંગસ્ટર્સ એને અંકલ કહીને બોલાવે તો એને કદાચ સ્વીકારી પણ લેવાય, પણ જ્યારે કોઈ અજાણ્યો અને હમઉમ્ર વ્યક્તિ પણ એને કાકા કે અંકલ કહીને બોલાવે ત્યારે એમ થાય કે ગાંધીજીની સલાહ આણે સાંભળી હોય કે ન હોય અને આ બીજો ગાલ ધરે કે ન ધરે પણ આપણે તો એને બેય ગાલે ચોડી જ દેવી જોઈએ. આ પ્રકારના જંતુઓ રિક્ષાવાળાઓમાં ખાસ જોવા મળે છે. પોતે તો ચાલીસીના મધ્યને પણ વટાવી દીધી હોય પણ જ્યારે ચાલીસીના દરવાજે ઉભેલો વ્યક્તિ એને ક્યા રસ્તેથી રિક્ષા વાળવી એની સલાહ આપે ત્યારે, “તમે કેમ એમ લઇ લઉં અંકલ” એમ કહીને એનું હડહડતું અપમાન કરી લેતા હોય છે.

જ્યારે કોઈ ઇનોસન્ટ યંગ બોય કે ગર્લ આવા વ્યક્તિને ‘અંકલ’ કહીને બોલાવે ત્યારે કદાચ એટલું દુઃખ નથી થતું જેટલું જ્યારે કોઈ જાણીજોઈને આ પ્રમાણે બોલે, ખાસકરીને એવી વ્યક્તિઓ જે બહુ જલ્દીથી એમની ત્રીસીમાં પ્રવેશવાના છે. જો કે ત્રીસીમાં પ્રવેશ પણ કોઈ માપદંડ નથી, આવા લોકોને ખબર છે કે આ ઉંમરે કોઈ એમને કાકા કે અંકલ કહેશે તો ગમશે નહીં, ભલે તમાચો મારીને ગાલ લાલ રાખશે એટલે ખાસ દરેક વાક્યની શરૂઆતમાં, અંતમાં કે સંબોધન કરતી વખતે કાકા શબ્દનો અચૂક પ્રયોગ કરશે. આવા લોકો કદાચ ચીરયુવાનીના આશિર્વાદ લઈએ આવ્યા હોય એવું બની શકે.

હવે વાત કરીએ ભેદભાવની. તમે જો સેલીબ્રીટી હોવ અને/અથવાતો અપરણિત હોય અથવાતો બંને હોવ અને ચાળીસી વટાવી હોય તો કોઈ તમને અંકલ નહીં કહે, નોટ ઇવન યંગસ્ટર્સ. આમાંતો લોકોને ભાઈ કહીને બોલાવવામાં પણ તકલીફ પડી જતી હોય છે, કાકા ને તો તડકે મૂકો. ટૂંકમાં પરણી ગયા એટલે ‘પતિ’ ગયા (pun intended.) પરણેલા, એકાદ-બે સંતાનોના પિતા અને ચાળીસ પ્લસ એટલે તમારું અંકલ કે કાકારૂપી લાઈસન્સ ઈશ્યુ થઇ જ જાય.

આ માત્ર જનરલ ઓબ્ઝર્વેશન છે અને કોઈ પ્રકારનો ઉભરો ઠાલવ્યો નથી એટલા માટે કારણકે હું પોતેય ‘કાકા’ની કેટેગરીમાં આવી ચૂક્યો છું, પરંતુ એ ઉપનામને હું કાયમ હસી કાઢું છું કારણકે હું ખરેખર શું ફીલ કરું છું એની મારા સિવાય બીજા કોઈને ખબર હોવી જ જોઈએ એ જરૂરી તો નથી ને? પણ ઘણા સાથે આવું થતું હોય છે અને આવું જ્યારે પણ કોઈ ચાળીસ પ્લસ વ્યક્તિ સાથે થાય ત્યારે એને પણ આગળ જણાવ્યું એ પ્રકારની જ ફીલિંગ થતી હશે એ “મેરી ઉંમરકે નૌજવાનો” સીવાય બીજા કોઈને પણ ખ્યાલ નહીં આવે.

જો તમે પણ આ જ કેટેગરીમાં આવો છો અને તમને પણ આ પ્રકારની ફીલિંગ થતી હોય છે તો તમે અહીં કમેન્ટ કરશો તો અન્ય વાચકોને પણ તમારા અનુભવોનો લાભ મળશે. અહીં વ્યક્ત કરેલા અનુભવો ઉપરાંત અન્ય કોઈ અનુભવ તમને થયો હોય તો પણ તમે શેર કરી શકો છો.

સ્ટમ્પસ!!!

Life begins at fourty!

૩૧.૦૧.૨૦૧૭, મંગળવાર

અમદાવાદ.

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
Comments
  1. Kunjan Vasavda
  2. Rajni Agravat

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *