લોધાનો ગરમ હથોડો! – મૈયપ્પન કુંદ્રા સસ્પેન્ડ  

આખરે જેની ક્રિકેટ રસિકો રાહ જોઈ રહ્યા હતાં તે ક્ષણ આવી ગઈ. બે વર્ષ પહેલાં અને આઈપીએલનાં છઠ્ઠા વર્ષે થયેલા સ્પોટ ફિક્સિંગ કાંડનો ક્રિકેટ ફેન્સની આશા મુજબ ક્રિકેટના ગુનેગારોને સજા આપવામાં આવી છે. સ્પોટ ફિક્સિંગ કાંડમાં સપડાયેલા રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓને સજા આપીને બીસીસીઆઈ એ, એ બંને ટીમોના માલિકોને આંગળી પણ નહોતી અડાડી. ઉલટું એક કમિટી રચીને આ તમામને ક્લીન ચીટ આપી દીધી હતી. પરંતુ બિહાર ક્રિકેટ એસોશિએશન આ નિર્ણય સામે સુપ્રીમકોર્ટમાં જતાં સુપ્રીમકોર્ટ રીટાયર્ડ જસ્ટિસ મુદગલની અધ્યક્ષતામાં એક કમિટી રચી અને એ કમિટીએ બીસીસીઆઈમાં બધુંજ સરસ નથી અને સ્પોટ ફિક્સિંગમાં માલિકો પણ ઇન્વોલ્વ હતાં તેવો નિર્ણય સોય ઝાટકીને આપ્યો. આ વખતેજ ક્રિકેટ પ્રેમીઓને આશા બંધાઈ હતી કે આ માલિકો ઉપર પણ પગલાં લેવામાં આવશે.

જસ્ટિસ મુદગલ કમિટીના રીપોર્ટ પછી ગુનેગારોનની સજા નક્કી કરવા માટે સુપ્રીમકોર્ટે જસ્ટિસ લોધાની અધ્યક્ષતામાં એક બીજી કમિટી બનાવી. આ કમિટીને આ ગુનેગાર માલિકો તેમજ તેમની ફ્રેન્ચાઈઝીઓ પર શું પગલાં લેવા તેનો નિર્ણય લેવો, ઉપરાંત બીસીસીઆઈની સંપૂર્ણ સાફસફાઈ કેવીરીતે કરવી તેના સજેશન્સ પણ આપવા એવો આદેશ આપવામાં આવ્યો. આ આદેશના અમલીકરણના પ્રથમ ભાગ રૂપે આજે દિલ્હીના ઇન્ડિયા હેબીટાટ સેન્ટરમાં એક ઓપન પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ લોધાએ પોતાની કમિટીનો નિર્ણય જણાવ્યો હતો. જસ્ટિસ લોધા કમિટીએ આપેલા નિર્ણયની દરેક બારીકીને આપણે વારાફરતી જોઈએ.

  • ગુરુનાથ મૈયપ્પન અને રાજ કુંદ્રા આજીવન ક્રિકેટમાંથી પ્રતિબંધિત: ગુરુનાથ મૈયપ્પન ઇન્ડિયા સિમેન્ટ્સમાં ડાઈરેક્ટર છે અને ઇન્ડિયા સિમેન્ટ્સ સીએસકે ની માલિક છે. આથી જો માલિકજ કાયદાની વિરુદ્ધ બેટ લગાડતો હોય તો તેને આ રમત સાથે હવે આગળ ઉપર સંબંધ ધરાવવાનો કોઈજ અધિકાર નથી તેમ કહીને લોધા કમિટીએ આઈપીએલના નિયમાનુસાર વધુમાં વધુ ઠરાવાયેલી સજા એટલેકે આજીવન પ્રતિબંધ મૈયપ્પન પર લગાવ્યો હતો. રાજ કુંદ્રા માટે પણ જસ્ટિસ લોધાએ આ જ પ્રકારની વાત કરતાં તેમને પણ ક્રિકેટની કોઇપણ ઓફિશિયલ કાર્યવાહીથી આજીવન પ્રતિબંધિત કર્યા હતા.
  • સીએસકે અને આરઆર ની માલિકી પણ પ્રતિબંધિત: જેમ ગુરુનાથ અને કુંદ્રાને ટીમના માલિકો હોવા છતાં બેટ લગાવવા માટે જવાબદાર ગણવામાં આવ્યાં તે પ્રમાણે બંને ટીમોની માલિકી ધરાવનાર કંપનીઓને પણ જવાબદાર ગણવામાં આવી. સીએસકેની કંપની ઇન્ડિયા સિમેન્ટ્સને પોતાના ડાયરેક્ટર મૈયપ્પનને ન રોકવા માટે અને તેના ગુના પર ઢાંકપીછોડો કરવા માટે બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સની માલિકીમાં ભલે અમુકજ ટકાનો હિસ્સો હોવા છતાં, તેમજ  રાજ કુંદ્રાએ બાદમાં પોતાના શેર વેંચી દેવાની ઓફર કરી હોવા છતાં બાકીનાં ફ્રેન્ચાઈઝી પાર્ટનર્સ પોતાની જવાબદારી માંથી છટકી ન શકે તેવું કમિટીએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું. આ ઉપરાંત કુંદ્રાનો ગુનો મુદગલ કમિટીના રિપોર્ટમાં સાફ સાબિત થઇ ગયો હોવા છતાં તેના પર આરઆર ના મેનેજમેન્ટે કોઈજ કાર્યવાહી ન કરી હોવાની પણ કમિટીએ નોંધ લીધી હતી, આથી રાજસ્થાન રોયલ્સની માલિકીને પણ બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જસ્ટિસ લોધાએ ત્યારબાદ જણાવ્યું હતું કે હવે એ નિર્ણય બીસીસીઆઈએ લેવાનો છે કે તે નવેસરથી આ બંને ટીમોની માલિકી માટે હરાજી કરે કે પછી તેમને સસ્પેન્ડ કરીને બે વર્ષ એમનેમ આઈપીએલ રમે. આ બંને ફ્રેન્ચાઇઝીઓનાં ખેલાડીઓ કોઇપણ અન્ય ટીમ માટે રમવા માટે છુટ્ટા છે, એમ પણ જસ્ટિસ લોધાએ ખાસ કહ્યું હતું.
  • મેચ્યોર લોકોએ આવું કર્મ કરતાં અમને આશ્ચર્ય થાય છે: જસ્ટિસ લોધાએ પોતાની શરૂઆતની કમેન્ટ્સમાં જ કહ્યું હતું કે ગુરુનાથ મૈયપ્પન અને રાજ કુંદ્રા બંને મેચ્યોર અને ભણેલા ગણેલા વ્યક્તિઓ છે. તેમને ખબર હતી કે આ પ્રમાણે બેટિંગ કરવું તે ભારતમાં કાયદાની દ્રષ્ટિએ ગુનો છે, પરંતુ તેમ છતાં તેમણે બેટિંગ કર્યું. વળી, ગુરુનાથે તો સાઈઠ લાખ જેટલી મોટી રકમ દાવ પર લગાડી હતી. આ બંને વ્યક્તિઓ પોતાને ક્રિકેટપ્રેમી ગણાવે છે, પરંતુ જો તેઓ ક્રિકેટ પ્રેમી હોય તો તેઓએ ફિક્સિંગ કરવું જોઈતું ન હતું.
  • ક્રિકેટની ઈમેજને નુકશાન અને ફેન્સ સાથે અન્યાય: આ ચુકાદો સંભળાવતી વખતે જસ્ટિસ લોધાએ સતત એમ કહ્યું હતું કે મૈયપ્પન, કુંદ્રાની વર્તણુક અને તેમના પ્રત્યે કુણું વલણ ધરાવવાની ફ્રેન્ચાઈઝીઓની નીતિથી બીસીસીઆઈ, આઈપીએલ તેમજ ક્રિકેટની ઈમેજને પારાવાર નુકસાન થયું હતું. આ ઉપરાંત તેઓએ કરોડો ક્રિકેટપ્રેમીઓને પણ ચીટ કર્યા છે. જસ્ટિસ લોધાએ એમ પણ કહ્યું હતું કે અમને ખબર છે કે અમારાં આ નિર્ણયથી બંને ફ્રેન્ચાઈઝીઓને ખુબ આર્થિક નુકસાન થશે, પરંતુ તે ક્રિકેટની રમતને થયેલા અનહદ નુકશાન સામે નગણ્ય છે.
  • આ સમગ્ર પ્રસંગે બે ખાસ નામ પ્રકાશમાં આવ્યા હતાં: આ ખાસ નામોમાં એક નામ તો એન શ્રીનિવાસનનું હતું. સીએસકેના માલિકી હક્ક રદ્દ કરવાનો નિર્ણય સંભળાવતી વખતે જસ્ટિસ લોધાએ એન શ્રીનિવાસનનું નામ લઈને આડકતરો ઈશારો કર્યો હતો કે, તેમણે તેમના જમાઈને સાચી સલાહ આપવી જોઈતી હતી, પણ તેમણે એમ ન કર્યું. પત્રકારોના એક પ્રશ્નના ઉત્તરમાં જસ્ટિસ લોધાએ આઈપીએલના પૂર્વ સીઓઓ સુંદર રામન વિશે જણાવ્યું હતું કે તેમના રોલ ઉપર તપાસ ચાલી રહી હતી, પરંતુ તેના માટે નિયુક્ત અધિકારીને પ્રમોશન મળતાં હવે વિવેક પ્રિયદર્શી આ કામ કરી રહ્યા છે અને જેવો તેમનો નિર્ણય આવશે તેના પર અમે અભ્યાસ કરીને મિડિયાને જણાવીશું.

જસ્ટિસ લોધા કમિટીએ એકરીતે જોવા જાઈએ તો બીસીસીઆઈમાં ઓલમોસ્ટ ભૂકંપ સર્જી દીધો છે અને તેના આફ્ટરશૉક્સ કયા પ્રકારના આવશે એ આપણને બહુ જલ્દીથી ખબર પડવા માંડશે. અત્યારે બે વસ્તુઓની ખાસ નોંધ લેવી જરૂરી છે કે જસ્ટિસ મુદગલે સુપ્રીમકોર્ટમાં પેલા સીલ્ડ કવરમાં કયા કયા ખેલાડીઓના નામ આપ્યાં હતાં જેના પર પણ બેટીંગ કે પછી ફિક્સિંગનો આરોપ સાબિત થયો છે તેના વિશે આજે જસ્ટિસ લોધાએ કોઈજ વાત કરી નથી. પરંતુ જે રીતે તેમણે આજે વારંવાર કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિ કે સંસ્થા કરતાં ક્રિકેટની રમત વધુ મહાન છે, તેનાંથી એવી આશા બંધાય છે કે આ બાબત પણ આપણી સામે જેટલી જલ્દીથી બહાર આવશે અને તેના પર પણ સુપ્રીમકોર્ટ જલદ નિર્ણયજ લેશે.

એક અન્ય બાબત જે અત્યારે નોંધવી ખુબ જરૂરી છે તે એમ છે કે જસ્ટિસ લોધાએ પહેલીવાર ડંકે કી ચોટ પર એવું કહ્યું છે કે આ પ્રકારનાં ભ્રષ્ટાચારથી  ક્રિકેટ ફેન્સને ચીટ થયા હોવાની ફીલિંગ થઇ રહી છે. અત્યારસુધી થયેલા કોઇપણ મોટા ડિસ્કશનમાં આ પ્રમાણેની વાત મોટા અવાજે ભાગ્યેજ કહેવામાં આવી છે. આથી આજનાં આ નિર્ણય પછી, ક્રિકેટ અને ક્રિકેટ ફેન્સ બંનેના ચહેરા પણ સ્મિત જરૂર આવશે.

 

૧૪.૦૭.૨૦૧૫, મંગળવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *