“અભિમાન તો…

…રાજા રાવણનું પણ ટક્યું ન હતું.”

આવું મારા દાદી ઘણીવાર કહેતા જયારે અમારા સગાંઓમાંથી કોઈ કારણવગરનું અભિમાન કરીને પોતાની જાતને ચડીયાતી જાહેર કરવાની કોશિશ કરતું. ‘ધ કપિલ શર્મા શો’ ના અદાકારો વચ્ચે હાલમાં થયેલી ચડભડથી પણ વિશેષ થઇ ચૂકેલી લડાઈના સમાચાર વાંચીને મારા દાદીનું આ ક્વોટ મને ફરીથી યાદ આવી ગયું. આગળ ચર્ચા કરીએ એ પહેલાં આપણે જાણી લઈએ કે આ વાત ખરેખર શું હતી.

સમાચારો મુજબ કપિલ અને એની ટીમ ઓસ્ટ્રેલીયાના એમનાં લાઈવ શો પૂરા કરીને ભારત પરત થઇ રહી હતી ત્યારે પ્લેનમાં જ કપિલ શર્માએ શરાબના નશામાં એના સાથી કલાકાર સુનીલ ગ્રોવર સાથે બદતમીઝી કરવા ઉપરાંત તેને કદાચ કોઈ શારીરિક ખલેલ પણ પહોંચાડી હતી. આ બંને વચ્ચેના ઝઘડાને રોકવા વચ્ચે પડેલા અન્ય સાથી ચંદન પ્રભાકરને પણ કપિલે એક લાફો જડી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. કોઇપણ સ્વમાની વ્યક્તિ આ પ્રકારનું આચરણ ન જ ચલાવી લે પછી એ તેનો બોસ હોય, સાથી હોય કે દોસ્ત હોય.

સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકરે પણ એમ જ કર્યું અને કપિલના શો ને છોડી દેવાનો નિર્ણય કર્યો. (કેટલાક સમાચારો પ્રમાણે એમણે શો છોડ્યો નથી પણ એનો બોયકોટ કર્યો છે.) ચંદન અને સુનીલના નિર્ણયને ટેકો આપતા આ શોના એક અન્ય મહત્ત્વના કલાકાર અલી અસગરે પણ ભૂતકાળમાં એની સાથે કપિલ દ્વારા થયેલા આ જ પ્રકારના આચરણનો હવાલો આપીને શો છોડી દીધો. ગઈકાલે એટલેકે ૨૫ માર્ચનો ‘ધ કપિલ શર્મા શો’ જેમણે જોયો હશે એમણે આ ત્રણેય કલાકારોની હાજર ગેરહાજરીની નોંધ જરૂર લીધી હશે.

કપિલ શર્મા જ્યારથી એ ‘ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ’ ની ત્રીજી સિઝનમાં એક સ્પર્ધક માત્ર જ હતો ત્યારથી એને અને એની પ્રગતિને ટીવીના સ્ક્રિન પર ફોલો કરી છે આથી એટલું જરૂર કરી શકાય કે જેટલો નમ્ર કપિલ એક ખેલાડી તરીકે અને પછી ‘કોમેડી સર્કસ’ માં ઉભરતા કોમેડિયન તરીકે હતો એટલો નમ્ર એ પોતાની બ્રાંડ બની ગયા પછી નથી રહ્યો. કલર્સ સાથેની એની સફર અચાનક જ પૂરી થયા બાદ જ્યારે એના અસ્તિત્વનો સવાલ હતો ત્યારે તેની આ જ ટીમ એની સાથે રહી અને લગભગ રાતોરાત સોની સાથે એણે આ નવો શો ઉભો કરી દીધો.

શરૂઆતમાં શોને લોકપ્રિયતા મળવામાં તકલીફ પડી, પણ ધીરેધીરે એ પણ સરખું થવા લાગ્યું. એ વખતે કપિલના આ અભિમાનની ઉભરતી ઝલક ઘણીવાર એ ઓડિયન્સમાં બેસેલા કેટલાક લોકોની ઉતરતી કક્ષાની મજાક કરતો ત્યારે દેખાઈ આવતી. એ સમયે એમ લાગતું કે આ યોગ્ય નથી થઇ રહ્યું. કદાચ કપિલનું આ વર્તન એના સાથી કલાકારો સાથે પણ થવા અને વધવા લાગ્યું હતું, જે અલી અસગરે કહ્યું છે અને છેવટે સોફાની સ્પ્રિંગ ઉછળી અને લગભગ એક વર્ષ પછી કપિલના શો ના અસ્તિત્વ પર ફરીવાર સવાલ ઉભો થયો છે અને આ વખતે કપિલનો ખુદનો વાંક છે એટલે છેલ્લી વખત જેમ એને જનતા એટ લાર્જનો ઈમોશનલ સપોર્ટ મળ્યો હતો એ અત્યારે નથી મળી રહ્યો અને ગઈકાલના એક અન્ય સમાચાર અનુસાર તો સોની ટીવી પણ મૂડમાં નથી કે આ મહિના એન્ડમાં કપિલનો કોન્ટ્રેક્ટ જ્યારે પૂરો થાય ત્યારે તેને રીન્યુ કરવો.

જેમ અભિમાન અને અહમ ના મતલબ અલગ અલગ છે એમ અભિમાન અને ગર્વ વચ્ચે પણ ઘણો ડીફરન્સ છે. તમને તમારી સફળતા પર ગર્વ હોવો જોઈએ અભિમાન નહીં. ગર્વ થવો એ પર્સનલ અનુભૂતિ છે જ્યારે અભિમાન એ AK 47 જેવો છે જે ફૂટે ત્યારે તમારા આસપાસના વાતાવરણ અને વ્યક્તિઓને ખતમ કરી નાખે છે અને છેવટે તમારો અંત પણ ખરાબ જ થાય છે. બહુ પાતળી ભેદરેખા છે ગર્વ અને અભિમાન વચ્ચે અને જે એને સમજે છે એની નૈયા પાર થઇ જાય છે. ઘણી વખત એવું પણ બને કે કોઈ વ્યક્તિને પોતાના પર કે પોતાની સફળતા પર ગર્વ માત્ર હોય પરંતુ સામેવાળાને એમ લાગે કે આ અભિમાન કરે છે. ટૂંકમાં એ પાતળી ભેદરેખા સફળતાની નદીની બંને પાર રહેલા કોઈને પણ માટે સમજવી અઘરી છે.

આપણે ફેસબુકમાં પણ આ પ્રકારનું આચરણ જોઈએ છીએ અને એ પણ એવા વ્યક્તિઓ પાસેથી જેને લોકો રોલ મોડલ માનતા હોય. બેશક તેઓ તેમના ક્ષેત્રમાં એવરેસ્ટની ટોચ પર જઈને બેઠા છે પણ તેઓ તેમના ચાહકોને વામન સમજી લે છે. ફેનની એક જરાક જેટલી ટીકા એમને દુર્વાસા બનાવી દેવા માટે કાફી હોય છે અને પછી એ એમના ટીકાકારો તો છોડો એમને ભગવાન માનનારાઓ સાથે પણ ‘કપિલપણું’ કરી બેસે છે. એ ચાહકની અણસમજુ કે પોઝીટીવ ટીકાનો એ એવી ભાષામાં જવાબ આપે છે કે પેલો ડઘાઈ જાય કે આ એ જ વ્યક્તિ છે જેને વાંચવા, સાંભળવા કે જોવા માટે હું દિન-રાતની પરવા નહોતો કરતો? આ પ્રકારના ‘કપિલીક સેલીબ્રીટીઓ’ પાછળ ગાંડા થયેલા ચાહકને એ સમયે કદાચ પસ્તાવો પણ થતો હશે કે મેં મારા જીવનની કેટલીક કિમતી મિનિટો ( કે કલાકો) આની પાછળ કેમ કરીને બરબાદ કરી?

આ પ્રકારના દુર્વાસાબ્રીટીઓ એ કપિલ શર્માએ જ્યારે ટ્વીટ કરીને સુનીલ ગ્રોવરની માફી માંગી ત્યારે સુનીલે એ ટ્વીટનો જે જવાબ આપ્યો એ વાંચવાની ખાસ જરૂર છે. તો આ રહ્યો સુનીલ ગ્રોવરનો અત્યંત શાલીન જવાબ જે એણે સો દોઢસો પ્રવાસીઓ વચ્ચે એનું અપમાન કરનાર વ્યક્તિને આપ્યો છે.

 

સુનીલ ગ્રોવરના આ જવાબમાં મને જે લાઈન સૌથી વધુ ગમી હોય તો એ આ છે. “બધા તમારી જેમ સફળ નથી હોતા. બધા તમારી જેમ કસબ ધરાવતા નથી હોતા, જો એ તમામ તમારી જેમ કસબી જ હશે તો તમારી કિંમત કોણ કરશે?” (બીજા શબ્દોમાં તમારો ભાવ કોણ પૂછશે?) સુનીલ ગ્રોવરની આ સલાહ જો કેટલીક સેલીબ્રીટી અપનાવી લે તો એમનો અને એમના ચાહકોનો ભયોભયો થઇ જશે.

હું તો જ્યારે કોઈ સેલીબ્રીટી દ્વારા એમના ચાહકો કે ટીકાકારોનું કરાતું અપમાનજનક વર્તન જોઉં ત્યારે કાયમ મારી સામે અમિતાભ બચ્ચનનું ઉદાહરણ સામે ધરું. આજે ભારત આખામાં અમિતાભથી મોટો સેલીબ્રીટી કોઈજ બીજો હશે. ભલે એ જાણીજોઈને તો જાણીજોઈને પણ જાહેરમાં (જેમાં એમનો શો, એમનો બ્લોગ, એમની જાહેર હાજરી, ફેસબુક અને ટ્વીટર પર એમના ટીકાકારોને અપાતા જવાબો સામેલ છે) જે પ્રકારની નમ્રતા દાખવી શકે છે, કે અમુક કિસ્સાઓમાં તો જવાબ આપવાનું પણ ટાળી શકે છે તો તમે તો અમિતાભના ડાબા પગના નખ બરાબર પણ નથી, તમે એવા કેવા બડા સેલીબ્રીટી છો કે જે એના ટીકાકાર કે ફેનને એવી રીતે ઘઘલાવી નાખો છો કે પેલા બિચારાને બે મિનીટ તો એનું પાપ ધોવા અલ્હાબાદ દોડી જવાનું મન થઇ પડે?

હું ખુબ નમ્રતાથી સ્વીકારું છું કે સેલીબ્રીટીપણાનો અનુભવ મને ઘણીવાર થાય છે. જો કે મારે હજી ‘ઓફિશિયલી સેલીબ્રીટી’ બનવા માટે લાંબી મજલ કાપવાની છે અને જો હું સફળ થઈશ તો મને ગમશે પણ ખરું. પણ મારી વાત કરું તો મારી ત્રીજી નવલકથા ‘સૌમિત્ર’ ના પ્રથમ જ હપ્તાનું જ્યારે માતૃભારતી પર પ્રકાશન થયું ત્યારે એના ચૌદમાં નંબરના ફીડબેકમાં એક વાચકમિત્રએ ટીકા કરતાં લખ્યું હતું કે “તમારી અગાઉની નોવેલ શાંતનુની જેમજ આ નોવેલનો હીરો સૌમિત્ર પણ એના પ્રેમની અભિવ્યક્તિ નથી કરી શકતો. તમારે તમારી લખાણની શૈલી બદલવી જોઈએ.”

વાચક જ્યારે વખાણ કરે ત્યારે જો ગમતું હોય તો એની ટીકા પણ સ્વિકાર કરવી એ લેખકની ફરજ છે. પણ એ ટીકા કેવી છે અને એના ગુણધર્મો પણ ચેક કરવા જોઈએ. આ મિત્રને કદાચ ખબર ન હતી કે સૌમિત્ર શાંતનુથી સાવ વિરુદ્ધ એક હપ્તાવાર નોવેલ હતી અને આથી પ્રથમ જ પ્રકરણથી એના વિષે કોઇપણ મંતવ્ય બાંધી લેવું એ એમના માટે કેટલા અંશે યોગ્ય કહેવાય? જેમણે પણ સૌમિત્ર પુરેપુરી વાંચી હશે એમણે એની અને શાંતનુ આ બંને પાત્રો વચ્ચેનો જબરદસ્ત ફર્ક નોંધ્યો હશે અને જો તેઓ આ બ્લોગ પણ વાંચી રહ્યા હશે એ મારા પેલા ટીકાકાર વાચકની ટીકા સાથે બિલકુલ સહમત નહીં જ થાય.

મેં એ મિત્રની ટીકાનો જવાબ ન આપ્યો, એટલે નહીં કે એમણે ટીકા કરી, પણ એટલે કારણકે આ જ ટીકા એમણે સૌમિત્રના દસેક એપિસોડ્સ વાંચીને કરી હોત તો હું એમને કશુંક કહી શક્યો હોત, પણ પહેલા જ એપિસોડમાં એમણે મંતવ્ય બાંધી લીધું એનો હું શું જવાબ આપું? આવી પરિસ્થિતિ જ્યારે ઉભી થાય ત્યારેજ પેલા ગર્વ અને અભિમાનની ભેદરેખા પારખવી જરૂરી બની જાય છે. હું તો હજી ત્રણ નવલકથા લખી ચૂકેલો થોડોઘણો જાણીતો (અને એપણ માત્ર માતૃભારતીના વાચકોમાં જ.) લેખક છું પણ કોઈ સેલીબ્રીટી લેખકની જેમ, “તમે કોઈ વખત પાંચ લીટી પણ લખી છે કે તમને ખબર પડે? બ્લા બ્લા” જેવો જવાબ આપી દેત તો એ હું મારા આવનારા ભવિષ્ય સાથે અન્યાય કરવા જેવું થાત.

જો કપિલને એમ લાગતું હોય કે એની બ્રાંડ સુનીલ ગ્રોવરની બ્રાંડ કરતાં મોટી છે તો એ બેશક સાચો છે. ભૂતકાળમાં કલર્સનો કપિલનો શો કોઈક આવા જ કારણોસર સુનીલ છોડીને ગયો હતો અને સ્ટાર પર પોતાનો શો એણે શરુ કર્યો હતો અને એ શો કદાચ બે ત્રણ મહિનામાં જ ઓછા ઓડીયન્સને લીધે સમેટાઈ ગયો હતો. કપિલે નો ડાઉટ આ પ્રકારના શોનું એક લેવલ નક્કી ર્ક્યું છે જેને ટચ કરવામાં હવે કપિલને પણ તકલીફ પડી રહી છે જે છેલ્લા કેટલાક એપિસોડ્સની દેખાઈ રહ્યું છે. પણ, સુનીલ કપિલ કરતાં બેહતર અદાકાર છે એટલે એને હવે કોઈ અન્ય જગ્યાએ કોશિશ કરવામાં વાંધો નહીં આવે. જો સુનીલની અદાકારીના ચમકારા જોવા હોય તો કોઈ અગમ્ય કે નકામાં કારણોસર અક્ષયકુમારની ‘ગબ્બર ઈઝ બેક’ જોઈ લેશો બાકી મશહુર ગુલાટીનું ઉદાહરણ તો આપણી સામે છે જ?

સોનીનો આ અત્યંત લોકપ્રિય શો જો બંધ થશે તો તેના કોઇપણ કલાકારને કામ મળવામાં તકલીફ નહીં પડે, કારણકે આ તમામ અતિશય ટેલેન્ટેડ છે, પણ તકલીફ સોનીને જ થશે. જ્યારે પોતાના શોના કલાકારો એકબીજા સાથે ઝઘડે અને એમનો ઝઘડો જાહેરમાં આવે ત્યારે ચેનલની ઈમેજ પર પણ ફેર પડે જ છે એટલે જો સોની આ શો બંધ કરવાનો નિર્ણય લે તો એ સાચો જ હશે, પણ પછી શું? કપિલ કદાચ કોઈ નવી ટીમ સાથે કોઈ નવી ચેનલ પર જતો રહેશે, સુનીલ ગ્રોવર કદાચ બોલીવુડ તરફ નજર દોડાવે, ચંદન પ્રભાકર અને અલી અસગર કોઈ કોમેડી શોમાં ફરીથી ભાગ લઇ લેશે. આ શો અગાઉ સોનીની હાલત એટલી ખરાબ હતી કે તેના કરતાં તેની બેબી ચેનલ સબ ટીવી વધારે TRP લઇ આવતી હતી!

ટૂંકમાં કહીએ તો અહીં પખાલીના વાંકે પાડાને ડામ મળશે!

સ્ટમ્પસ!!!

એક પ્રોફેશનલ લેખક તરીકે મને પણ સફળ થવું ગમે છે અને અઢળક ગમે છે, પણ હું અત્યારે મારા સંઘર્ષના કાળમાં તો પ્રભુને કાયમ આ જ પ્રાર્થના કરતો હોઉં છું.

 

પ્રભુ, મને એટલી સફળતા અપાવજે કે હું એવરેસ્ટની ટોચ પર પહોંચું, પણ પ્લીઝ એ વખતે મારા પગ જમીન પર રાખજે.

 

 

૨૬.૦૩.૨૦૧૭, રવિવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
Comments
  1. Nimish
  2. Dilip Shukla

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *