હમારે જાસુઉઉઉસ..!

દિવસ-૧૮

હમારે જાસુઉઉઉસ..!

ભવોભવનાં ગુજરાત વિરોધીઓ ને અચાનક છેલ્લાં ત્રણેક દિવસોથી ગુજરાતની બેન-દીકરીઓ ની અને ગુજરાતનાં લોકોની ભરપુર ચિંતાઓ થવા લાગી છે. “અરરરર ગુજરાતમાં કોઈ છોકરી સુરક્ષીત નથી…” “આ જુવોને ગુજરાતની દરેક દીકરીઓ પર ગુજરાતની પોલીસ નજર રાખવા માંડી છે બિચારીઓ ને કોઈ પ્રાઈવસી જ નથી…” મજાની વાત એ છે કે આવી ચિંતાઓ દિલ્હી જેવાં શહેરથી આવી રહી છે…મૂળવાત આપણા મુખ્યમંત્રીના કોઈ મિત્રે એની પોતાની પુત્રી ની ગુજરાત સરકારની મશીનરી દ્વારા કરાવેલી જાસુસી નો મુદ્દો કોબ્રા પોસ્ટ અને ગુલેલ ડોટ કોમ આ બેય વેબસાઈટો એ ભેગામળીને કરેલા સ્ટીંગ ઓપરેશન ને કારણે બહાર આવી છે એનો છે. અહીં પોતાની સત્તા નો દુરુપયોગ પોતાનાં મિત્ર ને પર્સનલી મદદ કરવાનો છે જે અત્યંત સીરીયસ છે બાકી ની અન્ય બધી જ વાતો ખુબ પર્સનલ છે એમ પહેલી નજરે તારણ કાઢી શકાય. મિત્ર મોદીનાં હતાં એટલે એમનાં આદેશ મુજબ તે વખતનાં ગૃહમંત્રી શ્રી અમિત શાહે પણ એક મહિના સુધી આ છોકરીની એન્ટી-ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા જાસુસી કરાવી હતી જે સત્તા નો સીધો દુરુપયોગ છે અને એ બાબતે ઇન્ક્વાયરી થવી જ જોઈએ. પણ અહીં જે રીતે રાજકીય રંગ આ બાબતને અપાયો છે એ એકદમ હાસ્યાસ્પદ છે. કોબ્રા પોસ્ટ, ગુલેલ અને એ બન્ને ની માતૃસંસ્થા જેવી તહેલકા ડોટ કોમ આવાં સ્ટીંગ ઓપરેશન્સ માટે (કુ)વિખ્યાત છે. આ સ્ટીંગ ઉપરાંત એમનાં ભૂતકાળનાં મોટાભાગનાં કોઈપણ સ્ટીંગ કોંગ્રેસ કે એની સાથી પાર્ટીઓ માટે નથી થયાં એ હકીકત પણ અહીં નોંધવી રહી. વળી આ જે ટેપ્સ આ બન્ને સાઈટ્સએ ઉઠાવી મારી છે એ ગુજરાતનાં ઇશરત એનકાઉન્ટર કેસ માં હમણાં જ બેઇલ પર છુટેલા પોલીસ અધિકારી શ્રી જી.એલ સિંઘલે વખત આવ્યે પોતાનો જીવ બચાવવા ફોન કોલ્સ કરેલા એની ટેપ્સ એમણે સી.બી.આઈ ને આપી હતી એમાંની એક છે. આ આખોય કેસ અત્યારે કોર્ટમાં છે તો પછી કોબ્રા પોસ્ટ અને ગુલેલ પાસે આ ટેપ્સ કેવી રીતે આવી ગઈ એ સવાલ પણ ઉઠવો જોઈએ અને અત્યારે જ કેમ આ વસ્તુ બહાર આવી એ સમય વિષે પણ સવાલો થવા જોઈએ. નરેન્દ્ર મોદી અને અમિત શાહ નો ગુનો ઉપર કહ્યો એમ સરકારી મશીનરી નો દુરુપયોગ નો કહી શકાય પણ શું તેઓ આવાં પહેલાં રાજકારણીઓ છે? જો કે આ દલીલથી એમનાં કહેવાતાં ગુના ની તીવ્રતા ઓછી નથી થતી પણ મોદી નાં વિરોધીઓ એમને અન્ય રાજકારણીઓ કરતાં સંપૂર્ણ શુદ્ધ રહેવાનો આગ્રહ રાખે તે હાસ્યાસ્પદ છે જ.

‘ભારત રત્ન’ સચિન રમેશ તેંદુલકર

હજી એની અશ્રુભીની આંખો જોઇને ઉભરેલાં આંસુઓ સુકાયા ન હતાં ત્યાં જ શનિવારે સાંજે સચિન ને ભારત રત્ન મળશે એવી જાહેરાત થતાં જ આંખોમાં ફરીથી હર્ષનાં અશ્રુ ઉભરાઈ ગયાં. આવી જાહેરાત થતાં જ એઝ એક્પેકટેડ, સચિન ને ભારત રત્ન કેમ? એવી વ્યર્થ ચર્ચાઓ શરુ પણ થઇ ગઈ. કોઇપણ પોઝીટીવ ઘટના ને તરત વખોડવી એ આપણો ફેવરીટ ‘ટાઈમ વેસ્ટ’ છે, એને હું ટાઈમ પાસ નહી કહું કારણ કે ટાઈમ પાસ કરવો એ પોતે એક આનંદ દાયક ઘટના છે જયારે કોઈની મારી મચડીને કુથલી કરવી એ સહુથી ભદ્દો ટાઈમ વેસ્ટ છે. ફક્ત બે કલાક અગાઉ જ જે માન-પાન સચિનને મળ્યાં હતાં એ જોઇને પણ જો કોઈ એને મળેલા ભારતનાં આ સર્વોચ્ચ નાગરિક સન્માન વિષે શંકા હોય તો પછી એ વ્યક્તિ સાથે કોઈ ચર્ચા કરવી જ અયોગ્ય છે. અમુક તો આ ભારત રત્ન ને કોંગ્રેસ વોટ માટે યુઝ કરશે એવા દાવાઓ અત્યારથી જ કરવા માંડ્યા છે જેની ચકાસણી ફક્ત યોગ્ય સમયે જ થઇ શકશે એટલે એમાં પણ સમય બરબાદ કરવો જરૂરી નથી લાગતો. ટૂંકમાં કોઈપણ સારી ઘટનાને કઈ રીતે પળવારમાં ગંદી ગોબરી કરી નાખવી એ આજનાં યુગની ન ગમે એવી હકીકત છે. સચિનને મળ્યું તો ધ્યાનચંદને કેમ નહી? સવાલ યોગ્ય છે પણ એ પૂછવાનો સમય યોગ્ય નથી. એકવાર સચિન આ માન ઓફિશિયલી મેળવી લે પછી એ બાબતે ચર્ચા જરૂર થઇ શકે. હા જો ધ્યાનચંદ અત્યારે જીવિત હોત તો જરૂર એમનો પહેલો હક બનત પણ જો સરદાર પટેલ ને વર્ષો પછી મરણોપરાંત ભારત રત્ન મળે તો ધ્યાનચંદ ને આવનારાં વર્ષોમાં ગમે ત્યારે સન્માનિત કરી શકાય છે. અહી લોહા ગરમ હૈ માર દો હથોડા જેવી વાત છે જે કદાચ સરકારે બહુ સારી રીતે નિભાવી છે. પણ એનાં થી કોંગ્રેસ ને ઢગલો મત મળશે એવું વિચારનારા કે એવી કલ્પના કરીને ડરનારા લોકો મૂર્ખાઓ નાં સ્વર્ગમાં રાચે છે.

ગીત ઓફ ધ ડે

ફિલ્મ: મહાન (૧૯૮૧)

ગીતકાર: અંજાન

સંગીતકાર: રાહુલ દેવ બર્મન

ગાયક: આશા ભોંસલે અને કિશોરકુમાર

અરે ક્યાં ચાલ્યાં? જરા સાંભળો તો?

ગઈકાલે ફેસબુક અને ટ્વીટર પર એક કલીપ બહુ આંટા મારી રહી હતી. આ કલીપ હતી રાહુલ ગાંધીની દિલ્હી ની એક રેલી નાં ફ્લોપ શો ઉપર. અહિયાં રાહુલ ગાંધી ઓલરેડી ગણ્યાગાંઠ્યા વ્યક્તિઓ ને સંબોધવા આવ્યાં હતાં અને દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે જેવું પોતનું ભાષણ પૂરું કર્યું કે લોકોએ ચાલતી પકડી. શીલાજી એ માઈક ઉપર લોકો ને રીતસર અપીલ કરી કે “રાહુલ ગાંધીને થોડી વાર સાંભળીને તો જાઓ? મનેય ખબર છે કે જમવાનો ટાઈમ થઇ ગયો છે…” વગેરે. પણ આ ઘટનાથી અન્ય પક્ષોનાં ટેકેદારોએ ખુશ થવાની જરાય જરૂર નથી. કારણકે આ તો પાશેરામાં કદાચ પહેલી પૂણી હોઈ શકે છે. જે જે નેતાઓ ફક્ત અને ફક્ત ભાષણબાજીમાં જ માહેર છે અને એમાં આપેલાં વચનો ને પુરા ન કરવામાં અથવા તો ફક્ત હવાઈ વચનો આપવામાં હોંશિયાર છે એ બધાં સાથે આવું ગમે તે ઘડીએ અને વારંવાર થઇ શકે છે. આ તો નાની અમથી ચેતવણી માત્ર છે. વળી ટીવી અને યુટ્યુબ જેવી સગવડ સહેલાઇથી મળતાં લોકો ઘેર બેઠાં નેતાઓ શું કહેવા માંગે છે એ જાણી લે છે, આ ટ્રેન્ડ હજી નવો છે પણ કદાચ બહુ નજીકનાં ભવિષ્યમાં રેલીઓ ટીવી અને યુટ્યુબ પર થાય તો નવાઈ ન પામતાં. ગુજરાતીઓ માટે એક જ જગ્યાએ થી સંબોધાયેલી અને એક સાથે સાથે ૭૦-૭૦ જગ્યાએ સંભળાયેલી રેલીઓ કોઈ નવી બાબત નથી. તો આની સામે પૈસા લઈને ભાષણ સાંભળવાનો ટ્રેન્ડ પણ નવો છે પણ ફક્ત મંચ ઉપરથી જો  ઠાલાં વચનો જ અપાશે તો આ ટ્રેન્ડ વધુ જલ્દીથી સંકેલાઈ જશે એમાં શંકાને કોઈજ સ્થાન નથી.

જતાં…જતાં…

મારી સચિન મોમેન્ટ – ૩

સચિન ની કપ્તાની નો હું અને બીજાં ઘણાં ખુબ મોટાં ટીકાકારો રહ્યાં છે પણ એક ભારતીય ક્રિકેટપ્રેમીને સંપૂર્ણ આનંદિત કરી દે તેવી એક મોમેન્ટ સચિને પોતાની કપ્તાની હેઠળ જ આપી હતી. જો કે એમાં સચિન પછી કપ્તાન થનાર સૌરવ ગાંગુલીનો બહુ મોટો હાથ હતો પણ સચિન કપ્તાન તરીકે નિમિત્ત તો જરૂર હતો. વાત ૧૯૯૭ની છે જયારે કેનેડાનાં ટોરંટો શહેરના ક્રિકેટ, સ્કેટિંગ એન્ડ કર્લીંગ ક્લબ નાં ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચોની ‘સહારા ફ્રેન્ડશીપ કપ’ ની સીરીઝ રમાઈ. અત્યંત લો સ્કોરિંગ રહેલી આ સીરીઝમાં ભારતે ૪-૧ થી પાકિસ્તાન ને હરાવ્યું હતું. હવે ભારત પાકિસ્તાનને આમ કચડી નાખે તો કયા ભારતીય ને આનંદ ન થાય? પાંચેય મેચો ભારતીય સમય અનુસાર સાંજે સાતેક વાગે શરુ થતી અને બીજા દિવસે વહેલી સવારે ત્રણેક વાગ્યા સુધી ચાલતી પણ દરેક મેચ ખુબ આનંદ થી જોઈ કારણકે છેલ્લી મેચ સિવાય પાકિસ્તાન એકદમ ભારતનાં કંટ્રોલમાં રહ્યું હતું. આ સીરીઝમાં ભારતે ૨૦૮ અને ૧૮૨ જેવાં સ્કોર પણ બચાવ્યા હતાં એટલે સચિને કપ્તાન  બોલિંગ ચેન્જીસ પણ બહુ સારા કર્યા જ હશે. સૌરવ ગાંગુલીએ બેટિંગ અને બોલિંગ બન્ને માં પાકિસ્તાનને ત્રાસ કરાવી દીધો હતો. આજ સીરીઝ માં પાકિસ્તાનનાં ઈન્ઝમામ-ઉલ-હક ને પ્રેક્ષકોએ ‘આલુ’ કહીને બોલાવતાં એ બગડ્યો હતો અને એમની ઉપર બેટ લઈને હુમલો કર્યો હતો. આ ઉપરાંત આ જ સીરીઝમાં જ આપણને દેબાસીસ મોહંતી જેવો મસ્ત સ્વીંગ બોલર મળ્યો  હતો જે તરત ખોવાઈ પણ ગયો.

૧૮.૧૧.૨૦૧૩, સોમવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *