લાપતાગંજ

દિવસ ૨૦

ટ્વીટર ની અદ્ભુત દુનિયા

મારાં બંધ થઇ ગયેલાં બ્લોગમાં એકાદ વર્ષ પહેલાં ટ્વીટર પર થોડાંક ઓનલાઈન ટ્યુશનસ આપ્યાં હતાં. કારણ એક જ હતું કે ટ્વીટર પર ગુજરાતીઓ ની સંખ્યા એ દિવસોમાં ઓછી હતી. હજીપણ ઓછી જ છે એટલે ટૂંકમાં એ વખતે પણ મારાં બ્લોગ કોઈ વાંચતું નહોતું અદ્દલ આજની જેમ જ એ સાબીત થઇ ગયું. ગઈકાલે એક મસ્ત ઘટના બની. સવારથીજ મન માં ગયાં અઠવાડીએ આપણે જેની ચર્ચા કરી હતી તે ‘દિવાના મસ્તાના’ ફિલ્મ (વાંચવા માટે અહીં ક્લિક કરો) રમી હતી. એમાંય સતીશ કૌશિક નો પેલો નાનકડો રોલ ખુબ યાદ આવી રહ્યો હતો. સતીશભાઈ ટ્વીટર પર છે એટલે મન થયું કે એમનાં વખાણ કરું અને એ ટ્વીટમાં એમને પણ મેન્શન કરું. (ટ્વીટર પર ટેગ નહી મેન્શન કહેવાય) એટલે મેં એમ કર્યું. મેં ટ્વીટ કરી કે ‘દિવાના મસ્તાના’ મારાં માટે ભારતની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મો માંની એક છે અને એનો ૫૦% શ્રેય સતીશ કૌશિક ને જાય છે.એમનાં ફક્ત બે સીન્સ છે જેણે રંગ રાખ્યો છે.” બસ આમ કરીને હું પોતાનાં કામે વળગ્યો. કલાકેક પછી જીમેઇલ માં નોટીફીકેશન નો મેઈલ આવ્યો કે ભાઈ સતીશ કૌશિકે તમારી એ ટ્વીટ નો જવાબ આપ્યો છે. ભાઈ ભાઈ..દિલ બાગ બાગ થઇ ગ્યું. એમણે મને જવાબ આપતાં કહ્યું કે “સીડ, તમે જે દિવાના મસ્તાના નાં વખાણ કર્યા એનાં ધન્યવાદ.” કેટલી નમ્રતા હેં? આપણે સેલીબ્રીટીઝ નાં ‘ઇગાઓ’ વિષે બહુ ટીકા કરતાં હોઈએ છીએ પણ એમની આ બાજુની કોઈ દિવસ ચર્ચા નથી કરતાં કારણકે આપણને મગજમાં એવું ભરાવી દેવાયું છે કે આ લોકો કોઈ દિવસ નમ્ર હોય જ નહી. એલોકો ઘણીવાર ચીડિયાપણું કરતાં હોય છે પણ એનાં અન્ય કારણો પણ હોઈ શકે. આખરે એલોકો પણ માણસ છે ને? ટ્વીટર નો આ મોટામાં મોટો ફાયદો છે કે તમે સેલીબ્રીટીઝ સાથે સીધેસીધા સંકળાઈ જાવ છો. ઘણીબધી સેલીબ્રીટીઝએ અહીં ટ્વીટર પરથી જ પોતાનાં સહુથી ડાઈ-હાર્ડ ફેન્સ ને પસંદ કરી એમને ન સિર્ફ પર્સનલી મળવા બોલાવ્યા છે પરંતુ ફેસબુક પર એમનાં ઓફીશીયલ પેજ ને એડમીન કરવાનાં હક્ક પણ આપ્યાં છે. હું જે ત્રણ લોકો માટે ટ્વીટર પર આવ્યો છું એ ત્રણેયે કોઈને કોઈ રીતે મને એમની સાથે એટલીસ્ટ એક વાર કનેક્ટ કર્યો છે અને પોતાનો પ્રેમ આપ્યો છે જેનાંથી હું કાયમ ખાતે ગદગદ રહું છું. આ ત્રણ લોકો છે, અમિતાભ બચ્ચન, શ્રીદેવી અને નરેન્દ્ર મોદી. થોડાંક મહિના અગાઉ બચ્ચન બાબુએ મને એક ટ્વીટ નો જવાબ આપ્યો હતો, શ્રીદેવી એ એમનાં જન્મદિવસે મેં કરેલી ટ્વીટ ફેવરીટ કરી અને મોદીભાઈએ એમનાં જન્મદિવસે મને ‘ફોલો’ કરવાનું શરુ કર્યું. હવે મારાં જેવાં હાડોહાડ ઈમોશનલ વ્યક્તિ ને બીજું શું જોઈએ હેં? આજે પણ ટ્વીટર ગુજરાતીઓ ની રાહ જોઈ રહ્યું છે. હવે તો ગુજરાતીમાં સરળતાથી ટાઇપ પણ થઇ શકે છે તો આવી જાવ ને મેદાનમાં??

અન્ના વિરુદ્ધ અરવિંદ

ઓહોહોહોહો…શું દિવસો હતાં એ હેં? આખોય દેશ એવું માની બેઠો હતો કે બસ આવનારાં એકાદ વર્ષમાં જ દેશમાં થી ભ્રષ્ટાચાર દુર કરવાનો કાયદો આવી જશે અને લોકપાલ આ બધાંય ભ્રષ્ટાચારી નેતાઓ ને ઠમઠોરીને સીધાં જેલમાં જ પૂરી દેશે. આવું તો કાઈજ ન થયું પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ બ્યુગલ ફૂંકનાર ‘ટીમ અન્ના’ બે ભાગમાં વહેંચાઇ ગઈ. “હું નો’તો કે’તો?” એવું મારે આજે નથી કહેવું પણ મારાં એ વખતનાં ફેસબુક સ્ટેટ્સ એ બાબતની ગવાહી પૂરશે કે આમ કઈક થશે જ એવી પૂરી ખાત્રી મને હતી જ. કારણો સિમ્પલ હતાં. બધાંય ને પોતપોતાનો સ્વાર્થ હતો સિવાય કે (કદાચ) અન્ના. બધાયને અન્ના ને ખભે બંધુક મૂકી ને શિકાર કરવો હતો. દરેકની મનોસ્થિતિ અલગ અલગ હતી. ભૂષણ પિતા-પુત્ર ને પોતાનો એજન્ડા હતો. એમાંય પુત્ર ભૂષણે તો આંદોલન ચાલુ હતું ત્યારે જ કશ્મીર ઉપર ભારતનાં સ્ટેન્ડ ની વિરોધી લાઈન અપનાવી ને ભારતનાં લોકો નો રોષ વહોરી લીધો હતો. કેજરીવાલ સાહેબ ને ફૂલ ટાઈમ પોલીટીશીયન થવું હતું. એમાં કોઈ પાપ નહોતું પણ એમણે ઉતાવળ જરૂર કરી. હવે બે દિવસથી જયારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ગામને પાદરે દેખાઈ રહી છે ત્યારે અન્નાએ એ ચૂંટણીમાં એક મહત્વનાં ફોર્સ તરીકે ઉભરી રહેલી ‘આપ’ પર બહુ ગંભીર આક્ષેપો કર્યા છે. જે ફંડ તમારાં મારા જેવાં લોકોએ અન્ના પર વિશ્વાસ કરીને ભેગું કરાવ્યું હતું. એ ‘ઇન્ડિયા અગેઇસ્ટ કરપ્શન’ નું ફંડ સીધેસીધું ‘આપ’ વાળાંએ પોતાનું કરી દીધું એવો સીધો આક્ષેપ અન્ના એ કર્યો  છે. ‘આપ’વાળા પણ આટલાં મહિનાઓ ની અંદર જ પુરેપુરા રાજકારણીઓ બની ગયાં છે અને કદાચ એટલે જ અન્ના પર અન્ય પક્ષો સાથે સંકળાઈ જવાનો આરોપ કરી રહ્યાં છે. લાંચ ન આપવાનું શીખવનાર પોતે જ અત્યારે તો લાંચ લેવાનાં કેસમાં આરોપી બની ગયાં હોવાનું લાગે છે.

ગીત ઓફ ધ ડે

ફિલ્મ: ખિલાડી ૭૮૬ (૨૦૧૨)

ગીતકાર: સમીર અંજાન

સંગીતકાર: હિમેશ રેશમિયા

ગાયક: મિકા સિંગ

લાપતાગંજ

‘જબ મૈ છોટા બચ્ચા થા….’ ત્યારે દુરદર્શનની ભોળી-ભોળી સીરીયલો જોવાની ખુબ મજા પડતી અને મહત્વની વાત એ છે કે એ આજ સુધી યાદ પણ છે. ગયાં દસકાની શરૂઆતમાં સાસુવહુની જમાતે આપણા ટીવી પર જે ‘કચરાશાહી’ શરુ કરી છે એમાં ‘રણ માં મીઠી વીરડી’ જેવી એક સીરીયલ અત્યારે રોજ રાત્રે દસ વાગે સબ ટીવી પર આવે છે જેનું નામ છે ‘લાપતાગંજ’. આ સીરીયલ મને કાયમ દુરદર્શન નાં ભોળા ભોળા દિવસો યાદ કરાવે છે. લાપતાગંજ ઉત્તરપ્રદેશનું એક નાનકડું ગામ છે જેમાં મુકુંદીલાલ અને એમનું કુટુંબ ઉપરાંત ઘણાંબધા લોકો રહે છે. આ બધાં પાત્રો સાસ-બહુ જેવું એકબીજાને મહાત કરવાનું કોઈજ પ્લાનિંગ નથી કરતાં નહી કે આમાંનું કોઈ ‘ચાલો’ ચાલે છે. બસ રોજિંદી ઘટમાળમાં થતી નાની-મોટી ઘટના ને હળવી રીતે અહીં રજુ કરાઈ છે. આમતો વચ્ચે ટીઆરપી ની દોડમાં આ સીરીયલ ખુબ પાછળ પડી ગઈ હતી (નો વન્ડર, સાસ બહુ રોક્સ!) એટલે એને છએક મહિના બંધ કરી દેવાઈ હતી પણ એની જગ્યાએ જે કોઈ સીરીયલો આવી એ લાપતાગંજ જેટલી કમાણી પણ કદાચ ન કરી શકી એટલે આ સીરીયલ ફરીથી પાછી એનાં જ સમયે આવી ગઈ છે. આમતો આ સીરીયલ શ્રી. શરદ જોષીની વાર્તાઓ પર આધારીત છે એવું કહેવાય છે પણ ધીરેધીરે એમાં આજનાં જમાનાની વાતો પણ કરવામાં આવી છે. મુકુંદીલાલ, ઈન્દુમતી, ચુકુંદી, છોટુમામા, કછુઆ ચાચા, બીજી પાંડે, એલીજાબેથ ટેલર, મીસરી, સુત્તીલાલ અને લલ્લનજી આ બધાં જ પાત્રો રોજ લોકોને મજા કરાવે છે. એમાંય કછુઆચાચાનું ‘કુછ લોગ યે કરતે હૈ ઔર કુછ લોગ નહી ભી કરતે હૈ” કે પછી એલીજાબેથ નું ‘હૈગા” કે છોટુ મામાનું “યે કામ તો પિતાજી કરતે થે” અથવાતો લલ્લનજી નું “હમસે કીસીને કહા હી નહી” જેવાં આગવા ‘તકિયા કલામ’ એલોકોની ઓળખ બની ગયાં છે. જો હજીપણ સાસ-બહુ ની કચરાપેટી ગમતી હોય તો ઠીક છે બાકી આ સીરીયલ એકવાર તો જોવા જેવી ખરી જ.

જતાં…જતાં…

પાંચમી સચિન મોમેન્ટ.

૨૬/૧૧ ની ઘટના પછી ટુર અડધેથી છોડીને દેશ પરત થઇ ગયેલી ઇંગ્લેન્ડની ટીમ ત્રણને બદલે બે ટેસ્ટ્સ રમવા ભારત પાછી આવી. અમદાવાદની જગ્યાએ ચેન્નઈમાં રખાયેલી ટેસ્ટ એ આ સિરીઝની છેલ્લી ટેસ્ટ હતી. પહેલી ટેસ્ટ ડ્રો થઇ ગઈ હતી. પહેલી ઈનિંગમાં ઇંગ્લેન્ડને ૭૫ લીડ આપ્યાં પછી ઇંગ્લેન્ડે સ્ટ્રાઉસ અને કોલિંગવૂડ ની સેન્ચુરી સાથે ભારતને લગભગ ચાર સેશનમાં ૩૮૭ રન કરવાનું ટાર્ગેટ આપ્યું. ખુબ બોલ્ડ કહી શકાય એવું આ ડીસીઝન હતું. જોકે ભારતનો અડધો ભાર સહેવાગે ફક્ત ૬૮ બોલમાં ૮૩ રન કરીને હળવો કરી દીધો પણ તેમ છતાં રન કરાવતો જરૂરી હતાં જ અને કાયમની જેમ પાંચમાં દિવસે ચેપોકની પીચ તૂટી રહી હતી એટલે છેક સુધી ટકી રહેવું જરૂરી હતું. આ કામ કર્યું સચિને. દ્રવિડ અને લક્ષ્મણનાં આઉટ થઇ જવા છતાં પણ એણે યુવરાજ સાથે પહેલાં સંભાળીને અને પછી અચાનક અટેક કરીને ભારતને આરામથી ૬ વિકેટે જીત અપાવી. સચિન ચેસ કરતી વખતે સારું નથી રમી શકતો એવી અફવાઓ ફેલાવનારાં લોકોને આ મેચમાં સદી કરીને એક જોરદાર તમાચો એણે માર્યો હતો. થોડાક જ દિવસો પહેલાં એનાં પોતાનાં શહેર મુંબઈ પર થયેલાં આતંકી હુમલામાં શહીદ થયેલાં લોકોને એણે પોતાની આ ઇનિંગ અર્પિત કરી હતી.

૨૦.૧૧.૨૦૧૩, બુધવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *