લઘુકથા – ‘અનામિકા એકલી’

પાંત્રીસ વર્ષની અનામિકા જે એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે છે એ પોતાની રોજિંદી ઘટમાળથી અચાનક જ કંટાળી ગઈ અને એક મહિનાની, શરૂઆતમાં દસેક દિવસ તો ખોટું બોલીને સીક લીવ અને પછી તો બાકીનાં વીસ પચીસ દિવસતો કપાતે પગારે પણ રજા લઇ લીધી. એની અંગત સખી કીર્તિએ એને કારણ પૂછ્યું તો કોઇપણ કામકાજી મહિલાનો જે જવાબ હોય એ જ જવાબ અનામિકાનો હતો પણ સ્હેજ લાંબો હતો.

બસ રોજ સવારે પાંચ વાગે ઊઠવાનું, ફ્રેશ થઈને પછી વડોદરા અપ-ડાઉન કરતાં પતિદેવનું ટીફીન બનાવવાનું. એ કામ પતે પછી દીકરાને ઉઠાડવાનો અને વહેલી સવારે ન ઉઠવાના એના રોજનાં ધમપછાડા સહન કરીને એને સ્કુલે જવા તૈયાર કરવાનો. બાપ-દીકરો પોતપોતાના કામે જાય એટલે બાકીની રસોઈ કરવાની તે દરમ્યાન વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાખવાનાં અને ઓટોમેટીક મશીન હોવાથી બરોબર પિસ્તાલીસ મિનીટ પછી એ કપડાં ને ગેલેરીમાં જઈને સુકવી આવવાનાં. આટલું ઓછું હોય એમ રોજ ત્રણ કલાક ચાલતી સાસુમાંની સેવાપૂજાની સંપૂર્ણ તૈયારી પણ વચ્ચે મળતી અમુક મીનીટોમાં જ કરી આપવાની. બસ આટલું કરે ત્યાંતો નવ ને વીસ વાગીજ જાય એટલે ગમેતેમ તૈયાર થઇને પોતાનું ટીફીન તૈયાર કરવાનું અને પછી કાઈનેટિકને કિક મારીને ઓફિસે દસ વાગ્યા સુધીમાં પહોંચી જવાનું. હવે ઓફિસમાં તો કામ રહેવાનું જ? સાંજના છ-સાડા છ સુધી ઓફિસમાં.

ઘેરે પાછા આવીને જો ઉનાળો હોય તો નહાવાનું થોડીક કોફી પીવાની અને વળી પાછું એનું એ રસોડું. રોજ સાસુમા એના દીકરાની અને અડોશ-પડોશની ફરિયાદ કરે એ સાંભળવાની અને એનું ઈન્સ્ટન્ટ સોલ્યુશન આપવાનું. ત્યાં સાડા આઠ વાગે એટલે પતિદેવ વડોદરાથી પધારે અને રોજ “આજે તો બહુ ભૂખ લાગી છે મીકા” નો ડાયલોગ વિધાઉટ ફેઈલ બોલે એટલે બધાએ તરતજ જમી લેવાનું. વાસણ કરવાવાળો આવે તો ઠીક છે નહી તો એ કામ પણ કરવાનું. નવ થી દસ સીરીયલ જોવાની અને પછી ‘બેડભેગાં’. રવિવાર અને રજાના દિવસે પતિદેવ કાયમ એમ કહે કે “યાર એક દિવસ તો આરામનો મળે છે આમાં ક્યાં તું અહિયાં જઈએ, ત્યાં જઈએની વાતો લઈને બેઠી?” એટલે એ દિવસોમાં પણ ટીવી સામે ડાચું ધરીને બેસી રહેવાનું.

“આમાં મારી ખુદની શું લાઈફ?” કીર્તિને પોતાનું રજા લેવાનું આટલું લાઆઆમ્બુ કારણ આપીને અનામિકાએ આ એકજ સવાલ કર્યો જેનો કોઈજ જવાબ કીર્તિ પાસે પણ ન હતો, એ ફુલટાઈમ ગૃહિણી હોવા છતાંય!! કીર્તિ અનામિકાની જેમ બીજાની નોકરી નહોતી કરતી પણ ઘરની નોકરીતો એ પણ કરતી હતી અને એની પાસે પણ પોતાનાં માટે સમય નહોતો. આખોય મહિનો અનામિકાને બીજું કશુંય ન સુજ્યું બસ સવારના કામ પતાવીને કે બપોર પડે એટલે પથારીમાં લાંબી પડીને બે-ત્રણ કલાક સુઈ જતી અને બાકીનો ટાઈમ ટીવી જોવામાં વ્યર્થ કરતી. આમનેઆમ મહિનો પુરોય થઇ ગયો અને પતિદેવનો આદેશ થઇ જ ગયો કે મોંઘવારીનાં જમાનામાં એમનાથી એકલું ઘર નહી ચલાવાય એટલે અનામિકાએ નોકરી ફરીથી જોઈન તો કરવી જ પડશે. આમ આખોય મહિનો બ્રેક લેવા પછી પણ અનામિકાએ કીર્તિને કરેલો સવાલ હજીસુધી અનુત્તર જ હતો.

અનામિકાનાં આશ્ચર્ય વચ્ચે એનાં આ સવાલનો ઉત્તર કોઈ મહિલાએ નહીં પણ એનીજ ઓફિસમાં કામ કરતાં એનાથી ઉંમરમાં થોડાંક નાના એક પુરુષ સહકર્મી સર્વદમન બેનરજીએ આપ્યો. બન્યું એવું કે મહિનાની રજા પછી પરત ફરેલી અનામિકા આ જ વિષયની ચર્ચા એની ઓફિસની સહકર્મી મહિલાઓ સાથે લંચમાં ઓફિસની કેન્ટીનમાં કરી રહી હતી અને સર્વદમન એ લોકોની બાજુનાં જ ટેબલ પર પોતાનું લંચ કરતોકરતો આ બધું સાંભળી રહ્યો હતો. લંચ પત્યા પછી પોતપોતાના ટેબલો તરફ જતાંજતા સર્વદમને એનાં બંગાળી ગુજરાતીમાં અનામિકાને એટલુંજ કહ્યું કે “દીદી તોમારી શોમોશ્યાનો ઉકેલ કદાચ મારી પાસે છે, જો તમને ઈચ્છા હોય તો કાલે લોંચ શાથે કોરીએ?” અનામિકા પાસે હા પાડવા સિવાય બીજો કોઈજ ઓપ્શન ન હતો. અનામિકાને ઉત્કંઠાએ બાબતની હતી કે જે સવાલનો જવાબ લેવા માટે એ એક મહિનો પોતાની જાત સાથે મથી હતી અને એક સ્ત્રીને નડતી આ કોમન સમસ્યાનો ઉકેલ જો અન્ય સ્ત્રીઓ પાસેથી પણ એને ન મળ્યો હોય તો એક પુરુષ પાસે એનું સોલ્યુશન કેવીરીતે હોવાનું?

ખેર, બીજે દિવસે ગમેતેમ કરીને એણે ઓફિસમાં લંચ સુધીનો સમય પસાર કર્યો અને સર્વદમન સાથે વાત થયા મુજબ લંચ સમયે એ ઓફિસની સામેજ આવેલી એક રેસ્ટોરાંમાં પહોંચી ગઈ જ્યાં સર્વદમન એની પહેલેથી જ રાહ જોતો હતો. ફિક્સ લંચ ઓર્ડર કર્યા પછી, અનામિકાએ સર્વદમનને પહેલો જ સવાલ કર્યો કે “બોલો, તમારી પાસે મારી સમસ્યાનો શું ઉકેલ છે?”

સર્વદમને એક સ્મિત આપીને પોતાનો જવાબ શરુ કર્યો, “દાખો ઓનામિકા’દી ભોગવાને આપણને બધાંને ચોબીશ જ કોલાક આપ્યા છે, પછી એ તમે હોવ, હું હોઉં કે દેશનો પ્રોધાનમોન્ત્રી! આપણે આ ચોબીશ કોલાકમાં જ આપણી ગેમ રોમવાની છે.”

‘અને આ ચોવીસ કલાકનું ટાઈમ ટેબલ એની મેળે જ ગોઠવાઈ ગયું હોય અને એમાં કોઇપણ ફેરફારની સંભાવના નથી તો?’ અનામિકાને સર્વદમનની ટીપીકલ ફિલોસોફીકલ શરૂઆતથી પોતાને જે ઉત્કંઠા થઇ હતી એ બધીજ ઉત્કંઠા ઠરીને ઠીકરું થઇ ગઈ, પણ તેમ છતાં હવે એણે સર્વદમનને સાંભળવો જ રહ્યો.

‘એઈ ટાઈમ ટેબોલ આપણે નથી ગોઠવ્યું દીદી, એઈ ટાઈમ ટેબોલ એની મેળે જ ગોઠવાઈ ગયું છે જેમ રોજ શુરોજ ઉગે ઓને આથમે એમોજ. પણ જો આપણે જોરાક ધ્યાન આપીએ, તો આપણે આપણું ટાઈમ ટેબોલ આપણી મોરજીથી ગોઠવી શકીએ છીએ. બૂજે તો?’ સર્વદમન એના ટીપીકલ બંગાળીમિશ્રિત ઉચ્ચારો સાથે બોલ્યો.

‘પણ એ ઈમ્પોસીબલ છે સર્વદમન, સ્પેશિયલી એક મેરીડ એન્ડ વર્કિંગ વુમન માટે.’ ફિક્સ લંચની થાળીમાંથી ગરમાગરમ રોટીનો ટુકડો કરીને વેજ મસાલાનાં ખાનામાં બોળતી બોળતી અનામિકા બોલી.

‘દીદી તોમારી બૌદી આઈ મીન ભાભી એટલેકે માય વાઈફ મોધુપોર્ણા પણ તોમારી જેમજ વર્કિંગ વુમન એન્ડ હાઉસ વાઈફ છે પણ એ તો બોહુ ખુશ છે.” સર્વદમન બોલ્યો.

“એ તો હું એની સાથે ખાનગીમાં વાત કરું તો ખબર પડે.” અનામિકા હસીને બોલી.

“એની ટાઈમ દીદી, પણ તોમને ખબોર છે? મોધુને દોર શોનિવારે હાફ-ડે હોય છે અને એ દોર શોનિવારે ઓફિશેથી શીધી…. નહીતો શોપિંગ નહીતો ફ્રેશ મુવી જોવા ઉપડી જાય છે.આને કહેવાય ફિક્સ્ડ ટાઈમ ટેબોલમાંથી ટાઈમ કાઢવો દીદી. નહીતો એ પણ તોમારી જેમજ રોજ શવારે વહેલી ઉઠીને અમારા બોન્ને માટે ટીફીન બનાવે છે. મારેતો ઘોરમાં બે-બે દુર્ગાઓ છે એટલે એમને પણ શ્કુલ માટે ઉઠાડવાની અને તોય્યાર કોરવાની.” સર્વદમન બોલ્યો.

“ઓહ તો તો ભાભીને તો મારાથી પણ વધુ મહેનત કરવાની આવતી હશે.” અનામિકાને આશ્ચર્ય થઇ રહ્યું હતું.

“યશ, દીદી, આપણે પણ શેકોન્ડ અને ફોર્થ શેટરડે છુટ્ટી હોય છે ને? તો ઘોણીવાર હું, દીકરીઓ અને મધુ બોધાં શાથે જ મુવી જોવા જઈએ નહીતો હું એકલા એકલા જોવા જતો રહું છું. જો એ કાયમ મારી જ રાહ જોવે તો એ પોતાની લાઈફ ક્યારે જીબશે? આટલું જ નહી દીદી, વીકમાં એકઠો દિન હું ટીફીન પણ નથી લાવતો.” સર્વદમને અનામિકાને થોડીક ચોંકાવી દીધી.

‘કેમ?’ અનામિકાએ સ્વાભાવિક સવાલ કર્યો.

‘કેમ મારે મારી મધુને એક દિબોશ આરામ નેહી આપવાનો હોય? એક દિબોશ બપોરે વડાપાઉં ખાઈ લઇશ તો માંદો નેહી પડું. આજે મેં જ મધુને કીધું હતું કે આજે હું ઓનામિકા દીદી સાથે જોમવાનો છું એટલે ટીફીન નેહી બાંધે.” સર્વદમને હસતાંહસતાં કહ્યું.

બંને લંચ પૂરું કરીને ઓફિસે પાછાં વળ્યા અને ઓફીસના દરવાજે સર્વદમને જે કહ્યું એણે તો અનામિકા વિચારોને ચકરાવે ચડાવી દીધી.

“દીદી, આપણા મેરેજ થાય એટલે આપણા લાઈફ પાર્ટનર પ્રોત્યે આપણી પુરેપુરી જોબાબદારી છે એને આરામભોરી જિંદગી આપવાની અને એને ખુશ રાખવાની, પણ દુર્ગામાંએ આપણને પોણ જીબોન આપ્યું છે, આપણા માટે. જીબોનશાથી નો પૂરો ખ્યાલ રાખો પણ આપણો ખ્યાલ પણ રાખવો જ જોઈએને? જીબોનશાથીને પ્રેમ કોરવાનો તો આપણે આપણને પ્રેમ નેહી કોરવાનો? જો આપણે ખુશ રહીશું તો જ આપણે આપણા શાથીને ખુશ રાખી શકીશું, બૂજે તો? એમનું જીબોન ઈમ્પોર્ટન્ટ છે જ પણ આપણે આપણા જીબોનની ઓવગણના કેમ કોરીએ? અમને પુરુષોને પણ તમારી જેમજ જો શોમોય ન શોધીએ તો મોલે જ નહી અને  એટલેજ આ ફિકશ લોંચની જેમ ફિકશ ટાઈમ ટેબોલમાં આપણે આપણો પોતાનો રોજનો એક કોલાક તો એટલીષ્ટ કાઢવો જ રહ્યો! અને દીદી એ રોજનો એક કોલાક આપણી આશપાશ જ છે, તુમી ભાલો શોમોજદાર એટલે બોશ તોમને એકઠો હિન્ટ જ પુરતી છે.” સર્વદમને પોતાની વાત પૂરી કરી અને બંને પોતાનાં ટેબલો તરફ વળ્યાં.

અનામિકા ઓફિસમાં વિચારોનાં ચકરાવે ચડી અને એણે સર્વદમનની વાઈફ મધુની રોજની લાઈફની પુરેપુરી ડિટેલ્સ ફરીએકવાર વિચારી લીધાં પછી તરતજ એને પોતાની લાઈફ સાથે સરખાવવાની શરુ કરી અને સાંજે ઘરે પહોંચીને એણે પહેલું કામ એ કર્યું કે નહાઈને રસોડામાં ન ઘૂસતાં એણે સાડા આઠ સુધીમાં ઘેરે ડીલીવર થઇ જાય એ રીતે બહારથી ખાવાનું ઓર્ડર કર્યું અને આ ફાજલ પડેલા સમયમાં એ પોતે રોજ પોતાનો એક કલાક કેવીરીતે શોધશે એ નક્કી કરવાનું શરુ કર્યું. જો કે એની શરૂઆત તો આ ઘડીથી જ એના નક્કી કર્યા વગર જ થઇ ચુકી હતી.

સહુથી પહેલાં એણે મધુનાં શનિવારનાં હાફ-ડે પર વિચાર કર્યો અને પોતાને પણ દર બીજો અને ચોથો શનિવાર રજા મળે જ છે એ બે દિવસોમાં બપોરનું ભોજન લીધાં પછી એ એકલી કેટલુંય કરી શકે છે એનું એક લીસ્ટ બનાવવા માંડી. જેમાં ફિલ્મો જોવાનો એનો શોખ પૂરો કરવાથી માંડીને જો ખરેખરું શોપિંગ ન કરવું હોય તો એટલીસ્ટ શહેરનાં જુદાજુદા મોલ્સની સફરે અથવાતો બાગ-બગીચાની સફરે તો આ બે રજાના દિવસે તો જવું જ એવું નક્કી કરી લીધું. આ ઉપરાંત પતિદેવ, સાસુમા અને પોતાનાં પ્રાણથી પણ પ્રિય એવાં દીકરા માટે પણ મહિનામાં એકવાર તો શોપિંગ કરવું જ એમ પણ નક્કી કર્યું. વળી કોઈકવાર એ એનાં દીકરાને કાંકરિયા ની સફરે કે ઝૂમાં કે સાયન્સ સીટી ફરવા પણ લઇ જઈ શકે છે એવો વિચાર પણ એણે જેવો મગજમાં આવ્યો એવો નોંધી લીધો.

જેમજેમ અનામિકા આ લીસ્ટ બનાવતી ગઈ એમએમ એ પોતાનાં કહેવાતાં ‘ફિક્સ્ડ ટાઈમ ટેબલ’ નો કચ્ચરઘાણ કરતી ગઈ. એને સર્વદમનનો અઠવાડિયામાં એક દિવસ ટીફીન ન લઇ જવાનો વિચાર પણ ગમ્યો અને એ આઈડિયા પોતાની ઓફિસની સખીઓ સાથે પણ શેર કરવાનું નક્કી કર્યું અને જો એની બેય ઓફીસ સખીઓ આ માટે તૈયાર ન થાય તો પોતે તો આમ કરશેજ એવું પણ એણે નક્કી કર્યું. આ ઉપરાંત જેમ આજે એણે કર્યું એમ મહિનામાં બે વાર સાંજના સમયે એ સાસુમાંને ગમે કે ન ગમે પણ ફક્ત પોતાનાં આરામ માટે અને પુત્ર સાથે મસ્તી કરવા માટે ડીનર ઓર્ડર કરશે જ અથવાતો બધાં જોડે ડીનર લેવા બહાર જશે એવું પણ નક્કી કર્યું.

જોકે સમજદાર સાસુ હોવાથી અનામિકાને કોઈ વાંધો તો નાં આવ્યો પણ એનું આમ કરવાથી એનાં પતિદેવનાં સ્વભાવમાં ધરખમ સુધારો આવવા માંડ્યો અને એપણ પોઝીટીવ. કારણકે એની ‘મીકા’ લગભગ દર બીજાં અને ચોથાં શનિવારે નવું મુવી જોઈ આવતી અને ઘણીવાર તો એના દીકરાને પણ જોડે લઇ જતી એટલે જયારે પપ્પા ઘેરે આવે એટલે એનો આ દીકરો એને આ નવી મુવીની સ્ટોરી સંભળાવે જ છૂટકો કરે એટલે પતિદેવે પોતાનો ‘પિક્ચર પ્રેમ’ પણ રીવાઈવ કરવાનું નક્કી કર્યું અને અનામિકાને મહિનામાં એટલીસ્ટ એકવાર તો શનિવારે નહી પણ રવિવારે સાંજે પોતાની સાથે ફિલ્મ જોવા આવે એવી રીક્વેસ્ટ પણ કરી જેને અનામિકાએ હસતા મોઢે વધાવી લીધી. અઠવાડિયાના એક દિવસે ટીફીન ન લઇ જઈને અનામિકા પોતાનું મનપસંદ ફાસ્ટફૂડ ખાતી અને જો સમય બચે તો પાસે આવેલા મોલમાં વિન્ડો શોપિંગ કરી લેતી.

પતિદેવે અહીંથી પણ ટીપ્સ લીધી અને અનામિકા જેવુંજ એ વડોદરામાં કરતાં થયા, હવે એ પણ અઠવાડિયામાં એક દિવસ ટીફીન નથી લઇ જતાં અને એ સમયમાં ભારે નાસ્તો કર્યા પછી પોતાને ગમતું શર્ટ, ટી-શર્ટ કે જીન્સની ખરીદી કરતાં થયાં અથવાતો કુટુંબ માટે કઈકનું કઈક લેતા થયા અથવાતો અમસ્તા જ એ પોતાની ઓફિસની આસપાસની ગલીઓમાં ફરવા નીકળી પડતા અને એમણે પણ પોતાનાં વ્યસ્ત સમયમાંથી ફક્ત પોતાનાં માટે એક કલાક શોધી જ લીધો.

અને હા એક વાત તો કહેવાની રહી જ ગઈ, અનામિકાએ કોલેજ છોડ્યા પછી પહેલીવાર હાથમાં કલમ પકડી છે જે એનો કોલેજકાળનો પેશન હતો અનેહવે તે ફરીથી  નાની મોટી કવિતાઓ, ગઝલો અને ટૂંકી વાર્તાઓ પણ લખવા માંડી છે, અફકોર્સ, બીજાં અને ચોથાં શનિવારે જ સ્તો!

૦૪.૦૯.૨૦૧૪, ગુરુવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
Comments
  1. Bharat akbari
    • Siddharth Chhaya
  2. Rajendra (@rajendraraval)
    • Siddharth Chhaya

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *