રાઈડર કપ – ગોલ્ફનો એશિઝ

સોમવારે ગોલ્ફની રમત વિષે બેઝીક માહિતી મેળવ્યા બાદ હવે સમય છે ગોલ્ફની બે સહુથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટસમાંથી એક એવી ‘રાઈડર કપ’ વિષે આપણે આજે માહિતી લઈએ? તમે કદાચ એમ વિચારતા હશો કે જો આ રાઈડર કપ બે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટસમાંથી એક છે તો બીજી કઈ? બીજી એવી મોટી ગોલ્ફ ટુર્નામેન્ટ છે ‘ધ માસ્ટર્સ ટુર્નામેન્ટ’ જેને આપણે ગોલ્ફની વિમ્બલ્ડન કહી શકીએ. પણ આ ‘માસ્ટર્સ’ વિષે આપણે ફરી કોઈવાર વાત કરીશું.

રાઈડર કપને એશિઝ સાથે સાંકળવાનું એક માત્ર કારણ એ છે કે આ બે રાષ્ટ્રો અથવાતો એક રાષ્ટ્ર અને એક ખંડનાં ખેલાડીઓ વચ્ચે સો વર્ષથી થોડાંકજ ઓછાં સમયથી રમાતી ટુર્નામેન્ટ છે અને આ ટુર્નામેન્ટમાં રમતાં ખેલાડીઓ એશિઝની જેમજ પોતાનું સર્વસ્વ હોમી દે છે. બીજીપણ ઘણી સમાનતાઓ આ રાઈડર કપ એશિઝ સાથે ધરાવે છે પણ એના વિષે આપણે આગળ વાત કરીશું.

Ryder Cup Trophy

રાઈડર કપની શરુઆત આમતો ૧૯૨૭માં થઇ પણ એ પહેલાં ૧૯૨૦માં ગોલ્ફ ઈલસટ્રેટેડ નામનાં
મેગેઝીને અમેરિકાના પ્રોફેશનલ ગોલ્ફર્સ એસોસીએશનને એક આઈડિયા આપ્યો કે “એક એવી ટુર્નામેન્ટ કેમ ન શરુ કરવી જેમાં અમેરિકા અને બ્રિટનનાં દસ-બાર ગોલ્ફરો એક ટીમ બનાવી ને આમનેસામને રમે?” આ સૂચનને તો તરતજ વધાવી લેવામાં આવ્યું પણ આ સ્વપ્નને સાકાર થતાં બીજાં સાત વર્ષ લાગ્યા. આમ બીજી કોઈ તકલીફ ન હતી પણ બજેટ બહુ થતું હતું, એટલેકે પૈસા ઓછા પડતા હતા. એટલે સેમ્યુલ રાઈડર જે ગોલ્ફની રમતનો મોટો પ્રશંસક હોવા ઉપરાંત અમેરિકાનો એક ખુબ મોટો બીઝનેસમેન પણ હતો એણે ડોનેશન આપ્યું અને ‘રાઈડર કપ’ ની ટ્રોફી પણ ખિસ્સાના ખર્ચે બનાવડાવી. પહેલવેલી રાઈડર કપ ટુર્નામેન્ટ યુ. એસ. એ નાં મેસેચ્યુસેટ્સ રાજ્યના વૂસ્ટરમાં અમેરિકાના અને બ્રિટનનાં ગોલ્ફરો વચ્ચે રમાઈ.

આગળ આપણે જે રાઈડર કપ ટ્રોફીની વાત કરી એ ટ્રોફી ૧૭ ઇંચ ઉંચી અને નવ ઇંચ પહોળી છે અને એનું વજન ચાર પાઉન્ડ છે. આ ટ્રોફીની ઉપર એક ભાઈ ગોલ્ફ રમી રહ્યાં છે એવી પ્રતિકૃતિ મુકવામાં આવી છે. આ ભાઈ એટલે પેલાં સેમ્યુલ રાઈડરનાં ‘ગોલ્ફ ગુરુ’ અને બ્રિટીશ પ્રોફેશનલ ગોલ્ફર એબ મિચેલની છે. આ એબ મિચેલે પોતે વળી ત્રણ રાઈડર કપમાં બ્રિટનની ટીમ તરફથી હિસ્સો લીધો હતો.

શરુ શરૂના રાઈડર કપમાં બન્ને ટીમો સરખાં પ્રમાણમાં રાઈડર કપ જીતતી રહી પણ બીજાં વિશ્વયુદ્ધ પછી ૧૯૪૭થી ફરી શરુ થયેલી રાઈડર કપમાં છેક ૧૯૭૭ સુધીની લગભગ ૧૯ ટુર્નામેન્ટમાંથી ૧૭માં યુ.એસ.એ આઉટ રાઈટ જીત્યું, એકમાં બ્રિટન જીત્યું અને એક અન્ય એટલે કે ૧૯૭૯માં ટાઈ થતાં ગત ચેમ્પિયન યુ. એસ. એ એ ટ્રોફી જાળવી રાખી હતી. ત્રીસ-ત્રીસ વર્ષો સુધી રાઈડર કપમાં બ્રિટનની આવી કમકમાટી ઉપજાવે એવી હાલત જોતાં ૧૯૭૯માં એવું નક્કી થયું કે ફક્ત બ્રિટન જ નહીં પરંતુ યુરોપના અન્ય દેશોનાં ગોલ્ફર્સને પણ રાઈડર કપ માં સમાવી લેવા અને આ ટુર્નામેન્ટને હવે  યુ. એસ. એ વિરુદ્ધ યુરોપ બનાવવી. ઔર નતીજા હમ સબકે સામને હૈ!! ૧૯૭૯નાં ડીસીઝન પછી કુલ ૧૬ રાઈડર કપ ટુર્નામેન્ટ રમાઈ છે જેમાંથી યુ. એસ. એ ફક્ત ૬ જીતી શક્યું છે, નવ યુરોપ જીત્યું છે અને એક ટુર્નામેન્ટ ટાઈ થતાં ગત ચેમ્પિયન યુરોપે ટ્રોફી જાળવી રાખી હતી.  નવી સદીમાં ૬ રાઈડર કપ  ટુર્નામેન્ટ રમાઈ ચુકી છે અને એમાંય યુ. એસ. એ ફક્ત એકજ વાર એટલેકે ૨૦૦૮માં જીતી શક્યું છે. થઈને એશિઝ સાથેની આ બીજી સરખામણી??

જો કે ઓવરઓલ ચિત્ર ભલે એક ટીમની બીજી ટીમ ઉપરની સર્વોપરિતા દેખાડતું હોય પણ જો તમે ડીપમાં જઈને સ્કોર્સ જુવો તો લગભગ દરેક ટુર્નામેન્ટમાં નઝદીકી મામલા જ જોવા મળ્યાં છે. હવે રાઈડર કપની  સ્કોરિંગ સીસ્ટમ જાણવી હોય તો રાઈડર કપનું ફોરમેટ જાણવું જરૂરી છે, તો ચાલો જાણીએ રાઈડર કપનું ફોરમેટ.

ગોલ્ફના બ્લોગમાં આપણે ગોલ્ફમાં કેવીરીતે સ્કોર અર્જિત થાય છે એના વિષે આપણે પુરેપુરી માહિતી મેળવી હતી પણ રાઈડર કપમાં આ સ્કોરિંગ સીસ્ટમ થોડીક અલગ છે, પણ ગોલ્ફની રમતની અંદરની જ છે એની પુરેપુરી ગેરંટી. દરેક રાઈડર કપ ત્રણ દિવસ ચાલતો હોય છે અને રોજ અલગ અલગ ફોરમેટમાં રમાય છે. ત્રણ દિવસના આ ખેલ માટે દરેક ટીમ પોતાનાં બાર-બાર ખેલાડીઓ ઉતારતી હોય છે. ટીમનો કેપ્ટન એમનાં લોકલ ગોલ્ફ એસિશિએશન્સ નક્કી કરે પછી આ કપ્તાન બાકીનાં ૧૧ ખેલાડીઓ નક્કી કરે. જેમાં મુખ્યત્વે છેલ્લાં રાઈડર કપથી શરુ કરીને છેક છેલ્લે સુધી જેટલા પ્રોફેશનલ ગોલ્ફરોએ સારું પ્રદર્શન કર્યું હોય એને ટીમમાં લેવાનું કપ્તાન પસંદ કરતાં હોય છે. મુખ્યત્વે કરંટ ફોર્મ ઉપર વધુ ધ્યાન અપાતું હોય છે પણ તેમ છતાંય જો કપ્તાનને એમ લાગે કે અમુકતમુક ખેલાડી ભલે અત્યારે એટલો સારો ફોર્મમાં ન હોય પણ જો આપણી ટીમમાં હોયને તો ઘણો ફર્ક પડે એવું છે તો એ પોતાનાં ‘કેપ્ટન્સ પીક’ નાં અધિકારનો ઉપયોગ કરીને એ ખેલાડીને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી અપાવી શકતો હોય છે. આ વખતની રાઈડર કપમાં અમેરિકાના કપ્તાન ટોમ વોટસને ત્રણ આવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીઝ અપાવી છે જેમાં કીગન બ્રેડલી, હન્ટર મેહન અને વેબ સિમ્પસન નો સમાવેશ થાય છે. જયારે સામે પક્ષે યુરોપના કપ્તાન ઇઅન પુલ્ટરે પોતાની ટીમમાં  બે કેપ્ટન્સ પીક રજુ કર્યા છે જે છે સ્ટેફન ગલાગર અને લી વેસ્ટવુડ.

દર રાઈડર કપનાં પહેલાં દિવસે ચાર મેચો ‘ફોરસમ’ ની હોય છે. એટલે કે બન્ને ટીમો પોતાનાં બે-બે ખેલાડીઓની ચાર અલગ અલગ ટીમો બનાવી ને ઉતારે છે. જે ખેલાડી ટી પરથી પ્રથમ શોટ મારે અને દડો જે સ્થળે પડે ત્યાંથી એની ટીમનો બીજો ખેલાડી એને શોટ મારીને એને ગ્રીન તરફ આગળ વધારે અને બન્ને ટીમો માંથી જે ટીમ ઓછાં શોટ્સમાં હોલમાં દડો નાખી દે એને એક પોઈન્ટ આપવામાં આવે છે. જો ટાઈ પડે તો ૧/૨ – ૧/૨ પોઈન્ટ્સ વહેંચી  લેવામાં આવે છે.

રાઈડર કપનો બીજો દિવસ ‘ફોર બોલ્સ’ નો હોય છે. આમાં પણ દરેક ટીમનાં બબ્બે ખેલાડીઓ ચાર ટીમો બનાવીને ઉતરે છે પણ ચાર જુદા જુદા દડા લઈને. એટલે કે એક ટીમનાં બન્ને ટીમોનો સંયુક્ત સ્કોર ગણવામાં આવે છે અને એમાં જે ટીમે ઓછાં પ્રયાસે દડાને હોલમાં નાખ્યો હોય એને ૧ પોઈન્ટ મળે છે અને ફરીવાર ટાઈ પડે તો ૧/૨ – ૧/૨ પોઈન્ટ વહેંચી લેવામાં આવે છે.

રાઈડર કપનો ત્રીજો અને આખરી દિવસ ‘સિંગલ્સ’ રમાય છે. એટલેકે બન્ને ટીમોનાં બારેબાર ખેલાડીઓ અગાઉથી જ નક્કી કરેલાં ડ્રો અનુસાર એકબીજાં સામે કોમ્પીટીશનમાં ઉતરે છે એટલેકે છેલ્લે દિવસે કુલ બાર મેચો રમાય છે. દરેક મેચ વિજેતાને ૧ પોઈન્ટ અને ડ્રો કરનાર બન્ને ખેલાડીઓને ૧/૨ – ૧/૨ પોઈન્ટ્સ અપાય છે.

જેમ આગળ વાત થઇ એ મુજબ ત્રણેય દિવસનો ટોટલ કર્યા પછી જે ટીમનો ટોટલ સ્કોર સહુથી વધુ હોય એ રાઈડર કપની હક્કદાર થાય છે અને જો સ્કોર ટાઈ હોય તો આગળના રાઈડર કપની વિજેતા ટીમ ટ્રોફી જાળવી રાખે છે.

આ વખતનો રાઈડર કપ આ શુક્રવારથી એટલે કે ૨૬મી સપ્ટેમ્બરથી સ્કોટલેંડનાં પર્થશાયરમાં આવેલા ગ્લેનીગલ્સ હોટેલ એન્ડ રિસોર્ટસનાં અતિસુંદર ગોલ્ફ કોર્સ પર રમાવવાની છે. આપણે આગળ વાત થઇ એ મુજબ અમેરિકા ૨૦૦૦ પછી ફક્ત એકજ વાર રાઈડર કપ જીતી શક્યું છે અને આ વખતે પણ નિષ્ણાતોનાં કહેવા મુજબ અમેરિકાની ટીમ એટલી સબળી નથી, પણ ઘણીવાર પ્રોફેશનલ કરતાં જયારે દેશ માટે રમવાનું આવે ત્યારે કશું પણ થઇ શકે છે બરોબરને? તો આપણા સોમવારે વહેલી સવારે આપણને ખબર પડી જશે કે રાઈડર કપ ૨૦૧૪ની વિજેતા ટીમ કોણ છે?

રાઈડર કપ – ૨૦૧૪ ટીમ યુ. એસ. એ

 • કીગન બ્રેડલી
 • જીમ ફૂર્યક
 • મેટ કુચર
 • ફિલ મિકલસન
 • વેબ સિમ્પસન
 • જીમ્મી વોકર
 • રિકી ફાઉલર
 • ઝાક જોહન્સન
 • પેટ્રિક રીડ
 • જોર્ડન સ્પીથ
 • બુબ્બા વોટસન
 • ટોમ વોટસન (કપ્તાન)

રાઈડર કપ – ૨૦૧૪ ટીમ યુરોપ

 • થોમસ બ્યોર્ન
 • વિક્ટર ડૂબુઈસન
 • સર્જિયો ગાર્સિયા
 • ગ્રીમ મેકડોવેલ
 • હેન્રીક સ્ટેનસન
 • જેમી ડોનાલ્ડસન
 • સ્ટીફન ગલાગર
 • માર્ટીન કેયમર
 • રોરી મેકલરોય
 • જસ્ટીન રોઝ
 • લી વેસ્ટવુડ
 • ઇઅન પુલ્ટર (કપ્તાન)

(ખેલાડીઓ ની ક્ષમાયાચના સાથે જો એમનાં નામનો ઉચ્ચાર ખોટો હોય તો. વાચકમિત્રો સાચા ઉચ્ચારણ કમેન્ટમાં આપી શકશે.)

તો આ હતી ગોલ્ફના એશિઝ, રાઈડર કપ વિષેની માહિતી. ભવિષ્યમાં પણ આપણે દુનિયામાં રમાતી ઘણી અન્ય રમતો પર વાતો કરીશું. તમને આ બ્લોગ કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં જરૂર જણાવશો જેથી આગળ આવા માહિતીપ્રદ બ્લોગ્સ લખવાની પ્રેરણા મળતી રહે.

ક્લીન બોલ્ડ !!!

‘રાઈડર કપ’ શરુ થવાનો હોય એના બે દિવસ અગાઉથી જ જે-તે ગોલ્ફકોર્સમાં રાઈડર કપ યોજવાનો હોય તેને અમુક કલાક માટે સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂકી દેવામાં આવે છે, જેથી સામાન્ય પ્રજા ખાસકરીને બાળકો અને કિશોરો પણ એ ગોલ્ફકોર્સ જોઈ શકે અને ત્યાં પ્રેક્ટીસ કરતાં ગોલ્ફર્સ સાથે સીધી વાતો પણ કરી શકે. આ સગવડથી વર્ષોવર્ષથી કેટલાંય અમેરિકી અને યુરોપીયન કિશોરોને ગોલ્ફ રમવાની પ્રેરણા મળી છે.

આપણે રમતો બાબતે સાવ પછાત છીએ એવી વાતો કાયમ થતી હોય છે તો શું આપણે ત્યાં પણ મોટી-નાની ટુર્નામેન્ટ શરુ થવાના એટલીસ્ટ એક દિવસ પહેલાં બાળકો માટે એ સ્ટેડીયમ કે ગ્રાઉન્ડ ફક્ત બે કલાક માટે ખુલ્લું ન મૂકી શકાય? રમતોને પ્રોત્સાહન આપવાનો આ પણ એક રસ્તો છે, નહી?

૨૪.૦૯.૨૦૧૪, બુધવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
No Responses

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *