‘રમત-એ-ગોલ્ફ’ સીમ્પલીફાઈડ!!

આપણે બધાંજ હાડોહાડ ક્રિકેટ પ્રેમીઓ છીએ અને આ વાત સાડીસત્તર લાખ વાર આપણને કેટલાંય કોલમીસ્ટસ અને મારાં જેવાં બ્લોગરો કહી ચુક્યા છે. આમાંના ઘણા પ્રેમથી તો ઘણા દાઢમાં આવું કહેતાં હોય છે, જયારે અમુક તો ફક્ત કહેવા ખાતર પણ આવું કહીજ નાખતાં હોય છે. એક પ્રજાતિ એવીપણ છે જે ક્રિકેટની અફાટ લોકપ્રિયતાને કારણે જ એને બીજાં કોઇપણ લોજીકલ રીઝન્સ વીના નફરત પણ કરે છે. આવાં કપિશ્રીઓ માટે મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ જેવી એસ્કેલેટરરૂપી  નિસરણીઓ પણ વળી આપણા અમુક મૂરખના જામ જેવાં ક્રિકેટરોએ જ આપી છે. આ બધામાં એક એવી જ્ઞાતિ પણ છે જે કાયમ એમ કહે છે કે “આ જ્યારથી ફિક્સિંગનું બહાર પડ્યું છે ને? ત્યારથી મેં ક્રિકેટ જોવાનું જ બંધ કરી દીધું છે!!” હવે આવા લોકોનો ખાનગીમાં પીછો કરો તો પાનનાં ગલ્લે કે ફેસબુક પર “હવે તો ધોનીને કાઢવોજ જોઈએ” અથવાતો “કોહલીને કાં તો ટીમમાંથી બહાર કાઢો અથવા તો એને અનુષ્કા સાથે પરણાવી દયો” એવી ચિંતાઓ કરતાં પણ જોઈ શકો છો.

પણ જે લોકોને ક્રિકેટથી કહેવાતો મોહભંગ થઇ ચુક્યો છે એલોકોએ ક્યારેય એમ નથી કીધું કે હવે અમે કોઈ બીજી રમત ગમાડશું. ટૂંકમાં “નફરત-એ-ક્રિકેટ તો સિર્ફ બહાના હૈ મોટાભાઈ!” મારા જેવાં ચોટડુક ક્રિકેટ પ્રેમીઓને પણ ઘણીવાર કોઈ અન્ય રમત જોવાની ઈચ્છા થાય તો બહુબહુતો ટેનીસની મેચ જોવે અથવાતો ફૂટબોલ કે હોકીની કોઈ મેચ ચાલતી હોય તો એ જોવે. એક હકીકત બહુ ઓછાને ખ્યાલ હશે કે આપણે ત્યાં આજની જનરેશન ખરેખર ક્રિકેટ સિવાય અન્ય સ્પોર્ટ્સમાં ખુબ  રસ લેતી થઇ છે અને એનું જો સાક્ષી બનવું હોય તો ટ્વીટર પર કોઈવાર ફક્ત એક મુલાકાત લઇ લેજો. કેટલાંય ભારતીયો એવાં મળશે કે જે ટ્વીટર પર કેટલીય રમતો પર પોતાનો અભિપ્રાય આપતાં જોવા મળશે. ભારતમાં ક્રિકેટનો દબદબો આવતાં ૫૦ વર્ષ સુધી તો રહેવાનો જ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી પણ ભારતમાં ક્રિકેટની સાથે સાથે અન્ય કોઈ રમતને પણ આગળ લાવવી હોય તો એનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા ઉપરાંત આપણે એ અન્ય રમતો જોવાની આદત પણ પાડવી પડશે બરોબર છે ને?

આવીજ એક રમત છે ગોલ્ફ. આમતો આ રમત રમવી અત્યંત મોંઘી છે અને એટલેજ ગોલ્ફને રાજાશાહી રમત કહીએ તો જરાય ખોટું નથી પણ આપણે એને શીખવાનો કે રમવાનો ખર્ચો ન કરવો હોય તો એને જોઈ તો શકાય ને? ગોલ્ફ સાથે મારો પરિચય ત્યારેજ થયો જયારે મેં રગ્બીની રમત પણ પહેલીવાર ટીવી પર જોઈ. ૧૯૯૨માં ભારતનું બજાર ખુલતાંજ ભારતનું આકાશ પણ ખુલ્લું મુકાયું અને સેટેલાઈટ ટીવીનું આગમન થયું. ત્યારે આજની જેમ સો ચેનલો જોવા માટે કોઈ સેટટોપ બોક્સ ન હતું, આપણો કેબલવાળો એની મરજીથી જે ચેનલ મુકે એ જ જોવાની હોવ!! ભારતની સહુથી પહેલી સેટેલાઈટ ચેનલ તરીકે ઝી ટીવી આવ્યું પણ એની પહેલાં હોંગકોંગનું સ્ટાર ટીવી આવ્યું હતું. એ વખતની સીરીયલો ફક્ત અને માત્ર અંગ્રેજીમાં જ ત્યારે સ્ટાર ટીવી પર આવતી અને તે વખતે સ્ટારની સ્પોર્ટ્સ ચેનલ ‘પ્રાઈમ સ્પોર્ટ્સ’ નામે ઓળખાતી. હવે જયારે અમારા ‘કેબલાધ્યક્ષ’નું મન થાય ત્યારે આ ‘પ્રાઈમ સ્પોર્ટ્સ’ મૂકી દેતા. તે વખતે આપણે કોલેજમાં હતા અને કોલેજ સવારની એટલે અગિયાર-સાડા અગિયારે ઘરે પાછાં, પછી શું કરવું? એટલે ચેનલ જોવાની એમાં કોઈક દિવસે આ પ્રાઈમ સ્પોર્ટ્સ ચેનલ ચાલુ હતી અને ગોલ્ફ અને રગ્બીનો પરિચય થયો.

પહેલેથી જ જે રમત આમ આરામથી રમાતી હોય એ આપણને વધુ ગમે અને કદાચ એટલેજ આજે પણ ટી૨૦ કરતાં ટેસ્ટમેચ જોવી વધુ ગમે છે. ગોલ્ફનું પણ એવું જ છે. હેયને એની કોઇપણ ટુર્નામેન્ટ હોય લગભગ શુક્રવારે ચાલુ થાય અને ત્રણ દિવસ ચાલે. આમ વારેવારે ગોલ્ફ જોતા ખ્યાલ આવ્યો કે આ રમત માત્ર પ્રોફેશનલ્સ દ્વારા જ રમાય છે અને આખું વર્ષ નાનીમોટી ટુર્નામેન્ટો રમાતી જ હોય છે, એકદમ ટેનીસની જેમજ. અહીં પણ ટેનીસની જેમ ચાર ગ્રાન્ડસ્લેમ છે જેને ગોલ્ફમાં ‘મેજર્સ’ કહે છે. આ મેજર્સમાં ‘ધ માસ્ટર્સ ટુર્નામેન્ટ’, ‘ધ ઓપન ટુર્નામેન્ટ’, ‘યુ. એસ ઓપન’ અને ‘ધ પી. જી. એ ચેમ્પીયનશીપ’ એમ ચાર મોટી ઈવેન્ટ્સ હોય છે. આ ઉપરાંત એક ‘રાયડર કપ’ પણ છે જે પ્રોફેશનલ ગોલ્ફર્સ વ્યક્તિગત નહીં પણ ટીમ બનાવીને રમે છે એવો ખ્યાલ પણ આવ્યો.

તે વખતે ભારતમાં ઈન્ટરનેટ તો હજી પા પા પગલી ભરતું હતું એટલે જયારે જયારે ચાન્સ મળ્યો ત્યારે આ રાયડર કપ જોઈજોઈને શીખ્યો કે એક્ચ્યુલી આ ટુર્નામેન્ટ છે શું? તો સિમ્પલ, સાદી અને આપણા જેવાં ક્રિકેટ ચાહકોની ભાષામાં કહીએ તો ‘રાયડર કપ એટલે ગોલ્ફનો એશિઝ’! પણ રાયડર કપ વિષે વધુ જાણીએ એ પહેલાં આખે આખી ગોલ્ફની રમત કેમ રમાય છે એને આપણે સરળતાથી સમજીએ તો કેવું રહેશે? તો ચાલો જાણીએ કે ગોલ્ફ રમવાનાં અને એને માણવાના રિતીરિવાજો કયા છે?

આપણે આગળ વાત કરી એમ ગોલ્ફ એ તદ્દન ટેનીસની જેમજ વ્યક્તિગત પ્રોફેશનલ્સ દ્વારા રમાતી ગેમ છે. આપણા ક્રિકેટરો કે ફૂટબોલરો પણ પ્રોફેશનલ્સ ખરાં પણ એ બધાં કોઈ બોર્ડ દ્વારા ટીમ બનાવીને ભેગાં રમે છે જયારે ગોલ્ફ અને ટેનીસમાં ખેલાડી પોતેજ રમે અને જે-તે ટુર્નામેન્ટમાં રમવા માટે પોતેજ બધું મેનેજ કરે. હા મોટાં ગોલ્ફર્સ નો મોટો સ્ટાફ પણ હોય જ છે પણ જયારે શરૂઆત હોય ત્યારેતો એકલા હાથેજ લડી લેવું પડે છે. લગભગ દરેક ગોલ્ફ ટુર્નામેન્ટમાં ક્વોલીફાય થવા માટે અમુક શરતો અને નિયમો લાગુ હોય છે અને તમે પ્રોફેશનલ ભલે હોવ પણ એક સવારે ઉઠીને તરતજ તમારી ઈચ્છા થઇ એટલે હાલો આજે  સિંગાપોર ઓપન રમી નાખું એમ નો હાલે ભાય!! એટલે કાં તો તમારું ગોલ્ફર્સ રેન્કિંગ હાઈ હોય તો તમે ઓટોમેટીકલી કોઈ ટુર્નામેન્ટમાં ક્વોલીફાય થઇ જાવ નહીં તો એ ટુર્નામેન્ટ પહેલાં અમુક દિવસ જે ક્વોલીફાયિંગ મેચો હોય એ જીતીને જે-તે ટુર્નામેન્ટ રમી શકો અથવાતો જો ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર્સને તમારામાં કોઈ અસાધારણ ટેલેન્ટ દેખાય તો તમને ‘વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી’ પણ મળી શકે.

નોર્મલી આવી દરેક ગોલ્ફ ટુર્નામેન્ટમાં ૧૦૦ થી ૧૫૦ પ્રોફેશનલ ગોલ્ફર્સ હિસ્સો લેતાં હોય છે અને બને ત્યાંસુધી ટુર્નામેન્ટને અંતે પહેલાં ૩૦ કે ૫૦ સ્થાન ઉપર રહેનાર ગોલ્ફર્સને જ ટોટલ પ્રાઈઝ મની’ નો હિસ્સો મળતો હોય છે. એટલે કે જો તમારો નંબર ટુર્નામેન્ટને અંતે ૩૧મો કે ૫૧મો કે એની નીચે નો હોય તો છેલ્લે દિવસે આયોજકોને ફક્ત “જેસી ક્રસ્ણ” કહીને દુનિયાના જે પણ ખૂણે એ ટુર્નામેન્ટ રમાઈ હોય ત્યાં જવાનો અને ઘરે પાછાં આવવાનો ખર્ચો તમારે પોતે ભોગવવાનો. એટલે ગોલ્ફ રમણે કી બહોત કઠીન હૈ ડગર પનઘટ કી અને અહીંયા તો ઝટપટ જમના સે મટકી પણ ભરી અવાય એવું નથી. ખુબ લાંબી પ્રેક્ટીસ અને ધૈર્ય દાખવીએ તો જ આ મોંઘી રમતમાં ટકી શકાય એવું છે પણ જો ટકી ગયાં અને જીતવા લાગ્યા તો ગોલ્ફ જેવી અનરાધાર ઇન્કમ ક્રિકેટમાંય નથી એ જરા  નોંધી લેજો.

ગોલ્ફ એ ગોલ્ફકોર્સ પર રમાતી રમત છે, જેમ ક્રિકેટ સ્ટેડીયમમાં અને ટેનીસ કોર્ટમાં રમાય એમજ. એક ગોલ્ફકોર્સ અફાટ અને અનંત જમીનનાં ટુકડાપર એકરો ને એકરોમાં ફેલાયેલું હોય છે. એવું કહેવાય છે કે જો તમે ગોલ્ફનો એક આખો રાઉન્ડ રમો તો એના જેવી કસરત કોઈજ નથી!! કેમ? કેવી રીતે? એ એવી રીતે કે ગોલ્ફના કુલ ૧૮ હોલ્સ હોય છે. હા જી તમે બરોબર સાંભળ્યું ૧૮ હોલ્સ. હવે આ બધાંજ હોલ્સ તમે રમો એટલે નહી નહી તોય તમે ૬ કિલોમીટર જેટલું ચાલી નાખો છો. આ તો તમે ઠરાવેલા શોટ્સમાં આ અઢારેય રાઉન્ડ પુરા કરો તો, નહીંતો વધુ પણ ચાલવું પડે.

હવે આ ઠરાવેલા શોટ્સ વળી કઈ બલા છે? અરે ભાઈ વહી તો ગેમ હૈ!! જો આ સમજાઈ જાય તો આખેઆખી ગોલ્ફની રમત સમજાઈ જશે અને નેક્સ્ટ ટાઈમ જયારે કોઈ સ્પોર્ટ્સ ચેનલ પર ગોલ્ફ ચાલતી હશે તમે એને બહુજ સારી રીતે માણી શકશો. જુવો હોલ નંબર ૧ થી ૧૮ સુધી દરેકે દરેક હોલનાં એની ‘ટી’ થી ‘હોલ’ સુધીનાં એના નક્કી કરેલા અંતર મુજબ શોટ્સ પણ નક્કી કર્યા હોય છે. એટલે કે જેટલું અંતર વધુ એટલા શોટ્સ તમને મળે. ઉદાહરણ તરીકે કોઈએક ગોલ્ફકોર્સમાં ૭માં નંબરનાં હોલ નું અંતર ૪૧૧ મીટરનું છે તો તમને તમારાં પહેલાં શોટથી હોલમાં બોલ નાખવા માટે ૪ શોટ્સ મારવા મળે. જેટલા ઓછાં શોટ્સમાં તમે આ કામ પાર પાડો એટલું સારું અને કદાચ એટલેજ તમે જયારે કોઈવાર અચાનકજ કોઈ ગોલ્ફની રમત જોઈ હશે તો એના સ્કોર્સ તમને લગભગ માઈનસમાં જ જોવા મળ્યાં હશે. હા જી! ગોલ્ફ એકમાત્ર રમત છે જેમાં માઈનસ સ્કોરિંગને જ માન અપાય છે કારણકે એનો સીધોસાદો મતલબ એકજ છે કે તમને જે ટાર્ગેટ આપવામાં આવ્યું એને તમે ઝડપથી પતાવ્યું છે. તો વળી પાછાં શોટ્સ ઉપર આવીએ તો આવીજ રીતે જો કોઈ હોલનું અંતર ઓછું હોય તો ૩ શોટ્સ મળે અને બહુ હોય તો ૫ કે ૬ શોટ્સ પણ મારવાની છૂટ મળે.

આ શોટ્સની સંખ્યાને ગોલ્ફમાં ‘પાર’ કહે છે. અને અંગ્રેજીમાં પણ PAR એટલે સમાનતા એવો અર્થ થાય છે. એટલે દરેક હોલની શરૂઆત માં કમેંટેટર એવું બોલતો હોય છે કે “હોલ નાઈન, પાર ફાઈવ” મતલબ કે નવ નંબરનાં હોલને જીતવા માટે ગોલ્ફરે પાંચ કે એથી ઓછાં શોટ્સમાં દડો હોલમાં નાખી દેવાનો છે! નક્કી કરેલા શોટ્સની સંખ્યાથી જો તમે એક શોટ ઓછો લગાવો છો તો એને ‘બર્ડી’ કહેવાય છે, જો બે શોટ્સ ઓછાં લગાવો છો તો એને ‘ઈગલ’ કહેવાય છે. જો નક્કી કરેલા શોટ્સજ લગાવો છો તો ‘પાર’, જો એનાથી એક શોટ વધુ લગાવ્યો તો ‘બોગી’ અને બે શોટ્સ વધુ લગાવવા પડ્યા તો ‘ડબલ બોગી’ કહેવાય છે. આ બાબતને વધુ સરળતાથી આપણે સમજીએ.

હોલ: ૯ પાર: ૪ (એટલે કે આ નવ નંબરનો હોલ ૪ શોટ્સમાં જીતવાનો છે.)

તમે ૩ શોટ્સમાં હોલ જીત્યો તો –  બર્ડી અને તમારો સ્કોર -૧, ૨ માં પતાવ્યો તો ઈગલ અને તમારો સ્કોર -૨

જો તમે ૪ શોટ્સ માં હોલ જીત્યો તો ‘પાર’ અને તમારો સ્કોર ૦

જો આ હોલ જીતવા તમારે ૫ શોટ્સ મારવા પડ્યા તો બોગી અને તમારો સ્કોર +૧, ૬ શોટ્સ મારવા પડ્યા તો ડબલ બોગી અને તમારો સ્કોર +૨.

આગળ વાત થઇ એમ જેટલો માઈનસમાં સ્કોર વધુ એટલો તમારાં જીતવાનો ચાન્સ વધુ. નોર્મલી કોઇપણ ગોલ્ફકોર્સમાં કુલ ૭૨ થી ૭૪ શોટ્સથી વધુ શોટ્સ નથી હોતા એ યાદ રહે. ગોલ્ફની નોર્મલ ટુર્નામેન્ટ ત્રણ દિવસની હોય છે અને રોજ એક રાઉન્ડ રમાતું હોય છે અઢારેય હોલ્સ નું. એમ ત્રીજે દિવસે ત્રણેય દિવસનો લીડર વિજેતા જાહેર થાય છે.

તો આ હતી ‘રમત-એ-ગોલ્ફ’ સીમ્પલીફાઈડ!!, ગોલ્ફના ‘એશિઝ’, ‘રાઈડર કપ’  વિષે આપણે બુધવારે સંપૂર્ણ ચર્ચા કરીશું.

ક્લીન બોલ્ડ!!!

ગોલ્ફનાં ખાસ જાણવા જેવાં શબ્દો:

ટી એટલે દરેક હોલની એ જગ્યા જ્યાંથી તમે તમારો પ્રથમ શોટ મારો છો.

ગ્રીન એટલે દરેક હોલની એ જગ્યા જ્યાં હોલ હોય છે.

ફેર-વે એટલે ટી થી ગ્રીન સુધીનો વિસ્તાર

હોલ-ઇન-વન એટલે એક જ શોટમાં દડો ટી થી હોલ માં જાય તે. મોટે ભાગે પાર-૩ વાળા હોલ પર જ આવું શક્ય બનતું હોય છે.

‘બંકર’ એટલે આખાયે ગોલ્ફકોર્સમાં બનાવેલા આવેલા રેતીના નાનામોટા ખાડા.

‘હઝાર્ડસ’ એટલે આખાયે ગોલ્ફકોર્સમાં આવેલા વૃક્ષો, ઝાડીઓ અને પાણીના સરોવરો.

૨૧.૦૯.૨૦૧૪, રવિવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
No Responses

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *