પ્રેમ ની શરૂઆત | શરમનો માર્યો

‘જો જો એ હજી આપણી પાછળ આવે છે.’ કૃપાલીના કાનમાં સંગીતાએ જરાક ધીમેથી કહ્યું.

‘તો આવવા દે ને? કશું નહી કરે.’ કૃપાલીએ સંગીતાને એનાં જ ટોનમાં જવાબ આપ્યો.

જ્યારથી કોલેજ શરુ થઇ હતી એનાં લગભગ એક અઠવાડિયા પછીજ આ ક્રમ ચાલુ થયો હતો. આમતો કૃપાલી અને સંતોષ એકજ ક્લાસમાં હતાં પણ એ બન્ને વચ્ચે કોઈજ વાત ન થતી. હા કૃપાલીએ સંતોષને ઘણીવાર એને ટીકીટીકીને જોતાં પકડી પાડ્યો હતો, ચાહે એ લેકચર ચાલતું હોય ત્યારે, કે પછી કોલેજનાં કેમ્પસમાં કે પછી કોલેજની કેન્ટીનમાં. જેવી કૃપાલી સંતોષની સામે જોવે કે તરતજ સંતોષ આડુંઅવળું જોવાં લાગતો. જોકે કોલેજમાં ફક્ત સંતોષજ નહી પરંતુ ઘણાં એવાં છોકરાઓ હતાં જે કૃપાલીના નિર્દોષ સૌંદર્યનાં દિવાના હતાં. પણ જયારે કોલેજ શરુ થયાનાં એકજ મહીના પછી ‘ઇન્ટર કોલેજ ટેક-વોન-ડો’ ટુર્નામેન્ટમાં કૃપાલી ગોલ્ડ મેડલ જીતી લાવી ત્યારથી કોલેજનાં મનચલાઓ તો કૃપાલીથી સલામત અંતર રાખવાનું સમજી ગયાં હતાં પણ આ સંતોષ પહેલા દિવસથી જ જયારે પણ કોલેજ પતે ત્યારે કૃપાલીની પાછળ પાછળ જ ચાલતો અને છેક બસ સ્ટેન્ડ સુધી જતો અને કૃપાલીની બસ આવી જાય ત્યાંસુધી એ બસ સ્ટેન્ડ પર જ ઉભો રહેતો.

‘હા પણ ક્યાં સુધી તું ચલાવી લઈશ? એકવાર પરચો તો દેખાડી દે?’ સંગીતા બોલી.

‘હમમ..તારી વાતતો સાચી છે, શરૂઆતમાં જ ક્લીયર કરી દેવું સારું, આજકાલ કરતાં બે મહીના થશે.’ કૃપાલી બોલી અને ઉભી રહી.

કૃપાલી ઉભી રહીને પાછળ વળી અને સંતોષ તો ફક્ત કૃપાલીનો પીછો કરતો કરતો એનીજ મસ્તીમાં ચાલી રહ્યો હતો એ કૃપાલીથી બે ડગલાં વધુ નજીક ચાલી આવ્યો અને અચાનક એને ખ્યાલ આવ્યો કે કૃપાલીતો ઉભી રહી ગઈ છે એટલે એક ડગલું ચુકીને ઉભો રહ્યો અને ફરી ચાલવાની શરૂઆત કરી ત્યાં જ….

‘એય, શું છે તારે? કેમ રોજ મારો પીછો કરે છે?’ કૃપાલીએ બે-ત્રણ ડગલાં ભરતાં સંતોષને બિંદાસ અંદાજમાં થોડાંક ગુસ્સા સાથે પુછીજ લીધું. સંગીતા એની પાછળ ઉભી હતી.

‘શ..શ.શ..શું? કશું નહી..હું..હું.હું.. ક્યાં તમારો પીછો..પીછો…પીછો કરું છું? હું તો બસ સ્ટોપ જાઉં છું…’ સંતોષ કૃપાલીના અચાનક હુમલાથી થોડોક ગભરાઈ ગયો.

‘ખોટું ના બોલ. છેલ્લાં બે મહીનાથી હું નોટીસ કરી રહી છું કે તું મને કાયમ ટીકીટીકીને જોયે રાખે છે અને જેવા લેક્ચર્સ પતે એટલે છેક બસ સ્ટોપ સુધી મારો પીછો કરે છે.’ કૃપાલીનાં અવાજમાં હજીપણ ગુસ્સો હતો.

‘અરે ના એવું કશું નથી, હું તમને કાઈ એમ જોતો નથી અને આપણી કોલેજથી બસ સ્ટેન્ડ જવાનો આ એક જ રસ્તો છે તો હું…’ સંતોષનો ગભરાટ હજી શમ્યો ન હતો અને એને ખબર હતી કે એ અડધું જુઠ્ઠું બોલ્યો હતો, કૃપાલીને ટીકીટીકીને ન જોવાનું, જો કે બસ સ્ટેન્ડ જવાની બાબતે એ સાચો હતો. એને ડર એ બાબતનો હતો કે કૃપાલી માર્શલ આર્ટ્સમાં માસ્ટર છે એટલે ક્યાંક જો આ પીછો કરવાની ગેરસમજ જો વકરશે તો ક્યાંક કૃપાલી એની આ ‘આર્ટ’ નો પરચો ન દેખાડી દે.

‘ઠીક છે આજે તો જવા દઉં છું પણ યાદ રાખજે, બી ઇન યોર લીમીટસ ઓકે?’ કૃપાલીએ પોતાનાં જમણા હાથની પહેલી આંગળી સંતોષ સામે ઉંચી કરતાં બોલી અને પાછી ફરી ને ફરીથી ચાલવા લાગી.

આસપાસમાં પસાર થઇ રહેલાં કોલેજનાં કેટલાંક વિદ્યાર્થીઓ આ ‘સીન’ જોવાં ઉભાં રહ્યાં અને કૃપાલીના ગયાં પછી મનોમન સંતોષ સામે હસતાં રહ્યાં.

સંતોષ પોતે હતપ્રભ થઇ ગયો હતો. હા, એને કૃપાલી ગમતી હતી, ખુબ જ ગમતી હતી. એને જયારે પહેલીવાર જોઈ ત્યારે એનાં મનમાં કાઈકનું કાઈક થઇ ગયું હતું અને ત્યારપછી જયારે પણ એ એને જોતો ત્યારે એને આવીજ લાગણી થતી. કૃપાલી કોલેજમાં કોઈકવાર મોડી આવે કે ન આવે તો એ ઊંચોનીચો થઇ જતો. હા એનું અને કૃપાલીનું બસ સ્ટોપ યુનીવર્સીટી બસ સ્ટેન્ડ માં આજુબાજુ જ હતું એ વાત સાવ સાચી હતી અને એટલે જ એને કૃપાલીનો પીછો કરવાનું કાયદેસરનું બહાનું મળી ગયું હતું. સંતોષ સ્વભાવે ખુબજ શરમાળ હતો અને આ જન્મમાં તો એ કૃપાલીને એકવાર પણ પોતાનાં પ્રેમનો ઈઝહાર કરી શકે એમ હતો જ નહી એ વાત એ પણ જાણતો હતો એટલે આ ત્રણ વર્ષ એ એનાં જીવનના આ પહેલાં ‘ક્રશ’ ને મનભરીને જોઈ લેવાં માંગતો હતો. હા, સંતોષ ભણવામાં અવ્વલ હતો એની જાણ અત્યારેતો ફક્ત એને જ હતી અને એક મહીના પછી કૃપાલીને પણ થવાની હતી.

એક મહીના પછી કોલેજની હાફ-સેમિસ્ટર એકઝામ્સ આવી અને સંતોષે એનાં ક્લાસમાં ટોપ કર્યું. દરેક વિષયોમાં કુલ પચાસ માર્કસમાં થી પિસ્તાલીસ કે એનાંથી ઉપર માર્ક્સ લાવ્યો હતો. આખો ક્લાસ સંતોષને હવે એક અલગ જ રીતે જોવા લાગ્યો અને કૃપાલી પણ એમાંથી અલગ ન હતી, પણ હા હજી પેલો બરફ તૂટવાને વાર હતી. સંતોષ હજીપણ કૃપાલીને એની નજર ચૂકવીને જોઈ લેતો અને કૃપાલીને પણ હવે જયારે આ બાબતની ખબર પડી જતી ત્યારે એ તેને ‘માઈન્ડ’ કરવાને બદલે થોડીક પેલી નવી જાતની શરમ અનુભવતી.

વરસાદની સીઝનમાં સંતોષ અને કૃપાલી બન્ને કોલેજમાં અનિયમિત આવતાં પણ થોડાંક દિવસો પછી તો કૃપાલી સાવ દેખાતી બંધ થઇ ગઈ. સંતોષને ચિંતા થવા લાગી પણ એનો શરમાળ સ્વભાવ એને એટલોતો આડે આવતો હતો કે એ સંગીતાને પણ કૃપાલી વિષે પૂછી શકતો ન હતો વત્તા તે દિવસે રસ્તા વચ્ચે કૃપાલીએ જે રીતે એનો ઉધડો લઇ લીધો હતો એ પછીતો એ શરમ મુકીને પણ હિંમત કરી શકે એમ ન હતો. ક્લાસમાં ચાલતી વાતો પરથી ખબર પડી કે કૃપાલીને ડેન્ગ્યુ થયો છે અને એને હોસ્પીટલમાં દાખલ કરી છે. સંતોષથી હવે કોઇકાળે રહેવાતું ન હતું, એને કૃપાલીને મળવું હતું પણ એ શક્ય ન હતું અને સંગીતાને પૂછવાની એની હિંમત નહોતી અને થવાની પણ ન હતી.

પણ ‘ઈશ્વરેચ્છા બલીયસી’! લગભગ વીસેક દિવસ પછી કોલેજમાં કૃપાલી દેખાઈ ઘણી નબળી દેખાતી હતી પણ એની સુંદરતા હજી અકબંધ હતી. દિવસની શરૂઆતથી જ પાંચેય લેક્ચર્સનાં અંતે સંતોષે કૃપાલીને એની તબિયત વિષે પૃચ્છા કરવાની કોશીશ કરી પણ ન કરી શક્યો. પણ એને આનંદ હતો કે કૃપાલી હવે સ્વસ્થ છે અને કોલેજે પાછી ફરી છે. છેલ્લાં લેકચર પછી પહેલાંની જેમ જ સંતોષ કોલેજનાં પાર્કિંગમાં એની જગ્યાએ ઉભો રહી ને કૃપાલીની રાહ જોવા લાગ્યો આથી એ ફરીથી કૃપાલીનો પીછો શરુ કરી શકે. ત્યાંજ એને કૃપાલી અને સંગીતા આવતાં દેખાયા. સંતોષ ‘અટેનશન’ ની પોઝીશનમાં આવી ગયો અને કૃપાલીના મેઈન ગેઇટ તરફ વાળવાની રાહ જોવાં લાગ્યો પણ આ શું? કૃપાલી એની સામે આવી રહી હતી અને સંતોષના હ્રદયના ધબકારા વધવા લાગ્યાં.

‘હાઈ! કેમ છો?’ કૃપાલી સંતોષની સામે જ આવી ને ઉભી રહી.

‘મજામાં…તમે? તમારી તબિયત?’ સંતોષે માંડમાંડ શબ્દો ભેગાં કર્યા.

‘હવે સારું છે. મારે તમારી હેલ્પ જોઈએ છીએ.’ કૃપાલીએ હસીને જવાબ આપ્યો.

‘હા, હા બોલોને શું?’ સંતોષને તો ભાવતું’તું ને વૈદે કીધું જેવું લાગ્યું.

‘મારે તમારી ‘ઇકો’ ની નોટ્સ જોઈએ છીએ. મને આપશો? મને બીજાં સબ્જેક્ટમાં વાંધો નથી પણ ઇકો માં મને ખુબ તકલીફ પડે છે, જો તમને વાંધો ન હોય તો…’ કૃપાલી હસીને બોલી, એનાં અવાજમાં વિનંતી, આશા અને સંતોષની બુદ્ધિમત્તા પરનું માન મિશ્રિત હતું,

‘અરે કેમ નહી? આ લો ને!’ સંતોષે યંત્રવત પોતાની પીઠ પર લટકાડેલી બેગ ઉતારી અને એમાંથી ઇકોનોમિકસની એની નોટ કાઢીને કૃપાલીને આપી દીધી.

‘થેંક્સ! આ હું તમને કાલે આપી દઈશ, મારે અમુક ટોપિક્સ જ કવર કરવા છે ઓકે?’ કહી એક સ્મીત આપીને કૃપાલી પાછળ ફરીને ચાલવા લાગી.

સંતોષ માટે તો આ સપનાથી ઓછું ન હતું કે કૃપાલી સામે ચાલીને એની સાથે વાત કરે અને એની નોટ લઇ જાય…

બીજે દિવસે કૃપાલીએ ત્રીજા લેકચર પછી ક્લાસમાં જ સંતોષને મળી અને એને કેન્ટીનમાં આવવાનું કહ્યું. કૃપાલીએ સંતોષને શું કહ્યું એ તો કોઈને ખબર ન પડી પણ ક્લાસમાં ઘણાં ધુમાડાઓ જરૂર નીકળ્યાં. કેન્ટીનમાં મળતી વખતે કૃપાલી એકલી હતી અને સંતોષ પ્રત્યે ખાસીએવી આકર્ષાયેલી લાગી. એણે સંતોષને ફક્ત એની નોટ જ પાછી ન આપી પણ એનાં અક્ષરનાં, એની દરેક મુદ્દાઓ પરની છણાવટનાં ખુબ વખાણ કર્યા અને સંતોષને તો જાણે લોટરી લાગી ગઈ હોય એવું લાગ્યું. બસ એ દિવસથી એ બન્ને રોજ મળવા લાગ્યાં, કૃપાલીને  હવે સંતોષની ફક્ત ‘ઇકો’ જ નહી પણ અન્ય વિષયોની નોટ્સ પણ જોઈતી હતી કારણકે એ સંતોષથી ખુબજ પ્રભાવિત થઇ ચુકી હતી અને એને એમ લાગતું હતું કે સંતોષની નોટ્સની મદદથી એ પણ સારા માર્કસથી પાસ થઇ શકશે. પછી જેમ બને છે એમ આ નાની-મોટી મુલાકાતો દોસ્તીમાં પરિણમી અને સંતોષ પણ થોડો થોડો ખુલવા લાગ્યો જિંદગીના તમામ વિષયો પર એ અને કૃપાલી વાતો કરતાં પણ પ્રેમનાં ઈઝહારમાં સંતોષ પણ હજી શરમ અનુભવતો હતો.

‘સંતોષ, તારી ઇકોની બુક આપીશ? હું કાલે નહોતી આવી ને?’ કૃપાલી સંતોષ પાસે હવે માંગણીનાં સ્વરમાં લગભગ આદેશ કરતાં શીખી ગઈ હતી અને સંતોષ ક્યારેય એને ના પાડી શકતો ન હતો.

‘હા લો ને, પણ કાલે આપી દેજો પ્લીઝ મારે આ વખતે એક ચેપ્ટર પતાવવાનું બાકી છે.’ સંતોષે હસીને પોતાની નોટબુક આપી.

‘અરે હું એક પંદર મિનીટ માં જ આપી દઉં છું, તું મને પ્લીઝ પંદર મિનીટ પછી મળીશ?’ કૃપાલીએ સંતોષની ચિંતા દુર કરી દીધી.

‘ઓકે પણ બહુ વાર ન કરતાં, આજે મારે વહેલું ઘરે જવાનું છે, સાંજે ઘરે ભાભીનું સીમંત છે ને એટલે તૈયારી કરવાની છે.’ સંતોષ બોલ્યો

‘અરે ડોન્ટ વરી, હમણાં જ આવી…અમમ..આપણો રોજનો બસ સ્ટેન્ડ જવાનો રસ્તો છે ને ત્યાં પેલાં વડના ઝાડ નીચે ઉભો રહેજે.’ કૃપાલી બોલી.

‘ઓકે શ્યોર.’ કહીને સંતોષ કોલેજની ઓફિસમાં પોતાની ફીસ ભરવા જતો રહ્યો.

લગભગ પંદરેક મિનીટ પછી એ કૃપાલીએ કહેલી જગ્યા પર જઈને ઉભો રહ્યો. કોલેજ હજી ચાલુ હતી એટલે એ રસ્તા પર અવરજવર ખુબ ઓછી હતી.પંદરની ત્રીસ મિનીટ થઇ પણ કૃપાલી ન આવી એટલે સંતોષ થોડોક ચિંતા માં પડ્યો. એકવાર તો એણે વિચાર્યું કે એ કૃપાલીને એક એસ.એમ.એસ કરી દે. એણે ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો ત્યાંજ કૃપાલી એની સામે આવતાં જોઈ અને એણે પોતાનો સેલ ફોન પાછો ખિસ્સામાં મૂકી દીધો.

‘સોરી થોડીક મોડી પડી, પણ રીઝન જ એવું હતું…લે આ તારી બુક.’ કૃપાલીએ સંતોષને એની નોટબુક પાછી આપી.

‘થેંક્સ, બાય..સોરી હં …આજે થોડોક ઉતાવળમાં છું.’ સંતોષ બોલ્યો.

‘ઇટ્સ ઓકે…બાય એન્ડ ટેઈક કેર!’ કૃપાલીએ હસીને જવાબ આપ્યો.

સંતોષે વળીને બસ સ્ટોપ તરફ ચાલવા લાગ્યો અને બુકને બેગમાં પાછી મૂકવાને બદલે એનાં પાનાં ઉથલાવવા માંડ્યો એને એની નોટબુકનાં દરેક પાનાને થયેલા કૃપાલીનાં સ્પર્શને આડકતરી રીતે સ્પર્શવાની હવે આદત પડી ગઈ હતી…સંતોષ આમ પાનાં ઉથલાવે જતો હતો ત્યાંજ નોટબુકની એકદમ વચ્ચે એને એક છુટું પાનું દેખાયું, જે એની નોટબુકનું નહોતું. સંતોષને નવાઈ લાગી, એણે એ કોરું પાનું ઉથલાવ્યું અને પાછળ જોયું તો એમાં લખ્યું હતું…

‘હજી ક્યાંસુધી શરમાઈશ, સંતોષ? તું તો ક્યારેય મને આઈ લવ યુ નહી કહે એ મને ખબર છે, પણ જો મારે આ ત્રણ શબ્દો તારે મોઢે સાંભળવા હોય તો? તું મારી આ ઈચ્છા પૂરી નહી કરે? જો તારી હા હોય તો પાછો વળ, તારી કૃપાલી તારી રાહ જોઈ રહી છે..’ આટલું વાંચતાજ સંતોષ પરસેવે રેબઝેબ થઇ ગયો અને પાછળ વળ્યો તો કૃપાલી થોડેક દુર ઉભી ઉભી સ્મીત આપીને ઉભી રહી હતી. સંતોષે પોતાનાં નસીબને સલામ કરી અને કૃપાલી તરફ ઝડપી ડગલાં ભરવા માંડ્યો.

=== : સમાપ્ત : ===

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *