પ્રેમની શરૂઆત | ચાલ, ભાગી જાઈએ

‘ચાલો સ્વાગતભાઈ, ઉઠો હવે દસ વાગ્યાં…બહુ સુતાં આજે તો!’ સ્વાગતને ઉઠાડતાં ઉઠાડતાં પલ્લવી બોલી.

‘પ્લીઝ, માની જા ને? પ્લીઝ!’ સ્વાગત ઊંઘમાં જ બબડ્યો.

‘અરે? આ શું? ‘તમે’ માંથી સીધું ‘તું’? સ્વાગતભાઈ હું છું, હું…પલ્લવી, હવે ઉઠો!’ પલ્લવીએ ઉંધા ફરીને સુઈ રહેલાં સ્વાગતની પીઠ થપથપાવી અને સ્વાગતે અચાનક સીધાં ફરીને પલ્લવીનો હાથ પકડી લીધો.

‘હા પલ્લવી તું જ, તને જ તો કહું છું, પ્લીઝ માની જા..પ્લીઝ..’ આમ અચાનક સ્વાગતે એનો હાથ પકડી લેતાં પલ્લવી થોડી મુંજાઈ પણ એને ખ્યાલ આવી ગયો કે સ્વાગત હજી ઊંઘમાં જ હતો.

‘માની જા? એટલે?’ પલ્લવીએ હાથ છોડાવવાની કોશીશ કરતાં કહ્યું.

‘લગ્નની વાત, હું તને ખુબ ખુશ રાખીશ…આઈ લવ યુ, પ્લીઝ માની જા.’ સ્વાગત બોલવા લાગ્યો પલ્લવીનો હાથ હજીપણ એનાં હાથમાં જ હતો.

‘આ શું સ્વાગતભાઈ?’ થોડાંક ગુસ્સા સાથે પલ્લવીએ જોરથી પોતાનો હાથ સ્વાગતની પક્કડમાંથી છોડાવ્યો અને એનો બેડરૂમ છોડી ને બહાર દોડી ગઈ.

પલ્લવી એ સ્વાગતની ભાભી છે. ખબર નહી કેવું નસીબ લઈને આવી હતી સ્વાગતના ઘરમાં. આમ મૂળ ભાવનગરની અને સાતેક વર્ષ પહેલાં ગુજરાત હાઈકોર્ટના ખ્યાતનામ વકીલ અને રાજકોટમાં રહેતાં ભવનાથ બદિયાણીનાં મોટાં પુત્ર શિખરને પરણીને રાજકોટ આવી હતી. રાજકોટ પહોંચતાંજ જાનની બસમાંથી નીચે ઉતરીને મિત્રોનાં અતિ આગ્રહને માન આપીને સ્હેજ સ્થૂળકાય એવાં શિખરે દસ મિનીટ ડાન્સ શું કર્યો કે ત્યાંજ એને હાર્ટ એટેક આવી ગયો અને પરણ્યાનાં ફક્ત છ કલાકનાં ગાળામાં જ પલ્લવી પર ‘વિધવા’નું લેબલ લાગી ગયું. ભવનાથ આમતો પોતાનાં ફેમિલીને ‘મોડર્ન વિચારો ધરાવતું’ કહેતાં પરંતુ સાત વર્ષ સુધી પલ્લવીના ફરી લગ્ન કરાવવાનો વિચાર સુદ્ધાં એમણે કે એમની પત્ની ભારતીએ કર્યો જ નહી અને પલ્લવી એમનાં ઘરની બિનપગારદાર હાઉસમેડ બનીને રહી.

અતિ સામાન્ય આર્થિક સ્થીતી ધરાવતાં પરિવાર માંથી આવતી પલ્લવી સ્હેજ ભીનેવાન હતી પણ અત્યંત નમણી હતી. શિખરનાં આકસ્મીક મૃત્યુ બાદ એને એનાં માં-બાપે પણ એક જ સલાહ આપી હતી કે ‘હવે તો સાસરું જ તારું ઘર!’ એટલે પલ્લવીએ કાયમની જેમ એમનો આદેશ માથે ચડાવીને સાસરાનું બધુંજ કામ હાથમાં લઇ લીધું હતું. હા, ઘર નોકરોથી ભરેલું હતું પણ તેમ છતાં પલ્લવીને ખાસ્સું કામ પહોંચતું. રાજકોટ-અમદાવાદ વચ્ચે બીઝી રહેતાં ભવનાથ અને પુત્રનાં અકાળે થયેલાં અવસાન પાછળ પલ્લવીનો જ હાથ જોતાં સાસુ ભારતીની કડવી વાણી નાં ધોધમાં રોજ નહાતી પલ્લવી માટે એનો દિયર સ્વાગત જ એનાં મોઢાં પર સ્મીત લાવવાનું એકમાત્ર કારણ બની ચુક્યો હતો. જયારે પલ્લવી પરણીને આવી ત્યારે એ ફક્ત ૧૭ વર્ષનો હતો અને બેંગ્લોરમાં આઈ.ટી નો કોર્સ કરી રહ્યો હતો. આમ તો શિખરના મૃત્યુ પછી ભવનાથની ઈચ્છા એવી હતી કે સ્વાગત એનું આઈ.ટી નું ભણવાનું છોડીને એલ.એલ.બી શીખે અને ભવિષ્યમાં પોતાનો વકીલાતનો ‘ધંધો’ હાથમાં લઇ લે પણ પિતાનાં કડક સ્વભાવ અને ઘરમાં શિસ્તનું વાતાવરણ હમેશાં હોવાં છતાં, શિખરથી વિરુદ્ધ સ્વાગત હંમેશા બંડખોર રહ્યો હતો અને પોતાનું ધાર્યું જ કરતો એટલેજ પોતે પોતાની કરિયર કેમ બનાવશે એ એણે ભવનાથને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. વેકેશનમાં જયારે પણ ઘેરે આવતો ત્યારે ‘ભાભી, ભાભી’ કરતો પલ્લવીની આસપાસ ફરતો અને પલ્લવી પણ એને ભાવતાં ભોજન બનાવતી. બન્ને વચ્ચે લગભગ સાતેક વર્ષનો ફેર હતો પણ તેમ છતાં બન્ને મિત્રો બની ને રહેતાં.

સ્વાગતને પલ્લવીનાં અંદર ધરબાઈ રહેલાં દુઃખનો બરોબર ખ્યાલ હતો અને કાયમ પોતાની રીતેજ જુદાં જુદાં ‘પીજે’ બનાવી બનાવીને પણ એને હસાવતો રહેતો. જયારે વેકેશનમાં ઘેરે હોય ત્યારે રોજ બપોરે એ બન્ને પત્તાં અથવાતો ચેસ રમતાં અને આમ કરતાં ક્યારે સ્વાગતને પલ્લવી પ્રત્યે પ્રેમ થઇ ગયો એનો એને પણ ખ્યાલ ન રહ્યો. પણ હવે તો સ્વાગતે પોતાનો બીઝનેસ શરુ કર્યો હતો એટલે આખો દિવસ બીઝી હોય પણ દર રવિવારે સાંજે કોઈ ને કોઈ બહાને પલ્લવીને એ બહાર એક કલાક માટે તો બહાર લઇ જ જતો..એક્ચ્યુલી એ હવે પલ્લવીને પ્રેમ ખુબ કરતો હતો અને બંડખોર સ્વભાવ હોવાં છતાં એ સામાજીક કારણોસર અને પલ્લવી પ્રત્યે એક અનોખું માન હોવાથી એ પલ્લવીને આ હકીકત એનાં મોઢાં પર નહોતો કહી શકતો. પણ આજે રવિવાર સવારની મીઠી ઊંઘમાં સ્વપ્ન જોતાં જોતાં એ પલ્લવીને પોતાનાં દિલની વાત કરી ચુક્યો હતો અને પલ્લવી જયારે જોરથી પોતાનો હાથ છોડાવીને ભાગી ત્યારે સ્વાગત પણ જાગી ચુક્યો હતો અને એને પોતે શું કરી બેઠો છે એનો અહેસાસ પણ એને થઇ ચુક્યો હતો.

એ રવિવારે સ્વાગત આખો દિવસ પોતાનાં રૂમમાં જ ભરાઈ રહ્યો. બપોરે જમતી વખતે પણ એ અથવાતો પલ્લવી બન્ને એકબીજાં ની આંખમાં આંખ ન મેળવી શક્યાં. રવિવાર હોવાં છતાં સાંજે સ્વાગત પલ્લવીને ક્યાંય ન લઇ ગયો ઉલટો એ ગીલ્ટ ફિલ કરતાં કરતાં પોતાનાં “મિત્રોને મળવા જાઉં છું” એમ કહીને રેસકોર્સની પાળીએ આખી સાંજ એકલો બેઠો રહ્યો. પછી તો એક આખું અઠવાડિયું પલ્લવી અને સ્વાગત વચ્ચે કોઈજ વાત ન થઇ, ઉલટું બન્ને એ બાબતનું પણ ધ્યાન રાખવા માંડ્યા કે એ લોકો એકબીજાંની સામે પણ ન આવે, પણ ત્યાંજ સાતમ-આઠમનાં દિવસો આવ્યાં અને આઠમની સાંજે ભવનાથની આજ્ઞા થઇ કે “સ્વાગત, તું ઘરમાં છે તો પલ્લવીવહુને મેળામાં લઇ જા, એનું બીચારીનુંય મનફેર થાય.” ભારતીબેને રાબેતા મુજબ મોઢું મચકોડ્યું પણ ભવનાથ સામે બોલવાની તાકાત સ્વાગત સીવાય આ ઘરમાં કોઈનામાં પણ નહોતી અને આ વખતે તો સ્વાગતે પણ ભવનાથની આજ્ઞા માની કારણકે એ પોતાનાં અને પલ્લવી વચ્ચે અચાનક જમા થઇ ગયેલો બરફ ભાંગવા માંગતો હતો.

‘જોવો, મારાંથી વધુ સહન નથી થાતું, તે દિવસે ભલે મેં સપનું જોતાં જોતાં એ બધું કીધું હતું પણ એ મારી સાચી ફીલિંગ હતી.’ મેળામાં આઈસ્ક્રીમનાં સ્ટોલ માં બેસીને આઈસ્ક્રીમ ખાતાં ખાતાં સ્વાગતે પલ્લવીને કહીજ દીધું.

‘પણ..મને આ બધું પસંદ નથી.’ પલ્લવીએ નજર મેળવ્યાં વીના જ પોતાનો નિર્ણય જણાવી દીધો.

‘આ બધું? એટલે?’ પલ્લવીના જવાબથી સ્વાગતને થોડુંક બળ મળ્યું.

‘આ બધું…પ્રેમ ને એવું બધું. તમને ખબર છે હું કોણ છું, તો પછી શુંકામ આ બધું કરો છો?’ છેલ્લાં સાત વર્ષોમાં પલ્લવીએ કદાચ પહેલીવાર આટલાં મક્કમ અવાજે કોઈ સાથે વાત કરી.

‘આપણા માટે પલ્લવી! હું આપણી આવનારી લાઈફ માટે આબધું કરી રહ્યો છું.’ છેલ્લાં સાત વર્ષોમાં સ્વાગતે પણ પહેલીવાર ભાનમાં રહીને પલ્લવીને ભાભી ન કહેતાં એનું નામ લીધું.

‘જો સ્વાગતભાઈ, મારું નસીબ હું પેહેલેથી જ નક્કી કરીને આવી છું, એટલે પ્લીઝ હવે મારે બીજી કોઈજ પરીક્ષા પસાર નથી કરવી.’ પલ્લવીએ જવાબ આપ્યો.

‘નસીબ? આપણે જ આપણું નસીબ બનાવીએ છીએ, જો મેં પપ્પાને હિંમત કરીને ના ન પાડી હોત, તો આજે હું ગુજરાત હાઈકોર્ટનો કોઈક બોરિંગ વકીલ બનીને બોરિંગ કેસો લડતો હોત, તમને ખબર જ છે કે મેં મારું નસીબ પોતેજ બનાવ્યું છે.’ સ્વાગતના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.

‘પણ મારું નસીબ એવું નથી સ્વાગતભાઈ.’ પલ્લવીના સ્વરમાં નિરાશાનો સુર સ્વાભાવિક હતો.

‘જો, વળી નસીબ? મેં તમને સાત વર્ષથી જોયાં છે, અનુભવ્યાં છે અને તમારાં સ્વભાવથી પુરેપુરો અવગત છું અને મને નથી લાગતું કે તમારાંથી સારી લાઈફ પાર્ટનર મને મળે, અને એટલેજ મેં બે વાત નક્કી કરી છે.’ સ્વાગતનો રણકો જળવાઈ રહ્યો હતો.

‘બે વાત? કઈ બે વાત?’ પલ્લવી હવે થોડીક ગભરાઈ રહી હતી.

‘એક તો એ કે ઘરે જઈને પપ્પા મમ્મીને હું કહી દેવાનો છું કે મારે તમારી સાથે લગ્ન કરવાં છે…’ સ્વાગત બોલતાં બોલતાં અટક્યો.

‘અને બીજી?’ પલ્લવી વધુ ગભરાઈ

‘બીજી એ કે તમારાં સીવાય હું બીજી કોઈજ છોકરી સાથે લગ્ન નહી કરું, કારણકે તમે જ મારો પ્રથમ અને આખરી પ્રેમ છો અને કોઈબીજી છોકરી સાથે પરાણે લગ્ન કરીને હું એની લાઈફ બગાડવા નથી માંગતો.’ સ્વાગતનો આત્મવિશ્વાસ હવે ચીસ પાડીને બોલી રહ્યો હતો.

અને એ જ આત્મવિશ્વાસે અમસ્તીય ચુપ રહેતી પલ્લવીને વધુ મૂંગી કરી દીધી અને જયારે ઘરે જઈને સ્વાગતે ભવનાથ અને ભારતીબેનને આ વાત કરી ત્યારે પણ એ સુનમુન બેઠી રહી. સ્વાગતના ધાર્યા મુજબજ ભવનાથ અને ભારતીબેને એની વાતનો વિરોધ કર્યો અને પોતાની નામંજૂરી પણ જાહેર કરી દીધી. ભારતીબેને તો ઉલટું પલ્લવીને માથે સ્વાગતને ભોળવવાનો દોષ પણ રોપી દીધો.

સ્વાગતને તો પોતાની લાગણી પોતાનાં માં-બાપ સામે રજુ કરતાં પહેલાંજ ખ્યાલ આવી ગયો હતો કે એમની મંજુરી તો એને મળવાની જ ન હતી, પણ એણે આ સાથે એમપણ નક્કી કર્યું હતું કે એ એનાંથી બનતાં પૂરતાં પ્રયાસો કરશે જેનાથી પલ્લવીનું હ્રદય પરિવર્તન થાય કારણકે એ પલ્લવીને પુરજોશ ચાહતો હતો. પણ પલ્લવી?

એ રાત્રે પલ્લવીને ઊંઘ ન આવી, એટલે નહી કે ભારતીબેને એને જેમ ફાવે એવાં શબ્દો કહ્યાં હતાં, કારણકે એની તો એને છેલ્લાં સાત વર્ષથી આદત હતી પણ પલ્લવીની આંખો સામે શિખર સાથે એનાં લગ્ન થયાં ત્યારથી અત્યારસુધીની એની જિંદગીની ફિલ્મ અત્યારે ચાલી રહી હતી. સગાઈથી લગ્ન સુધી એનાં સાસરિયાનો વર્તાવ અને શિખરનું મૃત્યુ થયાં બાદ એમાં આવેલું પરિવર્તન આ બધુંજ પલ્લવીને બરોબર યાદ આવી ગયું. આ બધી તકલીફો માંથી છૂટવા માટે એને આર્થિક પરિસ્થિતિથી જુજતા એનાં માં-બાપનો સાથ પણ ન મળ્યો એ વાત પણ એને યાદ આવી ગઈ અને પછી યાદ આવ્યો એને સ્વાગત, એનાં માટે તો ગયાં રવિવારની સવાર સુધી સ્વાગત એક દિયર સીવાય બીજું કશુંજ નહતો, મસ્તીખોર પણ તેમ છતાં ખુબ મેચ્યોર અને પોતાની વાતને વળગી રહેનારો અને કાયમ પોતાનો ટેકો બની રહેનારો. ભારતીબેન ને ન ગમે તો પણ એ આ સાતેય વર્ષોમાં દર રવિવારે એટલીસ્ટ એક કલાક એને બહાર લઇ જતો અને પહેલાં ત્યાં એ પોતાની કોલેજની વાતો અને છેલ્લાં અમુક વર્ષોથી પોતાની બીઝનેસની ખાટીમીઠી વાતો કરીને પલ્લવીને હસાવતો રહેતો.

‘રવિવાર સાંજની તો હું પણ ખુબ રાહ જોતીને? ભલે સ્વાગત માટે મને ‘પેલી’ લાગણી ન હતી, પણ અંદરખાને તો  હું એને મિત્ર તો ગણતી ને? રવિવાર સાંજનો એ એક કલાક મને આખું અઠવાડિયું કામ કરવા અને માં નાં ટોણાં સાંભળવા માટે તૈયાર કરી દેતી.’ પલ્લવીએ મનોમન પહેલીવાર સ્વાગત વિષે કોઈ બીજી રીતે વિચાર્યું અને એમ કરતાં કરતાં જ એને પેલાં રવિવારની સવારનો કિસ્સો યાદ આવી ગયો અને આજે સાંજે મેળામાં સ્વાગતે કરેલી સાફદિલ વાત પણ યાદ આવી ગઈ.

‘શિખર સાથે પણ અરેન્જડ મેરેજ જ હતાં ને? હું ક્યાં એને પહેલેથી પ્રેમ કરતી હતી? અને એ પણ દર રવિવારે જ ભાવનગર આવતાં અને મને બહાર ફરવા લઇ જતાં ને? બે મહીના પછી તો શિખર પણ મને ગમવા માંડ્યા હતાં ને? અહિયાં પણ મને શું મળ્યું છે? પગાર વગરની નોકરી જ ને? અને સ્વાગત તો મારી આ જિંદગી બદલવા માંગે છે, એને હું પ્રેમ નથી કરતી, પણ એ તો મને કરે છે ને? શું મારે મારાં ભવિષ્ય માટે કાંઈજ નહી કરવાનું?’ પલ્લવી હવે મૂળ મુદ્દા પર આવી રહી હતી.

‘પણ એ મારાથી સાત વર્ષ નાનો છે! પણ એનાંથી શું ફર્ક પડે છે, એતો મને પ્રેમ કરે છે ને? એની સાથે લગ્ન કરીને મારે કશુંજ ગુમાવવાનું નથી, ઉલટું કદાચ એ મને એનાં પ્રેમથી રંગી નાખે,પણ મમ્મી પપ્પા? આજે જે થયું એ પછી એલોકો તો ક્યારેય હા નહી પાડે અને મારાં માં અને પપ્પાએ તો મને મારાં હાલ પર છોડી દીધી છે…તો શું કરવું?’ પલ્લવી વિચારવા લાગી…

અચાનક પલ્લવી બેડ પરથી ઉભી થઇ અને લાઈટ ચાલુ કરી ને ઘડિયાળમાં જોયું તો સવારના પોણાચાર વાગ્યાં હતાં. પલ્લવીએ પોતાનાં કબાટ ઉપરથી એક સુટકેસ લીધી અને પોતાનાં ચાર-પાંચ જોડી કપડાં એમાં મૂક્યાં અને બેગ લઈને સ્વાગતના રૂમ તરફ ગઈ, સ્વાગતનાં રૂમનું બારણું અડધું ખુલ્લું હતું. પલ્લવી અંદર ગઈ, સ્વાગત પહેલાં જયારે બેંગ્લોર જતો અને પછી પોતાનાં બીઝનેસનાં કામે બહાર જતો ત્યારે પલ્લવી જ કાયમ એની બેગ તૈયાર કરતી એટલે એને સ્વાગતના કપડાં અને અન્ય સામાન નો ખ્યાલ હતો. પલ્લવીએ સ્વાગતની બેગ પણ તૈયાર કરી અને ગાઢ નિંદ્રાની મજા માણી રહેલા સ્વાગત તરફ ગઈ.

‘સ્વાગત…ઉઠો…’ સ્વાગતનાં કપાળેથી એનાં માથામાં પ્રેમથી હાથ ફેરવતાં પલ્લવીએ પહેલીવાર સ્વાગતનાં નામ પાછળ ‘ભાઈ’ શબ્દનો ઉપયોગ ન કર્યો.

પલ્લવીને આ પ્રક્રિયા બે થી ત્રણવાર કરવી પડી ત્યારે સ્વાગતની નિંદ્રા તૂટી…

‘શ..શ.શું થયું, પલ્લવી? તમને કાઈ? તમારી તબિયત?’ ગાઢ નિંદ્રામાંથી અચાનક ઉઠેલા અને પલ્લવીને આ રીતે એની બેડ ઉપર બેઠેલી જોઇને સ્વાગત એકજ એકશનમાં બેઠો થઇ ગયો.

‘ચાલ, ભાગી જાઈએ!’ પલ્લવી ફક્ત એટલુંજ બોલી, એનાં મોઢાં પર સ્મીત હતું.

પલ્લવીના આ સ્મિતને સમજતાં સ્વાગતને વાર ન લાગી અને એણે બેડ પર બેઠાંબેઠા જ પહેલાંતો  પલ્લવીને કચકચાવીને બાથ ભરી અને પોતાની ખુશીનો ઈઝહાર કરી નાખ્યો અને પછી એનો હાથ પકડીને બેડ પરથી ઉભો થઇ ગયો. સ્વાગત બન્ને બેગ લઈને રૂમનાં દરવાજા તરફ ગયો અને પલ્લવી એની પાછળ પાછળ ચાલવા લાગી. બન્ને પહેલાં સ્વાગતનાં રૂમમાંથી અને પછી મેઈન ડોર ખોલીને ઘરની બહાર નીકળી ગયાં…..

|| સંપૂર્ણ ||

 

૦૧.૦૮.૨૦૧૪, શુક્રવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો
Comments
  1. patelraju
    • Siddharth Chhaya
  2. Prashant Dhansukh Dobariya
    • Siddharth Chhaya

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *