કેજરીવાલ પર શાહી .. વેરી બેડ, વેરી બેડ!

દિવસ ૧૯

એક સર્વે મુજબ ….

આજકાલ છાપાંઓમાં દર બીજે-ત્રીજે દિવસે આ ટાઈપના સમાચાર જરૂર આવે છે. “એક સર્વેક્ષણ મુજબ ફલાણું કરવાથી ઢીંકણું બહુ સારું કે ખરાબ થાય છે.” હવે કસરત કે કોઈ તેલ-બેલ લગાડવાથી કઈક સારું થતું હોય તો આપણે કરીએ પણ ખરા પણ આતો એવું કહે કે “બ્રિટનમાં થયેલાં સર્વેક્ષણ પ્રમાણે દિવસની બે ડુંગળી ખાવાથી ત્વચા ખુબ ચમકે છે….” બેએએએએ… તારી સાસુ કાંદા ખાય!! અહિયાં ડુંગળીનો ફોટો મળવો અલભ્ય છે ત્યારે રોજ ની બે બે ડુંગળી ખાવા ક્યાં થી મળે? અને એ બ્રિટન છે આ ભારત છે કદાચ રોજની બે ડુંગળી ખાઈ પણ લઈએ તો પછી પેટની અણી નીકળી જાય અને ગરમ પ્રદેશમાં શરીર પર ઠેરઠેર ફોડલીઓ થઇ જાય એનું શું? ત્વચા ચમકવાની હશે તો જ ચમકશે!! જો કે અમુક સર્વેક્ષણો મને બહુ ગમે હોં? જેમકે, “કેનેડાનાં વૈજ્ઞાનિકો ની ટીમે કરેલા સર્વેક્ષણ અનુસાર દિવસની દસ કલાકની ઊંઘ કરવાથી આખો દિવસ ફ્રેશ રહેવાય છે!” આપણે દસ શું પંદર કલાકની ખેંચી લઇએ પણ સાલું ઘરમાં કોઈ અલાઉડ કરે તો ને? વિચાર છે કે કેનેડા જ જતો રહું એટલે તકલીફ નહી બરોબરને?

મુલાયમ નો હિંદી પ્રેમ

પાંચ વર્ષથી ઉપરનું બાળક હોય અથવાતો હજી કોલેજમાં ભણતા છોકરી કે છોકરાઓ હોય અને એને કોઈ વસ્તુ ગમી જાય અને એ વસ્તુ એને જોઈતી હોય તો અચાનક એ પોતાનાં માતા-પિતા પ્રત્યે પ્રેમભાવ દેખાડવા માંડે છે. અને એલોકો કહે એમ જ વર્તે છે. આવીજ રીતે ચૂંટણીઓ નજીક આવતાં જ અચાનક આપણા નેતાઓ આપણને ગમતી વાતો કરવા લાગે છે. આવી જ રીતે લગભગ પાંચેક વર્ષ પછી મુલાયમસીંગ યાદવનો હિંદી પ્રેમ પણ અત્યારે ઉભરી રહ્યો છે. હમણાં એમણે ‘ટમકું’ મુકતાં કહ્યું કે “સંસદમાં અંગ્રેજી ભાષાનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ કારણકે અમે લોકો મત હિંદી માં માંગીએ છીએ એટલે ચૂંટાયા પછીની બધી ચર્ચાઓ હિંદી માં જ થવી જોઈએ.” … ઓકે તમે હવે હસી શકો છો! કદાચ મુલાયમસીંગને એવો ભ્રમ છે કે ભારત ફક્ત ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ કે કદાચ રાજસ્થાન થી જ બનેલો છે. પણ આપણે આપણી જ વાત કરીએ તો ગુજરાત માં ભલે પંચાયત ની ચૂંટણી હોય કે કોર્પોરેશન ની કે પછી વિધાનસભા-લોકસભાની, જો બહારથી પ્રચારકો ન આવ્યાં હોય તો લોકલ પ્રચાર તો ગુજરાતીમાં જ થાય છે. વળી ઘણીવાર તો બહારનાં પ્રચારકો પણ એક-બે વાક્ય ગુજરાતીમાં બોલીને સભામાં બેઠેલાં લોકોનું દિલ જીતવાની કોશિશ જરૂર કરે છે. હા પણ આપણા ગુજરાતી સાંસદો જયારે લોકસભામાં (કદાચ) ચર્ચામાં ભાગ લે તો તે હિંદીમાં જ કરે છે. મુલાયમસીંગની આ માંગ હજીસુધી કોઈ દક્ષિણ ભારતીય નેતાએ નથી સાંભળી લાગી નહીતો તરત જ એમણે એમને ઈડલી ઢોંસા ની ભાષામાં સમજાવી દીધાં હોત. મુલાયમની આવી રમતો નવી નથી. ભૂતકાળમાં એમણે આવી જ રીતે પોતે જયારે મુખ્યમંત્રી હતાં ત્યારે એમનાં સરકારી ઓફિસરોને ફક્ત અને ફક્ત હિંદી માં જ પત્રવ્યવહાર કરવાની ફરજ પાડી હતી ત્યારે જયલલીથા ખુબ ખીજાણા હતાં. હિંદી સાથે અન્ય ભારતીય ભાષાઓ ને એટલું જ સન્માન મળ્યું છે અને લોકસભામાં તો કોઈ નેતા બોલતા હોય તો સાથે સાથે જ એનો તમામ ભારતીય ભાષાઓમાં અનુવાદ ચાલુ જ હોય છે તો પછી વાંધો શું છે? વાંધો તો કોઈ જ નથી પણ આનાંથી લાભ એવો છે કે આવું કઈક બોલીએ તો હિંદી પ્રેમીઓ નાં મત અંકે કરી લેવાય પણ સરવાળે કેટલાં મત મળશે? અમુક લાખ? અને એ પણ ઘણીબધી સીટોમાં વહેંચાઈને? ભૂતકાળમાં આ જ મુલાયમસીંગે કમ્પ્યુટર સામે ટાઈપ રાઈટર ની હીમાયત પણ કરી હતી. એ વાત અલગ છે કે એમનાં પનોતા પુત્ર અને યુપીનાં અત્યારના મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઓસ્ટ્રેલીયામાં ભણ્યા છે. બાકી મુલાયમ પોતે જયારે બોલે છે ત્યારે એ કઈ ભાષામાં બોલે છે એનો ખ્યાલ આવતાં આવતાં જ પાંચ મિનીટ લાગી જાય એવું છે.

ગીત ઓફ ધ ડે

ફિલ્મ: પહેચાન (૧૯૭૦)

ગીતકાર: વર્મા મલિક

સંગીતકારો: શંકર-જયકિશન

ગાયકો: મુકેશ, સુમન કલ્યાણપુર અને શારદા

કેજરીવાલ પર શાહી .. વેરી બેડ, વેરી બેડ!

અન્ય દેશોની સારી બાબતોને અહી ફોલો કરવા કરતાં આપણા લોકો ત્યાની નેગેટીવ બાબતોને ફોલો કરવું વધુ પસંદ કરે છે. અમેરિકાનાં પ્રમુખ જ્યોર્જ બુશ (જુનીયર) ઉપર કોઈ પત્રકારે જૂતું ફેંક્યું તો અહી આપણે ત્યાં પણ અમુક પત્રકારો અને વિરોધીઓ આપણા નેતાઓ ઉપર પોતાનાં બુટ-ચંપલની હોલસેલમાં ફેંકાફેંકી કરવા લાગ્યાં. ગઈકાલે આપ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ માં એક વ્યક્તિએ “અન્ના હજારે ઝીંદાબાદ” નાં નારા લગાવી ને અરવિંદ કેજરીવાલ ઉપર શાહી ફેંકી. આ ભાઈ મહારાષ્ટ્ર ભાજપનાં કાર્યકર છે અને અન્ના નાં બહુ મોટાં ફેન છે એવું પણ જાણવા મળ્યું. ભાજપે આ ઘટનાની તરત જ ટીકા કરી એ સારું કર્યું પણ આવાં કાર્યકરોને પક્ષમાં થી કાયમ માટે સસ્પેન્ડ કરી દેવાય તો જ કોઈ દાખલો બેસે. આપ પાર્ટીનાં વિચારો અને એમનાં નેતાઓ નાં અભિમાની આચરણો પર (યોર્સ ટ્રુ લી સહીત) ઘણાંને વાંધો છે. અત્યારે તો એમનાં પર વિદેશી ફંડિંગ બાબતે બહુ ગંભીર આક્ષેપો પણ થયાં છે. ગઈકાલે આ પ્રેસ કોન્ફરન્સ જે માટે બોલાવાઈ હતી એમાં પણ અન્ના એ ઉઠાવેલાં સવાલો નો જવાબ જ કેજરીવાલ સાહેબ અને એમની ટીમ જવાબો આપી રહી હતી. આપ પાર્ટી અત્યારે તો અન્ય કોઈ બીજી પાર્ટી થી અલગ નથી લગતી પણ તેમ છતાં એનો વિરોધ કરવાની કે સવાલ પૂછવાની અન્ય રીતો હોઈ જ શકે. રાજકારણમાં ચર્ચા અને ભાષાનાં ઘટી રહેલાં સ્તર વિષે આપણે પહેલાં પણ અહીં ચર્ચા કરી છે (વાંચવા માટે અહીં ક્લિક કરો) એટલે વધુ તો શું કહું?

જતાં….જતાં…..

મારી ચોથી સચિન મોમેન્ટ !

આ માણસ મહાન કેમ છે એનો જીવતો અને જાગતો પુરાવો એટલે ૨૦૦૪નાં જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલીયા નાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર એણે રમેલી એક મહાભારતીય ઇનિંગ. આ સિરીઝની છેલ્લી ટેસ્ટ હતી અને ભારત અને ઓસ્ટ્રેલીયા બન્ને સિરીઝની ૧-૧ મેચ જીતી ચુક્યા હતાં. આ મેચ ઓસ્ટ્રેલીયાના મહાન બેટ્સમેન અને કપ્તાન સ્ટીવ વો ની છેલ્લી ટેસ્ટ મેચ પણ હતી એટલે ઓસ્ટ્રેલિયનો ગમે તે રીતે આ મેચ જીતવા માંગતા હતાં. સિરીઝની અગાઉની ત્રણ મેચોમાં સચિન કાઈ ખાસ ઉકાળી શક્યો ન હતો. ઊંડી તપાસ કરતાં એને પોતાને જણાયું કે આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પ જતાં દડાને મારવા જતાં એ વારંવાર આઉટ થઇ જાય છે એટલે ‘સાહેબે’ નક્કી કર્યું કે આપણે આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પ નાં બોલ રમવા જ નથી !! અને વાતવાતમાં ૨૪૧ રન ઠોકી દીધાં !! સચિન ની ટેલેન્ટ કરતાં અડધો ટકો પણ ઓછી ટેલેન્ટ ધરાવનાર અન્ય કોઈ ક્રિકેટર આવું કરી ન શક્યો હોત. એકવાર તો વિરોધી ટીમને પણ ખ્યાલ આવી જ જાય કે સચિન આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પ નાં દડાઓને નથી રમતો તો સતત એલોકો ત્યાં જ દડા નાખે અને ક્યારેક તો એને મોહ થાત ને આવાં દડા ને અડવાનો? પણ નાં એને મોહ ન થયો અને ઓસ્ટ્રેલિયનો થાકી ગયાં. કુલ ૬૧૩ મિનીટ્સ એટલે કે લગભગ ૧૦ કલાક અને ૨૧ મિનીટ્સ સુધી સચિને ઓફ સ્ટમ્પ ની બહાર જતાં દડા ને જરાય પણ ટચ ન કર્યો અને કુલ ૪૩૬ દડા એટલે કે લગભગ ૭૩ ઓવર જેટલી બેટિંગ કરીને ૨૪૧ રન બનાવ્યાં. આવું તો સચિન જ કરી શકે. ભાય ભાય !

૧૯.૧૧.૨૦૧૩, મંગળવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *