એડવાન્સ બુકિંગ | બોમ્બે વેલ્વેટ

રણબીરનું રાજ રહેશે કે કરનનું જૌહર ચાલશે?

મુખ્ય કલાકારો: રણબીર કપૂર, અનુષ્કા શર્મા, મનીષ ચૌધરી, કે કે મેનન, સિદ્ધાર્થ બાસુ, રેમો ફર્નાન્ડીસ, વિવાન શાહ અને કરન જૌહર

 

મૂળ લેખક: જ્ઞાન પ્રકાશ

કથા: અનુરાગ કશ્યપ, એસ થનીકાચલમ અને વાસન બાલા

ગીત: અમિત ભટ્ટાચાર્ય

સંગીત: અમિત ત્રિવેદી

નિર્માતાઓ: અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાને, વિકાસ બહલ, મધુ મોન્ટેના

નિર્દેશક: અનુરાગ કશ્યપ

 

સંભવિત રીલીઝ ડેટ: ૧૫ મે ૨૦૧૫

 

‘પીરીયડ ફિલ્મ’ ની એક અનોખી મજા હોય છે, પણ એ મજા તમે ત્યારે લઇ શકો જયારે તમે એ કાળથી અથવાતો એ કાળમાં બનેલી કેટલીક ઘટનાઓથી થોડાઘણા પરિચિત હોવ. આપણા દેશમાં ઇતિહાસમાં રસ દેખાડનારો વર્ગ બહુ ઓછો છે, એટલે અહિયાં પીરીયડ ફિલ્મો બનાવવી એ ખતરોં સે ઝરા ભી ખાલી નહી હૈ. બહુ દુર ન જઈએ, તો હમણાંજ રીલીઝ થયેલી એક અદભૂત પીરીયડ ફિલ્મ ‘બ્યોમકેશ બક્ષી’ની જ વાત કરીએ. યશરાજે બીજા વિશ્વયુદ્ધના કલકત્તાને જાણેકે આંખ સામે ઉભું કરી દીધું હતું, પણ ખાટલે મોટી ખોડ એ હતી કે આ વિશ્વયુદ્ધ દરમ્યાન જે પ્રમાણેનું રાજકારણ રમાતું હતું તે હકીકતથી આપણી પ્રજા અજાણ હતી, અને આથી આ ફિલ્મ ન ચાલી. ‘બોમ્બે વેલ્વેટ’ કોઈજ પ્રકારની ઐતિહાસિકતાનો દાવો નથી કરી રહ્યું પરંતુ તે જ્ઞાન પ્રકાશની નવલકથા ‘મુંબઈ ફેબલ્સ’ પર આધારિત છે, જેમાં ૧૯૬૦ના કાળનું મુંબઈ આપણને જોવા મળશે.

ફિલ્મની વાર્તા જ્હોની બલરાજ એટલેકે રણબીર કપૂરના જીવન પર આધારિત છે. જ્હોની એક બોક્સર અથવાતો સ્ટ્રીટ ફાઈટર છે. જ્હોનીના સપનાઓ ખુબ ઊંચા છે. ફિલ્મની વાર્તા આપણને એ કહેવા માંગશે કે કોઈવાર કોઈના સપના અન્યોની જિંદગીને નડી પણ શકે છે. અહીં જ્હોનીની સાથે એક સિંગર રોઝી નોરોન્હા (અનુષ્કા શર્મા), એક શક્તિશાળી અખબારનો પારસી માલિક કૈઝાદ ખંભાતા (કરન જૌહર) અને પોલીસ ઇન્સ્પેકટર કુલકર્ણી (કે કે મેનન) પણ આપણને જોવા મળશે. આગળ આપણે વાત થઇ એ મુજબ આ ફિલ્મ ઇતિહાસકાર જ્ઞાન પ્રકાશની નવલકથા ‘મુંબઈ ફેબલ્સ’ પર આધારિત છે. ફિલ્મી દીવાનાઓમાં છેલ્લા એકાદ વર્ષથી આ ફિલ્મનો જબરો હાઈપ વ્યાપ્યો છે અને છેવટે આ ફિલ્મ રજૂઆત માટે તૈયાર છે.

ફિલ્મને નિર્દેશિત કરી છે ‘દેવ.ડી’, ‘ગુલાલ’, ‘ગેન્ગ્સ ઓફ વાસેપૂર’ (ભાગ ૧ અને ૨) તથા ‘બોમ્બે ટોકીઝ’ ના નિર્દેશક અનુરાગ કશ્યપે. અનુરાગ કશ્યપ કાયમ એક અલગ વિષયને એટલેકે આજકાલ ચાલતી ફિલ્મોના વિષયથી અલગ વિષય પસંદ કરે છે અને એટલેજ એમની ફિલ્મો અનોખી હોય છે. ‘બોમ્બે વેલ્વેટ’ નો લૂક પણ તે અનુરાગ કશ્યપની ફિલ્મ હોવાની ચાડી ખાય છે.

આ ફિલ્મ ૧૯૬૦ના કાળમાં સેટ થઇ છે એટલે તમામ અદાકારો તેમજ અદાકારાઓના લૂકસ એ સમયનાં લોકોના લૂકસ જેવા બતાડવામાં આવ્યાં છે, અને આવીજ ડીટેઇલીંગને લીધે પીરીયડ ફિલ્મ જોવાની એક અનોખી મજા આવતી હોય છે. રણબીર કપૂરની આ વર્ષમાં લગભગ ચારેક ફિલ્મો આવવાની છે, જેમાંથી ‘રોય’ આવીને પીટાઈ ગઈ અને હવે વારો છે ‘બોમ્બે વેલ્વેટ’નો! અરે ના ના, પીટાવાનો નહીં ભાઈ, રીલીઝ થવાનો. રણબીર આ પ્રકારના રોલ કરવાની હિંમત કરે છે એ જ મહત્વનું છે, વળી જ્હોની બલરાજ તરીકે તેને એક જુદોજ લૂક આપવામાં આવ્યો છે. સેમ ગોઝ ટૂ અનુષ્કા શર્મા. આ અભિનેત્રી પણ નવાનવા રોલ્સ કરતાં અચકાતી નથી. એની છેલ્લી બે ફિલ્મો જ લઇ લો ને? ‘પીકે’ અને ‘NH10’! આ બંને ફિલ્મોમાં એના રોલ્સ એકદમ અલગ હતાં, અને હવે તે આવી રહી છે એક ક્લબ સિંગર તરીકે, ‘બોમ્બે વેલ્વેટ’માં.

પરંતુ આ ફિલ્મમાં જેને જોવાની અત્યંત તાલાવેલી છે એ વ્યક્તિનું નામ છે, કરન જૌહર. જી હા! પારસી બીગશોટ કૈઝાન ખંભાતા તરીકે કરન જૌહર પોતાનો ફૂલ ફ્લેજેડ અદાકાર તરીકે આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. સફળ નિર્માતા-નિર્દેશક તરીકે સ્થાપિત થઇ ચુકેલા કરન હવે એક નેગેટીવ રોલમાં અને તે પણ અનુરાગ કશ્યપના નિર્દેશન હેઠળ શું કરી બતાવશે એ જોવાની ખુબ ઇન્તેજારી છે. આશા છે કે કરન આપણને નિરાશ નહીં કરે. આ ફિલ્મનું નામ ‘બોમ્બે વેલ્વેટ’ ભલે હોય પરંતુ તેનું મોટાભાગનું શુટિંગ ભારતથી કોસો દૂર શ્રીલંકાના હમબનટોટામાં થયું છે. આ શહેરમાં આવેલા રનમીહીતેના મહિંદા રાજપક્સે નેશનલ ટેલી સિનેમા પાર્કમાં ‘બોમ્બે વેલ્વેટ’નું લગભગ ૭૫ થી ૮૦ ટકા શુટિંગ થયું છે. અહીં આ ફિલ્મનો અમુક સેટ તો ત્યાં ટુરિસ્ટોને આકર્ષવા માટે એમનેમ છોડી દેવામાં પણ આવ્યો હતો.

આપણે આગળ વાત કરી તેમ બહુ લાંબા સમયથી ફિલ્મનો હાઈપ જબરો ઉભો કરાયો છે, પરંતુ છેવટેતો દર્શકોની અદાલત જ કોઇપણ ફિલ્મનો ન્યાય તોળતી હોય છે. રણબીર કપૂરને અત્યારે એકમાત્ર સુપરસ્ટાર ગણી શકાય છે એટલે એ જે ફિલ્મ પસંદ કરે તે સારીજ હોવાની શક્યતાઓ વધુ હોય છે, પણ તોય તેણે ‘બેશરમ’ અને ‘રોય’ જેવી ભૂલો પણ કરી છે. આશા રાખીએ કે ‘બોમ્બે વેલ્વેટ’ આપણી આકાંક્ષાઓને હચમચાવી નાખે એવીતો નહીં જ હોય. તો ઓલ સેટ ફોર જ્હોની બલરાજ વિરુદ્ધ કૈઝાન ખંભાતા?

 

૦૩.૦૫.૨૦૧૫, રવિવાર

અમદાવાદ.

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *