અમેરિકા-ઈરાન વચ્ચે સંધી અને ભારતનાં ઘેર ધમાધમ

દિવસ ૨૧

શિકારી ખુદ શિકાર અને ગુનેગાર પોતે જ જજ

ચારેક દિવસ નાં અંતરાલ પછી ફરી લખવા બેઠો છું ત્યારે એમ ફીલ જરૂર થાય છે કે દુનિયામાં બનતી ઘટનાઓ થી નજર ચુકી જવા માટે જો એક કલાક પણ બહુ મોટો હોય તો ચાર દિવસ તો લગભગ એક કાળ જેટલો લાંબો કહેવાય. પણ સામાજીક કર્યો અને એને લગતી ફરજ પણ બજાવવી જ રહી હે ને? આ ચાર દિવસોમાં સમાચારોમાં કાયમની જેમ મોદી તો છવાયેલાં રહ્યાં જ પણ એમની તકલીફ વધારનાર સ્નુપીંગ કાંડથી મીડિયાનું ધ્યાન બીજે વળી જાય એવી એમનાં માટે બે રાહતરૂપ ઘટનાઓ જરૂર બની. સ્નુપીંગ કાંડ ની વાત કરીએ તો “વધુ તપાસની જરૂર નથી” એમ કહેનાર પુત્રીનાં પિતા ને સહેજે કોઈ સાંભળનાર નથી જયારે ફક્ત કોઈ સીડીનાં કબ્જામાં હોવાની શંકા પર મોદીએ મારાં પર નજર રાખી હતી એવું કહેનાર શર્મા સાહેબ ને બધાં જ સાંભળવા તૈયાર છે. પણ મોદી માટે આ ક્યાં નવું છે. એમનાં પર લાગતાં આરોપો પર એ કાયમ ચુપ રહેતાં હોય છે. ગુજરાતી મીડિયાને આનો કડવો અનુભવ છે અને હવે આ અનુભવ રાષ્ટ્રીય મીડિયા ને પણ થઇ રહ્યો છે અને હજી એને તેઓ કદાચ સમજી શક્યા નથી. આ ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ જરૂર થવી જ જોઈએ પણ એને માટે મીડિયા ટ્રાયલ પણ બંધ થવી જોઈએ. આવી જ એક મીડિયા ટ્રાયલ થઇ રહી છે ‘તહલકા’ મેગેઝીનનાં માલિક તરુણ તેજપાલ પર. જો કે પીડિતાનો ઈ-મેઈલ ઘણું કહી જાય છે પણ તેમ છતાં કાયદાએ આરોપીને પણ જ્યાં સુધી આરોપ સાબીત ન થાય ત્યાં સુધી એને ગુનેગાર ન માનવાનું સંરક્ષણ પણ આપ્યું છે. પણ આ રક્ષણ ની અવગણના ખુદ તેજપાલે અને એમનાં મેગેઝીને હાલતા અને ચાલતાં કરી જ છે. સ્ટીંગ ઓપરેશન કરીને ટેપ્સ એવી રીતે દેખાડવી કે જાણે ભરાયેલો વ્યક્તિ ગુનેગાર જ હોય એમ સાબિત થઇ જાય. બાંગારૂ લક્ષ્મણનાં કેસ સીવાય ‘તહેલકા’ નાં અન્ય કોઈપણ સ્ટીંગ ઓપરેશન નું પરિણામ કોઈ કોર્ટ નાં ફેસલા સુધી નથી પહોંચ્યું અને લક્ષ્મણ પણ અત્યારે ઉપરી કોર્ટમાં ગયાં છે જ્યાં ટ્રાયલ કોર્ટનાં નિર્ણયથી અલગ નિર્ણય આવી શકે છે. આજ બાબતનો લાભ અત્યારે ‘આપ’ પણ લઇ રહી છે. એમનાં બે મોટાં નેતાઓ શાઝીયા ઈલ્મી અને કુમાર વિશ્વાસ નું સ્ટીંગ કરીને ન્યુઝ ચેનલો ને ‘મીડિયા સરકાર’ નામની વેબસાઈટે ટુકડા એવા જોડીને આપ્યાં કે આપણને લાગે કે બોસ્સ દાળ આખેઆખી કાળી જ છે! ગઈકાલે આ જ શંકા નો લાભ લઈને ‘આપે’ એનાં તમામ નેતાઓ ને નિર્દોષ જાહેર કરી દીધાં. અન્ય ભ્રષ્ટાચારી ઓ ને ખુલ્લા પાડીને જેલમાં મોકલવાની વાત કરનાર કેજરીવાલ પોતે ‘શહેનશાહ’ ફિલ્મનાં બચ્ચનની જેમ ખુદ જજ બની ગયાં. ‘આપ’ નો ફેસલો ખોટો નથી પણ એવો ફેસલો પોતે નક્કી કરનાર એ લોકો કોણ? જો ગામ આખાં થી પોતે જુદાં છે તો આ બધાં નેતાઓની ઉમેદવારી રદ્દ કરી ને પોલીસ તપાસ બેસાડવાનો દાખલો એ લોકો આપી શક્યા હોત પણ શું જરૂર છે, હેને?

બે હારનાર અંતે જીત્યાં

ભલે એશિઝ અને અત્યારે ચાલતી ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ ની સીરીઝ વચ્ચે કોઈ જ તુલના ન હોઈ શકે પણ ગઈકાલે એક તુલના તો અજાણે થઇ જ ગઈ. ઓસ્ટ્રેલીયા અને વેસ્ટ ઇન્ડીઝ આ બન્ને ટીમો સતત એમનાં વિરોધીઓ સામે અત્યારસુધી હારતી રહી હતી અને ગઈકાલે આ બન્ને એ એમનાં આ વિરોધીઓ ને હરાવી દીધાં. વેસ્ટ ઇન્ડીઝ લંગડાતા લંગડાતા જીત્યું જયારે ઓસ્ટ્રેલીયા ની જીત સજ્જડબમ રહી. વેસ્ટ ઇન્ડીઝ માં ગેઈલ અને પોલાર્ડ ન હોવા છતાં ટોસ જીતીને બેટિંગ ન લેવાનાં સાચાં નિર્ણયને લીધે કાલે જીતી ગયું. બીજી ઇનિંગ માં ‘ડ્યુ’ એટલે કે ઝાંકળ પડવાની જ હતી એટલે બેટિંગ કરવી ખુબ આસાન થઇ પડવાની હતી. ભારતને ૩૦૦ ની અંદર મર્યાદિત રાખીને અડધું કામ એમણે ઓલરેડી કરી લીધું હતું. વેસ્ટ ઇન્ડીઝ ઇનિંગની પહેલી અમુક ઓવર્સ પછી ઝાકળે જયારે એનું કામ શરુ કરી દીધું ત્યાર પછી વેસ્ટ ઇન્ડિયનો એ જરાપણ વિચલિત થયાં વીના સ્કોર નો પીછો કર્યો. જો કે એનાં અમુક બેટ્સમેનો એ મારેલા શોટ્સ ખુબ ખરાબ હતાં એટલે છેલ્લે થોડીક તકલીફ પડતાં રહી ગઈ. બાકી ડેરેન સેમ્મી નું કહેવું પડે. એની કપ્તાની માં વેસ્ટ ઇન્ડીઝે કમાલ કરવાની શરુ જ કરી હતી ત્યાં એને ખબર નહી કેમ હટાવી દેવાયો. જો કે વન-ડે માં તો હજીપણ એ કપ્તાન નથી જ પણ કાલની એની ઇનિંગ કોઈ કપ્તાનને છાજે એવી જ હતી. આ બાજુ બ્રિસ્બેન નાં ગાબ્બા માં આખરે ઓસ્ટ્રેલીયા એ ઇંગ્લેન્ડ ને ભૂ પાઈ દીધું. મિચેલ જહોન્સન ને એલોકો એપ્રિલની એશેઝ સીરીઝમાં ઇંગ્લેન્ડ નહોતા લઇ ગયાં. જ્હોનસને આઈપીએલ માં રમી ને પોતાનું ફોર્મ પાછું મેળવ્યું અને અત્યારે એનો લાભ ઓસ્ટ્રેલીયન ટીમ લઇ રહી છે. ઉનાળુ એશિઝમાં ડી. આર. એસ સિસ્ટમે ઓસ્ટ્રેલીયાને ખુબ હેરાન કર્યું હતું પણ એ એક માત્ર એમની હારનું કારણ ન હતું. ૩૮૧ રન્સ નો વિજય ખુબ મોટો કહેવાય જે ઓસ્ટ્રેલીયા ને ‘ફીલ ગુડ’ ફેક્ટર પ્રોવાઈડ કરશે. હવે પછીની મેચ એડીલેડમાં છે જ્યાં ની વિકેટ નોર્મલી સપાટ હોય છે. પણ જહોન્સન પાસે સ્પીડ અને સ્વીંગ નો સંગમ છે એટલે એનો રોલ ખુબ જ મહત્વનો રહેશે. પહેલી ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલીયાએ એટલીસ્ટ આ સીરીઝ તો ઈન્ટરેસ્ટીંગ બનાવી જ દીધી છે.

ગીત ઓફ ધ ડે

ફિલ્મ: જબ પ્યાર કિસીસે હોતા હૈ (૧૯૬૧)

ગીતકાર: હસરત જયપુરી

સંગીતકાર: શંકર-જયકિશન

ગાયકો: લતા મંગેશકર અને મુહમ્મદ રફી

અમેરિકા-ઈરાન વચ્ચે સંધી અને ભારતનાં ઘેર ધમાધમ

ગઈકાલે રાત્રે ત્રણેક વાગે (જીનીવા ટાઈમ) ઈરાન અને વિશ્વનાં વીટો ધરાવતાં પાંચ રાષ્ટ્રો વચ્ચે ઈરાનનાં અણુ કાર્યક્રમ પર ધીરેધીરે રોક લગાવતી સંધી થઇ. ઈરાનની નવી સરકાર નાં વડા હસન રુહાની એમનાં પુરોગામી મહમૂદ એહમદીનેજાદ કરતાં ઘણાં જ ઠરેલ અને નહીવત કટ્ટરવાદી છે. એમનાં સત્તા પર આવવાની સાથે જ આ સંધી માટે નો માર્ગ પ્રશસ્ત થવાનો ચાલુ થઇ રહ્યો હતો. ગમે તે હોય પણ આ સંધીથી ભારત માટે ટાઢા પાણીએ ખસ ગઈ એવું બન્યું છે. બદલાયેલાં વિશ્વકારણ માં ભારતે રશિયાને તડકે મુકીને અમેરિકાની સોડમાં ભરાવાનું નક્કી કર્યું એની સાથે જ અમેરિકા જેટલું કહે એટલું જ પાણી પીવું એવી પાકિસ્તાની પ્રથા પણ આપણા નેતાઓ એ અપનાવી લીધી હતી. રશિયા તો દુર થઇ જ ગયું હતું પણ સાથેસાથે એક સદીઓ જુનું મીત્ર રાષ્ટ્ર ઈરાન પણ દુર થવા લાગ્યું હતું. જો કે ઉપર  કહ્યું એમ આ બાબતે એહમદીનેજાદની કટ્ટરતા પણ ઓછી જવાબદાર ન હતી તેમ છતાં અમેરિકાને સારું લગાડવા આપણે ઈરાનને ઘણું નારાજ કર્યું હતું અને યુએન માં પણ એનાં વિરુદ્ધ મત પણ આપ્યો હતો. આપણને ઈરાન ની ખાસ જરૂર એટલાં માટે છે કારણકે એ પાકિસ્તાન ની પેલી બાજુ એ છે એટલે જો પાકિસ્તાન આપણને વધુ પડતી સળી કરે તો એની બીજી બાજુએ ઈરાન પ્રેશર ભાઈબંધી ખાતર પણ મૂકી શકે એમ છે. પ્લસ આપણો મોટો સ્વાર્થ પેલી ગેસ અને પેટ્રોલ ની પાઈપલાઈન નાં પ્રોજેક્ટ નો છે જે વર્ષોથી પાકિસ્તાનની આડોડાઈને કારણે અટવાઈ પડ્યો છે. હવે તો અમેરિકા પણ આ તાજી સંધી મુજબ ઈરાનને ડોલર્સ ની મદદ કરવાનું છે એટલે આપણને એક મોટી હાશ થશે. આ સંધી થી ગલ્ફમાં ટેન્શન ઘટતાં થોડાં દિવસોમાં ઓઇલના ભાવ પણ નીચે આવશે એટલે એ ફાયદો પણ આપણને જરૂર થશે. રુહાની સાહેબની શપથવિધિમાં બીનમહત્વનો હોદ્દો ધરાવતાં ઉપરાષ્ટ્રપતિ ને આપણે મોકલ્યા હતાં હવે આ સંધી નો ફાયદો આપણને વધુને વધુ મળે એનાં માટે મનમોહનજી ઝડપથી ઈરાનની મુલાકાત ગોઠવી દે એટલે ગંગા ન્હાયા બીજું શું?

જતાં…જતાં…

“એ મારી મિત્ર અને સહકર્મી છે. એણે ઈમેઈલ માં આપેલી માહિતીને હું ટેકો આપું છું”

–  આશિષ તનખા, તહેલકા નાં પત્રકાર

૨૫.૧૧.૨૦૧૩, સોમવાર

અમદાવાદ

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *